કુતિયાણા : 'ગૉડમધર' સંતોકબહેનના દબંગ દીકરા કાંધલ જાડેજા સામે મોરચો માંડનાર ભાજપનાં ઢેલીબહેન કોણ છે?

ઇમેજ સ્રોત, Ajay Silu
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કેટલીક એવી બેઠકો પણ છે, જ્યાં હજી પણ રાજકીય પક્ષોને બદલે ઉમેદવારનું નામ અને એમનો પ્રભાવ જીત નક્કી કરે છે. આ ઉમેદવારો પણ પોતાના પ્રભાવના જોરે કોઈપણ પક્ષમાંથી ચૂંટણીમાં સતત વિજેતા બનતા આવ્યા છે.
આવી જ એક બેઠક છે, પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે યોજાયેલી રાજ્યવિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ તરફની તીવ્ર લહેર વચ્ચે પણ કાંધલ જાડેજા વિજેતા બનીને એક વખત નહીં પણ બે-બે વખત વિજેતા બન્યા હતા. એ વખતે એમનો પક્ષ હતો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) જેનો ગુજરાતમાં કોઈ ખાસ પ્રભાવ નથી.
‘ગોડમધર’ના ઉપનામથી જાણીતાં એવાં દિવંગત આગેવાન સંતોકબહેન જાડેજાના ‘દબંગ’ દીકરા તરીકેની છાપ ધરાવતા પુત્ર કાંધલ જાડેજાએ આ વખતની ચૂંટણીમાં પણ કાંધલ જાડેજાએ એનસીપી કરતાં પણ ગુજરાતમાં જાણીતો ન હોય તેવી સમાજવાદી પાર્ટી (સપા)ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
પરંતુ આ વખતે ભાજપ, કૉંગ્રેસ, અને આમ આદમી પાર્ટી (આપ) ઉમેદવારકેન્દ્રી ગણાતી કુતિયાણા બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવતાં જોવા મળે છે.
ગુજરાત ભાજપે આ બેઠક પરથી 58 વર્ષીય ઢેલીબહેન ઓડેદરાને ઉતાર્યાં છે.
કાંધલ જાડેજા સામે ‘પડકાર સર્જવાનો’ દાવો કરનાર ઢેલીબહેનની રાજકીય કારકિર્દી અને પ્રભાવ અંગે જાણવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
ઢેલીબહેન કાંધલ જાડેજા પાસેથી આ બેઠક આંચકી શકશે? કાંધલ જાડેજા માટે દાવા પ્રમાણે મુશ્કેલી ઊભી કરવામાં તેમને કેટલી સફળતા મળશે?

- 1 અને 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે
- કેટલીક બેઠકો તેના ઉમેદવારોના કારણે ચર્ચાનો મુદ્દો બની છે
- આવી જ એક બેઠક કુતિયાણા છે, કુતિયાણા પરથી ‘બાહુબલિ’ તરીકેની છાપ ધરાવતા કાંધલ જાડેજા સામે ભાજપે ઢેલીબહેન ઓડેદરાને તક આપી છે
- સ્થાનિક વિશ્લેષકના મતે ઢેલીબહેન દરેક મોરચે લડી લેવા ‘સક્ષમ’
- શું ઢેલીબહેન કાંધલ જાડેજા માટે દાવા પ્રમાણે મુશ્કેલી ઊભી કરવામાં તેમને કેટલી સફળતા મળશે?

‘કાંધલ માટે જીતવું અગાઉ જેટલું સરળ નહીં રહે’

ઇમેજ સ્રોત, Ajay Silu
સ્થાનિક સમાચાર સંસ્થા સાથે 43 વર્ષથી સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્ર પારેખ ઢેલીબહેન ઓડેદરાની ઉમેદવારીના કારણે કુતિયાણા બેઠક પર સર્જાયેલ સ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે, “આ બેઠક પર કાંધલ જાડેજા બે વખત ચૂંટાઈ ચૂક્યા છે, પરંતુ પહેલાંની જેમ આ વખત તેમના માટે જીત મેળવવાનું સહેલું નહીં હોય, કારણ કે મતવિસ્તારના નિર્ણાયક મતદારો એવા મેર સમાજના મત ભાજપનાં ઢેલીબહેન અને કૉંગ્રેસના નાથાભાઈ ઓડેદરાની સાથોસાથ કાંધલ જાડેજા વચ્ચે વહેંચાઈ જાય તેવી સંભાવના છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઢેલીબહેન અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “તેઓ પાછલાં ઘણાં વર્ષોથી કુતિયાણા નગરપાલિકાનાં પ્રમુખ છે. તેમની પાસે સત્તાનો સાથ, પૈસાનું પાવર અને ગમે તે ઉમેદવાર સામે ટક્કર ઝીલવાની ક્ષમતા પણ છે. ”
ઢેલીબહેને ચૂંટણીપંચ સમક્ષ કરેલા સોગંદનામામાં આપેલ માહિતી અનુસાર તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલાં છે.
તેમની પાસે ત્રણ કરોડ બે લાખ રૂપિયાની સંપત્તિ છે.
હેમેન્દ્ર પારેખ ઢેલીબહેનની રાજકીય કારકિર્દી અંગે વાત કરતાં કહે છે કે, “તેઓ આ મતવિસ્તારનાં એક પ્રભાવશાળી ઉમેદવાર તો ખરાં તેમાં કોઈ શંકા નથી. અને હવે ભાજપ દ્વારા તેમને તક અપાતા તેઓ કાંધલ સામે પડકાર સર્જવામાં પણ સફળ રહી શકે છે.”
કાંધલની ‘બાહુબલિ’ તરીકેની છાપ હોવા છતાં હેમેન્દ્ર પારેખ માને છે કે ઢેલીબહેન બધા મોરચે તેમને ટક્કર આપવા માટે ‘સક્ષમ’ છે.

કુતિયાણા બેઠકનું રાજકીય પરિદૃશ્ય

ઇમેજ સ્રોત, Ajay Silu
કુતિયાણા બેઠકના પરિદૃશ્ય અને તેના મુદ્દાઓ અંગે વાત કરતાં હેમેન્દ્ર પારેખ કહે છે કે, “કુતિયાણા એ એક મિશ્ર બેઠક રહી છે. આ બેઠક પર ઘણા પક્ષો કબજો કરી ચૂક્યા છે. જેમાં કૉંગ્રેસ, ભાજપ, અપક્ષ, કિમલોપ વગેરે સામેલ છે.”
કાંધલ જાડેજાનાં માતા સંતોકબહેન પણ આ બેઠક પરથી ચૂંટાઈ ચૂક્યાં છે.
હેમેન્દ્ર પારેખ આગળ વાત કરતાં કહે છે કે, “આ બેઠક પર મુખ્યત્વે મેર સમાજના નિર્ણાયક મતો છે, તેમ છતાં મહાજન, પટેલ અને મુસ્લિમોની વસતિ પણ નોંધપાત્ર છે. આ વખત કાંધલ જાડેજાની ઉમેદવારી, ઢેલીબહેનનું ફૅક્ટર, નાથાભાઈની મહેનત અને આપના પરિબળના કારણે ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે.”
કુતિયાણા બેઠકના સ્થાનિક મુદ્દા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “આ મતવિસ્તાર માટે વિકાસનાં કામો અંગે વધુ ધ્યાન અપાય તેવી જરૂરિયાત છે. નવીબંદરનો વિકાસ, સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોની સ્થાપના, ભૂતકાળનું સ્થાનિક ગૌરવ પુન: મળે તે માટે પ્રયાસ થાય તેવી જરૂરિયાત છે.”
નોંધનીય છે કે ભાજપનાં ઉમેદવાર ઢેલીબહેન, કાંધલ જાડેજા, કૉંગ્રેસના નાથાભાઈ ઓડેદરા ઉપરાંત આમ આદમી પાર્ટીના ભીમાભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે.














