વિરાટ કોહલીની કૉન્સ્ટાસ સાથે ધક્કામુક્કી : આઇસીસીએ શું નિર્ણય લીધો?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટના પ્રથમ દિવસે સૅમ કૉન્સ્ટન્સ સાથે અથડાવા મામલે ભારતીય બૅટ્સમૅન વિરાટ કોહલીને આઇસીસીએ દંડ ફટકાર્યો છે.
વિરાટ કોહલીએ પોતાની મૅચ ફીનો 20 ટકા હિસ્સો દંડ તરીકે ભરવો પડશે.
આ ઉપરાંત આઇસીસી આચારસંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ તેમના મેરિટ પૉઇન્ટમાંથી એક પૉઇન્ટ કાપી લેવાયો છે.
આઇસીસી તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નથી, કારણ કે કોહલીએ પહેલેથી જ મૅચ રેફરી દ્વારા પ્રસ્તાવિત સજાને સ્વીકારી લીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ટેસ્ટ સીરિઝ માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પાંચ ટેસ્ટમૅચવાળી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં મેજબાન ટીમની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે.
પહેલાં તો બીજી ટેસ્ટમાં કારમો પરાજયની સાથે-સાથે ત્રીજી ટેસ્ટમાં પૂંછડિયા બૅટ્સમૅનોના દમ પર માંડમાંડ ફોલોઓનથી બચ્યા. અને હવે ચોથી ટેસ્ટ એટલે કે બૉક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને આ મૅચથી ઑસ્ટ્રેલિયન ટીમમાં ડેબ્યૂ કરનારા 19 વર્ષીય ઓપનર સૅમ કોંસ્ટાસ વચ્ચેનો ઉગ્ર બોલાચાલીનો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
આ વિવાદને કારણે મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ફિલ્ડ પર પોતાના આક્રમક વલણ માટે જાણીતા ભારતીય બૅટ્સમૅન વિરાટ કોહલી ફરી એક વાર બિનજરૂરી કારણોસર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
નોંધનીય છે કે પાંચ ટેસ્ટમૅચની આ સીરિઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા બંનેએ એક-એક મૅચમાં જીત હાંસલ કરી છે. જોકે, ત્રીજી ટેસ્ટમૅચમાં ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને અચાનક જ નિવૃત્તિ જાહેર કરતાં ભારતીય ટીમ સામે તેમની ખોટ પૂરીને સારું પ્રદર્શન કરવાનો પડકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલી અને સૅમ કોંસ્ટાસ વચ્ચે મેદાન પર થયેલી અથડામણ ચર્ચાનો મુદ્દો બની છે ત્યારે કેટલાક પૂર્વ ક્રિકેટરો પણ આ મામલે કોહલીની ટીકા કરી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ ખેલાડી અન્ય ખેલાડી સાથે ગેરવર્તન કરે તો તે માટે આઇસીસીના શું નિયમો છે? શું આ નિયમો વિરાટ કોહલીની મુશ્કેલી વધારી શકે?
શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી ટેસ્ટમૅચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે શરૂ થઈ હતી.
ઑસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઑસ્ટ્રેલિયા તરફથી ઇનિંગની શરૂઆત કરવા ઓપનર ઉસ્માન ખ્વાજા અને સૅમ કોંસ્ટાસ ઊતર્યા હતા.
પોતાની પ્રથમ મૅચ રમવા ઊતરેલા કોંસ્ટાસ પોતાની બેટિંગને કારણે ચર્ચામાં છે. તેઓ ઇનિંગની શરૂઆતથી જ ભારતીય બૉલરો સામે આક્રમક દેખાઈ રહ્યા હતા. એટલા સુધી કે તાજેતરમાં જ આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર જસપ્રીત બુમરાહ સામે પણ તેમનું આ આક્રમક વલણ ચાલુ રહ્યું.

તેમની આ આક્રમક બેટિંગથી ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. જોકે, કોંસ્ટાસ પર નિયંત્રણ રાખવાની તમામ કોશિશ નિષ્ફળ સાબિત થઈ રહી હતી.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે દસમી ઓવર ફેંકી. આ ઓવર બાદ કોંસ્ટાસ પોતાના સાથી ઓપનર ઉસ્માન ખ્વાજા તરફ આગળ વધી રહ્યા હતા.
આ દરમિયાન કોહલી હાથમાં બૉલ ઉછાળતાં ઉછાળતાં પિચ પર કોંસ્ટાસની સામેની દિશામાં આગળ વધી રહ્યા હતા. જે દરમિયાન કોહલીનો ખભો કૉંસ્ટાસ સાથે અથડાઈ ગયો. આ વાતથી કૉંસ્ટાસ ઘણા ખિન્ન દેખાયા અને તેમણે કોહલીને કંઈક કહ્યું.
બંને ખેલાડીઓ વચ્ચે થોડી ક્ષણો માટે બોલાચાલી પણ થઈ. આ દરમિયાન જ ઉસ્માન ખ્વાજા અને અમ્પાયર ત્યાં આવી પહોંચ્યા. ખ્વાજ અને અમ્પાયરે બંને ખેલાડીઓ વચ્ચે આવવું પડ્યું.
આઇસીસીના નિયમો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઇસીસીની આચારસંહિતા અનુસાર ક્રિકેટમાં કોઈ પણ પ્રકારની 'શારીરિક અથડામણ' પ્રતિબંધિત છે.
આઇસીસીના કોડ ઑફ કન્ડક્ટની કલમ 2.12 (પાના નંબર 9) અંતર્ગત જો ખેલાડી જાણીજોઈને કે બેદરકારીને કારણે ખેલાડી કે અમ્પાયર સાથે અથડાય, તો તેને આચારસંહિતાના ઉલ્લંઘન અંતર્ગત અપરાધ માનવામાં આવશે.
નોંધનીય છે કે આઇસીસીની આચારસંહિતામાં ક્રિકેટની રમતની ભાવનાથી વિપરીત વર્તન કરનાર વ્યક્તિઓ સામે પગલાં લેવાની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત જે-તે ગેરવર્તનને ચાર કૅટગરીમાં વિભાજિત કરાઈ છે. જેને આધારે મૅચ રેફરી આવી વ્યક્તિ સામે જોગવાઈને અનુસરીને પગલાં લઈ શકે છે.
જો કોહલીવાળા મામલામાં મૅચ રેફરી આ મામલાને લેવલ-2નો અપરાધ માને તો ખેલાડીને ત્રણ-ચાર ડિમૅરિટ પૉઇન્ટની પૅનલ્ટી થઈ શકે છે, જેના કારણે તેમના પર આગામી સિડની ટેસ્ટ એટલે કે અંતિમ ટેસ્ટમૅચમાં પાબંદી પણ લાગી શકે છે.
પરંતુ જો મૅચ રૅફરી આને લેવલ-1નો અપરાધ માને તો કદાચ કોહલી પર દંડ જ લાગશે. જે તેમની મૅચ ફીના 50 ટકા સુધીનો હોઈ શકે છે.
નોંધનીય છે કે મૅચ રેફરીના નિર્ણય સામે અપીલ કરવાની જોગવાઈ પણ આ નિયમોમાં છે.
દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોહલી અને કોંસ્ટાસ વચ્ચે થયેલી ટક્કરને કારણે સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
હવે એવી ચર્ચા થવા લાગી છે કે શું કોહલી અજાણતા કોંસ્ટાસ સાથે અથડાઈ ગયા કે પછી તેમણે આ જાણીજોઈને કર્યું.
અમુક પૂર્વ ક્રિકેટરો આ વ્યવહાર માટે કોહલીની ટીકા કરી રહ્યા છે.
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન માઇકલ વૉને કહ્યું છે કે મૅચ રૅફરી આ મામલાનાં જરૂર તપાસ કરશે.
તેમણે કહ્યું કે કોહલીએ એવો વ્યવહાર કર્યો છે જેના માટે તેઓ ગૌરવ નહીં અનુભવે.
માઇકલ વૉન પ્રમાણે, "કોંસ્ટાસ પોતાના રસ્તે જઈ રહ્યા હતા. વિરાટને જુઓ. તેમણે રસ્તો બદલ્યો. વિરાટ એક મહાન ખેલાડી છે. એક ખૂબ અનુભવી પણ છે. જ્યારે પણ તેઓ પાછા વળીને જોશે, તો પોતાની જાતને પૂછશે કે તેમણે આવું કેમ કર્યું?"
નોંધનીય છે કે માઇકલ વૉન આ ઘટના બની એ સમયે કૉમેન્ટરી કરી રહ્યા હતા. જ્યારે તેમને પુછાયું કે શું મૅચ રૅફરી આ મામલાની તપાસ કરશે કે કેમ તો તેમણે હકારમાં જવાબ આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન રિકી પૉન્ટિંગ પ્રમાણે એ વાતમાં કોઈ શંકા નથી કે ભૂલ વિરાટની છે.
પૉન્ટિંગનું કહેવું છે કે વિરાટે જ ટક્કર મારીને આ મામલાની શરૂઆત કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીના આ વ્યવહારને બિનજરૂરી ગણાવ્યો હતો.
રવિ શાસ્ત્રીનું પણ માનવું છે કે મૅચ રૅફરી આ ઘટનાનું સજ્ઞાન જરૂર લેશે.
ભારતના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે પણ આ મામલે નિરાશા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે જ્યારે તમને તમારી સામે કોઈને આવતા જુઓ છો, તો તમારે રસ્તેથી હઠી શકો છો અને આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જતું.
જોકે, બાદમાં સૅમ કોંસ્ટાસે કહ્યું હતું કે મૅચ દરમિયાન આવું થાય છે અને જે કંઈ મેદાન પર થાય છે, એ મેદાનમાં જ રહી જાય છે.
મજાની વાત તો એ છે કે સૅમ કોંસ્ટાસ જાતે વિરાટ કોહલીના પ્રશંસક છે અને કોહલી તેમના પસંદગીના ક્રિકેટરો પૈકી એક છે.
ભૂતપૂર્વ કપ્તાન સાઇમન ટૉફેલે ઑસ્ટ્રેલિયાની ચેનલ સેવન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેવી રીતે કોહલી પોતાની દિશા બદલીને કોંસ્ટાસ સાથે અથડાયા, એના પર કાર્યવાહી થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












