Monsoon 2021 : ગુજરાતનાં અનેક ગામોમાંથી દુકાળના વાવડ, 'સુકાતો પાક જોઈ આંસુ સારતાં ખેડૂતો'

મોરબી તાલુકાના ખેડૂતોએ પાણીની માગણીને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોરબી તાલુકાના ખેડૂતોએ પાણીની માગણીને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે

"છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં વરસાદનું એક ટીપુંય નથી પડ્યું. જો હવે સ્થાનિક તંત્ર બે-ત્રણ દિવસમાં ડૅમનું પાણી નહીં આપે, ઊભો મોલ સુકાતો જોઈને ઘણા ખેડૂતોની અવદશા થશે."

મોરબી તાલુકાના ખેવારિયા ગામના ખેડૂત નીલેશભાઈના આ શબ્દોમાં 'જગતના તાત'નું બહુમાન પામનારા ખેડૂતોની, તંત્રની ઉપેક્ષા અને કુદરતના કેરના કારણે થયેલી કફોડી સ્થિતિના પડઘા પડે છે.

ગુજરાતનાં સ્થાનિક અખબારોના અહેવાલો પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી વરસાદની ઘટ જોવા મળી છે. તેમજ મોટા ભાગના ડૅમમાં પણ ઓછું પાણી છે.

તો ઓછો વરસાદ થવાને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી 47 ટકા ઓછો વરસાદ થયો છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થવાનો ભય વ્યક્ત કર્યો છે.

આ અહેવાલ પ્રમાણે, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા અને બનાસકાંઠા જિલ્લાઓમાં સૌથી વધારે ઘટ જોવા મળી છે.

line

વરસાદની ઘટ અને ખેડૂતોની ચિંતા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોંધનીય છે કે સુરેન્દ્રનગર અને અરવલ્લી જેવા જિલ્લાના ખેડૂતોએ પોતપોતાના જિલ્લા કલેક્ટરોને જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા માટે આવેદન પણ આપી દીધું છે- પ્રતીકાત્મક તસવીર

નીલેશભાઈના અવાજમાં નિરાશા પ્રતિબિંબિત થઈ રહી છે.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "આ વિસ્તારનાં 14 ગામોમાં ઊભો પાક પાણી ન મળવાને કારણે બળવાને આરે પહોંચી ગયો છે. અનેક રજૂઆતો છતાં કોઈ અમારી સામે જોતું નથી."

"જો એક-બે દિવસમાં તંત્ર અમને પાણીની વ્યવસ્થા નહીં કરી આપે તો ખેડૂતોને કરોડોનું નુકસાન થશે."

હાલ ગુજરાતના મોરબી તાલુકાના સરપંચોએ ખેડૂતોને સાથે રાખી ખેતી માટે પાણી છોડવા મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.

નોંધનીય છે કે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં સારા પાકની આશામાં વાવેતર કરી ચૂકેલા ખેડૂતો રાજ્ય સરકારના સિંચાઈવિભાગની બેદરકારીને કારણે તેમનો ઊભો મોલ સુકાઈ જશે તેવી ભીતિ સેવી રહ્યા છે.

મોરબીની જેમ અનેક સ્થળોએ સરકાર પાસે પાણી અને સહાની માગ કરવામાં આવી રહી છે.

મોરબીના ખેડૂતોનો દાવો છે કે અનેક રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર દ્વારા મોરબી તાલુકાનાં ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવા બાબતે નિર્ણય લેવામાં વિલંબ કરાઈ રહ્યો છે. જેથી સ્થાનિક ખેડૂતો સાથે મોરબી તાલુકાનાં ગામોના સરપંચો દ્વારા મચ્છુ-સિંચાઈ યોજનાની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.

મોરબી તાલુકા સરપંચ ઍસોસિયેશનના નેજા હેઠળ આ સમગ્ર વિરોધપ્રદર્શન યોજાયું છે.

આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે વાત કરી હતી.

line

રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં સ્થાનિક અખબારોના અહેવાલો પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી વરસાદની ઘટ જોવા મળી છે. તેમજ મોટા ભાગના ડૅમમાં પણ ઓછું પાણી છે- પ્રતીકાત્મક તસવીર

ડાઉન ટુ અર્થ મૅગેઝિનના તાજેતરના એક અહેવાલમાં ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કચેરીના હવાલાથી લખાયું હતું કે રાજ્યમાં 33માંથી 30 જિલ્લામાં 1 જૂનથી 23 ઑગસ્ટના સમયગાળા સુધી વરસાદની ઘટ છે.

મૅગેઝિન સાથે વાત કરતાં ભારતીય હવામાન વિભાગ, ગુજરાતનાં વડાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, "હજુ આપણી પાસે ઘટ સરભર કરવા માટે એક મહિનો છે, પરંતુ હાલ તેની શક્યતા વ્યક્ત કરી શકાય નહી."

તેમજ એક ખેડૂતનેતાએ મૅગેઝિનને જણાવ્યું હતું કે, "જો આવતા મહિને વરસાદ પડી પણ જાય તો તેનો ખેડૂતોને કોઈ લાભ નહીં થાય, કારણ કે તેમને પાણી તો હાલ જોઈએ છે. આવતા મહિને તો પાક સુકાઈ જશે. એટલે ખેડૂતોનું નુકસાન તો નક્કી જ છે."

line

'...તો દેવા તળે દબાયેલ ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બનશે'

મચ્છુ-2 કૅનાલના કમાન્ડ એરિયામાં 14 ગામો આવે છે, હાલ વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોનો દાવો છે કે કૅનાલમાં પણ પાણી તૈયાર હોવા છતાં તેમને નથી અપાઈ રહ્યું

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, મચ્છુ-2 કૅનાલના કમાન્ડ એરિયામાં 14 ગામો આવે છે, હાલ વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોનો દાવો છે કે કૅનાલમાં પણ પાણી તૈયાર હોવા છતાં તેમને નથી અપાઈ રહ્યું

મોરબી તાલુકાના સરપંચ ઍસોસિયેશનના પ્રમુખ પ્રફુલ્લભાઈ હોથી તાલુકાના ખેડૂતોની હાલની પરિસ્થિતિને દયનીય ગણાવે છે.

તેઓ કહે છે કે, "હાલ ખેડૂતો પોતાના ઊભા પાકને પોતાની આંખ સામે સુકાતો જોઈ વ્યથિત છે. જો આવનારા 24-48 કલાકમાં આ ગામોના ખેડૂતોને પૂરતું પાણી નહીં અપાય તો ઘણા ખેડૂતો પોતે ખેતી માટે લીધેલ કરજના વિષચક્રમાં ફસાઈ જશે. જે ઘણા ખેડૂતોની આત્મહત્યા માટેનું કારણ બની શકે છે."

તેઓ ખેડૂતો દ્વારા વિરોધના આગળના કાર્યક્રમો અંગે માહિતી આપતાં કહે છે કે, "જો અમારી માગ પૂરી નહીં થાય તો અમે એક પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય મંત્રીને મળશું."

"જો તેમ છતાં અમારી માગો નહીં સંતોષાય તો ટ્રેક્ટર રેલી યોજીશું અને ઉપવાસ આંદોલનને વધુ ઉગ્ર બનાવશું."

તેઓ પોતાના વિસ્તારનાં ગામો અને ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "મચ્છુ-2 કૅનાલના કમાન્ડ એરિયામાં 14 ગામો આવે છે. હાલ વરસાદ ખેંચાયો છે અને કૅનાલમાં પણ પાણી છે."

"કલેક્ટરસાહેબ, સાંસદ શ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરને અનેક રજૂઆતો છતાં કૅનાલમાં રહેલ પાણી અમારા પાકને નવજીવન આપવા માટે છોડવાનો નિર્ણય લેવામાં વિલંબ કરાઈ રહ્યો છે. જો હજુ વધુ વિલંબ થશે તો માત્ર પાક જ નહીં અનેક ખેડૂતો પણ મરી જશે એ પાક્કું છે."

તાલુકામાં ખેડૂતોની સ્થિતિ અંગે વાત કરતાં ખેડૂત નીલેશભાઈ જણાવે છે કે પાછલા એક માસથી અમારા વિસ્તારમાં બે એમએમ વરસાદ પણ નથી વરસ્યો.

"પહેલાં સરકારે કૅનાલનું પાણી આપ્યું એટલે બધા ખેડૂતોએ વાવેતર કરી દીધું હવે ખરાખરીના સમયમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તંત્ર દ્વારા બિનજરૂરી વિલંબનું કારણ સમજાઈ નથી રહ્યું."

"જો આ અંગે જલદી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો માત્ર બે દિવસમાં તમામ પાક નાશ પામશે. અને ખેડૂતોને અભૂતપૂર્વ નુકસાન સહન કરવું પડશે."

line

નવા પાણીની આવક ન થતાં સર્જાયો વિકટ પ્રશ્ન?

ખેડૂતોની માગણી આગળ સુધી પહોંચાડી હોવાનો અધિકારીનો દાવો

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, ખેડૂતોની માગણી આગળ સુધી પહોંચાડી હોવાનો અધિકારીનો દાવો

મચ્છુ-2 સિંચાઈ યોજનાના નાયબ ઇજનેર વી.એસ. ભોરણિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં વરસાદ ન પડવાના કારણે ડૅમમાં સરપ્લસ પાણી નથી. જેથી સિંચાઈ સમિતિના ઠરાવ મુજબ પીવા માટેનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં થઈ રહેલા વિલંબ માટે જવાબદાર કારણો વિશે વાત કરતાં કહે છે :

"સિંચાઈ સમિતિની ભલામણને આધારે મે-જૂન 2022 સુધી અમુક લેવલથી વધુ પાણી જો ડૅમમાં હોય તો જ તેને સિંચાઈ માટે પૂરું પાડવાની ભલામણ કરાઈ છે. જો એવું ન હોય તો તેવી સ્થિતિમાં પીવા માટે પાણી અનામત રાખવાનું જણાવાયું છે. તેથી આ મડાગાંઠ સર્જાઈ છે."

તેઓ પાણીની તંગી માટે વરસાદની ખેંચને કારણભૂત ગણાવતાં આગળ જણાવે છે કે, "હાલ ડૅમમાં નવા પાણીની આવક નથી થઈ. વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. તેથી સમિતિની ભલામણને આધારે સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકાયું નથી."

"તેમ છતાં ખેડૂતોની માગણીઓને ઉપલા સ્તરે ટેલિફોનિક વાતચીત દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે જલદી જ યોગ્ય નિર્ણય લેવાશે."

line

સુરેન્દ્રનગરમાંથી પણ દુકાળની રાવ

બીબીસીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની હાલત ખરાબ છે સરકાર પાસે વળતરની માગ કરવામાં આવી છે.

આ અંગે ખેડૂત એકતા મંચના નેજા હેઠળ મૂળી, વઢવાણ, ચોટીલા, લખતર સહિતના તાલુકાઓમાંથી ખેડૂતોએ જિલ્લા પંચાયતે રામધૂન બોલાવી હતી.

ખેડૂતો નુકસાની અંગે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે એવી માગણી કરી રહ્યાં છે.

ખેડૂતોની માગણીને સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે.

નોંધનીય છે કે સુરેન્દ્રનગર અને અરવલ્લી જેવા જિલ્લાના ખેડૂતોએ પોતપોતાના જિલ્લા કલેક્ટરોને જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા માટે આવેદન પણ આપી દીધું છે.

તેમજ CM કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને વળતર મળે તે હેતુથી સર્વે કરાવવાની પણ વિનંતી કરી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો