અમેરિકા : '15 મિનિટમાં જ પ્લેનનું અપહરણ થઈ જશે', વિમાનમાં સવાર 33 પ્રવાસીઓએ શું કર્યું?

અલ-કાયદાએ આ યોજના સૌપ્રથમ 1996માં અફઘાનિસ્તાનના પહાડોમાં બનાવવામાં આવી હતી અને આગામી કેટલાક વર્ષોમાં તેમાં ફેરફાર થયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અલ-કાયદા દ્વારા આ યોજના સૌપ્રથમ 1996માં અફઘાનિસ્તાનના પહાડોમાં બનાવવામાં આવી હતી અને ત્યારપછીનાં કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર થયા હતા
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

ફ્લાઇટ 93 તેના નિર્ધારિત સમય કરતા 40 મિનિટ મોડી હતી. યુનાઇટેડ ઍરલાઇન્સનું બૉઇંગ 757 વિમાન ન્યૂ યૉર્ક ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના રન-વે પર ઊભું હતું અને ટેક-ઑફની રાહ જોઈ રહ્યું હતું.

આરબ મૂળના ચાર લોકો ફર્સ્ટ ક્લાસની છ હરોળમાં અલગ અલગ બેઠા હતા.

તેમણે રિટર્ન ટિકિટ નહોતી ખરીદી.

તેની એક રાત અગાઉ તેમણે અરબી ભાષામાં લખાયેલો એક દસ્તાવેજ વાંચ્યો હતો. તેમાં તેમને નિર્દેશ અપાયો હતો કે તેઓ પોતાની જાતને દરેક લાલચથી મુક્ત કરે, પોતાને સંઘર્ષ માટે તૈયાર કરે અને મરવા માટે પોતાની શપથને દોહરાવીને ખુદાને વારંવાર યાદ કરે.

ટૉમ મૅકમિલન પોતાના પુસ્તક 'ફ્લાઇટ 93: ધ સ્ટોરી ઑફ ધ આફ્ટરમેથ ઍન્ડ ધ લૅગસી ઑફ અમેરિકન કરેજ'માં લખે છે, “આટલી ઝીણવટભરી તૈયારી કરી હોવા છતાં અલ-કાયદાએ ફ્લાઇટમાં વિલંબ થવાની સંભાવનાને ધ્યાનમાં લીધી ન હતી. તેમની આ યોજના સૌપ્રથમ 1996માં અફઘાનિસ્તાનના પહાડોમાં બનાવવામાં આવી હતી અને આગામી કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર થયા હતા."

હાઇજૅકિંગ માટે જે ચાર ફ્લાઇટ પસંદ કરવામાં આવી તે બધી તે સવારે 7.45 થી 8.10 વાગ્યા વચ્ચે ટેક-ઑફ થવાની હતી.

પ્લૅન ટેક-ઑફ થયાની 15 મિનિટમાં જ હાઇજૅકિંગ શરૂ થઈ જશે એવું પણ નક્કી હતું.

બધું સમયસર યોજના મુજબ થયું હોત તો ચારેય વિમાનો એક પછી એક મોટી ઇમારતો પર ટકરાયા હોત અને અમેરિકન રાજકારણીઓ અને લશ્કરી વડાઓને વિચારવાનો પણ સમય ન મળ્યો હોત.

'ફ્લાઇટ 93: ધ સ્ટોરી ઓફ ધ આફ્ટરમાથ એન્ડ ધ લેગસી ઓફ અમેરિકન કરેજ'ના લેખક ટૉમ મૅકમિલન

વિમાનોને કૉકપિટમાં ઘૂસણખોરી અંગે ચેતવણી અપાઈ

ટોમ મેકમિલનનું પુસ્તક 'ફ્લાઇટ 93: ધ સ્ટોરી ઓફ ધ આફ્ટરમાથ એન્ડ ધ લેગસી ઓફ અમેરિકન કરેજ'

ઇમેજ સ્રોત, Lyons Press

ઇમેજ કૅપ્શન, ટૉમ મૅકમિલનનું પુસ્તક 'ફ્લાઇટ 93: ધ સ્ટોરી ઑફ ધ આફ્ટરમેથ ઍન્ડ ધ લૅગસી ઑફ અમેરિકન કરેજ'
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બૉર્ડના રેકૉર્ડ મુજબ બરાબર 8.41 વાગીને 49 સેકન્ડે ઍર ટ્રાફિક કંટ્રોલરે ફ્લાઇટ 93ના કૅપ્ટન જેસન ડાલ અને ફર્સ્ટ ઑફિસર લેરોય હોમરને રનવે નંબર ચાર પરથી ટેક-ઑફ કરવાની પરવાનગી આપી.

એક મિનિટ પછી ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા ઝિયાદ જર્રાહ, અહમદ અલ હઝનવી, અહમદ અલ નમી અને સઇદ અલ ગમડી પોતાના મિશન માટે તૈયાર થયા. મંગળવારનો દિવસ હતો અને તારીખ હતી 11 સપ્ટેમ્બર, 2001.

થોડી વારમાં ફ્લાઇટ 93 આકાશમાં હતી. પ્લૅન લગભગ ખાલી હતું. 182 પ્રવાસીની ક્ષમતાવાળા વિમાનમાં માત્ર 33 પ્રવાસીઓ બેઠા હતા.

બરાબર સવારે 8 વાગીને 40 મિનિટે એક વિમાન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વર્લ્ડ ટ્રૅડ સેન્ટર સાથે અથડાયું.

ગગનચુંબી ઇમારતના 93મા અને 99મા માળની વચ્ચે વિમાને એક વિશાળ બાકોરું બનાવી દીધું.

17 મિનિટ પછી 9 વાગીને 3 મિનિટે જ્યારે બીજું વિમાન વર્લ્ડ ટ્રૅડ સેન્ટરના સાઉથ ટાવર સાથે ટકરાયું, ત્યારે છેક અમેરિકન વહીવટીતંત્રને અંદાજ આવ્યો કે અમેરિકા પર હુમલો થયો છે.

9.19 વાગ્યે યુનાઇટેડ ફ્લાઇટના ડિસ્પેચર એડ બૅલિંગરે આ વિસ્તારમાં ઉડતા 16 વિમાનોને પ્રથમ ચેતવણી આપી. 'કૉકપિટમાં ઘૂસણખોરીથી સાવધ રહો. ન્યૂ યૉર્કમાં ટ્રૅડ સેન્ટરની ઇમારત સાથે બે વિમાનો અથડાકૉ છે.'

ફ્લાઇટ રેકૉર્ડ્સ દર્શાવે છે કે ફ્લાઇટ 93 ને સવારે 9.24 વાગ્યે આ સંદેશ મળ્યો હતો. 9 વાગીને 26 મિનિટે કૅપ્ટન ડાલે બોલિંગરને જવાબ આપ્યો, 'એડ કન્ફર્મ લેટેસ્ટ મૅસેજ.'

બરાબર બે મિનિટ પછી 9.28 વાગ્યે ફ્લાઇટ 93ના કૉકપિટના દરવાજાની બહાર અવાજ સંભળાયો.

ઍર ટ્રાફિક કંટ્રોલરે અવાજ સાંભળ્યો

9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો હતો તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રૅડ સેન્ટર પર હુમલો હતો તે સમયની તસવીર

માથા પર લાલ સ્કાર્ફ બાંધેલા ચારેય અપહરણકર્તા ઝડપથી પોતાની સીટ પરથી ઉભા થયા. 9.28 વાગ્યે તેઓ કૉકપિટમાં પ્રવેશ્યા. આનો સૌથી મોટો પુરાવો એ હતો કે તે જ ક્ષણે વિમાને 30 સેકન્ડની અંદર 680 ફૂટ નીચે ગોથું માર્યું.

તે જ સમયે ક્લિવલૅન્ડના ઍર ટ્રાફિક કંટ્રોલને અવાજ સંભળાયો, 'મે ડે... અહીંથી બહાર જાવ.' 30 સેકન્ડ પછી તે જ વાક્ય ત્રણ વખત સંભળાયું, 'ગેટ આઉટ ઑફ હિયર.'

બૅકગ્રાઉન્ડમાં ઝઘડાનો દબાયેલો અવાજ પણ આવતો હતો. શક્ય છે કે ડાલ અથવા હોમરે જાણી જોઈને માઇક્રોફોનનું બટન દબાવી રાખ્યું હોય જેથી જમીન પરના લોકો કૉકપિટમાં શું થઈ રહ્યું છે તે સાંભળી શકે.

મિચેલ ઝુકૉફ પોતાના પુસ્તક 'ફૉલ ઍન્ડ રાઇઝ ધ સ્ટોરી ઑફ 9/11'માં લખે છે, "ત્યાર પછીની 90 સેકન્ડમાં ક્લિવલૅન્ડ ઍર ટ્રાફિક કંટ્રોલર જોન વર્થે પ્લૅનનો સંપર્ક કરવાના સાત પ્રયાસો કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. થોડા સમય પછી તેમને આના કારણની ખબર પડી."

9 વાગીને 31 મિનિટે એક અજાણી વ્યક્તિએ ઝડપથી શ્વાસ લેતા વિચિત્ર ઢંગથી બોલવાનું શરૂ કર્યું.

આ મૅસેજ પ્લૅનમાં બેઠેલા પ્રવાસીઓ માટે હતો, પરંતુ ઍર ટ્રાફિક કંટ્રોલના લોકોએ તેને સાંભળ્યો.

મૅસેજ હતો, 'લેડીઝ ઍન્ડ જેન્ટલમૅન. હિયર ધ કૅપ્ટન. પ્લીઝ સીટ ડાઉન. બેસેલા રહો. અમારી પાસે બૉમ્બ છે.'

ઝિયાદ જર્રાહે ફ્લાઇટ 93 પર નિયંત્રણ મેળવી લીધું હતું.

બેફામ થઈને પ્લૅન નીચે લાવવાનું શરૂ કર્યું

ઝિયાદ જર્રાહે હાઇજૅકિંગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝિયાદ જર્રાહે હાઇજૅકિંગ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો

હવે જર્રાહે ફ્લાઇટ 93ને વૉશિંગ્ટન તરફ વાળી. 9.39 વાગ્યે તે પ્લૅનને 40 હજાર ફૂટની ઉંચાઈ પર લઈ ગયો. ત્યાર પછી બેફામ રીતે વિમાનને નીચે લાવવાનું શરૂ કર્યું.

આ પહેલાં 9.33 વાગ્યે કૉકપિટમાં હાજર એક મહિલાનો અવાજ સંભળાયો - "પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.... પ્લીઝ, પ્લીઝ, ડોન્ટ હર્ટ મી.... ઓહ ગોડ."

તપાસકર્તાઓનું માનવું છે કે આ અવાજ કદાચ ફર્સ્ટ ક્લાસની મહિલા ક્રૂ મેમ્બર ડેબી વેલ્શ અથવા વેન્ડા ગ્રીનનો હતો. સૌથી સ્વીકૃત થિયરી એ છે કે 9/11ના ચારેય વિમાનો પર હુમલાની શરૂઆત મહિલા ક્રૂ મેમ્બરો સાથે હિંસાથી થઈ હતી.

9 વાગીને 35 મિનિટે ફરી એક મહિલાનો અવાજ સંભળાયો. તે કહેતી હતી, 'મારે મરવું નથી.' વૉઇસ રેકૉર્ડરની ટ્રાન્સક્રિપ્ટ મુજબ 9 વાગીને 37 મિનિટે કૉકપિટની અંદરનો તમામ પ્રતિકાર ખતમ થઈ ગયો હતો. એક હાઇજૅકર, કદાચ ગમડી અલ-સૈયદનો અવાજ સંભળાયો, 'એવરીથિંગ ઇઝ ફાઈન. આઈ ફનિશ્ડ.'

ત્યાર પછી મહિલા ક્રૂ મેમ્બરનો કોઈ અવાજ સંભળાયો ન હતો. મોટા ભાગે શક્ય છે કે ત્યાં સુધીમાં તેની હત્યા કરવામાં આવી હતી.

નીચે ફોન કરીને મારા સંબંધીઓનો સંપર્ક કર્યો

સઈદ અલ ગમડી જે ઝિયાદ જર્રાહ સાથે કૉકપિટમાં બેઠો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સઈદ અલ ગમડી જે ઝિયાદ જર્રાહ સાથે કૉકપિટમાં બેઠો હતો

9 વાગીને 39 મિનિટે જર્રાહે ઍનાઉન્સ કરવાનો બીજો પ્રયાસ કર્યો.

આ વખતે તેનો અવાજ પહેલાં કરતા વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત હતો. ઍર ટ્રાફિક કંટ્રોલે પણ આ ઘોષણા સાંભળી, “હિયર ઇઝ કૅપ્ટન. તમે બધા તમારી સીટ પર બેઠા રહો. અમારી પાસે વિમાનમાં બૉમ્બ છે અને આપણે બધા ઍરપૉર્ટ પર પાછા જઈએ છીએ અને અમારી પાસે અમારી માગણીઓ છે. તેથી પ્લીઝ શાંત રહો.”

યુનાઇટેડ ઍરલાઈન્સના વિમાનમાં પ્રવાસીઓ અને ક્રૂને ખાસ ટૅક્નૉલૉજી સાથે 'વેરિઝોન' ઇયરફોન દ્વારા હવાથી જમીન પર વાત કરવાની સુવિધા આપવામાં આવી હતી.

પ્લૅન હાઇજૅક થયાની 30 મિનિટની અંદર વિમાનમાં સવાર 12 પ્રવાસીઓએ 23મી અને 34મી હરોળ વચ્ચે લગાવેલા ઇયરફોનથી જમીન પર 35 કૉલ કર્યા હતા. તેમાંથી 20 કૉલ તરત જ ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, પરંતુ 15 કૉલ પર નીચે વાત થઈ હતી.

આ કૉલ પરથી ઘણી માહિતી મળે છે કે તે સમયે ફ્લાઈટ 93માં શું થઈ રહ્યું હતું. સૌ પ્રથમ 9 વાગીને 30 મિનિટે ટૉમ બર્નેટે કૅલિફોર્નિયામાં તેની પત્ની ડીનાને ફોન કર્યો.

પોતાના પુસ્તક 'ધ ઓન્લી પ્લૅન ઇન ધ સ્કાય'માં ગેરેટ એમ. ગ્રાફ લખે છે, 'ડીનાએ પૂછ્યું, “ટૉમ, તમે ઠીક છો?” ટૉમે જવાબ આપ્યો, “ના, હું ઠીક નથી. હું એવા પ્લૅનમાં છું જેનું હાઇજૅક કરવામાં આવ્યું છે. અપહરણકર્તાઓએ એક માણસને છરો માર્યો છે અને હવે અમને કહી રહ્યા છે કે પ્લૅનમાં બૉમ્બ છે. તમે આ અંગે પ્રશાસનને જાણ કરો.”

પ્રવાસીઓને પ્લૅનના પાછળના ભાગમાં ખસેડવામાં આવ્યા

અમેરિકાની સંસદ પર વિમાનો ટકરાવીને હુમલો કરવાની યોજના અફઘાનિસ્તાનમાં બની હતી

ઇમેજ સ્રોત, Avid Reader Press / Simon & Schuster

પ્લૅનમાં મહિલા ક્રૂ મેમ્બર (સ્ટુઅર્ડસ) સૅન્ડી બ્રેડશોએ સૌપ્રથમ યુનાઇટેડ ઍરલાઇન્સને આ અંગે જાણ કરી હતી. 9.35 વાગ્યે તેણે 33મી હરોળમાંથી સાન ફ્રાન્સિસ્કોમાં મેન્ટેનન્સ ઑફિસને ફોન કર્યો અને મૅનેજરને કહ્યું, “હુમલાખોરોએ કૉકપિટ પર કબજો કરી લીધો છે. બાકીના તમામ પ્રવાસીઓને પ્લૅનના પાછળના ભાગમાં લઈ જવામાં આવ્યા છે.”

સૅન્ડી છ મિનિટ સુધી લાઇન પર રહી. મૅનેજરના કહેવા પ્રમાણે તેનો અવાજ આશ્ચર્યજનક રીતે ખૂબ જ શાંત હતો.

ટૉમ મૅકમિલન લખે છે, “આ દરમિયાન માર્ક બિંઘમે પોતાની માતાને ફોન કર્યો - હું માર્ક બિંઘમ છું. તે કદાચ એટલા દબાણમાં હતો કે તેણે પોતાનું આખું નામ લીધું. તેણે કહ્યું, 'હું તમને કહેવા માંગુ છું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું હાલમાં સાન ફ્રાન્સિસ્કો જવા માટે વિમાનમાં છું. ત્રણ લોકોએ વિમાનનો કબજો લઈ લીધો છે. તેઓ કહે છે કે તેની પાસે બૉમ્બ છે.”

તેમની માતા ઍલિસે તેને પૂછ્યું, “માર્ક, એ લોકો કોણ છે?” બિંઘમે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો, પરંતુ કહ્યું કે “તમારે મારા પર વિશ્વાસ કરવો જ જોઇએ. હું જે કહું છું તે બિલકુલ સાચું છે.”

વિમાનોને તરત જ ઊતરાણ માટે કહેવામાં આવ્યું

ફ્લાઇટ-93માં સવાર માર્ક બિંગમે ટેલીફોન કરીને પોતાના માતા સાથે સંપર્ક કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્લાઇટ-93માં સવાર માર્ક બિંઘમે ટેલીફોન કરીને પોતાનાં માતા સાથે સંપર્ક કર્યો

દરમિયાન ક્લિવલૅન્ડ ઍર ટ્રાફિકે ઝિયાદ જર્રાહની જાહેરાત સાંભળી કે તરત જ તેણે જવાબ આપ્યો, 'ઠીક છે, તે યુનાઇટેડ 93 કૉલિંગ છે. તમારી પાસે બૉમ્બ છે તે સમજ્યા. ગો અહેડ. યુનાઇટેડ 93 ગો અહેડ.' પરંતુ કૉકપિટમાંથી કોઈ જવાબ ન મળ્યો.

આ દરમિયાન ઍર કંટ્રોલર જૉન વર્થ માટે સૌથી મોટો પડકાર ત્યારે ઉભો થયો જ્યારે 9.42 વાગ્યે ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશને અમેરિકન ઍરસ્પેસમાં ઉડતાં તમામ નાગરિક વિમાનોને નજીકનાં ઍરપૉર્ટો પર લૅન્ડિંગ કરવાનો આદેશ આપ્યો.

તમામ વિમાનો ફટાફટ નીચે ઉતરવાં લાગ્યાં, પરંતુ ઓહાયો ઉપરથી ઉડતી ફ્લાઇટ 93 પર તેની કોઈ અસર થઈ ન હતી. તેણે વૉશિંગ્ટન ડીસી તરફ ઉડવાનું ચાલુ રાખ્યું.

ત્યાં સુધીમાં અમેરિકાને અંદાજ આવી ગયો હતો કે ફ્લાઇટ 93 વ્હાઇટ હાઉસ તરફ અથવા કૅપિટલ હિલ તરફ જઈ રહી હતી.

મિચેલ ઝુકોફ લખે છે, 'કૅપિટલ હિલમાં એક પોલીસ અધિકારી બૂમો પાડતા પાડતા હૉલમાં દોડ્યા, 'એક પ્લૅન આવી રહ્યું છે. બહાર નીકળો.'

આ સાંભળીને મહિલાઓ ખુલ્લા પગે બહાર દોડી. ખતરાની સાયરન વાગવા લાગી. કૉંગ્રેસના કેટલાક સભ્યો ઝાડ નીચે ભેગા થવા લાગ્યા. સશસ્ત્ર પોલીસ અધિકારીઓ યુએસ સેનેટના નેતાઓને શીત યુદ્ધના સમયમાં બનાવવામાં આવેલાં બંકરોમાં લઈ ગયા.

પ્રતિકાર કરવાની યોજના

અમેરિકાની સંસદ કૅપિટલ હિલ જ્યાં ફ્લાઇટ-93 ટકરાવાની હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની સંસદ કૅપિટલ હિલ જ્યાં ફ્લાઇટ-93 ટકરાવાની હતી

આ દરમિયાન પ્લૅન 40 હજાર ફૂટની ઊંચાઈથી 20 હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું હતું.

એક વાત સ્પષ્ટ હતી કે ઝિયાદ જર્રાહને વિમાન ઉડાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જર્રાહ એ 9/11ના હાઇજૅકર્સમાં એકમાત્ર એક એવો માણસ હતો જેની પાસે કોમર્શિયલ પાઇલટનું લાયસન્સ ન હતું અને તેણે અન્ય કરતાં પ્લૅન ઉડાવવાની ઓછી તાલીમ લીધી હતી.

આ દરમિયાન પ્રવાસીઓ અપહરણકારોને પ્રતિકાર કરવાની યોજનાઓ બનાવી રહ્યા હતા.

ટૉમ મૅકમિલન લખે છે, “ટૉમ બર્નેટે તેની પત્ની ડીનાને ફોન પર કહ્યું કે તે કંઈક કરવાનું વિચારી રહ્યો છે. ડીનાએ પૂછ્યું કે તમને કોણ મદદ કરે છે? ટોમે કહ્યું, ઘણા લોકો. અમારી પાસે એક જૂથ છે. અન્ય એક પૅસેન્જર ટેરેમી ગ્લિકે કહ્યું, “અમે અમારી વચ્ચે મતદાન કરી રહ્યા છીએ. મારા જેવા ત્રણ હૃષ્ટપુષ્ટ લોકો અત્યારે પ્લૅનમાં છે. અમે બૉમ્બવાળા હાઈજૉકર પર હુમલો કરવાનું વિચારી રહ્યા છીએ.”

તેણે એ પણ જણાવ્યું કે તે હથિયાર તરીકે શેનો ઉપયોગ કરશે. “મારી પાસે હમણાં નાસ્તા સાથે આવેલું બટર ચોપડવાનું ચપ્પુ છે.” ટોડ બીમરે પણ લિસા જેફરસનને કહ્યું, 'અમે કંઈક કરવા જઈ રહ્યાં છીએ. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.”

'લેટ્સ રોલ'

ઝિયાદ જર્રાહનો પાસપોર્ટ

ઇમેજ સ્રોત, LYONS PRESS

ઇમેજ કૅપ્શન, ઝિયાદ જર્રાહનો પાસપૉર્ટ

9 વાગીને 53 મિનિટે ઝિયાદ જર્રાહ અને સઈદ અલ ગમડીને પહેલીવાર સમજાયું કે વિમાનમાં સવાર પ્રવાસીઓ પ્રતિકાર પણ કરી શકે છે.

કૉકપિટની બહાર ઊભેલા અહેમદ અલ હઝનવી અને અહેમદ અલ નામીએ તેમને જણાવ્યું કે કેવી રીતે પ્રવાસીઓ સતત ફોન કરી રહ્યા છે, મિટિંગ કરી રહ્યા છે અને આપણી તરફ તાકી તાકીને જોઈ રહ્યા છે.

જર્રાહ જાણતા હતા કે લક્ષ્ય સુધી પહોંચવામાં તેમને હજુ અડધો કલાક લાગશે.

ટૉમ મૅકમિલન લખે છે, “પ્રતિકાર કરવા માગતા પ્રવાસીઓ વિમાનની વચ્ચે એકઠા થયા હતા. ફ્લાઇટ ઍટેન્ડન્ટ સૅન્ડી બ્રેડશો પ્લૅનના પાછળના ભાગમાં પાણી ગરમ કરી રહી હતી જેથી કરીને તેને હાઇજૉકર્સ પર ફેંકી શકાય. કેટલાક તપાસકર્તાઓનું માનવું છે કે તેઓ ફૂડ ટ્રૉલીને કૉકપિટમાં ક્રૅશ કરવાનું પણ વિચારી રહ્યા હતા.”

ટૉમ બર્નેટની પત્નીએ જ્યારે પૂછ્યું, “શું તમે લોકો હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છો?” બર્નેટનો જવાબ હતો, 'યસ, લેટ્સ રોલ.'

પ્રવાસીઓ કૉકપિટ પર ત્રાટક્યા

ટૉમ બર્નેટે હાઇજૅકર્સ પર હુમલાની

ઇમેજ સ્રોત, Lyons Press

ઇમેજ કૅપ્શન, ટૉમ બર્નેટ જેમણે હાઇજૅકર્સ પર હુમલો કરવાની પહેલી કરી

પ્રવાસીઓનો હુમલો બરાબર 9:57 વાગ્યે શરૂ થયો. ઉડ્ડયનના ઈતિહાસમાં અગાઉ ક્યારેય નિઃશસ્ત્ર પ્રવાસીઓએ ફ્લાઇટ દરમિયાન અપહરણકર્તાઓ પર આવો હુમલો કર્યો ન હતો.

ગેરેટ એમ. ગ્રાફ લખે છે, “તે સમયે એલિઝાબેથ વેનીયો તેની સાવકી માતા સાથે ફોન લાઇન પર હતી. તેણે કહ્યું, “આ લોકો કૉકપીટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. મારે પણ જવું જોઈએ. હું તમને પ્રેમ કરું છું. ગુડ બાય.”

તે જ સમયે સૅન્ડી બ્રેડશોએ પણ તેના પતિને કહ્યું, “બધા લોકો ફર્સ્ટ ક્લાસ તરફ જઈ રહ્યા છે. મારે પણ ત્યાં જવું છે. બાય.”

આ રીતે 757 ઍરક્રાફ્ટના 20 ઇંચના સાંકડા કૉરિડોરમાંથી પસાર થતા પ્રવાસીઓએ કૉકપિટ પર હુમલો કર્યો. વિમાન ઉડાવતા જર્રાહ અને તેના ભાગીદાર ગમડીને આ લોકોના અવાજો સાંભળ્યા. બંનેને પ્લૅન ઉડાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ અવાજોએ તેમને વધુ પરેશાન કર્યા. વૉઇસ રેકૉર્ડરની ટ્રાન્સક્રિપ્ટ કહે છે, 9 વાગીને 57 મિનિટે જર્રાહે બૂમ પાડી અને પૂછ્યું, 'ત્યાં શું ચાલે છે?'

ત્યારે પાછળથી મારામારીનો અવાજ સંભળાયો.

તેમણે વિમાનના યોકને જમણેથી ડાબે ફેરવવાનું શરૂ કર્યું જેથી પ્રવાસીઓ પોતાનું સંતુલન ગુમાવી બેસે. પછી એક પ્રવાસી બર્નેટનો જોરદાર અવાજ સંભળાયો, 'કૉકપિટમાં! કૉકપિટમાં!' તેના પર જર્રાહે અરબીમાં કહ્યું, “તેઓ કૉકપિટમાં પ્રવેશવા માગે છે. દરવાજો અંદરથી દબાવી રાખો.”

જર્રાહે વિમાનની વિંગ્સ હલાવવાનું ચાલુ રાખ્યું. ત્યાં સુધીમાં વિમાન પાંચ હજાર ફૂટ નીચે ઉતરી ગયું હતું.

9 વાગીને 59 મિનિટે જર્રાહે તેની વ્યૂહરચના બદલી. તેણે પ્લૅનના નોઝને ઉપર-નીચે કરવાનું શરૂ કર્યું. 10 વાગ્યાની આસપાસ પ્રવાસીઓનો હુમલો વધુ તીવ્ર થતાં કોકપિટમાં અપહરણકારોએ પ્લૅન ક્રૅશ કરવાની વાત કરી હતી.

જર્રાહે પૂછ્યું, 'શું હવે ખતમ કરીએ?' ગમડીનો જવાબ હતો, “ના, હજી નહી. જ્યારે તેઓ બધા અંદર આવશે ત્યારે આપણે ખતમ કરીશું.”

ફ્લાઇટ 93 ફરી એકવાર નીચે આવી હતી અને પ્રવાસીઓ હજુ સુધી કૉકપિટમાં પ્રવેશ્યા ન હતા અને વિમાન હજુ જર્રાહના કન્ટ્રોલમાં હતું. પરંતુ ત્યાં સુધીમાં જર્રાહને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી.

તેમણે પહેલી વખત ગમડીને નામથી સંબોધ્યા. ‘ઉપર, નીચે સઈદ, ઉપર નીચે.’ પાંચ સેકન્ડ પછી એક પ્રવાસીએ બૂમ પાડી, ‘રોલ ઈટ’.

કદાચ તેનો કહેવાનો અર્થ ફૂડ ટ્રૉલી હતો, કારણ કે ત્યાર પછી પ્લૅટો અને ગ્લાસના પડવાનો અને તૂટવાનો અવાજ સંભળાયો.

ફ્લાઇટ 93 ક્રૅશ

ફ્લાઇટ-93ના કાટમાળમાંથી મળેલું વૉઇસ રેકૉર્ડર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્લાઇટ-93ના કાટમાળમાંથી મળેલું વૉઇસ રેકૉર્ડર

10 વાગીને એક મિનિટે પ્લૅન ફરીથી ઉપર જવા લાગ્યું.

ટૉમ મૅકમિલન લખે છે – ત્યારે જ જર્રાહે પૂછ્યું, 'શું સમય આવી ગયો છે? આપણે હવે આને પાડી દઈએ?’ ગમડીએ કહ્યું, “ઠીક છે. ચાલો એવું જ કરીએ.”

અચાનક લોકોની વધુ ચીસો સંભળાઈ. હાઇજૅકરર્સને સમજાઈ ગયું કે જો તેઓ પ્લૅનને ઉડાડવાનું ચાલુ રાખશે, તો પ્રવાસીઓ ટૂંક સમયમાં તેમના પર કાબૂ મેળવી લેશે. જર્રાહે મજબૂર થઈને બૂમ પાડી, 'સઈદ, ઑક્સિજન કટ કરો.'

બીજી તરફ પ્રવાસીઓ જોરથી બૂમો પાડતા હતા 'ગો ગો... મૂવ મૂવ'.

ત્યાર બાદ પ્રવાસીઓ કૉકપિટનો દરવાજો તોડવામાં સફળ રહ્યા હતા. જર્રાહે અરેબિકમાં બૂમ પાડી. 'નીચે પાડો, નીચે પાડો.' થોડીવાર પછી ગમડીનો અવાજ સંભળાયો, 'મને આપો, મને આપો.'

ત્યાં સુધીમાં પ્રવાસીઓ કૉકપિટમાં પહોંચી ગયા હતા અને જર્રાહને મારવાનું શરૂ કરી દીધું હતું. કદાચ ગમડી જહાજ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.'

વિમાન પેન્સિલવેનિયાના સમરસેટ કાઉન્ટીમાં એકદમ નીચે આવી ગયું હતું. 563 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડતા બૉઇંગ 757 વિમાને 40 ડિગ્રીના ખૂણે ડૂબકી મારી અને પાવર લાઈન તોડીને જમીન પર પટકાયું.

તે વખતે વિમાનમાં લગભગ પાંચ હજાર ગેલન જેટ ઇંધણ ભરેલું હતું. જમીન પર પટકાતાની સાથે જ વિમાનના ટુકડા થઈ ગયા અને આગમાં લપેટાઈ ગયું. તે સમયે ઘડિયાળમાં 10 વાગીને 3 મિનિટ થઈ હતી.

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી હજી ત્યાંથી 15 મિનિટ દૂર હતી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.