'તું તો મરી ગયો હતો ને! તારા તો અંતિમસંસ્કાર પણ કરી નાખ્યા છે'

મરી ગયેલો માણસ કંઈ જમીનમાલિક ન હોઈ શકે. આ સ્થિતિને કારણે ભારતમાં એવા અનેક કિસ્સા બન્યા છે, જેમાં કાગળ પર જમીનમાલિકનું મોત થઈ ગયાનું નોંધાવીને તેમની જમીન વેચી મારવામાં આવી હોય. આની જાણ થયા પછી પણ ભાગ્યે જ કશું થઈ શકતું હોય છે તેવું ભાન અનેક લોકોને થયું. આવા કિસ્સાઓ વિશે છે બીબીસીના ક્લૉય હાદિજમથાઉનો આ વિશેષ અહેવાલ.
પાડેસર યાદવ જીવતાજાગતા છે, પણ તેમને એ જાણીને નવાઈ લાગી કે દસ્તાવેજોમાં તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા છે.
જીવનનો સાતમો દાયકો પૂરો કરવા નજીક પહોંચેલા પાડેસર પર મોટી જવાબદારી આવી. દીકરી અને જમાઈના મોત પછી તેમના બે સંતાનોનાં ઉછેર માટે તેમણે પોતાની કેટલીક જમીન વેચી નાખી હતી. બાપદાદા પાસેથી વારસામાં મળેલી જમીન તેમની પાસે હતી.
થોડા મહિના પછી તેમને એક વિચિત્ર ખબર આપનારો ફોન આવ્યો.
યાદવે કહ્યું, "મેં જેમને જમીન વેચી હતી તેમણે ફોન કરીને કહ્યું કે મારી સામે તો કાનૂની કેસ ચાલી રહ્યો છે. "
તેમણે કહ્યું કે "તમારા ભત્રીજો બધાને એવું કહી રહ્યો છે કે તમે તો મરી ગયા છો અને કોઈ ધૂતારાએ આ જમીન અમને વેચી છે."
પાડેસર યાદવને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ કોલકાતામાં કામ કરતા હતા. ત્યાંથી ઉતાવળે તેઓ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં આવેલા પોતાના વતન પહોંચ્યાં. તેમને ગામમાં આવેલા જોઈને લોકો ચોંકી ગયા.
પાડેસર યાદવ કહે છે કે, "તે લોકો મને તાકી તાકીને જોવા લાગ્યા કે જાણે હું ભૂત હોઉં. તેઓ કહેવા લાગ્યા કે, 'તું તો મરી ગયો હતોને! અમે તો તારા અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે!'"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યાદવ કહે છે કે તેમનો ભત્રીજો તેમના સંપર્કમાં હતો અને કોલકાતા આવે ત્યારે ઘરે પણ આવતો હતો. પણ જરૂરિયાત હોવાથી પોતે હવે જમીન વેચી દેશે એમ કહ્યું તે પછી ભત્રીજો કોલકાતા આવતો બંધ થઈ ગયો હતો.
ભત્રીજાએ આ જમીન પોતાને વારસાઈમાં મળી છે એવો દાવો કરી દીધો હતો. યાદવે હવે આ દાવાને પડકાર્યો છે.
પાડેસર યાદવ કહે છે, "મારો ભત્રીજો કહે છે કે, આ માણસને મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. મારા કાકા તો મરી ગયા છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો, મેં એને કહ્યું, અરે હું અહીં તારી સામે જીવતોજાગતો ઊભો છું, તું મને કેમ ઓળખતો નથી?"
આ ઘટના પછી પાડેસર યાદવ દિવસો સુધી રડતાં રહ્યાં અને આખરે તેમણે ઍસોસિયેશન ફૉર ધ લિવિંગ ડેડ ઑફ ઇન્ડિયા સંસ્થાની મદદ માગવાનું નક્કી કર્યું.

એ લાલ બિહારી જેમની અટક મૃતક છે

ઍસોસિયેશન ફૉર ધ લિવિંગ ડેડ ઑફ ઇન્ડિયા સંસ્થા લાલ બિહારી મૃતક ચલાવે છે.
કોઈને જીવતેજીવત મૃત્યુ પામેલા જાહેર કરી દેવામાં આવે ત્યારે તેની શું હાલત થાય છે તેનો લાલ બિહારી મૃતકને અનુભવ છે.
લાલ બિહારીની સાથે પણ આવું જ થયું હતું અને તેમણે લગભગ અર્ધી જિંદગી કાગળ પર મૃત્યુ પામનાર વ્યક્તિ તરીકે જ જીવી છે.
લાલ બિહારી ગરીબ પરિવારના હતા. તેમને લખતા વાંચતા પણ આવડતું નહોતું, કેમ સાત વર્ષની ઉંમરે જ તેમને સાડીના કારખાનામાં કામ કરવા મોકલી દેવાયા હતા. પછી યુવાનીમાં તેમણે નજીકના શહેરમાં પોતાની કપડાંની દુકાન શરૂ કરી હતી. ધંધા માટે જ્યારે તેમને લૉન લેવાની જરૂર પડી ત્યારે બૅન્કમાં ગૅરંટી તરીકે મૂકવા માટે મિલકતની જરૂર પડી.
લાલ બિહારીએ નક્કી કર્યું કે ગામડે જમીન છે તેને ગીરવી મૂકી લૉન લેવી. તેમનું ગામ ખલિલાબાદ પણ આઝમગઢ જિલ્લામાં આવેલું છે. બાપદાદાની જમીનની વારસાઈ માટે તેઓ તલાટીની કચેરીએ પહોંચ્યાં.
તલાટીએ ચોપડા તપાસ્યા તો જમીનના કાગળોમાં તેમનું નામ હતું તો ખરું પણ મૃતક તરીકે હતું અને સાથે લાલ બિહારીનું મૃત્યુ પ્રમાણપત્ર પણ જોડાયેલું હતું.
'હું અહીં તમારી સામે જીવતોજાગતો ઊભો છું ત્યારે મારા મરણનો દાખલો આવે ક્યાંથી?' એવો વિરોધ લાલ બિહારીએ કર્યો, પણ તેનો કોઈ અર્થ રહ્યો નહોતો.
તલાટીએ સ્પષ્ટ કહી દીધું, "અહીં કાગળિયામાં ચોખ્ખું લખ્યું છે કે તમારું અવસાન થઈ ગયું છે."
બિહારીનો મરણનો દાખલો જમા કરાવીને તેમની જમીનની વારસાઈ તેમના કાકાના પરિવારે પોતાને નામે કરાવી લીધી હતી.
લાલ બિહારીને એ ન સમજાયું કે આ કોઈ ભૂલ હતી કે આ રીતે કાકાએ જમીન પચાવી પાડી હતી. જોકે, આ ઘટના બાદ બિહારી માટે સ્થિતિ કફોડી થઈ ગઈ. તેમણે દુકાન બંધ કરી દેવી પડી અને કુટુંબ ફરી રસ્તા પર આવી ગયું.
જોકે બિહારીએ નક્કી કર્યું કે આ અન્યાય સામે તે લડશે. થોડા વખતમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમની જેમ અનેક લોકો આવી રીતનો ભોગ બન્યાં છે. દેશભરમાં એવા કિસ્સા બનતા રહે છે, જ્યાં સગાઓ જ કોઈને મૃતક જાહેર કરી દે તેમની જમીન વારસામાં લઈ લે.
બિહારીએ ઍસોસિયેશન ફૉર ધ લિવિંગ ડેડ શરૂ કર્યું.

ઉત્તર પ્રદેશ કાગળ પર મૃત્યુ પામનાર લોકોનું ગઢ

ઇમેજ સ્રોત, Sanjay Kanojia/AFP via Getty Images
લાલ બિહારીએ જે માહિતી એકઠી કરી તેના પરથી ખ્યાલ આવે છે કે માત્ર ઉત્તર પ્રદેશમાં જ અંદાજે 40,000 જીવતેજીવત મૃતક ગણાયેલા લોકો છે. તેમાંના મોટા ભાગના અભણ, ગરીબ અને પછાત જ્ઞાતિઓનાં છે. બિહારીએ આ લોકોની સમસ્યાને વાચા આપવા માટે ઝુંબેશ ઉપાડી.
તેમણે પોતાના નામ સાથે જ હવે "મૃતક" એવો શબ્દ જોડી દીધો "મૃતક લાલ બિહારી". પોતાની જેવી સ્થિતિમાં મૂકાયેલા લોકોને સંગઠિત કરીને મીડિયામાં તેમની વ્યથાને ચમકાવવાનું શરૂ કર્યું, પરંતુ તેનાથી ઉકેલ આવે તેમ નહોતો.
લાલ બિહારીએ હવે સંસદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને તે માટે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું. એક મરેલો માણસ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શક્યો! આનાથી પણ અધિકારીઓ પાસે એવું સાબિત ના થઈ શક્યું કે પોતે જીવિત છે. તેથી તેમણે ત્રણ વાર ભૂખ હડતાળ કરી અને તે વખતે મોતને આરે પહોંચી ગયા હતા.
આખરે હતાશ થઈને તેમણે એવું પગલું ભર્યું કે પોતે ગુનેગાર ઠરે. તેમણે કાકાના દીકરાનું અપહરણ કર્યું.
તેમને હતું કે પોલીસ તેમની ધરપકડ કરશે અને તે રીતે પોતે જીવતા છે તે આપોઆપ સાબિત થઈ જશે. ધરપકડ તો જીવતાની જ થાય, મરેલાની તો થાય નહીં. પણ પોલીસને ખ્યાલ આવી ગયો કે તેમની ગણતરી શું છે એટલે પોલીસે આ મામલામાં પડવાની જ ના પાડી.
આખરે બિહારીને ન્યાય મળ્યો ખરો, પણ તેમની આ ઝુંબેશને કારણે નહીં. તેના બદલે જે સરકારી સિસ્ટમે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા તેનો જ ચાલાકીથી ઉપયોગ કરીને તેમણે રસ્તો કાઢ્યો. આઝમગઢમાં નવા આવેલા જિલ્લા કલેક્ટરે આખરે તેમના કેસને નવેસરથી તપાસ્યો અને તેમણે નિર્ણય આપ્યો કે 18 વર્ષથી જેમને મૃત્યુ પામેલા જાહેર કરાયેલા છે તે લાલ બિહારી ખરેખર જીવતા છે.
બિહારી કહે છે કે તેમણે ઍસોસિયેશન ફૉર ધ લિવિંગ ડેડ સંસ્થાના માધ્યમથી સમગ્ર ભારતમાં આવી રીતે મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા હજારો લોકોને મદદ કરી છે.
જોકે તેમાંના ઘણાના નસીબ તેમના જેટલા સારા નહોતા. ઘણા લોકોએ આવી ફસામણી પછી હતાશ થઈને આત્મહત્યા કરી લીધી. અનેક લોકો પોતાને હયાત જાહેર કરવા માટે મથતાં રહ્યાં અને એ લડાઈ દરમિયાન કુદરતી રીતે જ મૃત્યુ પામ્યાં.

'ગામમાં લોકો મારી સામે એમ જુએ છે જાણે હું ભૂત છું'

આવી મુશ્કેલીની શરૂઆત જેમની સાથે થઈ છે તેવા એક છે તિલકચંદ ધાકડ. 70 વર્ષના તિલકચંદ અત્યારે પોતાના વતનના ગામે જાય ત્યારે ગામના લોકો તેમને તાકી તાકીને જુએ છે. 70 વર્ષે અનેક બીમારીઓ તેમને વળગી છે અને તેમને ખ્યાલ છે બાપદાદાની ભૂમિ પર ફરી પગ મૂકવાનો હક મેળવવા તેમની પાસે હવે વધારે સમય રહ્યો નથી.
તિલકચંદ બાળકોને સારું જીવન આપવાના ઉદ્દેશથી ગામ છોડીને શહેરમાં જતા રહ્યા હતા. ગામની જમીન તેમણે એક દંપતીને વાવવા માટે આપી હતી.
તિલકચંદ એક વાર અમુક દસ્તાવેજો પર સહી કરાવવા ગામડે ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની જમીનની માલિકી હવે તેમની નથી, કેમ કે કાગળ પર તેમને મૃત જાહેર કરી દેવાયા છે.
"તલાટી કચેરીએ મને કહ્યું કે તમે તો મરી ગયા છો. હું વિચારમાં પડી ગયો કે, 'એવું કેવી રીતે થાય?' હું તો બહુ ગભરાઈ ગયો હતો," એમ તિલકચંદ કહે છે.
તિલકચંદ ધાકડ કહે છે કે, તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમણે ભાગિયા તરીકે જેમને જમીન આપી હતી તે દંપતીએ જ તેમનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પતિપત્નીમાંથી પત્ની કોર્ટમાં ધાકડની વિધવા તરીકે હાજર રહી હતી અને જણાવ્યું હતું કે પોતે રાજીખુશીથી જમીન આપી દે છે.
ધાકડે જે દંપતીની વાત કરી તેમનો સંપર્ક બીબીસીએ કર્યો હતો, પરંતુ તેમણે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અદાલતની લાંબી લડત

ઇમેજ સ્રોત, Getty Images
આવા અનેક લોકોના કિસ્સામાં કેસ લડનારા વકીલ અનિક કુમાર કહે છે કે લાલ બિહારીના વતનના આઝમગઢ જિલ્લામાં જ આવા લગભગ 100 લોકો છે, જેમને મૃતક જાહેર કરી દેવાયા છે.
દરેક કેસ બહુ ગૂંચ ભર્યો હોય છે એમ તેઓ કહે છે.
તેઓ કહે છે, કેટલીક વાર કારકૂનની ભૂલ થયેલી હોય છે, જ્યારે મોટા ભાગે અધિકારીઓને લાંચ આપીને મરણનો દાખલો ચોપડે ચડાવી દેવાતો હોય છે.
ભાજપના પ્રવક્તા શાયના એનસીએ બીબીસીને જણાવ્યું કે હાલની સરકાર ગેરરીતિ અટકાવવા માટે કાયદાનુ પાલન થાય તે માટે સક્રિય છે.
"ભારત જેવા વિશાળ દેશમાં આવાં કેસ ક્યારેક આવતા હોય છે, પણ બહુમતી લોકોને વડા પ્રધાનના ગુડ ગર્વનન્સને કારણે રક્ષા મળે છે," એમ શાયનાનો દાવો છે.
તેઓ કહે છે કે, "કોઈ જગ્યાએ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે પગલાં લેવા માટે પૂરતા કાયદાઓ છે."
જોકે અનિકલ કુમાર કહે છે કે આ ગેરરીતિના કિસ્સાઓ હોવા છતાં તેમાં ન્યાય મેળવવો બહુ મુશ્કેલ હોય છે. પોતાના એક અસીલના કેસમાં છ વર્ષે તેઓ સાબિત કરી શક્યા હતા કે અસીલ હયાત છે. તેમને ગેરકાયદે રીતે મૃતક ઘોષિત કરનારા આરોપી સામે 25 વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને હજી તેમને કોઈ સજા થઈ નથી.
"આવા કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા જોઈએ, જેથી ગુનેગારોને સજા મળે. તેમ થાય તો જ લોકોનાં મનમાં કાયદાનો ભય રહેશે અને આવા ગુનાઓને રોકી શકાશે," એમ કુમાર કહે છે.

લાલ બિહારી કેમ ઊજવે છે ખોટો જન્મદિન?

લાલ બિહારીને મૃતક જાહેર કરાયા હતા તેને 45 વર્ષ થયા છે અને તેઓ ફરી પોતાને હયાત સાબિત કરી શક્યા તેને પણ બે દાયકા થઈ ગયા છે. આજે પણ તેઓ પોતે હયાત જાહેર થયા એ દિવસને જન્મદિન તરીકે ઊજવે છે. તેઓ મહેમાનોની વચ્ચે સરસ રીતે સજાવેલી કેક રાખે છે, પણ તેના પર છરી મૂકે ત્યારે મહેમાનોને ખ્યાલ આવે કે આ તો નકલી કેક છે અને માત્ર ખોખું છે.
"અંદર બધું ખોખલું છે. કેટલાક સરકારી અધિકારીઓ જેવું, જે પોકળ અને અન્યાયી હોય છે," એમ બિહારી કહે છે.
"હું કંઈ ઉજવણી માટે આ કેક નથી કાપતો. આપણે કેવા સમાજ વચ્ચે જીવીએ છીએ તે દર્શાવવા હું કેક કાપું છું."
બિહારી કહે છે કે તેમના સગાઓને અત્યારે પણ દેશભરમાંથી સલાહ માટે ફોન આવતા રહે છે કે પોતાને ફરીથી હયાત સાબિત કરવા માટે શું કરવું.
જોકે હવે તેમની ઉંમર 66 થઈ છે, તેઓ થાક્યા છે અને આ લડતમાંથી હવે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Kaagaz Film Poster
"મારી પાસે હવે એટલાં નાણાં કે શક્તિ નથી કે ઍસોસિયેશન ફૉર ધ લિવિંગ ડેડને વધારે ચલાવી શકું. આ કામકાજ સંભાળી લેવા માટે બીજું કોઈ તૈયાર પણ નથી," એમ તેઓ કહે છે.
નેશનલ મીડિયા આ મુદ્દા પર સારી રીતે ધ્યાન આપે અને સરકાર આવા લાંચિયા અધિકારીઓ સામે કડક હાથે કામ ચલાવે એવી તેમની એ આશા આજ સુધી ફળીભૂત થઈ નથી.
પોતે હયાત છે તેવું સાબિત કરવા માટે 18 વર્ષ સુધી જે માણસે મથામણ કરી, તે પોતે પણ એક દિવસ મૃત્યુ પામશે પણ કદાચ તેમને સંતોષ નહીં મળે કે પોતે જે લડાઈ ચલાવી હતી તેનું પરિણામ આવ્યું.
સ્થળ પરના અહેવાલો પિયુષ નાગપાલ, અજિત સારથી અને પ્રવીણ મુધોલકર


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












