બોટાદમાં 'ચોરી કરીને લવાયેલ કેમિકલ દારૂ તરીકે વેચાતાં આટલાં મોત થયાં', પોલીસે બીજું કહ્યું?

ઇમેજ સ્રોત, NANDAN DAVE

- બોટાદના રોજિદ ગામમાં કથિત રીતે દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યા, 31 લોકોનાં મૃત્યુ
- બોટાદ પોલીસનો દાવો અમદાવાદથી 600 લિટર કેમિલક ચોરાયું હતું જેને અલગઅલગ લોકોને વહેંચવામાં આવ્યું
- એસપી બોટાદ કરણરાજ વાધેલાએ કહ્યું કે 'કેમિકલમાંથી દારૂ બનાવવામાં આવ્યો નથી, પાણી નાખીને ડાઇલ્યૂટ કરીને આટલી મોટી જાનહાનિ થઈ છે.'
- અસરગ્રસ્તોને ભાવનગર, બોટાદ અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા
- કૉંગ્રેસ-આપના ભાજપ સરકાર પર પ્રહાર, ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ હોવાનો સરકારનો દાવો
- આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બોટાદમાં હૉસ્પિટલની મુલાકાત લીધી હતી

બોટાદ પોલીસનો દાવો છે કે બરવાડા તાલુકાના રોજિદ ગામમાં કેમિકલ પીવાને કારણે લોકો મૃત્યુ પામ્યા છે. પોલીસનો દાવો છે કે કેમિકલમાંથી દારૂ નહોતો બનાવવામાં આવ્યો પરંતુ પાણી ભેળવીને કેમિકલ જ લોકોને આપવામાં આવ્યો હતો.
સોમવારે કથિત રીતે કેમિકલ દારૂ પીવાથી 31 લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકોને ભાવનગર, અમદાવાદ અને બોટાદની હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અનુસાર ભાવનગરની સ ટી હૉસ્પિટલમાં દાખલ છ લોકોની હાલત ગંભીર છે.
બોટાદના એસપી કરણરાજ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બરવાડા તાલુકાના રોજિદ ગામમાં એક કેસ નોંધાયો હતો જેમાં એક વ્યક્તિનું ઝેરી કેમિકલ પીને અંકુર હૉસ્પિટલમાં સારવાર હેઠળ મૃત્યુ થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસની દસ ટીમો બરવાડા પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવી હતી."
"પોલીસે ઝેરી કેમિકલ પીવાથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગામડાઓમાં પણ સરપંચ અને આરોગ્ય ટીમને લઈને કૉમ્બિંગ કર્યું હતું."
"બરવાડાનાં પ્રતિબંધિત બૂટલેગર ગજુબહેન વડદરિયાએ ઝેરી કેમિકલ રોજિદ ગામના લોકોને આપેલું હતું અને ગજુબહેનની પૂછપરછ કરતા ખબર પડી કે તેમણે ચોકડી ગામના પિંટુ અને લાલો નામના લોકો પાસેથી તેમણે આ ઝેરી કેમિકલ મેળવ્યું હતું."
"તેમને પણ પોલીસે પકડીને પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું કે નભોઈ ગામના સંજય અને હરેશ પાસેથી પિંટુ અને લાલો 200 લિટર કેમિકલ લાવ્યા હતા. રાત્રે સંજયને પકડીને પૂછપરછ કરી હતી."

ઇમેજ સ્રોત, NANDAN DAVE
"સંયજે અમદાવાદના રાજુભાઈ ઉર્ફ જયેશ પાસેથી કેમિકલ મેળવ્યું હતું. જયેશ નારોલની એક ફેકટરીમાંથી 600 લિટર કેમિકલ લઈ આવ્યો હતો."
"રાજુ રિક્ષામાં ધંધુકાની હદમાં 600 લિટર કેમિકલ આપવા આવ્યો હતો. સંજય હરેશ અને ત્રીજી વ્યક્તિ નસીમ, 600 લિટર બૅરલ લીધું હતું જેમાંથી સંજયે 200 લિટર રાખ્યું હતું. ત્રણ લોકોએ આ 600 લિટર કેમિકલ મળ્યો હતો. પિંટુ પાસેથી 135 લિટર કબજે કરવામાં આવ્યું છે અને સંજય પાસેથી પણ કેમિકલ પકડાયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કુલ મળીને જે 600 કેમિકલ મળ્યું હતું 595થી 600 લિટરનો તાળો મળી ગયો છે. જેને જેને પણ કેમિકલ સપ્લાય કર્યું હતું તેવા ત્રણ-ચાર લોકોને પણ પકડવામાં આવ્યા છે. ગજુબહેન, ભવાન અને સની કુમાર ખાણિયાને કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું."
"રાણપુર અને બરવાડાના ત્રણ ત્રણ ગામો આ ઘટનામાં પ્રભાવિત થયાં છે. આ બંને પોલીસ સ્ટેશન હેઠળ જેટલાં મૃત્યુ થયાં છે તેમાં બે એફઆઈઆર દાખલ કરાઈ છે. જેમાં આઈપીસીની કલમ 302, મર્ડર, 120બી અને કલમ 65એ, 67 એ હેઠળ કુલ 13 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
બંને ગુનાના આઠ આરોપી પોલીસે પકડ્યા છે. સાત આરોપીઓની બોટાદ પોલીસે પકડી પાડ્યો છે અને એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પકડી પાડ્યો છે.
એફએસએલની ટીમો કામે લાગેલી છે.
આ સમગ્ર બનાવ અંગે રાજ્યના પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયાએ પત્રકારપરિષદ યોજી અને પોલીસ કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ બનાવના કુલ 13 આરોપીઓ પૈકી મોટાભાગનાને પોલીસે 24 કલાક કરતાં ઓછા સમયમાં રાઉન્ડ અપ કર્યા હતા. પોલીસ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ કરી રહી છે."

ચોરી કરીને લવાયેલ મિથાઇલ આલ્કોહોલ પીવાના કારણે થયાં મોત?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.
તેમણે પોલીસ કાર્યવાહી અને બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "અમદાવાદ રુરલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બનાવના સ્થળે પહોંચ્યા હતા જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા. આ સમગ્ર બનાવની તપાસ કરતાં જણાયું છે કે બોટાદ જિલ્લાનાં અમુક ગામડાંમાં, ખાસ કરીને રોજિંદ અને ચોકડી ગામમાં આ બનાવની અસર જોવા મળી છે."
તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહે છે કે, "આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઇજીને પણ મોકલવામાં આવ્યા હતા."
અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા કહે છે કે, "બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડ અપ કરી લેવાયા છે. ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયો છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહૉલની હાજરી જણાઈ આવી છે."
આ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, "નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બેરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યો હતો. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો."

ઇમેજ સ્રોત, NANDAN DAVE
જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત દિલીપ નામની વ્યક્તિને આ પ્રવાહી આગળ વેચ્યો હતો.
પિન્ટુએ 200 લિટર આગળ વહેંચ્યો. પિન્ટુએ આ કેમિકલ આગળ વહીયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યો હતો.
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સોલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ અને બોટાદના 22 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છ લોકોનાં અત્યાર સુધી મૃત્યુ થયાં છે. આ સિવાય બે લોકોનાં મૃત્યુ શંકાસ્પદ છે."
આશિષ ભાટીયાએ હાલમાં દર્દીઓની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ કેમિકલ પીનાર લોકો પૈકી મોટા ભાગના લોકો ભાવનગર અને અમદાવાદમાં સારવાર હેઠળ છે જે પૈકી મોટા ભાગનાની હાલત સારી છે. તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે."
આ બાબતમાં પોલીસ કાર્યવાહી અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "આ બાબતે બરવાળા પોલીસ સ્ટેશનમાં એક ગુનો, રાણપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. 13 જેટલા આરોપીઓનાં નામ એફઆઈઆરમાં છે જે પૈકી મોટા ભાગનાને રાઉન્ડ અપ કરી લેવાયા છે. પોલીસ તરફથી કાર્યવાહીમાં ભાવનગરના રૅન્જ આઇજી, અમદવાદ રુરલ રૅન્જ આઇજી, એટીએસની ટીમ, અમદાવાદ રૂરલ અને બોટાદના એસપી તપાસમાં જોડાયા છે. આ સમગ્ર બનાવનો પર્દાફાશ આ ટીમની તપાસથી શક્ય બન્યો છે."
ડીજીપી આશિષ ભાટીયાએ આગળ જણાવ્યું હતું કે, "આ ઘટનાના આરોપીઓને આ મામલે કડક સજા થાય તે માટે સજ્જડ તપાસ કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે."
તેમણે ઘટના બની તે ગામના સરપંચ દ્વારા કરાયેલ પોલીસ નિષ્ક્રિયતાના આક્ષેપ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે, "આ મામલે મળેલી અરજીમાં બે વ્યક્તિ પર પ્રોહિબિશન 93, નીલ દરોડા અને એક વ્યક્તિને તડિપાર કરાયાની કાર્યવાહી કરાઈ છે."
મિથાઇલ આલ્કોહૉલની ચોરી બાબતે કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાની વાત પણ તેમણે જણાવી હતી અને કહ્યું હતું કે આરોપીએ આગળ 40 હજાર રૂપિયામાં તે વેચ્યો હતો.

'અમે અગાઉ પણ પોલીસને જાણ કરી હતી'

ઇમેજ સ્રોત, Sachin Pithhva
અગાઉ આ લઠ્ઠાકાંડ પાછળ તંત્રની કથિત બેદરકારીને જવાબદાર ઠેરવતાં રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીએ પત્રકારો સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું, "ત્રણ-ચાર મહિના પહેલાં મેં તંત્રમાં, એસપી, પીએસઆઈ તેમજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. ગ્રામપંચાયતના ઠરાવમાં લઈને ફરી એકવખત રજૂઆત કરી તો પણ આનું કોઈ નિવારણ આવ્યું નહીં."
મૃતકોએ રોજિદ ગામમાં દારૂ પીધો હોવાનું તેમના પરિજનોનું કહેવું છે.
કેટલાક દર્દીઓને સારવાર માટે ભાવનગર અને કેટલાકને બોટાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સમગ્ર ઘટનાને પગલે બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો પણ તપાસમાં લાગ્યો છે. તેમણે એક એસઆઈટી બનાવીને તપાસ આરંભી છે ગણતરીના કલાકોમાં જ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે.

'લોકોને ખબર છે આ દારૂના પૈસા ક્યાં જાય છે'
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.
તેમણે કહ્યું, "ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ રીતે દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થાય છે. લોકોને ખબર છે કે આ દારૂના પૈસા ક્યાં જાય છે. જો અમારી સરકાર આવશે તો અમે દારૂબંધીનો ચુસ્ત અમલ કરીશું."
કેજરીવાલે કહ્યું, "અમે ભાવનગર હૉસ્પિટલમાં આવ્યા છીએ. અહીં દાખલ ઘણા ગંભીર હાલતમાં છે. બધા બહું ગરીબ છે. તેમણે કહ્યું કે ખુલેઆમ દારુ વેચાય છે, રોજ વેચાય છે. ગુજરાતમાં નશાબંધી છે તો ગામેગામ કેવી રીતે દારુ વેચાઈ રહ્યો છે. રાજકીય સંરક્ષણ વગર આમ શક્ય નથી. નશાબંધી ઉપર મોટો પ્રશ્ન ઉભો થાય છે."
તેમણે ઉમેર્યું, "લોકો કહે છે કે હજારો કરોડો રૂપિયાનો આ ધંધો છે. અમારી માંગ છે કે ઘટના (લઠ્ઠાકાંડ)માં માર્યા ગયેલાઓના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે. હૉસ્પિટલમાં દાખલ લોકોને વળતર આપવામાં આવે. દારુ માફિયાને ન પકડવામાં આવે ત્યા સુધી નાના લોકોને પકડવાથી કઈ વળવાનું નથી."
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધ હિંદુને જણાવ્યું, "બૂટલેગરો અને પોલીસની મિલીભગતથી બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને આવા લોકોને ભાજપ દ્વારા છાવરવામાં આવે છે. પોલીસ રૅગ્યુલર તેમની પાસેથી હપ્તા લે છે."
આ મામલે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરતાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, "ગુજરાતમાં દરરોજ સરકારના સંરક્ષણમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ પિવાય છે. સરકાર દારૂબંધી પર સર્ક્યુલર બહાર પાડવામાં વ્યસ્ત છે અને અસામાજિત તત્ત્વો મુક્તપણે દારૂ વેચવામાં. બુટલેગિંગમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સરકાર કડક પગલાં ભરે અને દારૂબંધીનો કડકડાઈથી અમલ કરે એવી અમારી માગ છે."
જ્યારે ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકારે દારૂબંધીનું કડક પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે દારૂબંધીના કડક પાલન અને ગેરકાયદેસર દારૂવેચાણને લઈને ચુસ્ત કાયદો બનાવે અને તે પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં..."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















