અજમલ કસાબને ફાંસી બાદ બીબીસી તેના ગામમાં પહોંચ્યું ત્યારે ત્યાં શું જોવા મળ્યું હતું?

દસ ઉગ્રવાદીઓમાંથી માત્ર એક જ અજમલ કસાબ જીવતો પકડી શકાયો હતો
ઇમેજ કૅપ્શન, દસ ઉગ્રવાદીઓમાંથી માત્ર એક જ અજમલ કસાબ જીવતો પકડી શકાયો હતો

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં દસ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના પ્રશિક્ષિત અને ભારે હથિયારો સાથે સજ્જ દસ ઉગ્રવાદીઓએ મુંબઈનાં ઘણાં સ્થળો અને પ્રતિષ્ઠિત ઇમારતો પર હુમલો કર્યો હતો, જે ચાર દિવસ સુધી ચાલ્યો હતો.

દસ ઉગ્રવાદીઓમાંથી માત્ર એક જ અજમલ કસાબને જીવતો પકડી શકાયો હતો.

અજમલ કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ પુણેની યરવડા જેલમાં સવારે સાડા સાત વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.

ગ્રેલાઈન

જ્યારે બીબીસી પહોંચ્યું કસાબના ગામ

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં દસ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં દસ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો

ત્યારે બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફરીદકોટમાં પહોંચ્યાં હતાં. વાંચો, તેમણે ત્યારે ત્યાં શું-શું જોયું?

“કસાબને ફાંસીના સમાચાર આવ્યા બાદ પંજાબ પ્રાંતના ફરીદકોટમાં હું પહોંચી, જેને કસાબનું ગામ કહેવામાં આવે છે.”

“હું એ મહોલ્લામાં પહોંચી, જ્યાંનું એક ઘર કસાબનું ઘર હોવાનું લોકો કહેતા હતા. ઘરની આજુબાજુ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. નજીકમાં કેટલીક દુકાનો હતી, ત્યાં પણ ઘણી ભીડ હતી.”

“ત્યાં નવયુવાનો સહિત કેટલાક લોકો સાથે મેં વાત કરવાના પ્રયાસ કર્યા, તો તેમણે કસાબ તેમના ગામનો ન હોવાનું કહ્યું હતું.”

“લોકોનું કહેવું હતું કે, 'અમે અહીં જ જન્મ્યા છીએ, અમે અહીં કસાબને ક્યારેય જોયો નથી, કસાબના નામ પર આ ગામને બદનામ કરવામાં આવી રહ્યું છે.'

લોકોએ જણાવ્યું હતું કે, 'તેમણે કસાબનું નામ મીડિયા દ્વારા જ સાંભળ્યું છે અને અહીં કસાબ કે કસાબના પરિવારની કોઈ વ્યક્તિ રહેતી નથી.”

“મેં આ ઘરની બાજુમાં આવેલી દુકાન પર ઊભેલા કેટલાક લોકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, આ આખું નાટક રચવામાં આવ્યું છે, લોકો અમારા વિસ્તારને બદનામ કરી રહ્યા છે.'

‘ઘરમાંથી બહાર નીકળો’

હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા
ઇમેજ કૅપ્શન, હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા

“તે ઘરની બહાર કેટલાંક પ્રાણીઓ બાંધેલાં હતાં, અંદર જઈને જોયું તો ત્યાં કેટલીક મહિલાઓ પણ હતી.”

“આ ઘરમાં કેટલાક લોકો રહે છે અને કહેવાય છે કે કસાબના પરિવારના લોકો ઘણા સમય પહેલાં આ ઘરને છોડીને ક્યાંક જતા રહ્યા હતા અને હવે અહીં અન્ય લોકો રહે છે.”

“અમને જોઈને ઘરની મહિલાઓ અંદર જતી રહી અને જ્યારે અમે ત્યાંનાં દૃશ્યને કૅમેરામાં કેદ કરવા લાગ્યા તો કેટલાક લોકોએ આવીને અમને રોક્યા.”

એ લોકોએ કહ્યું કે, “તમે અહીં કેવી રીતે પ્રવેશ્યા, તેમણે અમને તરત ત્યાંથી જતા રહેવા કહ્યું.”

“પછી અમે અમારો કૅમેરો બંધ કરીને ઘરની બહાર નીકળી ગયાં, બહાર એક સાહેબ સાથે મારી થોડી દલીલ પણ થઈ, કદાચ એ વિસ્તારમાં તેઓ વગવાળી વ્યક્તિ હતી.”

“ગામમાં અમને વર્ધીમાં કોઈ સુરક્ષાકર્મી દેખાયા નહીં, ત્યાં શોકનો માહોલ પણ જોવા મળ્યો ન હતો, પરંતુ લોકોમાં રોષ જરૂર હતો.”

ગ્રેલાઈન

કસાબને ફાંસી, જેલમાં જ દફનાવ્યો

અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી

અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પુણેની યરવડા જેલમાં સવારે સાડા સાત વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.

તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે “પાકિસ્તાનને આ અંગે સૂચિત કરવામાં આવ્યું હતું, પરંતુ પાકિસ્તાન તરફથી મૃતદેહની માગણી કરાઈ ન હતી.”

મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે “કસાબના મૃતદેહને યરવડા જેલના પરિસરમાં દફનાવવામાં આવ્યો હતો.”

આ પહેલાં મુંબઈ હુમલા દરમિયાન માર્યા ગયેલા નવ ઉગ્રવાદીઓના મૃતદેહ પણ પાકિસ્તાન સરકારે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

બીબીસી
બીબીસી