ગુજરાત : પોલીસે છ લાખની લાલચ આપી ઝડપી પાડ્યું ગરીબ મહિલાઓની કૂખ વેચવાનું કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારો પતિ પાંચ વર્ષ પહેલાં મને છોડી ને જતો રહ્યો, મને હૂંફ ની જરૂર હતી, હું નાગપુર માં એક વ્યક્તિના પ્રેમમાં પડી, તેની સાથેના સંબંધથી મને ગર્ભ રહ્યો, એટલે એ મને છોડીને જતો રહ્યો, હું મારા ગર્ભમાં રહેલો બાળક લઈને કયાં જાઉં? મારી પાસ સરખું ખાવાના કે દવાના પૈસા નહોતા, એટલે હું અહીં આવી મને દવા ઉપરાંત દોઢ લાખ મળી રહ્યા હતા, એટલે મેં મારું તાજું જન્મેલું બાળક આપી દીધું."
આ શબ્દો છે નાગપુરનાં ગરીબ ત્યક્તા રાધિકા ગેડમના.
બીબીસી ગુજરાતીએ પોલીસની મદદથી પોલીસ સ્ટેશનમાં રહેલાં રાધિકા સાથે વાત કરી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શુક્રવારે રાત્રે ખેડા પોલીસના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ દ્વારા ચાર મહિલાઓની ધરપકડ કરાઈ હતી.
તેઓ પર સરોગસી રૅકેટ ચલાવી, જરૂરિયાતમંદ દંપતીને બાળક વેચવાનો આરોપ છે.
રાધિકા પણ આ ગુનાના આરોપી છે. પ્રાથમિક તપાસમાં તેઓ વેચવા માટે મુકાયેલ બાળકનાં માતા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ગુનો સરોગસી રૅકેટ હોવાની બાબત બીબીસી ગુજરાતીને ખેડા પોલીસ દ્વારા જણાવવામાં આવી છે.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો અને આ આખું નેટવર્ક કઈ રીતે ચાલતું? તેની ઉંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ અધિકારીઓ અને આરોપીઓ સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'બાળકને અનાથાલયમાં મૂકી દેવાની હતી'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નવજાત બાળકોને વેચવાના આરોપમાં પકડાયેલ રાધિકા પોતાનો પક્ષ મૂકતાં આગળ જણાવે છે કે, "મારી પાસે ખાવાના કે દવા માટેના પૈસા પણ નહોતા. આવી પરિસ્થિતિમાં મોનિકાબહેને મારો સંપર્ક કર્યો. અને હું ગુજરાત આવી ગઈ. અહીં મને સારું ખાવા-પીવાની સાથે મારા બાળકના બદલામાં દોઢ લાખ મળી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ મારા બાળકને દત્તક આપી દેશે. એમ પણ હું બાળકને અનાથાલયમાં મૂકી દેવાની હતી."

આરોપી મહિલાને લાલચ પડી ભારે

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ સમગ્ર મામલો સામે લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને આરોપીઓને પકડનાર નડિયાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સપેક્ટર વી. કે. ખાંટે આ સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો તે અંગે જણાવતાં કહ્યું કે, "અમારી ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ ડ્રાઇવ દરમિયાન અમને બાતમી મળી કે નડિયાદમાં સરોગસીના નામે નવજાત શીશું વેચવાનો ગુનો આચરાઈ રહ્યો છે."
"અમારાં સૂત્રોના આધારે મળેલ માહિતી દ્વારા અમે આરોપી મોનિકા શાહનો સંપર્ક કર્યો. તેની સાથેની વાતચીત પરથી અમે સમજી ગયા કે તે પૈસાની લાલચુ છે."
તેઓ મોનિકા શાહને ટ્રૅસ કરવા અંગેની સમગ્ર કાર્યવાહી અંગે જણાવતાં કહે છે કે, "સામાન્ય રીતે તે સાડા ચાર લાખ રૂપિયામાં બાળક વેચતી. અમે તેને છ લાખની ઑફર કરી."
"આવી રીતે લાલચમાં આવી તે અમારા જાળમાં આવી ગઈ. અમે ઉપરી અધિકારઓ સાથે વાત કરી મહિલા પોલીસની મદદ લીધી. મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. ડી. ચૌધરીની મદદ મેળવી ડમી ગ્રાહક બનીને ગયાં. અમે બાળકના જન્મ પછી પાંચમા દિવસે આ ઑપરેશન ગોઠવ્યું હતું. જે અંતે સફળતાપૂર્વક પાર પાડ્યું."
પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટ આરોપીઓની ધરપકડના દિવસે બનેલ બીના જણાવતાં કહે છે કે, "બે અઠવાડિયાં સુધી મોનિકા સાથે સંપર્કમાં રહ્યા બાદ છેવટે અમે નડિયાદના સંતરામ મંદિર પાસેની શાક માર્કેટમાં મળવાનું નક્કી કર્યું. મોનિકા પીળો ડ્રેસ પહેરીને આવવાની હતી. તેને આપેલ સમયે અમે વૉચ ગોઠવીને બેઠા હતા. મોનિકા આવી. તેની સાથે બ્લૂ જિન્સ પહેરેલ એક બહેન પણ હતી. અમે તેમની સાથે વાતચીત કરી અને બાળક મગાવ્યું. ત્રીજી એક બહેન ભૂરા રંગના પંજાબી ડ્રેસમાં બાળક લઈને આવી અને અમે ત્રણેયને પકડી લીધી."
પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટના જણાવ્યા અનુસાર હજુ આ ઑપરેશન પૂરું નહોતું થયું. હજુ વેચાણ માટે મુકાયેલ બાળકનાં માતાને પકડવાનું બાકી હતું.
તેઓ કહે છે કે, "અમે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે બાળકની માતા નડિયાદની એક હોટલમાં હોવાનું કબૂલ્યું. જે બાદ હોટલ પર દરોડો પાડી અમે રાધિકાને પકડી લીધી."

સરોગસી સેન્ટર બંધ થયાં, પણ વેપાર નહીં?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પોલીસની કસ્ટડીમાં રહેલ સરોગસીના નામે બાળક વેચવાના ગુનાનાં મુખ્ય આરોપી અને સૂત્રધાર માયા ડાભલા સાથે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો.
તેમણે જણવ્યું કે, તેઓ થર્ડ MBBS સુધી ભણ્યાં છે. તેઓ એક સરોગસી સેન્ટરમાં કામ કરતાં હતાં. સરોગસી સેન્ટર બંધ થયા પછી તેઓ સેન્ટરના સંપર્કોનો ઉપયોગ કરી ગરીબ મહિલાઓને સરોગસીની મદદથી ગર્ભવતી બનાવતાં, બાળકના જન્મ બાદ બારોબાર વેચી મારતાં.

'નિ:સંતાન દંપતીની ગરજનો લાભ ઉઠાવતાં આરોપી'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ કેસ અંગે વાત કરતાં ખેડાનાં કાર્યકારી એસ. પી. અર્પિતા પટેલ જણાવે છે કે, "SOGની ટીમે આ સમગ્ર ઑપરેશન પાર પાડ્યું છે. હાલ પૂછપરછમાં માયા ડાભલા પહેલાં જે સરોગસી સેન્ટરમાં કામ કરતાં ત્યાંના સંપર્કોનો ઉપયોગ કરીને આ સમગ્ર ગુનો આચરતી હોવાનું સામે આવ્યું છે. તે આ સંપર્કોનો ઉપયોગ કરી જે ગરીબ મહિલાઓ સરોગસીનું કામ કરતી તેમને આ કામ માટે મનાવતી. આ સિવાય તેમની અન્ય સાથી મોનિકા સાથે સંપર્ક કરી તેઓ નિ:સંતાન દંપતી શોધતી. આ ટોળકી સગર્ભા મહિલાઓને પુષ્પા પેટલીયા સાથે ચાલીમાં રાખતી. તેને દોઢ લાખ રપિયા આપી પ્રસૂતિ કરાવતાં. અને તાજું જન્મેલ બાળક નિ:સંતાન દંપતીને સાડા ચારથી છ લાખમાં વેચી દેતાં."

'બહારનાં રાજ્યોમાંથી સગર્ભા મહિલાઓને લાવી બાળક વેચતા'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ સમગ્ર ટોળકીની ગુનો આચરવાની રીત વિશે વધુ માહિતી આપતાં કાર્યકારી SP પટેલ જણાવે છે કે, "મોટા ભાગે આરોપીઓ સગર્ભા મહિલાઓને બહારનાં રાજ્યોથી લાવતી. જેથી ક્યારેય ગુનો સામે ન આવે. પરંતુ પોલીસે બે મહિલાઓનો સંપર્ક કર્યો છે, જેમની સામે માયા ડાભલાએ કબૂલ કર્યું છે કે, તેણે આ મહિલાઓની સરોગસીની મદદથી ગર્ભ રખાવી અને પ્રસૂતિ બાદ અન્ય રાજ્યોમાં બાળક વેચ્યાં હતાં."
તેઓ આ ટોળકી દ્વારા આચરતાં કૃત્યો વિશે વધુ માહિતી આપતાં કહે છે કે, "આ ટોળકીએ એક જ મહિલાને સરોગસીની મદદથી ત્રણ વખત ગર્ભ રખાવી પ્રસૂતિ બાદ બાળકોને જયપુર, રાયપુર અને જબલપુર ખાતે વેચ્યાં હતાં. તેમજ અન્ય એક મહિલાનો સરોગસીની મદદથી ગર્ભ રખાવી, પ્રસૂતિ બાદ બાળક જયપુર ખાતે વેચ્યું છે."
તેઓ સગર્ભા મહિલાઓને લલચાવી તેમનું બાળક વેચાતું લઈ લેવાની ટોળકીની પ્રવૃત્તિ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "માયા ડાભલા અગાઉ આ ક્ષેત્રે આ કામ કરી ચૂકી હોઈ તેને ખબર હતી કે સગર્ભા મહિલાઓની સારસંભાળ કેવી રીતે લેવી. તે આવી સગર્ભા મહિલાઓને પોતાની પાસે બોલાવી તેમની સારસંભાળ માટે દાયણ પણ રાખતી. જેથી બાળક સ્વસ્થ પેદા થાય. જે બાદ નિ:સંતાન દંપતી શોધી બાળક વેચવાનું કામ મોનિકા અને પુષ્પાને સોંપાતું."
ખેડા પોલીસનાં કાર્યકારી SP અર્પિતા પટેલ આ કામનાં મુખ્ય આરોપી માયા ડાભલાની ચાલાકી અંગે વાત કરતાં કહે છે કે, "ડાભલા નિ:સંતાન દંપતી સાથે પોતે ડૉક્ટર હોય તેમ વાત કરતી. તેણે મેડિકલનો અભ્યાસ કર્યો હોઈ અને સરોગસી સેન્ટરમાં કામ કર્યો હોઈ મેડિકલ ટર્મિનોલૉજી વિશે જાણતી હતી. તેણે અમારી સામે ચાર બાળકો સરોગસીની મદદથી જન્માવી વેચ્યા હોવાનું કબૂલ્યું છે. પણ એના રિમાન્ડ બાદ એણે અન્ય કેટલાં બાળકોનો આવી રીતે સોદો કર્યો તે વિશે વધુ તપાસ કરીશું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












