ગુજરાતમાં લઠ્ઠાકાંડ : દેશી દારૂ ઝેર કઈ રીતે બની જાય છે?

ઇમેજ સ્રોત, SACHIN PITHHVA
- લેેખક, આભા ચૌધરી
- પદ, રસાયણવિજ્ઞાનના નિષ્ણાત

- બોટાદના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં. એક પછી એક 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ
- અસરગ્રસ્તોને ભાવનગર, બોટાદ અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે.
- મૃતકનાં પત્ની કહે છે કે અમારી એક જ માગ છે કે દારૂ બંધ કરો, માણસની જિંદગી બરબાદ થઈ જાય છે
- પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી, ATS અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ

બોટાદમાં ઝેરી દારૂ પીવાથી 39નાં મૃત્યુ થયાં છે અને કેટલાય લોકો હજી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને સારવાર માટે અમદાવાદ પણ ખસેડવામાં આવ્યા છે.
જોકે બોટાદ પોલીસે દાવો કર્યો છે કે કેમિકલને ડાઇલ્યૂટ કરીને પીવાના કારણે આ ઘટનામાં આટલા બધા લોકોના જીવ ગયા છે.
આ મૃત્યુઆંકે ફરી એક વખત આપણી સામે સવાલ મૂક્યો છે કે આખરે 'દેશી દારૂ' ઝેરી કેવી રીતે બની જાય છે?
ગુજરાતમાં દારુનું ઉત્પાદન, વેચાણ કે સેવન કાયદાથી પ્રતિબંધિત છે. જોકે એ છતાં દારૂ દરરોજ સમાચારોનો વિષય રહ્યો છે. અનેક વાર લઠ્ઠાકાંડની નાની-મોટી ઘટનાઓ સામે આવતી રહે છે.
દેશી દારૂ જેને સામાન્ય ભાષામાં 'કાચો દારૂ' પણ કહેવામાં આવે છે, તેનું રાસાયણિક સત્ય ખૂબ જ સાધારણ છે.
કાચા દારૂને વધારે નશીલો બનાવવાના ચક્કરમાં તે ઝેરી બની જાય છે. સામાન્યતઃ તેને ગોળ અને શીરાથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેમાં યુરિયા અને બેસરમબેલના પાંદડાં નાખવામાં આવે છે જેથી તેનો નશો વધી જાય અને ટકી રહે.
(બીબીસીએ 12 ફેબ્રુઆરી 2019ના રોજ દેશી દારૂના જીવલેણ બનવા અંગે કેમિસ્ટ્રીનાં નિષ્ણાત આભા ચૌધરીનો આ લેખ પ્રકાશિત કર્યો હતો. ફરી વાંચો તે અહીં)

મિથાઇલ આલ્કોહૉલ
દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી જાણકારી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબાગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.
કાચા દારૂમાં યૂરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.
વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિએક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરના અંદરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને તરત મૃત્યુ થઈ જાય છે.

ભેળસેળમાં અસંતુલન

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકોનાં શરીરમાં આ રાસાયણિક પ્રક્રિયા ધીમે-ધીમે થતી હોય છે, તો તેમને બચાવી શકાય છે.
જે રાસાયણિક દ્રવ્યને દેશી દારૂ કહીને વેચવામાં આવે છે, તે 95 ટકા વિશુદ્ધ આલ્કોહૉલ છે એટલે કે ભેળસેળ વગરનો હોય છે. તેને ઇથેનૉલ પણ કહેવામાં આવે છે.
તેને શેરડીના રસ, ગ્લૂકૉઝ, મીઠું, મહુવાના ફૂલ, બટાટા, ચોખા, જુવાર, મકાઈ જેવી કોઈ સ્ટાર્ચ ધરાવતાં પદાર્થનો આથો કરીને તૈયાર કરવામાં આવે છે.
આ ઇથેનૉલને નશીલો બનાવવા માટે વેપારી તેમાં મેથેનૉલ ભેળવે છે. જ્યારે ઇથેનૉલ સાથે 'કાષ્ઠ આલ્કોહૉલ', 'કાષ્ઠ નેફ્થા'ના નામે જાણીતા મેથેનૉલની ભેળસેળમાં સંતુલન બગડે છે ત્યારે તે ઝેરી બની જાય છે. મેથેનૉલ ઝેરીલી વસ્તુ છે.
મિથેનૉલ કેમિસ્ટ્રીની દુનિયાનો સૌથી સરળ આલ્કોહૉલ છે. સામાન્ય તાપ પર તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તેનો ઉપયોગ ઍન્ટીફ્રિઝર (ફ્રીઝિંગ પૉઇન્ટ ઓછા કરવા માટે કોઈ કૂલિંગ સિસ્ટમમાં પાણીની સાથે ભેળવવામાં આવતો પદાર્થ)ના રૂપે, બીજા પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવાના કામમાં અને ઈંધણના રૂપમાં થાય છે.
તે એક રંગહીન અને જ્વલનશીલ રસાયણ છે જેની ગંધ ઇથેનૉલ (પીવા માટે વપરાતા આલ્કોહૉલ) જેવી હોય છે.
એ જાણવું મહત્ત્વનું છે કે મિથેનૉલ એક ઝેરીલો પદાર્થ છે જે પીવાથી મોત થઈ શકે છે અને આંખોની રોશની પણ જઈ શકે છે.
ઇન્ડસ્ટ્રી ઇથેનૉલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે કેમ કે તેમાં મિશ્રિત થવાની ખૂબ વધારે ક્ષમતા હોય છે.
તેનો ઉપયોગ વૉર્નિશ, પૉલિશ, દવાઓનાં મિશ્રણ, ઇથર, ક્લૉરોફાર્મ, કૃત્રિમ રંગ, પારદર્શક સાબુ, અત્તર અને ફળની સુગંધો અને બીજા કેમિકલ કમ્પાઉન્ડ્સ બનાવવામાં થાય છે.
પીવા માટે ઘણા પ્રકારના દારૂ, ઘાને ધોવામાં બૅક્ટેરિયા કિલરના રૂપમાં અને પ્રયોગશાળાઓમાં સૉલ્વેન્ટના રૂપમાં તે કામે લાગે છે.

ઝેરી દારૂ શરીરમાં શું પ્રતિક્રિયા ઊભી કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઝેરી દારૂ પીધા બાદ શરીરમાં કેવી પ્રક્રિયા થાય છે?
આ સવાલ પર ડૉક્ટર અજીત શ્રીવાસ્તવ કહે છે, "સામાન્ય દારૂ ઇથાઇલ આલ્કોહૉલ હોય છે જ્યારે ઝેરી દારૂ મિથાઇલ આલ્કોહૉલ તરીકે ઓળખાય છે. કોઈ પણ આલ્કોહૉલ શરીરમાં લીવરના માધ્યમથી આલ્ડીહાઇડમાં પરિવર્તિત થઈ જાય છે. પરંતુ મિથાઇલ આલ્કોહૉલ ફૉર્મેલ્ડાઇડ નામના ઝેરમાં પરિવર્તિત થઈ જાય છે."
"આ ઝેર સૌથી વધારે આંખો પર અસર કરે છે. અંધાપો તેનું પહેલું લક્ષણ છે. કોઈએ ખૂબ વધારે દારૂ પી લીધો છે તો તેનાથી ફૉર્મિક એસિડ નામનો ઝેરીલો પદાર્થ શરીરમાં બનવા લાગે છે. તે મગજની કામ કરવાની પ્રક્રિયા પર અસર કરે છે."
આશ્ચર્યની વાત એ છે કે ઝેરી દારૂનો ઇલાજ પણ દારૂથી જ થાય છે. ડૉક્ટર અજીત શ્રીવાસ્તવ કહે છે, "મિથાઇલ આલ્કોહૉલના ઝેરનો ઇલાજ ઇથાઇલ આલ્કોહૉલ છે. ઝેરી દારૂના ઍન્ટીડોટ તરીકે ટૅબ્લેટ્સ પણ મળે છે પરંતુ ભારતમાં તેની ઉપલબ્ધતા ઓછી છે."

ગુજરાતમાં મિથાઇલ આલ્કોહૉલમાંથી બનાવ્યો?

ઇમેજ સ્રોત, SACHIN PITHHVA
બોટાદમાં ઝેરી દારૂ પીવાથી 31 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાય લોકો હજી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સોમવારની છે.
સ્થાનિક મીડિયા પ્રમાણે રોજિદ ગામમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂ બનતો હતો. જેમાં મિથાઈલ આલ્કોહૉલનો ઉપયોગ કરાતા દુર્ઘટના સર્જાઈ હોવાનો દાવો છે. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમ પણ બોટાદ પહોંચી છે અને ઘટનાની તપાસ કરી રહી છે.
આ સમગ્ર બનાવ અંગે રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયાએ પત્રકારપરિષદ યોજી અને પોલીસ કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ બનાવના કુલ 13 આરોપીઓ પૈકી મોટાભાગનાને પોલીસે 24 કલાક કરતાં ઓછા સમયમાં રાઉન્ડ અપ કર્યાં હતા. પોલીસ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ કરી રહી છે."
અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે અલગઅલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.
તેમજ જે વિસ્તારમાં ઘટના બની ત્યાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને જેમણે આ કામ કર્યું છે એમને પણ પકડવા માટે ટીમો બનાવાઈ છે.

ઇમેજ સ્રોત, ANI
ડીજીપી આશિષ ભાટિયા જણાવે છે કે, "નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બેરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી તેણે કેમિકલની ચોરી કરી હતી. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહોલ સપ્લાય કર્યો હતો."
જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત દિલીપ નામની વ્યક્તિને આ પ્રવાહી આગળ વેચ્યું હતું.
પિન્ટુએ 200 લિટર આગળ વેચ્યું હતું. પિન્ટુએ આ કેમિકલ આગળ વહીયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યું હતું.
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "મિથાઇલ આલ્કોહોલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સોલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ અને બોટાદના 22 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છ લોકોનાં અત્યાર સુધી મૃત્યુ થયાં છે. આ સિવાય બે લોકોનાં મૃત્યુ શંકાસ્પદ છે."
આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં દારૂ બનાવનાર, વેચનાર સહિત કુલ પાંચ વ્યક્તિને પકડી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













