મહમદઅલી ઝીણાના મોટી પાનેલીના ઘરમાં કોણ રહે છે અને તેને વેચવા કેમ માગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, મોટી પાનેલીથી
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે અને પાકિસ્તાનના કાયદે આઝમ મહમદઅલી ઝીણા.
મહાત્મા ગાંધી ગુજરાતી અને મહમદઅલી ઝીણાનાં માતા-પિતા પણ ગુજરાતી. મહાત્મા ગાંધીનું જન્મસ્થળ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું પોરબંદર છે અને ઝીણાનાં માતા-પિતાનું ઘર પણ કાઠિયાવાડ વિસ્તારના રાજકોટ જિલ્લાનું મોટી પાનેલી ગામ છે.
બંને વચ્ચેનું અંતર લગભગ 95 કિલોમિટર છે. મોહનદાસ કરમચંદ ગાંધીનાં લગ્ન તેમનાં માતા-પિતાએ વિદેશ જતા પહેલાં 13 વર્ષની ઉંમરે કરાવ્યાં હતાં અને ઝીણાનાં માતા-પિતાએ પણ તેમના પુત્રની શાદી 16 વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડ જતા પહેલાં મોટી પાનેલી ગામની 11 વર્ષની કન્યા સાથે કરી દીધી હતી.
એવું કહેવાય છે કે બંનેનાં માતા-પિતાને ડર હતો કે ક્યાંક તે વિદેશમાં જ લગ્ન ન કરી લે, તેથી તેઓએ લગ્ન બાદ તેમને વિદેશ જવાની રજા આપી.
પોરબંદરમાં ગાંધીજીનું ઘર આજે મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. તો ઝીણાના દાદા અને તેમના પિતાના ઘરનું શું થયું?
આ અહેવાલમાં વાંચો ઝીણાના પૈતૃક ઘર અને તેમના પિતાના કરાચી આગમનની કહાણી.
સાથે એ વાતની પણ તપાસ કરવામાં આવી છે કે શું ઝીણાના પિતાનો પરિવાર હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો?

ઝીણાના બાપદાદાનું ઘર

આ તસવીરમાં તમે જે બે માળનું મકાન જુઓ છો તે ઝીણાનું પૈતૃક ઘર ગણાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના ભૂતપૂર્વ વિદેશમંત્રી જસવંત સિંહે તેમના પુસ્તક 'ઝીણા: ઇન્ડિયા, પાર્ટિશન, ઇન્ડિપેન્ડન્સ'માં લખ્યું છે કે ઝીણાના દાદા પૂંજાભાઈ ઠક્કર તેમના ત્રણ પુત્રો વાલજીભાઈ, નાથુભાઈ, જેણાભાઈ અને એક પુત્રી માનબાઈ સાથે જીવનપર્યંત પાનેલી ગામમાં રહ્યાં હતાં.”
જસવંત સિંહે લખ્યું છે, “આ પરિવાર ખોજા મુસ્લિમ હતો. ખોજા વોહરા મુસ્લિમની જેમ શાંતિપ્રિય વેપારી પ્રજા છે. તેઓ બીજી સંસ્કૃતિ અને ભાષાને ખૂબ જ ઝડપથી અપનાવે છે. પૂંજાભાઈ હૅન્ડલૂમનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ પૂંજાભાઈના સૌથી નાના પુત્ર જેણાભાઈએ પાનેલી છોડવાનું જોખમ ઉઠાવ્યું અને નજીકના ગોંડલમાં રહેવા ગયા. પાનેલી ગામ છોડવાનું આ પહેલું પગલું હતું.”
હવે ગામ છોડવાની વાત બંધ કરીને ગામની વાત કરીએ. મોટી પાનેલી ગામ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલું છે.
તે યુપી-બિહારનાં ગામોથી સાવ અલગ છે. શહેરોની જેમ આ ગામમાં દુકાનો છે, બૅંકો છે અને મોટી ટ્રકો પણ ગામની અંદર આરામથી આવ-જા કરે છે.
મોટી પાનેલીના ડેપ્યુટી સરપંચ જતીનભાઈના જણાવ્યા મુજબ ગામની વસ્તી 13 હજાર છે અને હજુ પણ અહીં પાંચથી છ ખોજા મુસ્લિમ પરિવારો વસે છે.
આ ગામ ઝીણાના ગામ તરીકે ઓળખાય છે. ગામનું બાળક પણ તમને મહમદઅલી ઝીણાના પરિવારનું ઘર બતાવી શકે છે.
આ ઘર લગભગ 110 વર્ષ જૂનું છે અને તે મેડીબંધ મકાન છે. રસોડા સાથે બે રૂમ નીચે અને બીજા રસોડા સાથેના બે રૂમ ઉપરના માળે છે.

આવાં મકાનો ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઘરના દરવાજે ટકોરા માર્યા તો અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યા વિના પૂછ્યું કોણ છો?
પરિચય આપ્યો તો તેમણે બારે અનિચ્છાએ દરવાજો ખોલ્યો. અંદર જતાં તેણે બેસવાનું પણ કહ્યું નહીં.
મેં તેમને તેમનું નામ પૂછ્યું તો તેમણે અનિચ્છાએ જ અધૂરું નામ પ્રવીણ કહી દીધું.
થોડીવાર વાત કર્યા બાદ તેમણે પોતાનું આખું નામ પ્રવીણભાઈ પોપટભાઈ પોકિયા બતાવ્યું. પ્રવીણભાઈ પટેલ જ્ઞાતિના છે.
તેમની સાથે વાત કરતો હતો ત્યારે તેમના 70 વર્ષીય માતા નંદુબહેન પણ તેમની સાથે હતાં.
પ્રવીણભાઈ એ વાતથી ખૂબ ગુસ્સે છે કે ગમે ત્યારે તેમના ઘરે કોઈ પણ આવીને પૂછપરછ કરવા લાગે છે.
પ્રવીણભાઈએ કહ્યું, “તમે દરવાજો ખખડાવ્યો ત્યારે હું સૂતો હતો. હવે મારે ખેતરે કામ કરવા જવાનું છે. મારો સૂવાનો સમય પણ બગડ્યો અને હવે ખેતરે જવાનું મોડું થશે. આ કંઈ આજ પૂરતી જ વાત નથી. આવું દરરોજ થાય છે. ક્યારેક પત્રકાર, ક્યારેક જિલ્લા અધિકારી, ક્યારેક નેતા તો ક્યારેક કોઈ અન્ય. સાચું કહું તો હું આ ઘરથી કંટાળી ગયો છું. 2005માં વિદેશી મીડિયા પણ આ ઘરને જોવા માટે આવ્યું હતું.”

અડવાણીની પાકિસ્તાન મુલાકાત વખતે મોટી પાનેલી ગામ ચમક્યું હતું

2005માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન ગયા હતા. અડવાણીએ કરાચીમાં ઝીણાની કબર પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઝીણાને શ્રદ્ધાંજલિ આપતી વખતે અડવાણીએ તેમને બિનસાંપ્રદાયિક અને હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા.
ઝીણાનાં વખાણ કરતા અડવાણીએ ત્યાંના રજિસ્ટર પર લખ્યું, “ઘણાં લોકો એવા છે જેમણે ઇતિહાસમાં અમીટ છાપ છોડી છે. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમણે ઇતિહાસ રચ્યો હોય. કાયદે આઝમ મહમદઅલી ઝીણા એ જૂજ લોકો પૈકીના એક છે.”
અડવાણીના આ નિવેદનને લઈને ભાજપમાં ભારે વિવાદ થયો હતો. ભાજપે અડવાણીના નિવેદનથી પોતાને અળગો રાખ્યો હતો.
એવું કહેવાય છે કે આ નિવેદન પછી ભાજપમાં અડવાણીનું કદ નાનું થતું ગયું. અડવાણીના નિવેદનથી ઊભો થયેલો વિવાદ મોટી પાનેલી ગામ સુધી પણ પહોંચ્યો હતો.
પ્રવીણભાઈ પોકિયાના મોટા ભાઈ ચમનભાઈ પોકિયા કહે છે, "અડવાણીની પાકિસ્તાન મુલાકાતથી અમને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. આ ઘરમાં આવીને બધા ઝીણાને શોધતા હતા. સાચું કહું તો અમે હવે આ ઘર વેચવા માંગીએ છીએ. અમે નવું ઘર ખરીદીશું. જો કોઈ ખરીદનાર હોય તો અમને જણાવો અમે તેમને વેચી નાખીશું. તેમની ઇચ્છા હોય તો ભલે તે ઝીણાનું મ્યુઝિયમ બનાવે.”

પ્રવીણનાં માતા નંદુબહેન કહે છે કે આ ઘરમાં કંઈ બદલાયું નથી.
તેઓ યાદ કરતાં કહે છે, "મારું જીવન આ ઘરમાં વીત્યું હતું. હવે આખરી પડાવ છે. મારા પુત્રો ઝીણાનું ઘર હોવાથી નારાજ થાય છે પરંતુ મને કોઈ સમસ્યા નહોતી. લગ્ન કરીને હું આ ઘરમાં આવી ત્યારે પણ આ ઘર આવું જ હતું. બસ વીજળી આવી, ત્યારે વાયર અને બલ્બ લગાવવામાં આવ્યા. કેટલીક જગ્યાએ પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું છે. બાકીનું માળખું એનું એ જ છે.”
50 વર્ષીય પ્રવીણભાઈ પોકિયા કહે છે, "હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે પણ લોકો કહેતા હતા કે મારું ઘર ઝીણાનું ઘર છે. મારા દાદા પણ કહેતા હતા કે આ ઘર મહમદઅલી ઝીણાના પિતાનું હતું. ગામમાં અમારી ઓળખ પણ આ વાતથી જ છે, ઝીણાના દાદા અને પિતા આ ઘરમાં રહેતા હતા. તે પહેલા સારું લાગતું હતું પરંતુ હવે ઘણી વખત સમસ્યા ઊભી થાય છે. લોકો ગમે ત્યારે ઘરે આવે છે. હું તમારા માધ્યમથી કહેવા માગુ છું કે મારે આ ઘર વેચવું છે.”
શું કહે છે ગામના લોકો?

મોટી પાનેલી ગામના 70 વર્ષીય કિરણ ભીમાજ્યાની અસ્ખલિતપણે ઝીણાની ઓળખ સાથે જોડાયેલી માહિતી આપે છે.
તેઓ કહે છે, “તેઓ લોહાણા ઠક્કર જ્ઞાતિના હતા. આ લોકોએ પછીથી ઇસ્લામ કબૂલ કર્યો. મારા દાદા કહેતા કે પૂંજાભાઈએ માછલીનો ધંધો શરૂ કર્યો હતો. આથી લોહાણા-ઠક્કર જ્ઞાતિના લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર બાદ આ પરિવારે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો હતો. આ પરિવાર ખોજા મુસલમાન બની ગયો હતો. મારું ઘર પણ બાજુમાં જ છે. મારું ગામ બહું ફૅમસ છે. હર્ષદ મહેતા પણ આ ગામના જ હતા.”
પાનેલીના ઉપસરપંચ જતીનભાઈ કહે છે, “ઝીણાના કારણે અમારા ગામનું નામ પણ છે અને ભારતના ભાગલાને કારણે બદનામ પણ છે. ઝીણા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ હતા, તેનો ગર્વ છે પણ તેમણે પાકિસ્તાન બનાવ્યું, તેથી મને પણ થોડું ખરાબ લાગે છે.”

જેણાભાઈ ઠક્કરના પુત્ર મહમદઅલી ઝીણા ક્યારે બન્યા?

ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. હરિ દેસાઈ આધુનિક ભારતના સામાજિક અને રાજકીય ઇતિહાસના નિષ્ણાત છે.
ઝીણાના પરિવાર વિશે તેઓ કહે છે, "પૂંજાભાઈ ઠક્કરના પુત્ર જેણાભાઈ ઠક્કર હતા. જેણાભાઈના પુત્ર થયા મૈમદ એટલે કે મહમદઅલી ઝીણા. આ પરિવાર હિન્દુ હતો. પૂંજાભાઈ માછલીનો વેપાર કરતા હતા. લોહાણા જ્ઞાતિ રૂઢિચુસ્ત હતી. આવી સ્થિતિમાં માછલીના વેપારને લઈને ઘણો વિરોધ થયો હતો. આ વિરોધ બાદ પુંજાભાઈએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો.”
ડૉ. હરિ દેસાઈ કહે છે, "બાદમાં પુંજાભાઈ હિંદુ પણ બનવા માંગતા હતા પણ લોકોએ તેમને સ્વીકાર્યા નહીં." જેણાભાઈ ધંધાર્થે કરાચી ગયા હતા. મહમદઅલી જેણાભાઈએ પાછળથી તેમના નામનું અંગ્રેજીકરણ કરીને ઝીણા કરી દીધું. ઝીણા લંડન ભણવા માટે નહીં પણ બિઝનેસ માટે ગયા હતા. બાદમાં તેમણે ત્યાં બૅરિસ્ટરનો અભ્યાસ શરૂ કરી દીધો. ઝીણાએ જે છોકરી સાથે લગ્ન કર્યાં તેનું નામ અમીબાઈ હતું. ઝીણાની માતાની ઇચ્છા હતી કે તેઓ વિદેશ જાય તે પહેલાં લગ્ન કરી લે જેથી તેઓ લંડનમાં ગોરી છોકરી સાથે લગ્ન ન કરે. ગાંધીજીનાં લગ્ન પણ આ રીતે થયાં. ઝીણાએ પાછળથી એક પારસી છોકરી સાથે લગ્ન કર્યાં હતાં.

- ઝીણાના પૂર્વજો ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામના રહેવાસી હતા.
- ઝીણાના પિતા જેણાભાઈ ઠક્કર અવિભાજિત ભારતના કરાચી શહેરમાં બિઝનેસ અર્થે વસી ગયા હતા.
- જેણાભાઈ ઠક્કરનાં પત્ની મીઠીબાઈએ કરાચીમાં એક પુત્રને જન્મ આપ્યો જે મહમદઅલી ઝીણા બન્યા.
- મહમદઅલી જેણાભાઈએ લંડન ગયા બાદ પોતાનું નામ બદલીને મહમદઅલી ઝીણા રાખ્યું હતું.
- 16 વર્ષની ઉંમરે મીઠીબાઈએ તેમના પુત્રનાં લગ્ન મોટી પાનેલી ગામનાં 11 વર્ષનાં એમીબાઈ સાથે કરાવ્યાં.
- જોકે, ઝીણા લગ્ન પછી પણ ક્યારેય એમીબાઈને જોઈ શક્યા નહોતા.

જેણાભાઈની ઝીણા બનવાની કહાણી

જસવંતસિંહે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ઝીણાના પિતા જેણાભાઈ ઠક્કર 1875માં અવિભાજિત ભારતના કરાચી શહેરમાં ધંધાર્થે ગયા હતા. બૉમ્બેની જેમ બ્રિટિશ શાસકોએ કરાચીમાં પણ વેપારીમથકો બનાવ્યાં હતાં.
જસવંતસિંહે લખ્યું છે, “જેણાભાઈ કરાચીમાં સર ફ્રેડરિક લી ક્રૉફ્ટને મળ્યા હતા. તેઓ કરાચીની ટોચની મૅનેજમૅન્ટ એજન્સી ડગ્લાસ ગ્રાહમ ઍન્ડ કંપનીના જનરલ મૅનેજર હતા. ફ્રેડરિક સાથેનો સંપર્ક જેણાભાઈના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. જેણાભાઈનો ધંધો ફૂલ્યોફાલ્યો અને ઘણો આર્થિક ફાયદો થયો. કરાચીમાં જ જેણાભાઈનાં પત્ની મીઠીબાઈએ 25 ઑક્ટોબર 1876ના રોજ એક પુત્રને જન્મ આપ્યો (જન્મ તારીખ હજુ અનિર્ણીત છે.) પૂંજાભાઈના ઘરના તમામ પુરુષ સભ્યોના નામ હિંદુ જેવા હતા. પરંતુ કરાચી એકદમ અલગ હતું.”

જસવંતસિંહે લખ્યું છે કે, "કરાચીમાં મુસ્લિમોની વધુ વસ્તી હતી અને આસપાસનાં બાળકોનાં નામ મુસ્લિમોનાં નામ જેવાં જ હતાં." જેણાભાઈને લાગ્યું કે તેમણે પોતાના નવજાત બાળકનું નામ એવું ન રાખવું કે જેથી નુકસાન થાય. જેણાભાઈએ તેમના પુત્રનું નામ મહમદઅલી જેણાભાઈ રાખ્યું. જોકે, તેમણે કાઠિયાવાડ પ્રદેશમાં નામની પાછળ પિતાનું નામ ઉમેરવાની પરંપરા છોડી ન હતી.
તેમણે આગળ લખ્યું, “જેણાભાઈ અને મીઠીબાઈ તેમના પુત્ર મહમદઅલીને હસન પીરની દરગાહ પર 'અકીકાહ' વિધિ માટે લાવ્યા. આ દરગાહ પાનેલી ગામથી થોડાક કિલોમિટર દૂર ગણોદમાં આવેલી છે. અહીં મહમદઅલીનું મુંડન કરવામાં આવ્યું હતું. મીઠીબાઈ પોતાના પુત્રની સુરક્ષા માટે આ વિધિ કરાવી રહ્યાં હતાં. મહમદઅલી ઝીણાનું પ્રાથમિક શિક્ષણ ઔપચારિક રીતે થયું ન હતું. મીઠીબાઈ અને જેણાભાઈએ મોટી પાનેલીમાંથી એક શિક્ષકને ગુજરાતી શીખવવા બોલાવ્યા હતા. નવ વર્ષની ઉંમરે તેમને પ્રાથમિક શાળામાં મોકલવામાં આવ્યા અને બાદમાં સિંધ-મદરેસા-તુલ-ઇસ્લામમાં મોકલવામાં આવ્યા. અહીં તેણે સાડાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. મદરેસા પછી, મહમદઅલીને કરાચીની ચર્ચ મિશન સ્કૂલમાં મોકલવામાં આવ્યા.”

ઝીણા પરિવારના મૂળ

અમેરિકાના જાણીતા ઇતિહાસકાર સ્ટેનલી વૉલપોર્ટે ઝીણા પર એક પુસ્તક લખ્યું છે – જિન્ના ઑફ પાકિસ્તાન.
તેમણે તેમના પુસ્તકમાં ઝીણાના પરિવાર વિશે લખ્યું છે, "ઝીણાનો જન્મ શિયા મુસ્લિમ ખોજા પરિવારમાં થયો હતો. આ ઈસ્માઈલીઓ આગા ખાનના અનુયાયીઓ છે. દસમી અને 16મી સદીની વચ્ચે, હજારો ખોજા પરિવારોએ ઈરાનમાં અત્યાચારથી ત્રસ્ત થઈને પશ્ચિમ ભારત સહિતના વિસ્તારોમાં ભાગી જવું પડ્યું હતું. ઝીણાના વડવાઓ ક્યારે ભાગીને આવ્યા તેની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ ખોજા ખુદ ઇસ્લામમાં પણ લઘુમતી છે અને ભારતમાં ઇસ્લામમાં માનનારાઓ પણ લઘુમતી છે.”
સ્ટેનલી વૉલપોર્ટે લખ્યું છે, "ખોજા ધંધાર્થીઓનો સમુદાય છે અને તેઓ વિશ્વભરમાં વેપાર માટે પ્રવાસ કરે છે. તેઓ લોકો સાથે ઝડપથી ભળી જાય છે અને અન્ય ભાષાઓ પણ શીખી લે છે. તેઓ બહુ કુશાગ્ર બુદ્ધિના હોય છે અને સમૃદ્ધ પણ હોય છે. મહાત્મા ગાંધી હિંદુઓમાં વાણિયા જાતિના હતા અને તેમનું ઘર ઝીણાના પરિવારથી માંડ 95 કિલોમિટર દૂર હતું. ભારત અને પાકિસ્તાન બંનેના રાષ્ટ્રપિતાની માતૃભાષા ગુજરાતી હતી.
પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર મુબારક અલીને પૂછવામાં આવ્યું કે શું ઝીણાના દાદા હિંદુમાંથી મુસ્લિમ બન્યા હતા?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “મોટી સંખ્યામાં હિંદુઓ પણ ખોજા મુસ્લિમ બન્યા હતા. ઝીણાના દાદા અને પિતાના જે પ્રકારનાં નામ હતાં તેના પરથી એવું લાગે છે કે આ પરિવાર હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો.”
ઇસ્લામિક વિદ્વાન અને બ્રિટનમાં પાકિસ્તાનના હાઇ કમિશનર અકબર એસ. અહમદ પણ ઝીણાના પૂર્વજોના મૂળ ઈરાન સાથે જોડે છે. તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સમાં લખેલા એક લેખમાં કહ્યું હતું કે, “ઝીણાનાં દાદા, પિતા, માતા અને ભાઈ-બહેનનાં નામ હિન્દુઓ જેવાં હતાં. જોકે બિન-ભારતીય મૂળની ઓળખ ઘટાડવા મુસ્લિમ સમાજમાં આવું કરવામાં આવે છે. ખાસ કરીને એવા સમાજમાં જ્યાં લોકોને પરિવારના નામે સ્ટેટસ મળે છે. જોકે, અન્ય સ્રોતો અનુસાર, ઝીણાના પૂર્વજોનો ઈરાન સાથે સંબંધ નહોતો. એક પાકિસ્તાની લેખક અનુસાર, ઝીણાના પૂર્વજો પંજાબમાં સાહિવાલ રાજપૂત હતા અને તેમણે કાઠિયાવાડમાં એક ઈસ્માઈલી ખોજા મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.”
સ્ટેન્લી વૉલપોર્ટે એમ પણ લખ્યું છે કે જેણાભાઈ અને મીઠીબાઈ ઝીણાના લંડન જવાથી ડરી ગયાં હતાં. આ ડરને કારણે તેમણે મોટી પાનેલી ગામની છોકરી એમીબાઈ સાથે લગ્ન કરાવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટેન્લીએ ઝીણાનાં બહેન ફાતિમાને ટાંકીને કહ્યું હતું કે, "શાદી સમયે ઝીણા માંડ 16 વર્ષના હતા અને તેમણે જે છોકરી સાથે લગ્ન કર્યાં તેમને તેમણે ક્યારેય જોઈ નહોતી. લગ્ન દરમિયાન અમીબાઈ ઉપરથી નીચે સુધી કપડાંથી ઢંકાયેલાં હતાં. લગ્ન પછી ઝીણા લંડન ગયા અને પાછા આવ્યા ત્યારે એમીબાઈનું અવસાન થયું હતું.
મોટી પાનેલી ગામમાં એમીબાઈ વિશે કે તેમના પરિવાર વિશે પણ કોઈ જાણતું નથી.
આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા અમદાવાદમાં આયોજિત એક પ્રદર્શનમાં એવી 200 વ્યક્તિત્વોના ફોટો ફીચર રજૂ કરવામાં આવ્યા હતા જેમનાં મૂળ ગુજરાતનાં હોય.
આમાં મહમદઅલી ઝીણા પણ સામેલ હતા. ઝીણા ઉપરાંત ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈ, અઝીમ પ્રેમજી, ક્રિકેટર વિનુ માંકડ, જાણીતા અભિનેતા હરિભાઈ જરીવાલા એટલે કે સંજીવ કુમાર અને ડિમ્પલ કાપડિયા પણ સામેલ હતાં.
જોકે બાદમાં મહમદઅલી ઝીણાને લઈને સવાલો ઊઠવા લાગ્યા હતા, ત્યારબાદ આરએસએસે આ પ્રદર્શનમાંથી ઝીણાની તસવીર હઠાવી દીધી હતી.
આરએસએસ ભલે ઝીણાની તસવીર હઠાવી દે, પરંતુ પ્રવીણભાઈ પોકિયા તેમના ઘરની ઓળખને ઝીણાથી અલગ કરી શકતા નથી.
(આ અહેવાલ સૌપ્રથમ વાર 2022માં પ્રકાશિત થયો હતો)













