અફઘાનિસ્તાન : ગોળીબાર, સૈનિકોની ચીસો, બાળકોનું આક્રંદ અને મદદનો પોકાર કરતા લોકો

- લેેખક, સિકંદર કિરમાણી
- પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ
"પાછા જાઓ, પાછા જાઓ", એક પરિસરની બહાર ઊભેલી ભીડ પર એક બ્રિટિશ સૈનિક મોટેથી ત્રાડ પાડે છે.
અફઘાનિસ્તાનમાં આ પરિસરમાં બ્રિટનના દૂતાવાસ દ્વારા દેશની બહાર લઈ જવાઈ રહેલા લોકોને ઉડાણ પહેલાં લાવવામાં આવી રહ્યા છે.
આ સૈનિકને ઘણા લોકો પોતાના બ્રિટિશ પાસપોર્ટ બતાવી રહ્યા છે. જેથી તેમને અંદર જવાની અનુમતિ અપાય. પરંતુ અફઘાન સુરક્ષાદળોનો એક સમૂહ તેમને રોકવાની કોશિશ કરી રહ્યો છે.
ભીડમાં હાજર લોકો પૈકી ઘણાને અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા અંગે કશું નહોતું કહેવાયું. તેમ છતાં, તેઓ ગમે તે રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ઘણા લોકોને દૂતાવાસમાંથી મેઇલ આવ્યો હતો અને તેમને ત્યાં પહોંચીને અને રોકાઈને પ્રક્રિયા પૂર્ણ થવાનો ઇંતેજાર કરવા માટે કહેવાયું હતું.
આ ભીડમાં યુકેના ઉબર ડ્રાઇવર હેલમંદખાન પણ સામેલ હતા, જેઓ થોડા મહિના પહેલાં પોતાના સંબંધીઓને મળવા પોતાનાં બાળકો સાથે અફઘાનિસ્તાન આવ્યા હતા.
તેઓ મારા હાથમાં કેટલાક બ્રિટિશ પાસપોર્ટ મૂકતાં નિરાશ સ્વરે કહે છે, "હું પાછલા ત્રણ દિવસથી અંદર જવાના પ્રયત્નો કરી રહ્યા છું."
આ ભીડમાં ખાલિદ પણ છે જેઓ બ્રિટનની સેના માટે ભાષાંતરકારનું કામ કરે છે. તેમનાં પત્ની બે અઠવાડિયાં પહેલાં જ માતા બન્યાં છે અને તેમને ભય છે કે આવી પરિસ્થિતિમાં બાળકનો જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાલિદ જણાવે છે કે, "હું સવારથી અહીં છું. અહીં આવતી વખતે તાલિબાનના લોકોએ મને માર પણ માર્યો."
થોડે દૂર પરિસરનો મુખ્ય દરવાજો પણ છે. જ્યાં હજારો લોકો એકઠા થયેલા છે. મોટા ભાગના લોકો માટે અફઘાનિસ્તાનમાંથી બહાર જવાની સંભાવના નહિવત્ છે.
બ્રિટનના સૈનિકો ક્યારેક-ક્યારેક ભીડને નિયંત્રિત કરવા માટે હવામાં ગોળીબાર પણ કરે છે.
અંદર જવા માટેની એક જ રીત છે, ગમે તે રીતે ભીડમાંથી પસાર થઈ, સૈનિક સુધી પહોંચી, તેમને તમારા દસ્તાવેજ બતાવો. ત્યાં થોડી ઘણી આશા છે કે તેઓ તમને અંદર બોલાવી લે.

મદદ માટે પોકાર

ઍરપૉર્ટની બહારની સ્થિતિ તો વધુ ખરાબ છે, ત્યાં અમેરિકાના સૈનિકો જાતે સુરક્ષા-વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
મુખ્ય દરવાજાની આસપાસ ઘણી ભીડ એકઠી થયેલી છે. ભીડમાંના લોકો અંદર જવા માટે પડાપડી કરી રહ્યા છે. પરંતુ તાલિબાનના લડવૈયા હવામાં ગોળીબાર કરીને અને તેમને માર મારીને પાછળ ધકેલે છે.
બ્રિટનના નિયંત્રણવાળા આ પરિસરમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહેલા લોકોએ મને એક પછી એક પ્રશ્નો પૂછવાના શરૂ કરી દીધું.
"શું આપ મારી મદદ કરી શકશો?"
"શું તેઓ મને અંદર જવા દેશે?"
ઘણા લોકોએ મને પોતાના દસ્તાવેજ પણ બતાવવાના પ્રયત્નો કર્યા, જેના પરથી એ વાત સાબિત થઈ શકે કે તેમણે આંતરરાષ્ટ્રીય સુરક્ષાદળો કે વિદેશી દૂતાવાસો સાથે કામ કર્યું છે.

પેટ્રોલિંગ કરી રહેલા તાલિબાનના લડવૈયા
તાલિબાને કહ્યું છે કે જે લોકો સરકાર સાથે જોડાયેલા હતા તેમને માફ કરી દેવાયા છે. સંગઠનનું કહેવું છે કે તેઓ એક 'સમાવેશી' સરકાર બનાવવા માગે છે, પરંતુ ઘણા લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે.
શહેરોમાં ઘણી જગ્યાઓએ હાલ શાંતિનો માહોલ છે. આ આખી અલગ જ દુનિયા હોય એવું જણાય છે.
દુકાનો અને રેસ્ટોરાં ખુલ્લાં છે, જોકે ફળ અને શાકભાજી વેચી રહેલા લોકોએ જણાવ્યું કે ખરીદી કરવા માટે ઓછા લોકો આવી રહ્યા છે.
કૉસ્મેટિક સામાન વેચી રહેલા લોકોએ જણાવ્યું કે ખૂબ જ ઓછી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવી રહી છે.
જોકે, દરેક સ્થળે તાલિબાનના લોકો દેખાઈ રહ્યા છે. તેઓ અફઘાની સુરક્ષાદળો પાસેથી કબજામાં લેવાયેલી ગાડીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આવી રીતે તેઓ લૂટફાટ અને અશાંતિની ઘટનાઓ બનતી રોકવા માગે છે અને ઘણા લોકોએ તેમને કહ્યું છે કે તેઓ હવે વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે.
ઘણા એ પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તાલિબાનના શાસનમાં જીવન કેવું હશે.
એક ટૅક્સી ડ્રાઇવરે મને જણાવ્યું કે તેમણે તાલિબાનના અમુક લડવૈયાઓને શહેરમાં ફેરવ્યા. જે દરમિયાન તેમની કારમાં મ્યુઝિક પણ ચાલી રહ્યું હતું.
ડ્રાઇવરે સસ્મિત જણાવ્યું, "તેમણે મને કંઈ જ ન કહ્યું. તેઓ પહેલાંની જેમ કઠોર નથી."
જોકે, એવા સમાચારો પણ મળી રહ્યા છે કે તાલિબાનના લડવૈયા ઘરે-ઘરે તલાશી કરીને પત્રકારો, સરકારી કર્મચારીઓને શોધીને તેમની પૂછપરછ કરી રહ્યા છે.
અમે ફરી વાર ઍરપૉર્ટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાષાંતરકાર તરીકે કામ કરી રહેલા ખાલિદ પોતાનાં નાનાં બાળકો સાથે પરિસરમાં જવામાં કામયાબ થઈ ગયા છે.
ઘણા લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને એક બ્રિટિશ અફઘાન મદદ માટે વિનંતી કરતાં મને કહે છે, "હું મારાં બાળકોને આ ભીડમાંથી કઈ રીતે લઈ જઈશ?"
ઘણા લોકો જવા માટે પાત્ર નથી તેમ છતાં બહાર જવા માગે છે, અને હવે એક અનિશ્ચિત ભવિષ્ય તેમની રાહ જોઈ રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












