આર. અશ્વિન : એક સમયે વિદેશી પિચ પર 'ફેલ' મનાતા ખેલાડી જે વિશ્વના 'મહાન બૉલરો પૈકી એક' બની ગયા

    • લેેખક, વિમલકુમાર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, ધર્મશાળાથી

સારાંશ

  • ભારતીય ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
  • બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મૅચ આજે ડ્રૉ રહી હતી. ત્યાર બાદ અશ્વિને કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમમાં આજનો દિવસ તેમના માટે અંતિમ હતો.
  • ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે. તેમણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટો ઝડપી છે. સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ અનિલ કુંબલેના નામે છે, જેમણે 619 વિકેટો લીધી છે.
  • અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3,503 રન બનાવ્યા છે. જેમાં છ સદી અને 14 અડધી સદી સામેલ છે.
  • અશ્વિનની કારકિર્દી પર માર્ચ 2024માં પ્રકાશિત સ્પૉર્ટ્સ પત્રકાર વિમલકુમારનો આ લેખ વાંચો
આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્તિ, બોલર બૅટ્સમેન, ક્રિકેટ, ઑસ્ટ્રેલિયા, ભારત ટેસ્ટ સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

"અરે જેસબોલ, આ છે તારા માટે ફિલ્ડિંગ. હવે ફટકો માર"

ધર્મશાળામાં ટેસ્ટમૅચ શરૂ થઈ તે અગાઉ રવિચંદ્રન અશ્વિનના આ શબ્દો તમારા કાન સુધી પહોંચે છે. તે સમયે વિશ્વાસ નથી આવતો કે ભારતીય ક્રિકેટના આ વરિષ્ઠ ખેલાડી પોતાની 100મી ટેસ્ટ અગાઉ એક યુવા ઓપનર સાથે એવી જ રીતે વર્તન કરે છે જેવું વર્તન તેઓ પોતાની પ્રથમ ટેસ્ટમાં કરતા હતા.

અશ્વિનનો આ કટાક્ષ સાંભળીને યશસ્વી જયસ્વાલ જ નહીં, પણ અક્ષર પટેલ અને કુલદીય યાદવ પણ ખડખડાટ હસી પડે છે.

મેદાનની અંદર અશ્વિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એક ખેલાડી તરીકે ઘણા ફેરફાર પોતાની જાતમાં કર્યા હતા. મેદાનની બહાર પણ તેમણે પોતાના વ્યક્તિત્વમાં ઘણા ફેરફાર કર્યા છે. તેથી તેઓ દરેક ઉંમર અને પ્રદેશના ખેલાડીઓ સામે એકદમ સહજ દેખાય છે.

તમિલનાડુથી આવતા ખેલાડીઓને સામાન્ય રીતે હિંદી ભાષા બોલતા નથી ફાવતી, પરંતુ અનૌપચારિક રીતે ભારતીય ડ્રેસિંગ રૂમમાં હિંદી જ બોલાય છે.

અશ્વિનને પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેઓ 100 ટેસ્ટમૅચ રમનાર ખેલાડીઓની ક્લબમાં સામેલ થયેલા તામિલનાડુના પ્રથમ ખેલાડી છે. આ વિશે તેમને કેવું લાગે છે. તે વખતે તેમણે પોતાના જાણીતા અંદાજમાં ફિલૉસૉફિકલ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું, "એક સફળ ભારતીય ખેલાડી હોવાનાં ઘણાં પાસાં હોય છે. તેમાં તમારે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે."

તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં તેઓ તમિલનાડુના યુવા ખેલાડીઓ સાથે પોતાના અનુભવો શૅર કરશે અને તેમના રાજ્યના ખેલાડીઓ વધુ સારો દેખાવ કરે તેવો પ્રયાસ કરશે.

અશ્વિનની કારકિર્દી અસાધારણ રહી છે. પરંતુ તેમને માત્ર તામિલનાડુના એક ક્રિકેટર અથવા માત્ર એક ભારતીય ક્રિકેટર તરીકે જોવા એ યોગ્ય નહીં કહેવાય.

ઇંગ્લૅન્ડના ક્રિકેટરે શેન વૉર્ન સાથે સરખામણી કરી

આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્તિ, બોલર બૅટ્સમેન, ક્રિકેટ, ઑસ્ટ્રેલિયા, ભારત ટેસ્ટ સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images

અશ્વિને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વોને શેન વૉર્ન અને મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજો સાથે તેમની તુલના કરી છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને ટોચના બૅટ્સમૅન જો રૂટે તાજેતરમાં જણાવ્યું હતું કે આ યુગના અત્યંત સફળ ઑફ સ્પિનર નેથન લૉયલ અને અશ્વિનમાં શું ફરક છે.

રૂટનું કહેવું હતું કે લૉયન હંમેશાં તમે ભૂલ કરો તેની રાહ જોતા હોય છે, જ્યારે અશ્વિન દરેક ઘડીએ નવી વિવિધતા અને નવા સવાલો દ્વારા કોઈને રાહતનો દમ લેવા દેતા નથી.

'અશ્વિનને શરૂઆતમાં બૅટ્સમૅન બનવું હતું'

વીડિયો કૅપ્શન, વિકલાંગ Formula1 Racer ચેતન કોરાડા કોણ છે, જેણે બંને પગે પ્રોસ્થેટિક લેગ સાથે સિદ્ધી મેળવી?

ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટથી એકદમ પહેલાં જ અશ્વિનના ભરપેટ વખાણ કર્યાં હતાં.

તેમણે કહ્યું કે શરૂઆતમાં અશ્વિનને બૅટ્સમૅન બનવું હતું, પરંતુ તેઓ બૉલર બન્યા. જ્યારે મારે બૉલર બનવું હતું, પરંતુ બૅટ્સમૅન બન્યો. અને આ સારું થયું કારણ કે તેનાથી ભારતીય ક્રિકેટને ફાયદો થયો.

રોહિતે અશ્વિન માટે સૌથી મહત્ત્વની વાત એ કહી હતી કે કઈ રીતે એક સિનિયર ખેલાડી તરીકે તેઓ કૅપ્ટનને સાથ આપે છે.

અશ્વિન પોતાના સાથીદાર રવીન્દ્ર જાડેજા સાથે મળીને માત્ર બૅટ અને બૉલ દ્વારા જ નહીં, પરંતુ પોતાનાં સૂચન અને સલાહ દ્વારા પણ કૅપ્ટનનો બોજ હળવો કરે છે.

અશ્વિને મૅચ અગાઉ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પોતાની ટેસ્ટ યાત્રા અંગે બધાનો આભાર માન્યો હતો અને તેઓ બહુ ખુશ દેખાતા હતા.

અશ્વિન ક્યારેય કપ્તાની માટે દાવેદાર ન ગણાયા

આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્તિ, બોલર બૅટ્સમેન, ક્રિકેટ, ઑસ્ટ્રેલિયા, ભારત ટેસ્ટ સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ એક વાત હંમેશાં ખૂંચશે કે તેમને ક્યારેય ટેસ્ટની કપ્તાની માટે ગંભીર દાવેદાર માનવામાં આવ્યા ન હતા.

અશ્વિનની સરખામણી ઘણી વખત દિગ્ગજ બૉલર અનિલ કુંબલે સાથે થાય છે.

કુંબલેની જેમ અશ્વિને પણ શરૂઆતના તબક્કામાં ટીકાનો સામનો કરવો પડ્યો કે તેઓ ઘરઆંગણે સારો દેખાવ કરે છે, પરંતુ વિદેશની પિચ પર તેમને જાદુ ચાલતો નથી.

પરંતુ કુંબલેની જેમ જ અશ્વિને પણ પોતાના શાંત અને અલગ અંદાજથી દરેક ટીકાનો જવાબ પોતાની રીતે આપ્યો હતો. તેના કારણે માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના સર્વકાલીન મહાન બૉલરોની યાદીમાં તેમને સમાવવામાં આવે તો ટીકાકારોને વાંધો નહીં પડે.

કુંબલેને પોતાની કારકિર્દીના અંતિમ સમયમાં ટેસ્ટનું કપ્તાનપદ મળ્યું હતું, પરંતુ અશ્વિન હવે આ દોડમાંથી બહાર નીકળી ગયા છે.

અજિંક્ય રહાણે અને પછી રોહિત શર્મા જેવા બૅટ્સમૅનને ભારતીય ટેસ્ટ કપ્તાની મળી હતી, પરંતુ અશ્વિને ક્યારેય આ બાબતે હતાશા કે નિરાશા વ્યક્ત નહોતી કરી, જે બહુ મહત્ત્વની વાત છે.

રવિચંદ્રન અશ્વિનની કહાણી

આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિવૃત્તિ, બોલર બૅટ્સમેન, ક્રિકેટ, ઑસ્ટ્રેલિયા, ભારત ટેસ્ટ સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાસ્તવમાં જોવામાં આવે તો અશ્વિનની કહાણી અત્યંત પ્રભાવશાળી છે.

50 ટેસ્ટથી લઈને 500 ટેસ્ટ વિકેટ સુધીની સફરના રેકૉર્ડમાં તેઓ તમામ ભારતીય બૉલરો કરતાં ઝડપી રહ્યા છે.

તેનો અર્થ એ થયો કે કોઈ પણ ભારતીય બૉલરે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટો ખેરવવામાં 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450 અને 500 નો આંકડો અશ્વિન જેટલી ઝડપથી પાર નથી કર્યો.

તે દર્શાવે છે કે તેમણે એક દાયકા કરતાં વધુ સમયથી પોતાની રમતમાં કેટલું સાતત્ય જાળવ્યું છે.

તેમણે હરભજનસિંહનો સમય પણ જોયો છે. આમ છતાં અશ્વિનની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ પોતાની નૈસર્ગિક પ્રતિભા સાથે સંપૂર્ણપણે ન્યાય કરવામાં સફળ થયા છે.

આ ખેલાડી માટે ઘણી વખત (ખોટી રીતે) કહેવામાં આવતું હતું કે તેઓ ટી20 ક્રિકેટ અને આઇપીએલ માટે ટીમ ઈન્ડિયા માટે રમ્યા. તેમણે ટેસ્ટ ક્રિકેટર તરીકે પોતાની જાતને ચૅમ્પિયન સાબિત કર્યા.

અશ્વિનની સફળતાનો અંદાજ તેમના 3000થી વધારે ટેસ્ટ રન પરથી પણ આવી શકે છે જે તેમણે અત્યાર સુધીની કારકિર્દીમાં બનાવ્યા છે. ઘણા ટોચના બૅટ્સમૅનો પણ આવી સફળતા નથી મેળવી શક્યા.

અશ્વિનની સફળતા એ વાતમાં છે કે કઈ રીતે વિદેશી પિચ (ખાસ કરીને ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ) પર દરેક કૅપ્ટને પ્લેઇંગ ઇલેવનમાં સંતુલનના નામે તેમની મહાનતા સામે સવાલ પેદા કર્યા. છતાં તેમણે કોઈ વાંધો ન ઉઠાવ્યો અને હંમેશાં ટીમ મૅન બની રહ્યા.

અલ્ટિમેટ ટીમ મૅન એક એવું વિશેષણ છે, જેના પર અશ્વિન પોતાની કારકિર્દી ખતમ થયા પછી ગર્વ અનુભવશે. 100થી 150 ટેસ્ટ રમવા અથવા 500થી 600 ટેસ્ટ વિકેટ લેવા કરતાં પણ આ વધુ ગર્વની વાત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.