અલ ઝવાહિરી : ઇજિપ્તના રાષ્ટ્રપતિની હત્યામાં સામેલગીરીથી લઈને અમેરિકા સામે જેહાદ કરવા સુધીની કહાણી

અમેરિકાએ અલ-કાયદા નેતા અયમાન અલ-ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં એક ડ્રોન હુમલામાં ઠાર માર્યો છે.

અલ-ઝવાહિરી અલ-કાયદા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અયમાન અલ ઝવાહિરી

અલ-ઝવાહિરીને અલ-કાયદાનું મગજ કહેવામાં આવે છે. આંખોના ડૉક્ટર અલ-ઝવાહિરીએ ઇજિપ્ત ઇસ્લામિક જેહાદી ગ્રૂપ બનાવવામાં મદદ કરી હતી.

2011માં ઓસામા બિન-લાદેનને અમેરિકાએ મારી નાખ્યો હતો અને ત્યારથી અલ-કાયદાની કમાન અલ-ઝવાહિરી પાસે હતી.

આ પહેલાં અલ-ઝવાહિરીને ઓસામા બિન-લાદેનનો જમણો હાથ ગણવામાં આવતો હતો. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા હુમલા પાછળ પણ અલ-ઝવાહિરીનો જ હાથ હોવાનું માનવામાં આવે છે.

અલ-કાયદામાં ઓસામા બિન-લાદેન બાદ અલ-ઝવાહિરી બીજા નંબરના નેતા હતો. અલ-ઝવાહિરીને અમેરિકાએ 2001માં 22 મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં રાખ્યો હતો અને તેના પર 2.5 કરોડ ડૉલરનું ઇનામ રાખ્યું હતું.

હાલનાં વર્ષોમાં ઝવાહિરી અલ-કાયદાના પ્રમુખ પ્રવક્તા તરીકે સામે આવ્યો હતો. 2007માં અલ-ઝવાહિરી 16 વીડિયો અને ઑડિયો ટેપમાં જોવા મળ્યો જે ઓસામા બિન-લાદેન કરતાં ચાર ગણું વધારે હતું.

અલ-કાયદાએ વિશ્વભરમાં મુસ્લિમોમાં કટ્ટરતા અને અતિવાદ ભરવાનો પ્રયત્ન કર્યો. ગયા અઠવાડિયે અમેરિકાએ કાબુલમાં ઝવાહિરીના આશ્રયસ્થાન પર હુમલો કર્યો હતો. જોકે, આ કોઈ પહેલો પ્રયત્ન નહોતો.

જાન્યુઆરી 2006માં પણ અમેરિકાએ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પાકિસ્તાનની સીમા પર મિસાઇલથી હુમલો કર્યો હતો. જેમાં અલ-કાયદાના ચાર સભ્યોનાં મૃત્યુ થયાં હતાં પણ અલ-ઝવાહિરી બચી ગયો હતો.

હુમલાનાં બે અઠવાડિયાં બાદ અલ-ઝવાહિરી એક વીડિયોમાં સામે આવ્યો હતો અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશને ધમકી આપતાં કહ્યું કે દુનિયાની તમામ શક્તિ તેમની પાસે નથી.

line

પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ

અલ-ઝવાહિરી અલ-કાયદા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઓસામા બિન-લાદેન સાથે અલ-ઝવાહિરી

અલ-ઝવાહિરીનો જન્મ ઇજિપ્તની રાજધાની કૈરોમાં 19 જૂન 1951ના રોજ પ્રતિષ્ઠિત મધ્યમ-વર્ગીય પરિવારમાં થયો હતો.

તેના પરિવારમાં ઘણા લોકો ડૉક્ટર અને સ્કૉલર હતા. અલ-ઝવાહિરીના દાદા રાબિયા અલ-ઝવાહિરી મધ્ય-પૂર્વમાં સુન્ની ઇસ્લામિક અધ્યયનકેન્દ્ર અલ-અઝહરના વડા ઇમામ હતા. તેના કાકા આરબ લિગના પ્રથમ મહાસચિવ હતા.

ઝવાહિરી જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી ઇસ્લામના પ્રચારમાં લાગી ગયો હતો. 15 વર્ષની ઉંમરમાં તેની ગેરકાયદેસર મુસ્લિમ બ્રધરહૂડના સદસ્ય તરીકે ધરપકડ કરવામાં આવી હતી.

મુસ્લિમ બ્રધરહૂડ ઇજિપ્તનું જૂનું અને મોટું સંગઠન છે. અલ-ઝવાહિરીની રાજનૈતિક ગતિવિધિઓએ કૈરો યુનિવર્સિટીમાં તેમના મેડિકલના અભ્યાસને કોઈ અડચણ ઊભી કરી નહોતી.

1974માં અહીંથી મેડિસિનમાં તેમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને અહીંથી જ ચાર વર્ષ બાદ સર્જરીમાં માસ્ટરનો અભ્યાસ કર્યો.

અલ-ઝવાહિરીના પિતાનું મૃત્યુ 1995માં થયું હતું. તેઓ કૈરો યુનિવર્સિટીમાં જ ફાર્માકોલૉજીના પ્રોફેસર હતા.

ઝવાહિરીએ શરૂઆતમાં પરિવારની પરંપરાનું જ પાલન કર્યું. તેણે કૈરોમાં એક મેડિકલ ક્લિનિક ખોલ્યું પરંતુ જલદીથી જ તેઓ અતિવાદી ઇસ્લામિક સમૂહોના પ્રભાવમાં આવવા લાગ્યો. આ સમૂહો ઇજિપ્તની સરકારને પાડી દેવા માગતા હતા.

1973માં ઇજિપ્ત ઇસ્લામિક જેહાદ બન્યું અને અલ-ઝવાહિરી તેમાં સામેલ થઈ ગયો. 1981માં ઇજિપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અનવર સદાતની એક સૈન્ય પરેડમાં હત્યા કરી દેવામાં આવી હતી.

હત્યા કરનારા શકમંદોમાં ઇજિપ્ત ઇસ્લામિક જેહાદના લોકો હતા. આ સેંકડો લોકો સેનાના યુનિફોર્મમાં હતા. તેમાં અલ-ઝવાહિરીનો પણ સમાવેશ થતો હતો.

અનવર સદાતે ઇઝરાયલ સાથે એક શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેને લઇને ઇસ્લામિક ઍક્ટિવિસ્ટ નારાજ હતા. તે પહેલાં સદાતે પોતાના ટીકાકારોની ધરપકડ પણ કરાવી હતી.

line

જેલમાંથી બદલાયું જીવન

અલ-ઝવાહિરી અલ-કાયદા
ઇમેજ કૅપ્શન, તાલિબાન નેતા અખુંદઝાદા સાથે અલ-ઝવાહિરી

તેણે કોર્ટમાં કહ્યું, "અમે મુસલમાન છીએ અને પોતાના ધર્મ પર ભરોસો રાખીએ છીએ. અમે એક ઇસ્લામિક દેશ અને સમાજ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

જોકે, અલ-ઝવાહિરીને અનવર સદાતની હત્યાના મામલે ક્લીનચીટ આપી દેવામાં આવી હતી પરંતુ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના મામલે દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આ મામલામાં તેને ત્રણ વર્ષની સજા મળી. અલ-ઝવાહિરીની સાથે રહેલા કેદીઓ અનુસાર, ઝવાહિરીને જેલમાં યાતનાનો સામનો કરવો પડતો હતો.

જેલમાં તેને મારવામાં આવતો હતો. કહેવામાં આવે છે કે જેલના અનુભવે તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો અને બહાર નીકળ્યા બાદ તે હિંસક ઇસ્લામિક અતિવાદી બની ગયો.

1985માં જેલમાંથી મુક્ત થયા બાદ અલ-ઝવાહિરી સાઉદી અરેબિયા ચાલ્યો ગયો. સાઉદી બાદ તેઓ પાકિસ્તાનના પેશાવર શહેરમાં ગયો અને છેલ્લે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં.

અફઘાનિસ્તાનમાં જ તેણે ઇજિપ્ત ઇસ્લામિક જેહાદની એક પાંખની સ્થાપના કરી પરંતુ અફઘાનિસ્તાનમાં સોવિયટ યુનિયનના નિયંત્રણ દરમિયાન તે ડૉક્ટરનું કામ કરતો રહ્યો.

1992 પછી તેણે પાછું ઇજિપ્ત ઇસ્લામિક જેહાદનું સુકાન સંભાળ્યું. ઇજિપ્તમાં સરકારના મંત્રીઓ અને વડા પ્રધાન અતિફ સિદ્દીકી પર હુમલામાં આ સંગઠનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી અને ઝવાહિરીને માસ્ટરમાઇન્ડ માનવામાં આવ્યો.

આ ગ્રૂપના અભિયાનના કારણે જ ત્યાંની સરકાર પડી અને અલ-ઝવાહિરીને ઇજિપ્તના લક્સર શહેરમાં વિદેશી પર્યટકો પર હુમલો કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો.

line

પશ્ચિમી દેશો પર નિશાન

અલ-ઝવાહિરી અલ-કાયદા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓસામા બિન-લાદેન

ઝવાહિરી વિશે મનવામાં આવે છે કે તેણે 1990ના દાયકામાં વિશ્વના ઘણા દેશોમાં જઈને દાન મેળવવાના સ્ત્રોતોની તપાસ કરી.

અફઘાનિસ્તાનમાંથી સોવિયટ સંઘની વાપસી દરમિયાન માનવામાં આવે છે કે અલ-ઝવાહિરી બલ્ગેરિયા, ડેનમાર્ક અને સ્વિત્ઝર્લૅન્ડમાં રહેતો હતો. ઘણી વખત નકલી પાસપોર્ટ દ્વારા બાલકન્સ, ઑસ્ટ્રિયા, યમન, ઇરાક અને ફિલીપીન્સ પણ ગયો હતો.

ડિસેમ્બર 1996માં ઝવાહિરીને છ મહિના સુધી રશિયનોએ પકડી રાખ્યો હતો. તે વિઝા વગર ચેચેન્યામાં પકડાયો હતો. કહેવામાં આવે છે કે અલ-ઝવાહિરીએ જ લખ્યું હતું કે રશિયન પ્રશાસન તેમનું અરબી લખાણ સમજી શક્યા ન હતા.

એવામાં તેઓ પોતાની ઓળખ છૂપાવવામાં સફળ રહ્યો હતો. માનવામાં આવે છે કે 1997માં અલ-ઝવાહિરી અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેર જતો રહ્યો હતો. જ્યાં ઓસામા બિન-લાદેનનું ઠેકાણું હતું.

એક વર્ષ બાદ ઇજિપ્ત ઇસ્લામિક જેહાદ, પાંચ અન્ય ઇતિવાદી ઇસ્લામિક સમૂહો સાથે આવી ગયું. જેમાં ઓસામા બિન-લાદેનનું અલ-કાયદા પણ સામેલ હતું.

આ બધાએ સાથે મળીને વર્લ્ડ ઇસ્લામિક ફ્રંટ બનાવ્યું. તેનો ઉદ્દેશ યહૂદીઓ અને ઈસાઈઓ વિરુદ્ધ જેહાદ હતી. પહેલી જ ઘોષણામાં આ સંગઠને અમેરિકન નાગરિકોને મારવાનો ફતવો જાહેર કર્યો હતો.

છ મહિના બાદ જ એક સાથે ઘણા હુમલા કર્યા. કેન્યા અને તન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો અને 223 લોકોનાં મૃત્યુ થયાં.

અલ-ઝવાહિરીની સૅટેલાઇટ ટેલિફોન પર થયેલી વાતચીતને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી કે બિન-લાદેન અને અલ-કાયદા હુમલા માટે જવાબદાર હતાં.

હુમલાનાં બે અઠવાડિયાં બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આ ગ્રૂપના ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરી નાખ્યાં હતાં.

તેના આગલા દિવસે ઝવાહિરીએ પાકિસ્તાની પત્રકારને ફોન પર કહ્યું હતું, "તમે અમેરિકાને કહી દો કે તેમનો બૉમ્બમારો, ધમકી અને આક્રમકતાથી અમે ડરીશું નહીં. હજી તો જંગ શરૂ થયો છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન