ગુજરાત : ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં કેમ સામસામે પ્રહારો કરી રહ્યા છે?

ગોપાલ ઇટાલિયા, હર્ષ સંઘવી, ગુજરાત, રાજકારણ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/Gopal Italia & Harsh Sanghvi

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 'નકલી ઇડી'ની ટીમનો મુદ્દો સમાચારોમાં છવાયેલો રહ્યો છે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અને ભાજપના નેતા હર્ષ સંઘવીએ આ મામલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરી હતી અને આ 'નકલી ઇડી' ચલાવનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સદસ્ય હોવાનો દાવો કર્યો હતો.

જોકે, તેમના આ ટ્વીટ પછી આમ આદમી પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને જવાબ આપતાં આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે આ મુદ્દે હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવા માટે લલકાર્યા હતા અને કહ્યું હતું કે, "જો ગૃહમંત્રી પાસે પુરાવા હોય તો તેઓ ડિબેટ કરે અને જાહેરમાં આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડે."

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આ વ્યક્તિના ભાજપના નેતાઓ અને સાંસદો સાથેની તસવીરો જાહેર કરીને દાવો કર્યો હતો કે એ વ્યક્તિના ભાજપ સાથે સંબંધો છે.

જોકે, આ કેસમાં કચ્છના એસપીએ આપેલા નિવેદનને આધાર માનીને ગોપાલ ઇટાલિયા સામે ચાલીને પોલીસસ્ટેશને પહોંચ્યા હતા. એટલે આ મુદ્દે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં દેખાય છે.

ગોપાલ ઇટાલિયા વિ. હર્ષ સંઘવી

ગોપાલ ઇટાલિયા, હર્ષ સંઘવી, ગુજરાત, રાજકારણ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gopal Italia/FB

ઇમેજ કૅપ્શન, ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંધવીને લખેલો પત્ર

'નકલી ઇડી' મુદ્દે ગોપાલ ઇટાલિયાએ તેમના ફેસબુક પેજ પર બે વીડિયો નિવેદનો મૂક્યાં છે, અને તેઓ હર્ષ સંઘવીને સતત ડિબેટ માટે લલકારી રહ્યા છે.

જોકે, છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા ગૃહરાજ્યમંત્રીને ઘેરવાનો એક પણ પ્રયાસ જતો ન કરતા હોય તેવું પ્રતીત થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાંથી પકડાતાં ડ્રગ્સનો મામલો હોય, કાયદો-વ્યવસ્થાની સ્થિતિની વાત હોય કે પછી નવરાત્રી સમયે મહિલા સુરક્ષાની વાત હોય, ગોપાલ ઇટાલિયા સતત હર્ષ સંઘવી પર પ્રહારો કરતા રહે છે. ક્યારેક તેમની ફેસબુક પર લખાતી કવિતાઓમાં પણ તેઓ નામ લીધા વગર હર્ષ સંઘવી પર નિશાન તાકે છે.

જોકે, આરોપ-પ્રત્યારોપની આ વાત નવી નથી.

સોશિયલ મીડિયા પર જોવા મળતા આરોપ-પ્રત્યારોપોની શરૂઆત અંદાજે અઢી મહિના પહેલાં હર્ષ સંઘવીએ આપેલા એક નિવેદનથી થઈ હતી.

સ્થાનિક સમાચાર ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું હતું કે વિરોધીઓ કાયમ એવો આરોપ લગાવતા હોય છે કે હર્ષ સંઘવી ઓછું ભણેલા છે. ગોપાલ ઇટાલિયા પણ સતત તેમનાં નિવેદનોમાં અને લખાણોમાં ગૃહરાજ્યમંત્રી માટે 'આઠ પાસ' એવા શબ્દો વાપરતા હોય છે.

ત્યારે આ સવાલના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "હું ઓછું ભણેલો છું પણ આજે પણ રોજ હું નવી વસ્તુઓ દરરોજ શીખું છું. મારા ઘરે જે માળી આવે છે તેમની પાસેથી પણ હું શીખું છું અને મારા મંત્રાલયમાં જે આઇએએસ અધિકારીઓ કામ કરે છે તેમની પાસેથી પણ હું શીખું છું. ગુજરાતના જે પણ નાગરિકો મને મળે છે, તેમની પાસેથી પણ હું કંઈક શીખવાનો પ્રયત્ન કરું છું. મારું ભણતર ભલે ઓછું છે, પરંતુ જે લોકો આરોપો લગાવે છે તેને હું કહેવા માગું છું કે તેમને જે વિષય પર જાહેરમાં ચર્ચા કરવી હોય તેમની સાથે ચર્ચા કરવા માટે હું તૈયાર છું."

હર્ષ સંઘવીના આ નિવેદન બાદ ગોપાલ ઇટાલિયાએ તક ઝડપી લીધી હતી અને હર્ષ સંઘવીને પત્ર લખીને જણાવ્યું હતું કે, "હું નાગરિક તરીકે તેમની ચેલેન્જનો સ્વીકાર કરું છું અને જાહેરમાં હર્ષ સંઘવી સાથે ચર્ચા કરવા તૈયાર છું."

ગોપાલ ઇટાલિયાએ પોલીસ સુધારણા, કાયદો અને વ્યવસ્થા, બંધારણ અને લોકશાહી, દારૂબંધી, ડ્રગ્સ અને કાયદો જેવા વિષયો પર હર્ષ સંઘવીને ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો.

જોકે, ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો, પરંતુ ત્યારથી સતત ગોપાલ ઇટાલિયા તેમને વારંવાર સોશિયલ મીડિયા પર એ ચર્ચાની યાદ અપાવતા દેખાય છે.

ગોપાલ ઇટાલિયા શા માટે સતત હર્ષ સંઘવીને ઘેરી રહ્યા છે?

ગોપાલ ઇટાલિયા, હર્ષ સંઘવી, ગુજરાત, રાજકારણ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Harsh Sanghvi/FB

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હર્ષ સંઘવી નં.2 માનવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહેતા હતા. એ સમયે આપના નેતાઓ તેમને 'સુપર સીએમ' ગણાવીને તેમના પર પ્રહારો કરતા હતા, પરંતુ હવે તેમના નિશાન પર હર્ષ સંઘવી છે.

સુરતસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, "આમ, જોવા જઈએ તો જ્યારથી હર્ષ સંઘવી ગૃહરાજ્યમંત્રી બન્યા ત્યારથી તેઓ વિપક્ષના નિશાન પર છે. ગુજરાતમાંથી સી.આર. પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બની ગયા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નવા વ્યક્તિની નિમણૂક થવાની છે. એટલે કે ગુજરાત સરકારમાં હવે નંબર-2નું સ્થાન હર્ષ સંઘવીએ લઈ લીધું છે. વળી, તેમના હાથમાં સૌથી અગત્યનું ગણાતું એવું ગૃહખાતું છે. જેનો ઉપયોગ-દુરુપયોગ કથિતપણે થતો રહે છે."

તેઓ કહે છે, "ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી ગૃહ ખાતા હેઠળ આવતી કોઈપણ સંવેદનશીલ વ્યવસ્થાનો સવાલ હોય, સ્વાભાવિક રીતે જ તેમાં કામમાં ખામીઓ, નિષ્ફળતા મળે તો તે વિભાગના મંત્રી જ જવાબદાર ઠેરવાય છે. તેમની પાસેથી જ જવાબ લેવો પડે."

નરેશ વરિયા કહે છે, "આમ આદમી પાર્ટીની શરૂઆત ગુજરાતમાં સુરતથી થઈ. ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી બંને સુરતમાં રહે છે. આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો અહીંથી ચૂંટાયા અને અહીંથી જ પાર્ટી તૂટી. આમ સરવાળે સુરત એ આમ આદમી પાર્ટીનું બેટલગ્રાઉન્ડ છે, જેથી પાર્ટી કોઈ પણ મુદ્દો હોય, અહીં સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે."

નરેશ વરિયા કહે છે, "ભાજપની હાલની પરિસ્થિતિ એવી છે કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવાય કોઈ નેતા મીડિયામાં ચમકતા નથી કે સીધી રીતે ખૂલીને નિવેદનો આપતા નથી. આથી, હર્ષ સંઘવી પર સીધા પ્રહારો કરવાથી દેખીતું માઇલેજ મળે છે, અને ચર્ચામાં રહેવાય છે, એ ગોપાલ ઇટાલિયા જાણે છે."

ગોપાલ ઇટાલિયા સક્રિય, પણ આપ નિષ્ક્રિય?

ગોપાલ ઇટાલિયા, હર્ષ સંઘવી, ગુજરાત, રાજકારણ, ભાજપ, આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AAPGUJARAT

ઇમેજ કૅપ્શન, ગીરમાં ઇકો-સેન્સિટિવ ઝોનના વિરોધમાં નીકળેલી રેલીમાં આપના નેતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે પણ સવાલો ઊઠતા રહે છે.

પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ક્યારેક સમાચાર ચેનલના સ્ટુડિયોમાં તો ક્યારેક કોઈ વિરોધપ્રદર્શનમાં જોવા મળે છે.

જોકે, ગીરના પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોનના વિરોધમાં પ્રદર્શન કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, રાજુ કરપડાએ મોરચો સંભાળ્યો હતો.

એક તબક્કે તો ગોપાલ ઇટાલિયાએ ઇકો-સેન્સિટિવ ઝોનનો પ્રસ્તાવ પાછો ન ખેંચાય તો ગીરના તાલાળાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય પણ તેના પાછળ બંને નેતાઓ સુરતમાં પ્રભાવ ધરાવતા હોવાનું જ કારણ ગણાવે છે.

જગદીશ આચાર્ય કહે છે, "ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પછી જો પોતાનું સ્થાન એક રાજકીય પક્ષ તરીકે ટકાવી રાખવું હોય તો નાના-મોટા મુદ્દે સક્રિયતા દેખાડવી જરૂરી છે. આથી, આમ આદમી પાર્ટીના નેતાઓ સમાચારોમાં ચમકતા રહેવા માટે, પોતાની હાજરી નોંધાવવા માટે નિવેદનો આપતા હોય છે. ગત ચૂંટણીમાં વીસાવદરમાં પણ આમ આદમી પાર્ટી જીતી હતી અને સૌરાષ્ટ્રમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. એટલા માટે ગોપાલ ઇટાલિયાની ત્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત વગેરે તેની આ જ રણનીતિનો ભાગ હોઈ શકે છે."

નરેશ વરિયા કહે છે, "સુરત અને સૌરાષ્ટ્રનું રાજકારણ એ સીધી રીતે જોડાયેલું છે. સૌરાષ્ટ્રમાં ઊઠેલા મુદ્દાઓની અસર સુરત સુધી પહોંચે છે અને સુરતના મુદ્દાઓની અસર સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે."

અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતોની ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ સફળતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી જ મળી હતી.

ગુજરાત વિધાનસભાની 35 બેઠકો એવી રહી હતી જેમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.