વડગામ : ચૌધરી અને મુસ્લિમ સમાજના મતોમાં ગાબડું પડે તો કોને ફળે, કોને નડે?

ઇમેજ સ્રોત, Jignesh Mevani / FB
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની જે વિધાનસભા બેઠકની 2017ની ચૂંટણીઓ પહેલાં ક્યારેય ખાસ નોંધ નહોતી લેવાઈ એ બેઠક હતી, બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક.
વર્ષ 2017માં પણ વડગામ બેઠક એટલે ચર્ચામાં આવી હતી, કારણ કે ઉનાકાંડના આંદોલનકારી જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
કૉંગ્રેસે વડગામના તત્કાલીન ધારાસભ્ય મણિભાઈ વાઘેલાની ટિકિટ કાપી નાખી હતી અને તેમને ચૂંટણી લડવા ઈડર બેઠક ઉપર મોકલી આપ્યા હતા.
વડગામમાં કૉંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખીને અપક્ષ ઉમેદવાર મેવાણીને સમર્થન આપ્યું હતું.

આ ચૂંટણીમાં વડગામ બેઠકના ઉમેદવારોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Manilal Vaghela / FB
આ વખતે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિભાઈ વાઘેલાએ કૉંગ્રેસ છોડીને ભાજપના ઉમેદવાર તરીકે વડગામ બેઠકથી મેદાને છે.
જ્યારે 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનારા મેવાણી હવે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાને છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દલપત ભાટિયા અને એઆઈએમઆઈએમના ઉમેદવાર તરીકે કલ્પેશ સુંઢિયા મેદાનમાં છે. આમ, એઆઈએમઆઈએમ અને આપના કારણે મુસ્લિમ મતોમાં ગાબડું પડશે કે નહીં તેની ઉપર સૌની નજર છે કેમ ક, આ ગાબડું સીધું કૉંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીની હારજીત નક્કી કરશે.
બીજી તરફ, વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના આકરા પાણીએ છે, તેમણે ભાજપ સરકાર સામે ખુલ્લેઆમ વિરોધપ્રદર્શન કર્યું હતું. જો ચૌધરી સમાજના મતોમાં ગાબડું પડે તેવા સંજોગોમાં ભાજપના ઉમેદવારને નુકસાન થાય તેમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, ચૌધરી સમાજ અને મુસ્લિમ સમાજના મતોમાં ગાબડું કોને ફળે છે અને કોને નડે છે તેની ઉપર સૌની નજર છે.


વડગામ બેઠકમાં મતોની વહેંચણી

ઇમેજ સ્રોત, Kalpesh Sundhiya / FB
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મણિભાઈ વાઘેલાએ જીત મેળવી હતી, તેમણે ભાજપના દિગ્ગજ નેતા ફકીરભાઈ વાઘેલાને હરાવ્યા હતા.
2012ની ચૂંટણીમાં મણિભાઈ વાઘેલાને 90 હજાર 375 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર ફકીરભાઈ વાઘેલાને 68 હજાર 536 મત મળ્યા હતા. મણિલાલ વાઘેલાને 21 હજાર 839 મતોની સરસાઈ મળી હતી.
ઉનાકાંડ બાદ ઊભા થયેલા દલિત આંદોલનથી સામાજિક કર્મશીલ જિજ્ઞેશ મેવાણી ચર્ચામાં આવ્યા હતા. તેમણે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. કૉંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખીને તેમને ટેકો આપ્યો હતો.
બીજી તરફ, ભાજપ તરફથી વિજયકુમાર ચક્રવર્તીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ચૂંટણીના પરિણામમાં વિજયકુમાર ચક્રવર્તીને 75 હજાર 801 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને 95 હજાર 497 મત મળ્યા હતા. મેવાણીએ 19 હજાર 696 મતોની સરસાઈથી જીત મેળવી હતી.

દરેક ઉમેદવારના જીતના દાવા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા મત વિસ્તાર વડગામમાં પાણીનો પ્રશ્ન હતો, પરંતુ હમણા થોડા સમય પહેલાં સરકારે મુક્તેશ્વર ડૅમ તેમજ કરમાવત તળાવમાં પાણી ભરવાની જાહેરાત કરી છે. મુક્તેશ્વર ડૅમમાં પાણી ભરવા માટે 192 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મુક્તેશ્વર ડૅમ તેમજ કરમાવત તળાવમાં પાણી ભરવા અંગેની આ વિસ્તારની ૨૦ વર્ષથી રજૂઆત હતી. આ ઉપરાંત મારા વિસ્તારમાં રોડ રસ્તા કે ગટરના નાના-મોટા જે પણ પ્રશ્નો હશે તે અંગે હું કામ કરતો રહીશ."
તેમણે જણાવ્યું હતું કે, "વર્ષ 2012થી 2017ના મારા કાર્યકાળ દરમિયાન મારા વિસ્તારમાં મેં એક પણ એટ્રોસિટીની ફરિયાદ થવા દીધી નથી. તમામ લોકો સાથે મળીને મળીને રહે છે. તમામ સમાજો સાથે મળીને રહે તો જ વિસ્તારનો વિકાસ થઈ શકે છે. જો બે ભાગ પડે તો તે વિસ્તારમાં કામ થઈ શકતા નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મતદારોનો હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. લોકો વિકાસને આવકાર આપી રહ્યા છે. જેથી આ ચૂંટણીમાં વડગામ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજયી બનશે."
વડગામ વિધાનસભાના કૉંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું હતું કે, "હું ગયા વખતે આંદોલનકારી તરીકે ચૂંટણીમાં પ્રવેશ્યો હતો. ચૂંટણીના રાજકારણથી અવગત ન હતો. પરંતુ આ વખતે મારામાં પોલિટિકલ પરિપક્વતા આવી છે એવું કહી શકાય. કૉંગ્રેસ આ વખતે આયોજનબદ્ધ ચૂંટણી લડી રહી છે. મારી વડગામ વિધાનસભામાં 110 ગામ છે, તો આ દરેક ગામમાં જનમિત્રો છે, તેમજ કૉંગ્રેસ પરિવર્તન રેલી તેમજ ભારત જોડો રેલી જેવા કાર્યક્રમો પણ કરી રહી છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતા બેરોજગારી અને મોંઘવારીના કારણે ત્રસ્ત છે. બેરોજગારી અને મોંઘવારી ત્રસ્ત જનતા કૉંગ્રેસને મત આપી જીતાડશે. જેથી આ વખતે ગુજરાતમાં કૉંગ્રેસની 125 સીટો આવશે. વડગામના મુસ્લિમભાઈઓને ખબર છે કે જિજ્ઞેશ મેવાણી મુસ્લિમો માટે બોલ્યા છે અને બિલકીસબાનો માટે પણ બોલે છે.”
તેમણે વધુમાં કહ્યું, “વડગામના હિન્દુભાઈઓને ખબર છે કે, હું ઉનાના પીડિતો માટે બોલ્યો છું. વિપુલભાઈ ચૌધરીના ગેરકાયદેસર ધરપકડ મામલે બોલું છું અને કિશન ભરવાડ મામલે પણ બોલ્યો છું. ગુજરાતમાં કૉંગ્રેસ આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે. કૉન્ટ્રેક્ટ પદ્ધતિ બંધ કરી કાયમી નોકરી આપશે. મેડિકલ વીમો 10 લાખ સુધી કરશે. આ યોજનાઓ કૉંગ્રેસે રાજસ્થાનમાં લાગુ પણ કરી છે."

સંક્ષિપ્તમાં :
- વર્ષ 2012માં ભાજપના નેતા ફકીરભાઈ વાઘેલાને હરાવીને વડગામ વિધાનસભા બેઠક જીતનારા કૉંગ્રેસના નેતા મણિલાલ વાઘેલા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે
- વર્ષ 2017માં કૉંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જિતનારા જિજ્ઞેશ મેવાણી હવે વર્ષ 2022માં વડગામ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર છે
- આમ આદમી પાર્ટીના વડગામના ઉમેદવાર દલપત ભાટિયા પણ પોતાની જીત માટે વિશ્વાસ ધરાવે છે
- એઆઈએમઆઈએમના ઉમેદવાર કલ્પેશ સુંઢિયા પોતાને સ્થાનિક ઉમેદવાર ગણાવી મતદારોને આકર્ષવાનો દાવો કરે છે
- વડગામ વિધાનસભાના આ ચારેય દાવેદાર ઉમેદવારોની જીત ચૌધરી અને મુસ્લિમ મતદારોના વલણ પણ આધારિત છે

વડગામ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપત ભાટિયાએ જણાવ્યું હતું કે, "વડગામ બેઠક પર આમ આદમી પાર્ટીની જીત નક્કી છે. આ સીટ પર જીત્યા બાદ આમ આદમી પાર્ટી લોકોના આરોગ્ય અને શિક્ષણના મુદ્દે જોર આપશે. આ ઉપરાંત આ વિસ્તારમાં પીવાના પાણીનો તેમજ ખેતીના પાણીનો પ્રશ્ન જે વર્ષોથી ચાલી રહ્યો છે તેનું અમે નિરાકરણ લાવીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ વિસ્તારમાં કેટલાંય વર્ષોથી જીઆઇડીસી બનાવવા અંગેની રજૂઆત છે, જેથી યુવાનોને રોજગારી મળે. વડગામમાં અનુસૂચિત જાતિના સમાજોની હૉસ્ટેલ હતી જે બંધ કરી દેવામાં આવી છે. અમે માત્ર અનુસૂચિત જાતિના સમાજની જ નહીં પરંતુ દરેક સમાજની હૉસ્ટેલ તેમજ શાળાઓ બનાવીશું. શિક્ષણ પર ભાર મૂકીશું. વડગામ વિધાનસભામાં આરોગ્યતંત્ર ખાડે ગયું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ નથી, તેમજ પૂરતો સ્ટાફ પણ નથી અમે આરોગ્યની સેવાઓ પર ભાર મૂકીશું."
AIMIMના વડગામના ઉમેદવાર કલ્પેશ સુંઢિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "વડગામમાં દરેક પાર્ટીઓ આયાતી ઉમેદવાર લાવે છે, જ્યારે અમારી પાર્ટીએ સ્થાનિક ઉમેદવાર તરીકે મને તક આપી છે. સ્થાનિક ઉમેદવાર સ્થાનિક લોકોના પ્રશ્નોને સારી રીતે સમજી શકે છે. શું દરેક પાર્ટીને એવું લાગે છે કે વડગામના લોકો પ્રતિનિધિત્વ કરી શકે તેમ નથી?"

'ચૂંટણી લડવી સરળ હોય છે, જીતવી સરળ નથી હોતી'

ઇમેજ સ્રોત, Facebook/Twitter/BBC
દલિત કર્મશીલ અને લેખક ચંદુ મહેરFયાના મતે ચૂંટણી જીતવી ક્યારેય સરળ હોતી નથી.
તેમણે કહ્યું, “માત્ર જિજ્ઞેશ મેવાણી માટે નહીં પરંતુ કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર માટે ચૂંટણી જીતવી એ સરળ હોતી નથી. ભૂતકાળમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ ગાંધીનગર મ્યુનિ. કૉર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ફર્યા હતા. તે સમયે તેમની નિંદા થઈ હતી તેમજ તેઓ ગાંધીનગર મ્યુનિ. કૉર્પોરેશન બચાવી શક્યા ન હતા."
તેમણે કહ્યું, "આંદોલનકારીની વાત કરીએ તો દરેક રાજકીય પક્ષના લોકો, તેમજ પોતાની માંગ માટે રજૂઆત કરનાર સામાન્ય જનતા પણ આંદોલનકારી જ કહેવાય. જેમકે, કૉંગ્રેસના પરેશ ધાનાણી મોંઘવારી કે બેરોજગારીના મુદ્દા પર આંદોલન કરે તો તે પણ આંદોલનકારી કહેવાય. તે જ રીતે એલઆરડી કે શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરે તો તે પણ તેઓ આંદોલનકારી જ કહેવાય આંદોલનકારીની વ્યાખ્યા સીમિત નથી."
તેઓ વધુમાં કહે છે કે, "વડગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલા કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયા છે. તેઓ કૉંગ્રેસમાં જીત્યા હતા, પરંતુ તેમને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મત આપનાર જનતા બીજેપી ઉમેદવાર તરીકે પસંદ ના પણ કરે. જેથી હાલ એવું ન કહી શકાય કે તેમનું જીતવું સરળ છે. જિજ્ઞેશ મેવાણી માટે વડગામ વિધાનસભા જીતવી અઘરી પણ ન કહી શકાય અને સરળ પણ ન કહી શકાય."


ઇમેજ સ્રોત, TWITTER/JIGNESH MEVANI
વડગામ વિધાનસભા અંગે વાત કરતા સ્થાનિક પત્રકાર એમજી પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "વડગામ વિધાનસભા બેઠકનો ઇતિહાસ જોવામાં આવે તો તે કૉંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે સમીકરણો બદલાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે."
"આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મણિલાલ વાઘેલા વર્ષ 2012માં વડગામ કૉંગ્રેસની સીટ પરથી ચૂંટણી જીતેલા છે. તેઓ વડગામ વિસ્તારના લોકોમાં જાણીતા છે, જેનો ફાયદો તેમને થઈ શકે છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપતભાઈ ભાટિયા સામાજિક પ્રસંગોથી લઈને દરેક પ્રસંગોમાં દલિત સમાજના સાથે ઊભા રહે છે. તે લોકપ્રિય પણ છે. આથી દલિત સમાજના મત આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થઈ શકે તેવી પણ શક્યતાઓ પણ છે."
ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડગામ વિધાનસભા બેઠક પર મુસ્લિમ સમાજના મતો મહત્ત્વના છે. જે સામાન્ય રીતે વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે AIMIM પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. જેથી મુસ્લિમ મતોનું વિભાજન થાય તે પણ સંભાવનાઓ છે, જેનો ફાયદો પણ ભાજપને થઈ શકે છે.
"ઉપરાંત વડગામની સૌથી મોટી સમસ્યા પાણીની તંગી છે. જે અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ મુક્તેશ્વર ડૅમ તેમજ કરમાવાદ તળાવમાં પાણી આવે તે માટે પ્રયત્નો કર્યા હતા. વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી."
"જોકે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે મુક્તેશ્વર ડૅમ તેમજ કરમાવત તળાવને પાણીથી ભરવામાં આવશે જે જાહેરાતના કારણે પણ ભાજપના મતોમાં વધારો થઈ શકે છે."
બનાસકાંઠાની વડગામ બેઠકનું જ્ઞાતિ સમીકરણ
બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠકમાં 2.94 લાખ મતદારો છે. જ પૈકી 1.44 લાખ મહિલા મતદારો અને 1.49 લાખ પુરુષ મતદારો છે.
વડગામ વિધાનસભા બેઠકના જ્ઞાતિ સમીકરણ જોઈએ તો, આ બેઠક ઉપર સૌથી વધુ મતો મુસ્લિમ સમાજના છે, જેમના મતદારોની સંખ્યા 82 હજાર છે.
આ પછી ચૌધરી સમાજના 51 હજાર મતદારો, દલિત સમાજના 42 હજાર મતદારો, ઠાકોર સમાજના 41 હજાર મતદારો છે.
આ સિવાય પ્રજાપતિ અને નાઈ સમાજના 4 હજાર મતદારો અને દેવીપૂજક સમાજના 1500 મતદારો છે.















