ગુજરાતમાં દરિયાથી થતું જમીનનું ધોવાણ અટકાવતાં ચેરનાં જંગલો દેશમાં સૌથી વધુ કેમ ઘટી ગયાં?

ઇમેજ સ્રોત, @gujarat_ecology
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
દરિયાને કારણે થતું જમીનનું ધોવાણ અને દરિયાની ખારાશ પ્રસરતી અટકાવવામાં એક સુરક્ષા કવચ જેવું કામ કરતાં ચેરનાં જંગલોનો વિસ્તાર ગુજરાતમાં 36 ચોરસ કિલોમીટર જેટલો ઘટી ગયો છે. આ વિગતો ભારત સરકારે 21 ડિસેમ્બરે જાહેર કરેલા 'સ્ટેટ ઑફ ફૉરેસ્ટ-2023' અહેવાલમાં જાહેર થઈ છે.
દેશભરમાં ચેરનાં જંગલોમાં આ સૌથી વધારે ઘટાડો છે પરંતુ ગુજરાત સરકારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ કામ કરતા ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા (એફએસઆઈ) દ્વારા પ્રકાશિત આ રિપોર્ટમાં ક્ષતિઓ છે અને તે આ બાબતે રજૂઆત કરશે.
નોંધપાત્ર બાબત એ છે કે ચેરનાં જંગલોનાં વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત પશ્ચિમ બંગાળ પછી દેશમાં બીજા ક્રમે છે.
એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલ અનુસાર વિશ્વમાં ચેરનાં જંગલો ઘટી રહ્યાં છે અને ઝીંગા ઉછેર સહિતની મત્સ્યઉછેર પ્રવૃત્તિઓ અને વાવાઝોડાં જેવાં કુદરતી પરિબળોને કારણે ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાના ચેરનાં વન એકદમ પડીભાંગી જાય તેવાં છે.
ગુજરાતમાં ચેરનાં જંગલોમાં ઘટાડો

ઇમેજ સ્રોત, RAMESH BHATTI
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે આવેલાં ગામોની જમીનનું દરિયો આગળ વધતાં ધોવાણ થઈ જાય છે અને તેને કારણે આખાં ગામો ખાલી કરીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આવી સ્થિતિનું જોખમ વિશ્વમાં દરિયાકિનારે આવેલાં શહેરો અને ગામો પર સર્જાય છે. તેની સામે ચેર અથવા મૅન્ગ્રૂવ તરીકે ઓળખાતી વનસ્પતિથી રચાતાં જંગલો જમીનને ધોવાણ સામે રક્ષણ આપે છે.
'ગ્લોબલ મૅન્ગ્રૂવ અલાયન્સ' નામની વૈશ્વિક સંસ્થાએ આ વર્ષે 26 જુલાઈના રોજ પ્રકાશિત કરેલ 'ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડઝ મૅન્ગ્રૂવ્ઝ, 2024' રિપોર્ટમાં એવું અવલોકન કર્યું કે વિશ્વમાં ચેરનાં જંગલ ઘટી રહ્યાં છે. તેની પાછળનાં કારણોમાં ઝીંગા ઉછેર સહિતની મત્સ્યઉછેર પ્રવૃત્તિઓ અને વાવાઝોડાં જેવાં કુદરતી પરિબળો રહેલાં છે. આ અને કેટલાંક સ્થાનિક પરિબળોને કારણે ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાનાં ચેરનાં વન એકદમ પડી ભાંગે તેવું જોખમ સર્જાયું છે.
આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટના પાંચ મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 21 ડિસેમ્બરે જાહેર કરેલા 'ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ (આઈએસએફઆર), 2023માં જણાવાયું છે કે ગુજરાતમાં બે વર્ષની અંદર 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી ચેરનાં જંગલ નાશ પામ્યાં છે.
આઈએસએફઆર, 2023 મુજબ ભારતમાં 4991. 68 વર્ગ કિલોમીટરમાં ચેરનાં વન છે. પરંતુ, આ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો છે. આમ, બે વર્ષમાં દેશમાં ચેરના વનવિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો. પરંતુ, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરનાં જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.06 વર્ગ કિલોમીટર થઈ ગયો. ભારતનાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વનવિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં ફેલાયેલા અને સુંદરવન તરીકે જાણીતાં ચેરનાં જંગલો પશ્ચિમ બંગાળ રાજ્યમાં 2023ના રિપોર્ટ અનુસાર 2021.16 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલાં છે. ત્યાર પછી બીજા નંબરે ગુજરાત આવે છે.
ગુજરાતમાં કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં તેમ જ સિંધુ નદીના મુખત્રિકોણ નજીકના કોરી ક્રીક વિસ્તારમાં મોટી સંખ્યામાં ચેરનાં વૃક્ષો અને છોડ આવેલાં છે.
ગુજરાતના 1164.08 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ચેરના વનવિસ્તારમાં 179.09 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચતા ધરાવતાં વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફૉરેસ્ટ એટલે કે એટલે કે પાંખી વનરાજી ધરાવતા વનવિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે કુલ વિસ્તારનો 40 ટકા કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોય તેવાં વનને મધ્યમ ગીચતાવાળું વન કહેવાય છે અને 10 ટકાથી વધુ પણ 40 ટકાથી ઓછું વૃક્ષાવરણ ધરાવતા વનને પાંખો વનવિસ્તાર કહેવાય છે.
ગુજરાતના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં ચેરના વનવિસ્તાર આવેલા છે અને રાજ્યનાં ચેરના જંગલમાં 2003 થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું એફએસઆઈના રિપોર્ટ પરથી ફલિત થાય છે.
ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વનવિસ્તાર કચ્છમાં છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જ જિલ્લામાં નોંધાયો છે.

કચ્છમાં 2021માં 769.56 વર્ગ કિલોમીટરમાં ચેરનાં જંગલો હતાં. તેમાં બે વર્ષમાં 61.14 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા 2023માં તે 708.42 વર્ગ કિલોમીટર થઈ ગયો. તે જ રીતે ચેરના વિસ્તારવાળા બીજા સૌથી મોટા જિલ્લા એવા જામનગરમાં પણ 9.97 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા તે જિલ્લામાં મૅન્ગ્રૂવનો વિસ્તાર 172.50 વર્ગ કીલોમીટરથી ઘટીને 162.53 વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
મોરબી અને આણંદ જિલ્લાના કાંઠાઓમાં પણ અનુક્રમે 1.04 એને 0.28 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો, પરંતુ અમદાવાદ, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં અનુક્રમે 10.79, 7.97 અને 7.22 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાતા રાજ્યના એકંદર ચેર વનવિસ્તારમાં ઘટાડો 36.39 વર્ગ કિલોમીટર સુધી મર્યાદિત રહ્યો હતો.
અહીં એ નોંધનીય છે કે ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાનો 2021નો રિપોર્ટ 2019ના ઑક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરો અને પસંદ કરાયેલ સૅમ્પલની સ્થળ મુલાકાતોને આધારે તૈયાર કરાયો હતો.
તેવી જ રીતે 2023નો અહેવાલ મુખ્યત્વે વર્ષ 2021ના ઑક્ટોબર-ડિસેમ્બરમાં એકઠી કરેલ માહિતી આધારિત છે. આમ, 2021ના રિપોર્ટમાં 2019ની સ્થિતિનો અહેવાલ છે, જ્યારે 2023ના રિપોર્ટમાં 2021ની સ્થિતિનો ચિતાર છે.
ગુજરાત ઉપરાંત આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહમાં ચેરના વનવિસ્તારમાં 4.65 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો છે. પરંતુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં આ સમયગાળા દરમિયાન ચેરના વનવિસ્તારમાં અનુક્રમે 13, 12.39 અને 2.54 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે.
ગુજરાતનાં રક્ષિત વનોમાં પણ વનરાજી ઘટી

ઇમેજ સ્રોત, Getty Images
2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં રેકૉર્ડેડ ફૉરેસ્ટ વિસ્તારમાં ફૉરેસ્ટ કવર એટલે કે વૃક્ષાવરણ 2021માં 9451.09 વર્ગ કિલોમીટર હતું તે 2023માં ઘટીને 9389.27 વર્ગ કિલોમીટર થઈ ગયું.
આમ, એકંદરે 61.22 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે જે રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપુરા (116.90 વર્ગ કિલોમીટર), તેલંગાણા (105.87), આસામ (86.66 ), આંધ્ર પ્રદેશ (87.47 ) બાદ પાંચમો સૌથી વધારે ઘટાડો છે. (ગ્રાફિક્સ કાર્ડ બનાવી શકાય)
ગુજરાતમાં નોંધાયેલા 356.23 વર્ગ કિલોમીટરના ભારે ગીચ (વિસ્તારનો 70 ટકા કે તેથી વધારે વિસ્તાર વૃક્ષોથી છવાયેલ હોય તેવો) વનવિસ્તારમાં 44.08 વર્ગ કિલોમીટરનો ઉમેરો થયો છે અને તે વધીને 400.31 વર્ગ કિલોમીટર થઈ ગયો. પરંતુ રાજ્યનાં મધ્યમ ગીચ અને પાંખાં વનોના વિસ્તારમાં અનુક્રમે 13.31 અને 91.99 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાતાં તેના કુલ વિસ્તાર અનુક્રમે 3948.31 અને 5041.39 વર્ગ કિલોમીટર થયાં છે. રાષ્ટ્રીયસ્તરે રેકૉર્ડેડ ફૉરેસ્ટ એરિયામાં ફૉરેસ્ટ કવરમાં એકંદરે 7.28 વર્ગ કિલોમીટરનો વધારો થયો છે.
રક્ષિત વનો બહારની વનરાજીમાંં મોટો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રેકૉર્ડેડ ફૉરેસ્ટ એરિયા બહારના વનવિસ્તારમાં 241.29 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે. જે દેશમાં સૌથી મોટો વધારો છે. ગુજરાત બાદ બિહાર (106.85 વર્ગ કિલોમીટર), કેરળ (95.19 વર્ગ કિલોમીટર) , ઉત્તર પ્રદેશ (79.27 વર્ગ કિલોમીટર) અને અને આસામ (74.90 વર્ગ કિલોમીટર)માં આ પ્રકારનો વધારો નોંધાયો છે અને દેશમાં રેકૉર્ડેડ ફૉરેસ્ટ એરિયા બહારના ફૉરેસ્ટ વિસ્તારમાં કુલ 149.13 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે.
આ વધારા સાથે હવે ગુજરાતમાં રેકૉર્ડેડ ફૉરેસ્ટ એરિયા બહારનાં વનોનો વિસ્તાર 5626.77 વર્ગ કિલોમીટર થઈ ગયો છે. તેમાં 19.40 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં ભારે ગીચ વનો, 954 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચ વનો અને 4653.34 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા પાંખા વનવિસ્તારનો સમાવેશ થાય છે.
2021ના રિપોર્ટ મુજબ રાજ્યમાં આ આંકડા અનુક્રમે 18.62 વર્ગ કિલોમીટર, 955.52 વર્ગ કિલોમીટર અને 4411.34 વર્ગ કિલોમીટર હતા. આમ, આ બે વર્ષ દરમિયાન ભારે ગીચ, મધ્યમ ગીચ અને પાંખા વનવિસ્તારોમાં અનુક્રમે 0.78, 1.49 અને 242 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાયો છે.
જોકે ગુજરાતમાં ટ્રી કવર એટલે કે એક હેક્ટરથી નાના વિસ્તારમાં આવેલાં વૃક્ષોના સમૂહો તેમજ છુટાછવાયાં વૃક્ષોના વિસ્તારમાં લગભગ 16 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. 2021માં ગુજરાતમાં ટ્રી કવરનો વિસ્તાર 6648.28 વર્ગ કિલોમીટર હતો તે 2023માં ઘટીને 6632.29 વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
રાજ્ય સરકાર કહે છે રિપોર્ટના આંકડા ભૂલ ભરેલ છે

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL
ગુજરાતના વન વિભાગમાં વન્યપ્રાણી વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ગુજરાત કોસ્ટલ ઝૉન મૅનેજમેન્ટ ઑથૉરિટીના સભ્ય જયપાલ સિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આઈએસએફઆર, 2023માં ટાંકેલ આંકડાઓમાં ભૂલ હોવાની શંકા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, "આ અગાઉના રિપોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મૅન્ગ્રૂવ વિસ્તારમાં બે વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો છે. એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મૅન્ગ્રૂવ કવર 1177 વર્ગ કિલોમીટરથી ઘટીને 1175 વર્ગ કિલોમીટર થઈ ગયું છે. પરંતુ 2023ના રિપોર્ટમાં કહે છે કે 2021માં ગુજરાતનું મૅન્ગ્રૂવ કવર 1200 વર્ગ કિલોમીટર હતું. એનો અર્થ એ થાય કે ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાએ 2021ના આંકડા સુધાર્યા છે."
તેમણે ઉમેર્યું,"અમારી માહિતી પ્રમાણે ગુજરાતના મૅન્ગ્રૂવ કવરમાં કોઈ ઘટાડો થયો નથી કારણ કે ન તો કોઈ મોટા વાવાઝોડાં આવ્યાં છે જે મૅન્ગ્રૂવ્ઝનો નાશ કરે કે ન તો કોઈ ઉદ્યોગોને આવા વિસ્તારની ફાળવણીને કારણે મૅન્ગ્રૂવ્ઝનો નાશ થયો છે. એમ કહેવાય છે કે કચ્છના કોરી ક્રિક વિસ્તારમાં મૅન્ગ્રૂવ્ઝનો ઘટાડો થયો છે, પરંતુ આવી કોઈ બાબત અમારા ધ્યાન પર નથી."
જોકે કેટલાક સરકારી અધિકારીઓએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે ચેરનાં વનો પર કચ્છમાં ભારે દબાણ છે.
રાજ્યના મહેસૂલ વિભાગના આ અધિકારીએ જણાવ્યું, "ખાસ કરીને મીઠું પકાવનાર અગરિયા અને ખાનગી પેઢીઓ મૅન્ગ્રૂવ્ઝનો નાશ કરી તેમની જગ્યાએ મીઠાનાં અગર બનાવી દે છે. ગાંધીધામ-ભચાઉ તાલુકાઓમાંથી આવી ફરિયાદો મળે છે અને સરકાર યોગ્ય પગલાં પણ લઈ રહી છે."
તો વરિષ્ઠ વનસંરક્ષણ અધિકારી જયપાલ સિંહે રક્ષિત વન વિસ્તારોમાં વૃક્ષાવરણ ઘટવાના તારણ સામે પણ પ્રશ્નો કર્યાં.
તેમણે કહ્યું,"6000 હેક્ટર (100 હેક્ટરે એક વર્ગ કિલોમીટર થાય)માં વૃક્ષનું છેદન શક્ય નથી. ન તો ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ (વન અધિકાર અધિનિયમ) હેઠળ વનવાસીઓને અપાયેલી જમીનોમાંથી હવે મોટા પાયે વૃક્ષો કાપી જમીન ખુલ્લી કરાય છે. વળી, કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે રક્ષિત વિસ્તારોની જમીન પણ આપવામાં આવી નથી. તેથી, અમને લાગે છે કે કંઈક ડેટા ગેપ (આંકડાકીય ઉણપ) છે."
તેમણે જણાવ્યું, "અમે આ તારણો સામે ફૉરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાને રજૂઆતો કરીશું અને સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરો આધાર-પુરાવા તરીકે જોડીશું. આવા પ્રકારના સર્વેમાં દર્શાવાયેલા આંકડાઓમાં સાતથી આઠ ટકા વધઘટ થવાની શક્યતા રહેતી હોય છે."
ભારત સરકારનો રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય છે?
ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયા વર્ષ 1987 થી દર બે વર્ષે આઈએસએફઆર પ્રકાશિત કરે છે. તેમાં ભારતમાં આવેલાં રક્ષિત વનો, રક્ષિત વનો બહાર આવેલાં વનો, આ બંને પ્રકારનાં વનોની બહાર એક હેક્ટરથી ઓછા વિસ્તારમાં આવેલાં વૃક્ષસમૂહો અને છુટાછવાયાં વૃક્ષોનું આવરણ, ચેરનાં વનો વગેરેની સ્થિતિનો ચિતાર આપે છે.
રક્ષિત વનોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો, અનામત વનો (રિઝર્વ ફૉરેસ્ટ), અનક્લાસ ફૉરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં વનોની માલિકી સરકારની હોય છે અને આઈએસએફઆરમાં આવાં વનોને રેકૉર્ડેડ ફૉરેસ્ટ એરિયા અથવા ગ્રીનવૉશ તરીકે ઓળખાવાય છે.
શરત એ છે કે જો આવાં વનોનો ઓછોમાં ઓછો 10 ટકા વિસ્તાર વૃક્ષો કે ઝાડી- ઝાંખરાંથી ઢંકાયેલ હોય તો જ આ રિપોર્ટમાં તેને ધ્યાને લેવાય છે. રક્ષિત વનો બહારના કોઈ પણ એક હેક્ટર વિસ્તારમાં જો 10 ટકા વિસ્તાર વૃક્ષાદિત હોય અને તે વિસ્તારની જમીન ખાનગી માલિકીની હોય તો પણ તેને રિપોર્ટમાં વન તરીકે ઓળખાવાય છે. આવાં વનોમાં બાગાયત પાકોના બગીચા કે ઇમારતી લાકડા માટે વાવવામાં આવેલાં વૃક્ષોનો સમાવેશ થઈ જાય છે.
આઈએસએફઆર, 2023 માટે વનાવરણનો અભ્યાસ કરવા આઈએફએસે હૈદરાબાદ સ્થિત નૅશનલ રિમોટ સૅન્સિંગ સેન્ટર દ્વારા રિસોર્સસેટ સિરીઝના રિમોટસૅન્સિંગ ઉપગ્રહોની મદદથી વર્ષ 2021ના ઑક્ટોબરથી ડિસેમ્બર મહિનાઓ દરમિયાન લેવાયેલી તસવીરોનું વિશ્લેષણ કર્યું. ઇશાન ભારત, દરિયાકાંઠાના વિસ્તારો અને આંદામાન નિકોબાર દ્વિપસમૂહોની કેટલીક વધારે તસવીરો 2022ના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી તેમ અહેવાલમાં જણાવ્યું છે. સેટેલાઇટ દ્વારા માહિતીની ચોકસાઈની ચકાસણી કરવા સૅમ્પલ તરીકે પસંદ કરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ તેમનો સર્વે કરાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












