ઝાકિયા સોમન : ઘરેલુ હિંસાનો ભોગ બનેલાં અને હવે મહિલાઓના હક માટે લડનાર મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, Arastu Zakia
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમયે ઘરેલુ હિંસાનો ભોગ બનેલાં ઝાકિયા સોમન, આજે દેશમાં મહિલા અધિકારો માટે ઉઠતા બુલંદ સ્વરોમાંથી એક છે. એક સમયે જેમને બુડથલ, નાસમજ કે સાધારણ કહીને ચૂપ કરી દેવામાં આવતાં હતાં, તેમણે ત્રણ તલાકની પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવી. પેલા કિનારેથી આ કિનારા સુધીની તેમની સફર પર જ્યારે તેમના જ દીકરાએ હાલમાં જ એક શોર્ટ ફિલ્મ બનાવી તો તે 'ઑસ્કર ક્વૉલિફાઇંગ ફિલ્મ ફેસ્ટિવલ' સુધી પહોંચી ગઈ.
અમદાવાદની એક કૉલેજમાં પ્રોફેસરની નોકરી કરનારાં ઝાકિયા સોમનનું નામ આવે ત્યારે 'મુસ્લિમ મહિલા સંગઠન'નું નામ આવે જેમણે મુસ્લિમ મહિલાઓની સમાજિક અને આર્થિક પરિસ્થિતિ બદલવા માટે નીતિ ઘડવાની હિમાયતો સહિત અનેક સ્તરે કામો કર્યાં છે.
તેમના જીવન પર બનેલી એક શોર્ટ ફિલ્મ 'રિહા' (આઝાદ થવું - મુક્ત થવું) હાલમાં જ યોજાયેલા 'ઑસ્કર ક્વૉલિફાઇંગ સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ' માં પ્રસારિત કરવામાં આવી હતી, જૂજ ફિલ્મો અહીં સુધી પહોંચી શકે છે.
માત્ર 30 મિનિટની આ ફિલ્મમાં ઝાકિયાબહેનનાં સોળ વર્ષનાં લગ્ન જીવનનો એક ટૂંકો સાર દર્શાવવામાં આવ્યો છે, જેમાં તેઓ અને તેમના દીકરા અરસ્તુ ઘરેલું હિંસાનો ભોગ બને છે.
ઝાકિયાબહેને પોતે પણ એક નાનકડો રોલ આ ફિલ્મમાં કર્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર, લેખક અને દિગ્દર્શક તેમના દીકરા અરસ્તુ જ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઝાકિયાબહેને કહ્યું, "મેં અને મારા દીકરાએ ડરમાં જે 16 વર્ષ વીતાવ્યાં હતાં, જેમાં હું પોતે શારીરિક, માનસિક યાતનામાં જીવી રહી હતી."
તેમના પતિ સાથે તેઓ સામાજિક કાર્ય કરતાં હતાં, જેમાં તેઓ મુસ્લિમ મહિલાઓના હકો માટે કામ કરતાં હતાં, ખાસ કરીને 2002નાં તોફાનો બાદ, મહિલાઓની મદદ કરવા માટે તેઓ કામ કરતાં હતાં.
"આવી અનેક મહિલાઓ મને મળી કે જેમની પાસે કંઈ નહોતું પણ માત્ર લડવાની હિમ્મત હતી. તેમનું બધું જ જતું રહ્યું હતું, પરંતુ તેઓ છેલ્લે સુધી લડવા માટે તૈયાર હતાં. આવી મહિલાઓને મળ્યાં પછી મને લાગતું કે, મારી અને તેમની પરિસ્થિતિ એક જેવી છે, પરંતુ તેમની પાસે કંઈ નથી, જ્યારે મારી પાસે ઘણું હતું. હું ભણેલી હતી, સામાન્ય પરિવારમાંથી આવતી હતી, મને મારા હકો અને અધિકારો વિશે ખબર હતી, તેમ છતાંય હું બધું સહન કરી રહી હતી," તેમણે કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Arastu Zakia
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ એક દિવસ તેઓ પોતાના દીકરાને સાથે લઈને પતિનું ઘર છોડીને બહાર નીકળી ગયાં અને પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું. તેમણે મુસ્લિમ મહિલા સંગઠન બનાવ્યું અને અનેક મોટી સંસ્થાઓ સાથે કામ કર્યું. જ્યારે અરસ્તુએ ઉચ્ચ અભ્યાસ બાદ એક કૉર્પોરેટ ગ્રૂપમાં નોકરી મેળવી લીધી.
"મારાં લગ્નનાં 16 વર્ષ સુધી હું માનતી હતી, કે હું કોઈ કામની નથી. શરૂઆતમાં મને બીક લાગી હતી. ખબર નહોતી પડી કે હું શું કરીશ, પરંતુ ઘણા લોકોએ મદદ કરી, ઘણા સારા લોકો મળ્યાં અને હું અહીં સુધી પહોંચી શકી છું, કારણ કે હવે મને લાગે છે કે હું કોઈ કેદમાંથી આઝાદ થઈ છું," તેમણે ઉમેર્યું.
તેમની સાથે તેમનો દીકરો અરસ્તુ (36) પણ આવું જ કંઈક વિચારે છે. નાનપણમાં તેમના પિતાના ડર સામે તેમની પાસે બે જ આશ્વાસન હતાં, જ્યાં તેમને બીક ન લાગતી હતી, એક તો તેમની માતાનો સાથ અને બીજી ટેલિવિઝનની દુનિયા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અરસ્તુ કહે છે, "મમ્મી સાથે ઘર છોડ્યા બાદ, મને ડરથી આઝાદી મળી હતી. હું ભણ્યો, નોકરી કરી, પરંતુ હંમેશાં મારા મનમાં અમારી પરિસ્થિતિ પર ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. હું અનેકવાર મમ્મીને કહેતો કે મારે ફિલ્મ બનાવવી છે, પરંતુ તેમની સાથે વિષયની ચર્ચા કરી નહોતી."
'રિહા' ખરેખર તો એ ફૂલ લૅન્થ ફિલ્મ છે, પરંતુ અનેક પ્રોડ્યુસરનો સંપર્ક કર્યા બાદ પણ જ્યારે આ ફિલ્મ બનાવવા માટે તેમને પ્રોડ્યુસર ન મળ્યાં તો તેમનાં મમ્મી અને પત્નીની મદદથી તેમણે પોતે આ ફિલ્મનું શોર્ટ વર્ઝન બનાવ્યું.
"એક દિવસ અમે આ ફિલ્મને મોટા પડદા પર કે OTT પ્લૅટફૉર્મ પર એક સિરીઝ સ્વરુપે લઈ આવીશું, પરંતુ ક્યારે તે વિશે હાલમાં મને ખબર નથી," તેમણે ઉમેર્યુ.
આ ફિલ્મ અરસ્તુ અને તેમનાં માતા તેના પિતાથી કેવી રીતે પીડીત હતાં, તેની વાત કરે છે. જેમાં મુસ્લિમ મહિલાઓ માટે કામ કરતી વખતે તેમને ખ્યાલ આવે છે કે જે પેલી પીડીત મહિલા સાથે થઈ રહ્યું છે, તે જ તેમની અને તેમના દીકરા સાથે પણ થઈ રહ્યું છે, અને માટે તેઓ એ લગ્ન સંબંધનો અંત લાવે છે."
ઝાકિયાબહેને ફરીથી શરુઆત કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, Arastu Zakia
સોળ વર્ષનાં લગ્ન જીવનનો અંત લાવી, 12 વર્ષના દીકરા સાથે ઘર છોડીને નવેસરથી જીવન શરૂ કરવું ઝાકિયાબહેન માટે સહેલું નહોતું. પહેલા તો પતિથી અલગ થવાનો નિર્ણય લેવાનું જ તેમના માટે અઘરું હતું.
ઝાકિયાબહેન કહે છે, "પહેલાં તો મને ખબર નહોતી કે હું શું કરીશ? કોને મળીશ? ક્યાં જઈશ? શું કરીશ? સામાજિક સેવા સાથે જોડાયેલાં હોવાથી, અમારો પરિવાર લોકોમાં જાણીતો હતો, પરંતુ મેં કોઈની ફિકર કર્યા વગર લગ્ન સંબંધનો અંત લાવવાનો નિર્ણય લઈ લીધો હતો."
તેઓ સમાજિક સંસ્થા સાથે જોડાયેલાં હતાં અને સંસ્થાએ તેમને જવાબદારી આપી. જેને તેમણે સારી રીતે નિભાવી. "મને દિલ્હીમાં કામ કરતી આંતરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો, અને મેં મારી જાતને સાબિત કરી બતાવી," તેમણે કહ્યું.
તેની સાથે સાથે તેઓ અનેક મુસ્લિમ મહિલાઓને મળતાં રહ્યાં, તેમના અધિકારો માટે કામ કરતાં રહ્યાં. અનેક મહિલાઓએ તેમને વાત કરી કે ત્રણ તલાકને કારણે તેમને તેમના પતિએ ઘરેથી બહાર કાઢી મૂકી હતી.
ત્યારબાદ તેમણે અને બીજી મુસ્લિમ મહિલાઓ સાથે મળીને 'મુસ્લિમ મહિલા સંગઠન'ની રચના કરવાનો વિચાર કર્યો.
મુસ્લિમ મહિલાઓની હાલત સુધારવામાં મહત્ત્વનું યોગદાન

ઇમેજ સ્રોત, Reuters
"સૌથી પહેલાં તો મેં અને મારા જેવી બીજી અનેક મહિલાઓએ સમજણ કેળવી કે ખરેખર ત્રણ તલાકની પ્રથા ક્યાંથી આવી. અમે જાણ્યું કે કુરાન-એ-શરિફમાં તેની જે માહિતી છે, તેનું ખોટું અર્થઘટન પુરુષને ફાયદો કરવા માટે કરવામાં આવ્યું હતું," તેમણે કહ્યું.
ઝાકિયાબહેને બીજી મહિલાઓ સાથે મળીને ઘણાં વર્ષો સુધી આ પ્રથા પર કામ કર્યું, અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં આ પ્રથાને નાબુદ કરવા માટે પિટિશન કરી, અને સુપ્રીમ કોર્ટે 2017માં આ પ્રથાને નાબુદ કરવાનો હુકમ કર્યો.
"જોકે અમારું ખરૂં કામ ત્યારબાદ શરૂ થયું હતું, કારણ કે લોકોને કુરાન-એ-શરિફનો સાચો અર્થ સમજાવવાનો હતો, અને આ કાયદા વિશે લોકોમાં જાગૃતિ લાવવાની હતી, માટે અનેક મહિલાઓએ દિવસ રાત એ દિશામાં કામ કર્યું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












