ગુજરાત વિધાનસભા ચૂંટણી : કૉંગ્રેસ આમ આદમી પાર્ટીને કેટલી ગંભીરતાથી લઈ રહી છે?

"શું તમે કૉંગ્રેસના સમર્થક છો? શું તમે કૉંગ્રેસને મત આપો છો? જો હાં, તો મારી તમને વિનંતી છે કે આ વખતે કૉંગ્રેસને મત ન આપતા."
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં કૉંગ્રેસના મતદારોને આવી કંઇક અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું, "કૉંગ્રેસને મત આપવાનો અર્થ છે તમારો મત વ્યર્થ જવો. જો તમે કૉંગ્રેસને મત આપશો તો કૉંગ્રેસના જીતેલા ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે. આ વખતે કૉંગ્રેસની સરકાર બનવાની નથી."
આ સાથે તેમણે કૉંગ્રેસના મતદારોને આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી.
આ અપીલ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં કેજરીવાલે ઘણી વખત સીધા કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ યોજેલા કાર્યક્રમમાં પણ અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, જ્યારે એક પત્રકારે તેમને એક કૉંગ્રેસ નેતા દ્વારા કરાયેલા આક્ષેપ અંગે પૂછવામાં આવ્યું, તો જવાબમાં તેમણે કહ્યું, "કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તમારે એમના પ્રશ્ન જ ન લેવા જોઈએ."
આ ઉપરાંત એનડીટીવીના એક કાર્યક્રમમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 'તમે દરેક રાજ્યમાં ભાજપ સામે લડવાની વાત કરો છો પણ અંતે ત્યાં કૉંગ્રેસને નબળી પાડો છો.' તો તેમણે હસતાહસતા કહ્યું હતું કે "કૉંગ્રેસને નબળી પાડવા રાહુલ ગાંધી પૂરતા નથી? મારી શું જરૂર છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં કૉંગ્રેસની પાંચથી ઓછી સીટો આવશે. તેમણે કહ્યું, "ગુજરાતમાં કોઈ કૉંગ્રેસને ગંભીરતાથી લેતું નથી. ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છે છે. જે અમે તેમને આપીશું."
આ ગણતરીના કિસ્સા છે પરંતુ અલગઅલગ રીતે તેઓ સતત કૉંગ્રેસ પડી ભાંગી હોવાનો ઉલ્લેખ કરતા નજરે પડ્યા છે.
ત્યારે 'ગુજરાતમાં પરિવર્તન' લાવવાનો દાવો કરનારા અરવિંદ કેજરીવાલની તમામ મતદારોને અપીલ કરવાની જગ્યાએ માત્ર કૉંગ્રેસના મતદારોને અપીલ અને કૉંગ્રેસ પર સતત પ્રહાર શું સૂચવે છે અને કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ આ મુદ્દાને કેવી રીતે જોવે છે?

'ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસની મિલીભગત'

ઇમેજ સ્રોત, Twitter/AAPGujarat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત કૉંગ્રેસ પર કરાઈ રહેલા પ્રહાર પાછળના કારણો જાણવા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીનો સંપર્ક કર્યો. તેમનો આક્ષેપ છે કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ અને કૉંગ્રેસની મિલીભગત છે અને બંનેની મિલીભગતનો ભોગ જનતા બને છે.
તેઓ કહે છે, "વિરોધપક્ષની જવાબદારી ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે પણ તેને ગંભીરતાથી લેવાની જગ્યાએ કૉંગ્રેસના નેતાઓ ચૂંટાયા બાદ અને તેમના કાર્યકરો સાડા ચાર વર્ષ સુધી શાંત થઈ જાય છે અને ચૂંટણી આવવાની હોય તેના છ મહિના પહેલાં ઍક્ટિવ થઈ જાય છે."
યોગેશભાઈએ વિધાનસભામાં કૉંગ્રેસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "કોઈ વિવાદ કે ચર્ચા ન થાય તે માટે વર્ષોથી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કૅગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે પણ કૉંગ્રેસે આ વાતનો વિરોધ કર્યો નથી. આ ઉપરાંત જ્યારે પણ કોઈ મહત્ત્વપૂર્ણ બિલ ગૃહમાં રજૂ થાય છે, તો તેના પર ચર્ચા કરવાની જગ્યાએ કૉંગ્રેસના ધારાસભ્યો વૉકઆઉટ કેમ કરે છે?"
આ સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કૉંગ્રેસ જ કૉંગ્રેસને હરાવે છે. તેમણે કહ્યું, "ગુજરાતમાં કૉંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો એકબીજાને મળેલા જ છે. કોઈ પણ ચૂંટણી આવે ત્યારે કૉંગ્રેસના ધારાસભ્યો ડઝનના ભાવે વેચાય છે. જે નથી વેચાતા તે પાર્ટીમાં પોતાના જૂથો ધરાવે છે. જે લોકો પાર્ટીમાં એકજૂટ થઈને નથી લડી શકતા, એ લોકો જનતા માટે શું લડવાના? તેઓ હવે લડવાની ક્ષમતા ગુમાવી ચૂક્યાં છે."
"એક જૂથના કોઈ નેતાને ટિકિટ મળે તો અન્ય જૂથના લોકો યેનકેન પ્રકારે તેમને નુક્સાન પહોંચાડવા મથે છે. આ લોકો માત્ર સત્તા માટે તલપાપડ છે, સેવા વિશે તો કોઈ વિચારતું જ નથી. અરવિંદ કેજરીવાલ પણ આ જાણે જ છે અને તેથી જ તેમણે મતદારોને પોતાનો મત કૉંગ્રેસને આપીને વ્યર્થ કરવા કરતાં આમ આદમી પાર્ટીને આપવા અપીલ કરી છે."

'ભાજપ સીધો મુકાબલો કરી શકે તેમ ન હોવાથી બી-ટીમ ઍક્ટિવ કરી'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસની મિલીભગત હોવાનો આક્ષેપ કરી રહી છે. તો સામે કૉંગ્રેસનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી-ટીમ છે અને ભાજપ તેમનો મુકાબલો ન કરી શકે તેમ હોવાથી તેણે પોતાની બી-ટીમને મેદાનમાં ઉતારી છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીનું કહેવું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતુ એક જ છે, 'ભાજપને સત્તામાં લાવવાનો.' તેઓ આગળ કહે છે, "ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે તેમને પરિવર્તન જોઈએ છે અને ભાજપને પણ તેની ખબર પડી ગઈ છે. તેઓ સીધા જ કૉંગ્રેસનો સામનો કરી શકે તેમ નથી. જેથી તેમણે પોતાની બી-ટીમને મેદાનમાં ઉતારી છે."
તેમણે આગળ કહ્યું, "વિધાનસભામાં કે તેની બહાર, અમે વિરોધપક્ષ તરીકેની અમારી કામગીરી નિભાવીએ જ છીએ."
જ્યારે તેમને આમ આદમી પાર્ટીના પ્રવક્તા દ્વારા કૉંગ્રેસમાં જૂથબંધી, ભાજપ સાથેની મિલીભગત અંગે કરાયેલા આક્ષેપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબમાં કહ્યું, "બારેક મહિના પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી પાર્ટી જો આવું કહેતી હોય તો તેનાંથી મોટી મજાક શું હોઈ શકે?"
આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ માટે પડકારરૂપ રહેશે? આ પ્રશ્નના જવાબમાં મનીષ દોશીએ કહ્યું, "જરાય નહીં. કારણ કે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીને આપેલો મત આડકતરી રીતે ભાજપને આપેલો મત છે. આ વખતે પરિવર્તન નિશ્ચિત છે અને ભાજપ તેનાથી ડરેલું છે."

રાજકીય વિશ્લેષકો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક અજય ઉમટનું માનવું છે કે આ રીતે કોઈ એક ચોક્કસ પાર્ટીના મતદાતાઓને ટાર્ગેટ કરવા એ કેજરીવાલની હતાશાનું પરિણામ છે. તેઓ સમજાવે છે, "આમ આદમી પાર્ટી અને ભાજપ બંને કૉંગ્રેસના મત કાપવાની વાત કરી રહ્યા છે. જેના પરથી કૉંગ્રેસ દ્વારા તેમના પર ભાજપની બી-ટીમ હોવાના જે આરોપ લગાવે છે, તે સાચા હોય તેમ લાગે છે.
તેઓ આગળ કહે છે, "પણ કૉંગ્રેસના મતદારોને ટાર્ગેટ કરવાનું અન્ય એક કારણ એ પણ હોઈ શકે કે કેજરીવાલને લાગતું હશે કે તેઓ ગુજરાતમાં સરકાર બનાવી શકશે નહીં. જેથી તેઓ કૉંગ્રેસનું સ્થાન લેવા માગતા હોઈ શકે છે."
અજય ઉમટ જણાવે છે, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સૌથી મોટો પડકાર 'સંગઠનનો અભાવ' છે. ભાજપ એ બાબતે સૌથી આગળ છે અને કૉંગ્રેસનું પણ મજબૂત સંગઠન છે. ત્યારે આમ આદમી પાર્ટીના તો મોટા ભાગના ઉમેદવારો જ નવા છે."
અન્ય એક રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, "અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે એટલે મારા માનવા પ્રમાણે તેઓ ભાજપને સીધા ચૅલેન્જ આપવાની જગ્યાએ રાજ્યમાં બીજા નંબરની પાર્ટીને ટાર્ગેટ કરવા માગે છે."
તેઓ આગળ જણાવે છે, "અરવિંદ કેજરીવાલના આ પ્રકારના પ્રચારના કારણે કૉંગ્રેસને તો નુકસાન અને ભાજપને સીધો ફાયદો થશે પણ આમ આદમી પાર્ટીને પણ કેટલીક બેઠકો પર તેનો ફાયદો થઈ શકે છે."














