જુઓ 1946માં સાબરમતી આશ્રમ આવો લાગતો હતો

આ ચિત્રો 1945થી 1956ના સમયગાળા દરમિયાન દત્તામહા નામના ચિત્રકારે બનાવ્યાં હતાં.

આમલીનું જૂનું અને ભવ્ય વૃક્ષ

ઇમેજ સ્રોત, Empics

ઇમેજ કૅપ્શન, આંબલીનું જૂનું વૃક્ષ : ગાંધી આશ્રમમાં આંબલીનું આ જૂનું અને ભવ્ય વૃક્ષ મુલાકાતીઓનું સૌથી પહેલાં સ્વાગત કરે છે, આ વૃક્ષ સાબરમતી આશ્રમ સાથે સંકળાયેલી બધી ઘટનાઓનું સાક્ષી છે. 78 સત્યાગ્રહીઓએ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત આ વૃક્ષ નીચેથી જ કરી હતી.
ખાદી શાળા
ઇમેજ કૅપ્શન, ખાદી શાળા : આશ્રમની ભૂમિ પર સૌથી પહેલાં આ મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એના પાયાને મજબૂત બનાવવામાં અમદાવાદ ટેક્સટાઇલ મિલના કામદારોએ મદદ કરી હતી. ગાંધીજી આ શરૂઆતમાં મકાનના પૂર્વ ભાગમાં રહ્યા હતા. આ મકાનના પશ્ચિમ ભાગમાં ઈમામ સાહેબ થોડો સમય રહ્યા હતા. ત્યાર બાદ આ પરિસરનો ઉપયોગ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની હરિજન કન્યાઓની હોસ્ટેલ તરીકે કરવામાં આવ્યો હતો. અગાઉ આ જગ્યાનો ઉપયોગ કૌશલ્ય શાળાની પ્રેક્ટિકલ તાલીમ માટે કરવામાં આવતો હતો, જેમાં વણાટકામનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું.
નંદિની
ઇમેજ કૅપ્શન, નંદિની : - તે આશ્રમનું ગેસ્ટ હાઉસ હતું. ભારત અને વિદેશથી આવતા અનેક મુલાકાતીઓ અહીં રહેતા. ’નંદિની’ સૌને હુંફાળો આવકાર આપતું હતું. નંદિનીનો પાછળનો હિસ્સો ઘણાને વધારે પ્રભાવશાળી લાગે છે. કારણ કે, ત્યાંથી સાબરમતી નદીનો સુંદર કિનારો દેખાતો હતો. ’નંદિની’નો શાબ્દિક અર્થ ‘આનંદ આપનાર’ થાય છે.
નાનો ઘાટ
ઇમેજ કૅપ્શન, નાનો ઘાટ : દરેક ચોમાસામાં સાબરમતી નદીમાં વહેતા પાણીના જોરદાર પ્રવાહને કારણે આશ્રમની જમીનના કેટલાક હિસ્સાને નુકસાન થતું હતું. વારંવાર આવતાં જોખમ સામે આશ્રમને રક્ષણ આપવા માટે ગાંધી મેમોરિયલ ટ્રસ્ટે એક મોટા અને એક નાના એમ બે ઘાટનું નિર્માણ કર્યું હતું. નદીના કિનારાની સમાંતરે એક દિવાલ બાંધી હતી. આ રેખાચિત્રમાં નાનો ઘાટ જોવા મળે છે.
મીરાં કુટીર
ઇમેજ કૅપ્શન, મીરાં કુટિર : - મીરાં બહેન આ નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યાં તે પહેલાં ત્યાં વિનોબા ભાવે રહેતા હતા. આ ઝૂંપડીની સાદગી હજી પણ જાળવી રાખવામાં આવી છે.
હૃદય કુંજ
ઇમેજ કૅપ્શન, હૃદય કુંજ : આ ઇમારત ખરા અર્થમાં આશ્રમનું હૃદય હતી. શરૂઆતમાં રસોડા તરીકે બાંધવામાં આવી હતી. છેવટે તે ગાંધીજી અને કસ્તુરબાનું ઘર બની. દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓ બાપુને આ હૃદયકુંજમાં જ મળતા. અનેક ઐતિહાસિક ચળવળોની યોજનાઓ અહીં જ ઘડવામાં આવી હતી. તેની સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ બાપુ વિશ્રામ માટે કરતા હતા. પાછળના હિસ્સામાં બાપુ અને કસ્તુરબા તેમના રાષ્ટ્રવ્યાપી પરિવાર સાથે નિવાસ કરતા હતા.
ઉપાસના મંદિર
ઇમેજ કૅપ્શન, ઉપાસના મંદિર : દસેય દિશાઓ આ ઉપાસના મંદિરની દિવાલો અને આકાશ તેની છત છે. બધા આશ્રમવાસીઓ રોજ સવારે તથા સાંજે જગતના તમામ ધર્મો પ્રત્યે આદર સાથે પ્રાર્થના કરવા અહીં એકઠાં થતાં હતાં. ગાંધીજીની કલ્પના અનુસારના આવું બીજું કોઈ મંદિર ભૂતકાળમાં હતું નહીં અને ભવિષ્યમાં કદાચ બનશે પણ નહીં.
મગન નિવાસ
ઇમેજ કૅપ્શન, મગન નિવાસ : બાપુના ભત્રીજા અને આશ્રમના સમર્પિત સ્થાપકો પૈકીના એક મગનલાલ ગાંધીનું આ નિવાસસ્થાન હતું. બાપુ પણ અહીં કેટલાક દિવસ રહ્યા હતા.
સોમનાથ છાત્રાલય ( હોસ્ટેલ )
ઇમેજ કૅપ્શન, સોમનાથ છાત્રાલય : આ હોસ્ટેલ બિલ્ડિંગને તેના દાતાનું નામ આપવામાં આવ્યું છે. આશ્રમજીવનની તાલીમ લેવા અહીં આવતા ઉમેદવારોના નિવાસસ્થાન તરીકે આ ઈમારતનો ઉપયોગ કરવામાં આવતો હતો.