કૉમનવેલ્થ ગેમ્સ 2022 : હૉકીમાં ત્રણ ગોલથી આગળ હોવા છતાં ભારત જીત્યુ કેમ નહીં?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે
કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષ હૉકી ટીમે પૂલ-બીની મૅચનાં અંતિમ ક્વૉર્ટરમાં ખરાબ પ્રદર્શનના કારણે મૅચને પોતાના હાથમાંથી નીકળતા જોઈ. આ ખરાબ પ્રદર્શનના કારણે ઇંગ્લૅન્ડની ટીમ મૅચને 4-4થી ડ્રૉ રાખવામાં સફળ રહી.
આ ડ્રૉ મૅચના કારણે હજુ પણ ગ્રૂપ ખુલ્લું છે અને આગળનાં પરિણામોથી નક્કી થશે કે ટૉપ પર કઈ ટીમ રહેશે.
હાલ હૉકીમાં કોઈ પણ ટીમની મોટી લીડ મહત્ત્વ રાખતી નથી કારણ કે મૅચને ગમે ત્યારે પલટી શકાય છે.
ઇંગ્લૅન્ડની ટીમ એક સમયે 1-4થી પાછળ હતી પરંતુ એણે અંતિમ ક્વૉર્ટરમાં શાનદાર પર્ફોમન્સ કરીને મૅચ પલટી નાંખી હતી.
છેલ્લી કેટલીક મીનિટોમાં તો ભારત પર હારવાનો ખતરો નજરે પડ્યો હતો પરંતુ ભારત કોઈ પણ રીતે મૅચ ડ્રૉ કરીને પૉઇન્ટ વહેંચવામાં સફળ રહ્યું.

ઍક્શનથી ભરપૂર રહ્યું અંતિમં ક્વૉર્ટર

ઇમેજ સ્રોત, Reuters
ઇંગ્લૅન્ડે ત્રીજા ક્વૉર્ટરમાં લિયમ એનસેલના ગોલથી સંકેત આપ્યો કે તેઓ મૅચમાં વાપસી કરવાની ઇચ્છા રાખે છે.
પણ ચોથુ ક્વૉર્ટર શરૂ થતાં જ ભારતીય ટીમના તારણહાર મનાતા હરમનપ્રીત સિંહે પૅનલ્ટી કૉર્નર પર ડ્રૅગ ફ્લિકથી ગોલ મારીને ભારતને 4-1ની લીડ અપાવીને ટીમને જીત તરફ આગળ કૂચ કરાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ઇંગ્લૅન્ડની ટીમની ઇચ્છા કંઇક અલગ હતી અને તેમણે આ હાફમાં તાબડતોડ ઍટેક બતાવીને અત્યાર સુધી અભેદ્ય ગણાતા ભારતીય ડિફેન્સમાં ગાબડું પાડી દીધું.
ઇંગ્લૅન્ડની વાપસીમાં તેમની બદલવામાં આવેલી રણનીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
પહેલાં તેઓ સીધા ગોલ મારવા પર ધ્યાન આપી રહ્યા હતા પણ આ ક્વૉર્ટરમાં તેમણે ડિફલૅક્શનથી ગોલ મારવાનો પ્રયાસ કર્યો. જેના લીધે તેઓ ત્રણ ગોલ મારીને મૅચ 4-4થી બરાબર કરવામાં સફળ રહ્યા.
ભારતની નિશ્ચિત નજર આવી રહેલી જીતને ડ્રૉમાં બદલવામાં ખેલાડીઓના ટૅકલિંગમાં સંયમ ન દેખાડવાનું કારણ પણ જવાબદાર છે.
જે સમયે ઇંગ્લૅન્ડની ટીમ અંતિમ ક્વૉર્ટરમાં વાપસી માટે જોર કરી રહી હતી તે સમયે ભારતના બે ખેલાડી વરુણ કુમાર અને ગુરજંત ગલત ટૅકલિંગ કરીને 'યલો કાર્ડ' લઇને બહાર બેસી ગયા હતા.
મૅચ પૂરી થવાની નવ મીનિટ પહેલાં ભારતીય ટીમ નવ ખેલાડીઓ સાથે રમી રહી હતી. તેનું પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમના ઍટેકનો તો જીવ નીકળી જ ગયો હતો. સાથેસાથે ડિફેન્સની સંરચના પણ વેરવિખેર થતી જોવા મળી.

હૉકીમાં ભારત પહેલાં ઇંગ્લૅન્ડનો હતો દબદબો

ઇમેજ સ્રોત, Reuters
આપણે સૌ જાણીએ જ છીએ કે ઇંગ્લૅન્ડની ટીમ ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટનના નામે રમે છે પણ બંને ટીમોમાં ખેલાડીઓ લગભગ એક જ રીતે રમે છે.
ઑલિમ્પિક્સ હૉકીમાં ભારત પહેલાં બ્રિટનનો દબદબો હતો.
બ્રિટન 1908 અને 1920 ઑલિમ્પિક્સમાં વિજેતા બની ચૂક્યું હતું પરંતુ 1928માં ઍમ્સટર્ડમ ઑલિમ્પિક્સ સુધી ભારતીય ટીમ પ્રભુત્વ જમાવી ચૂકી હતી. બ્રિટન ઇચ્છતું હતું કે તેઓ જે દેશો પર રાજ કરે છે, તેમનાંથી હારે નહીં.
આ કારણથી તેમણે 1928, 1932 અને 1936 ઑલિમ્પિક્સમાં ભાગ જ ન લીધો. ત્યાર બાદ 1940 અને 1944માં બીજા વિશ્વયુદ્ધના કારણે ઑલિમ્પિક્સનું આયોજન થયું ન હતું. આ કારણથી 1948ના ઑલિમ્પિક્સમાં ભાગ લેવા સુધી બ્રિટન અજેય રહ્યું.
1948ની ઑલિમ્પિક્સમાં ઇંગ્લૅન્ડને પહેલી વખત ભારતના હાથે 0-4થી હાર મળી. જોકે, ત્યારે ભારત આઝાદ થઈ ચૂક્યું હતું.

ત્રીજા ક્વૉર્ટરમાં મળ્યા ઇંગ્લૅન્ડની વાપસીના સંકેત

ઇમેજ સ્રોત, Reuters
ઇંગ્લૅન્ડે હાફ ટાઇમ સુધી ત્રણ ગોલથી પાછળ રહીને ત્રીજા ક્વૉર્ટરમાં વાપસીનો પ્રયાસ કર્યો. આ ક્વૉર્ટરની શરૂઆતમાં તો લાગ્યું કે ઇંગ્લૅન્ડ અસરકારક ઍટેક કરવામાં અસમર્થ હતું.
પણ આ ક્વૉર્ટરમાં તેઓ લિયમ એનસેલના ગોલથી લીડ ઘટાડીને 1-3 કરવામાં સક્ષમ રહ્યા. હકીકતમાં આ ગોલથી ઇંગ્લૅન્ડનું મૅચમાં વાપસી કરવાનું મનોબળ મક્કમ થયું.
આ પહેલાં સુધી લાગી રહ્યું હતું કે તેમનો ફૉરવર્ડ ખેલાડીઓ માટે ભારતીય ડિફેન્સને ભેદવો સરળ નથી. ઇંગ્લૅન્ડે જ્યારે પણ ઍટેક કર્યો તો ડિફૅન્ડર તેમને શૉટ મારવા માટે જે સ્પેસની જરૂર હોય તે આપતા જ ન હતા.
જોકે, અંતિમ ક્વૉર્ટરમાં તેમણે દેખાડ્યું કે તેમનામાં મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત મને બાજી પલટતા આવડે છે.

ભારતે કરી સારી શરૂઆત

ઇમેજ સ્રોત, GLYN KIRK/AFP VIA GETTY IMAGES
ભારતીય ટીમ આ મૅચમાં જે રીતે શરૂઆતમાં રમી, તેનાંથી લાગ્યું કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સથી આગળ રમી રહ્યા હોય. ટોક્યોમાં ભારતે ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડને 3-1થી હરાવ્યા હતા.
ભારતે આક્રમક અંદાજમાં મૅચની શરૂઆત કરીને દબદબો બનાવવાની રણનીતિ અપનાવી. તેનો ફાયદો તેમને પ્રથમ ક્વૉર્ટરમાં બે ગોલથી થયો.
લલિત ઉપાધ્યાયે ભારતને બીજી મીનિટમાં પ્રથમ પૅનલ્ટી કૉર્નર અપાવ્યું. જેના પર હરમનપ્રીત સિંહના ડ્રૅગ ફ્લિકથી બૉલ ગોલકીપરને અથડાઈને લલિત પાસે આવ્યો અને તેમણે શાનદાર ગોલ ફટકાર્યો.
એક ગોલથી પાછળ રહ્યા બાદ ઇંગ્લૅન્ડના ઍટેકથી લાગ્યું કે મૅચ રોમાંચક થવા જઈ રહી છે. જોકે, ભારતે ક્વૉર્ટર ખતમ થવાની બે મીનિટ પહેલાં ગોલ ફટકારીને સ્કોર 2-0 કરી દીધો હતો.
ભારતે બીજા ક્વૉર્ટરમાં પણ લીડ બચાવવા માટે ડિફેન્સિવ વલણ અપનાવવાની ભૂલ ન કરી અને ઍટેકનો સિલસિલો યથાવત્ રાખ્યો. આ ક્વૉર્ટરમાં સાતમી મીનિટે નીલકાંત શર્મા અને મનદીપ સારી રીતે બૉલને ગોલપોસ્ટ સુધી ખેંચી ગયા અને અંતે મનદીપે બૉલને ગોલમાં નાંખવામાં કોઈ ભૂલ ન કરી.

હરમનપ્રીતે પરગટની યાદ અપાવી

ઇમેજ સ્રોત, SONU MEHTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
પરગટસિંહ ભારતના જબરદસ્ત પૂલબૅક રહ્યા છે. તેઓ ઘણી વખત ભારત માટે રમતી વખતે એકલાહાથે બૉલને ગોલપોસ્ટ સુધી લઈ જતા હતા.
આવું જ કંઈક આ મૅચ દરમિયાન હરમનપ્રીત સિંહ બીજા ક્વૉર્ટરમાં કરતા નજરે પડ્યા. તેઓ એકલા જ બૉલને સર્કલ સુધી લઈ જવામાં સફળ રહ્યા પણ તેઓ ગોલ સુધી જાય તે પહેલાં જ બૉલ તેમની પાસેથી છીનવાઈ જતો હતો.
હરમનપ્રીતની આદત પાછળ તેમનું યુવાવયે ફૉરવર્ડ તરીકે રમવું જવાબદાર છે. બાદમાં તેઓ પૂલબૅકની જવાબદારી સંભાળવા લાગ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













