રાજસ્થાનમાંથી છોકરીઓને નોકરીની લાલચે લાવી ગુજરાતમાં વેચી દેનારી ગૅંગ કઈ રીતે ઝડપાઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમારી પાસે એક અઠવાડિયામાં બે સગીરાની ગુમ થવાની એકસરખી ફરિયાદો આવી. અમે તરત જ ઉદેપુરના ક્યારી લુહારચા વિસ્તારમાં દરોડો પડ્યો, ત્યાં એ મહિલા ના મળી પણ એનો પતિ મળ્યો. એ પોતાની પત્નીની મદદથી સગીર છોકરીઓને ગુજરાતમાં નોકરી અપાવવાની લાલચ આપી પોતાની ગૅંગને સોંપીને વેચી દેતો."
રાજસ્થાનના સિરોહીના એસ.પી. કેવી રીતે સગીર છોકરીઓને વેચવામાં આવતી હતી એની વાત કરે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રાજસ્થાનથી ગુજરાતમાં છોકરીઓને લાવીને વેચી દેનાર આ ભેજાબાજ ગૅંગ વિશે બીબીસી સાથે વાત કરતાં સિહોરીનાં એસ.પી. મમતા ગુપ્તાએ કહ્યું, "સગીર છોકરીની મિસિંગ ફરિયાદ અમારી પાસે આવે છે પણ અમારી પાસે બે એવી ફરિયાદ આવી કે જેમાં માતાપિતાએ જણાવ્યું હતું કે એમની દીકરીઓને એમની જ જ્ઞાતિની મહિલા ગુજરાતમાં નોકરી અપાવવા લઈ ગઈ હતી."
એસ.પી. મમતા ગુપ્તાએ વધુમાં કહ્યું કે "રાજસ્થાનના ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં ખેતી પર નભતા આદિવાસીઓ પૈકીની દેવલી એક હતી. એ એક ગુજરાતીને પરણેલી હતી અને મહિનામાં પંદર દિવસ રાજસ્થાન અને પંદર દિવસ ગુજરાતમાં રહેતી હતી."
"લગ્ન પછી એની જીવનશૈલી બદલાઈ હતી. પૈસા વાપરવા લાગી હતી એટલે એની જ્ઞાતિના આદિવાસી લોકો એનાથી અંજાઈ ગયા હતા."
"એ આજુબાજુનાં ગામોમાં કેટલીક છોકરીઓ ગુજરાત ગઈ હતી. આરોપી છોકરીઓનાં માતાપિતાને ગુજરાતમાં નોકરી મળી હોવાનું કહી ઍડવાન્સમાં 30 હજાર રૂપિયા આપતી હતી."
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલા અને ગૅંગ છોકરીઓને નોકરી અપાવવાની લાલચ આપતી અને પછી તેને વેચી મારતી હતી.

આ ગૅંગ કોણ છે?

ઇમેજ સ્રોત, iStock
પોલીસને આ ગૅંગ શોધતાં એક બીજી કડી પણ મળી હતી અને એ રીતે આખી વાત સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ.પી. મમતા ગુપ્તા કહે છે કે તેમના માટે આ નવી વાત હતી કે નોકરી મળતાંની સાથે જ સગીર છોકરીઓને કોઈ ઍડવાન્સ પગાર કેવી રીતે આપે?
"બંને ફરિયાદ જોયા પછી અમે તરત જ દેવલીના ઘરનું જે સરનામું હતું ત્યાં દરોડો પડ્યો તો દેવલી તો ના મળી પણ એનો પતિ વનુજી ઠાકોર મળ્યો."
"ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા ગામનો વતની વનુજી ઠાકોર કામના બહાને રાજસ્થાન આવ્યો હતો. અહીં એણે દેવલી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં."
પોલીસ કહે છે કે આરોપી દંપતી રાજસ્થાનની સગીર છોકરીઓને નોકરીની લાલચ આપતું હતું.
ભરોસો બેસે એ માટે નોકરી પહેલાં જ ઍડવાન્સ પગારપેટે છોકરીઓનાં માતાપિતાને આરોપી મહિલા દ્વારા 30 હજાર રૂપિયા આપી દેવાતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર એ રીતે આદિવાસી લોકોને એની વાતમાં ભરોસો બેસી જતો હતો અને તેઓ છોકરીને મોકલતાં હતાં.
"અમારી પ્રાથમિક તપાસમાં જણાયું કે વનુજી ઠાકોર અને એની પત્ની રાજસ્થાનથી છોકરીઓને નાગજી નામના માણસને મોકલતાં હતાં."
"એની ગૅંગમાં ઉત્તર ગુજરાતના ખેરાલુ નાગજીની વિશ્વાસું રમી ઠાકોર હતી અને અન્ય એક સભ્ય દલપત રાવળ પણ હતો."

લગ્નના નામે છોકરીઓને વેચવાનો કારસો

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
સગીરાના પિતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી મહિલાએ તેમને કહ્યું હતું કે એમની દીકરી બહું ભણેલી નહોતી. તેથી એ રાજસ્થાનમાં ખેતમજૂરી કરીને જેટલું કમાઈ શકે એનાથી ક્યાંય વધારે ગુજરાતમાં સિલાઈકામ અને રસોઈકામ કરીને કમાશે.
પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે, "અમે દેવલીને લગ્ન બાદ પૈસેટકે સુખી થતી જોઈ હતી અને અમારી જ્ઞાતિની હતી એટલે અમને તેના પર ભરોસો હતો. તેણીએ અમને કહ્યું હતું કે ગુજરાતમાં નોકરી મળી ગઈ છે અને નોકરીપેટે ઍડવાન્સમાં 30 હજાર રૂપિયા પણ આપ્યા હતા. જેથી અમને તેના પર ભરોસો થઈ ગયો હતો."
"જોકે, લાંબા સમય સુધી અમારી દીકરીની કોઈ ભાળ ન મળતાં અમને શંકા ગઈ અને અમેં દેવલીને પૂછ્યું તો તેણીએ કંઈ કહ્યું નહીં અને ત્યાર બાદથી મળવાનું પણ બંધ કરી દીધું હતું."
માનવતસ્કરીના આ કેસની તપાસ કરનાર સિહોરીના ડી.વાય.એસ.પી જેઠુસિંહ કનૌતે બીબીસી સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે "વનુજીને પકડાયો ત્યારે એની પત્ની સાથે નહોતી. એણે સિદ્ધપુરમાં દલપત રાવળને ત્યાં છોકરીઓ પહોંચાડતો હોવાની વાત કબૂલી હતી. એની પત્ની રમીને મળવા ગુજરાત ગઈ હોવાની વાત પણ એણે કરી હતી."
પોલીસે આ ઑપરેશન ગુપ્ત રાખ્યું હતું, કારણ કે કોઈને સહેજ પણ ગંધ આવે તો ગુજરાતમાંથી આરોપીઓ નાસી જાય એમ હતા.
જેઠુસિંહ કહે છે, "નાગજીનો જે ફોનનંબર અમને મળ્યો હતો એ બંધ હતો. અમે ફોનનાં લોકેશન જોયાં તો નાગજીની ખાસ વિશ્વાસુ રમી ઠાકોર વડનગર પાસેના મલેકપુરથી સાબરકાંઠાની આવનજાવન કરતી હોવાનું માલૂમ પડ્યું."
"એ ઉપરાંત દલપત રાવળ નામનો આરોપી પણ અલગઅલગ ફોન નંબરથી વનુજી સાથે વાત કરતો હતો. અમે વનુજી ઠાકોરનો ફોન ચાલુ રખાવ્યો હતો અને સ્પીકર ફોન પર વાત કરવા દેતા હતા. આરોપીઓ ગુજરાતમાં હોવાની ખાતરી થતાં અમે ગુજરાત આવ્યા હતા. "
"અમે સિદ્ધપુર પાસેના કહોડા ગામ પાસે ચટવાળા ગામમાં ખેતમજૂર તરીકે રહેતા દલપતને પકડી લીધો. એના ઘરેથી એક છોકરી અમને મળી આવી. બીજી છોકરી રમી પાસે હોવાની ખબર પડતાં અમે રાતોરાત દલપત સાથે વડનગર પાસેના મલેકપુરમાં ગયા ત્યાં રમી સાથે એક છોકરી મળી આવી."
રાજસ્થાન પોલીસ અનુસાર, આરોપીઓ આ છોકરીઓને લગ્નના નામે એક લાખ સિત્તેર હજારમાં વેચવાનાં હતાં પરંતુ આ બન્ને છોકરીઓ 16 વર્ષની હોવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એમનાં લગ્નનો સોદો થયો નહોતો.
પોલીસ અધિકારી જેઠુસિંહ કનૌત જણાવે છે, "જે લોકો એને ખરીદવા માગતા હતા એ લોકોએ છોકરી નાની ઉંમરની હોવાથી ખરીદવા માટે ના પાડી હતી."
"આ ગૅંગ છોકરીઓનાં માતાપિતાને બાદમાં પૈસા આપી શકી નહોતી. આ છોકરીઓને ફોસલાવી નોકરીના નામે ગુજરાત લાવનાર દેવલી પાસે છોકરીઓનાં માતાપિતાએ બાકીના પગારની માગણી કરી એટલે એ નાસી ગઈ હતી."

છોકરીઓ પર અત્યાર પણ થતો

ઇમેજ સ્રોત, Getty Images
ડી.વાય.એસ.પી.જેઠુસિંહ કનૌતના જણાવ્યા અનુસાર આરોપી વનુજી ઠાકોરે આ છોકરીઓ પર અનેક વાર બળત્કાર કર્યો હતો
તેઓ ઉમેરે છે, "રમીએ આપેલા સરનામા પર અમે નાગજીને શોધવા ગયા ત્યારે ખેરાલુના ડભોડામાં અનાજનો ધંધો કરનાર નાગજી ફરાર હતો."
પોલીસ કહે છે કે એમને નાગજીનું પગેરું મળી ગયું છે. ટૂંક સમયમાં એને પકડી પાડશે.
"રમી ઠાકોર પાસેથી મળેલી માહિતીના આધારે અમે દેવલીની પણ ધરપકડ કરી છે. દેવલીની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે એ રાજસ્થાની હોવાથી પોતાની જ્ઞાતિની છોકરીઓને આસાનીથી ફસાવતી હતી."
"એમને (છોકરીઓ) સિલાઈકામ અને રસોઈ બનાવવાના કામની લાલચ આપી લઈ આવતી હતી. દેવલીને ખબર હતી કે એનો પતિ વનુજી ઠાકોર જે છોકરીનો સોદો ના થયો હોય એની સાથે શારીરિક સુખ માણતો હતો, પરંતુ એને પૈસા મળતા હોવાથી એ ચૂપ રહી હતી."
જેઠુસિંહ કહે છે કે અમે આ તમામ લોકોના રિમાન્ડ લીધા છે, ત્યારબાદ એ લોકોએ રાજસ્થાનથી કેટલી છોકરીઓને ગુજરાત લાવ્યા છે અને વેચી છે એની તપાસ કરીશું.
બનાસકાંઠાના પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણા જણાવે છે, "અમારી પાસે આ પ્રકારની કેટલીક ફરિયાદો આવી હતી. જેને લઈને પાલનપુર તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે."
તેમણે આગળ કહ્યું, "અત્યાર સુધીની તપાસમાં માનવતસ્કરી સાથે સંકળાયેલા કેટલાક લોકો પંચમહાલનાં હાલોલ, કાલોલ અને આસપાસના વિસ્તારોમાં હતા. અમે અત્યાર સુધીમાં આ મામલે પાંચ લોકોને પકડ્યા છે. આ લોકો આસપાસમાંથી આદિવાસી છોકરીઓને વેચતા હતા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












