મહિલા સ્વાસ્થ્ય અંગે ગેરમાહિતી ફેલાવી 'ગોરખધંધો કરતા ઇન્ફ્લૂએન્સર્સ' આરોગ્ય સાથે કેવી રીતે ખિલવાડ કરે છે

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જો તમે મહિલા છો અને તમારા સ્વાસ્થ્યની સલાહ સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર પાસેથી લઈ રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે ઘણા ઇન્ફ્લૂએન્સર્સ તમને ખોટી માહિતી આપી રહ્યા છે.

12 વર્ષ સુધી સોફીને માસિક દરમિયાન ઘણી પીડા થતી હતી. વજન, તણાવ અને થાકમાં પણ વધારો થવા લાગ્યો હતો. નિદાન કરતા ખબર પડી કે તે પૉલીસિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ એટલે કે PCOSથી પીડાય છે અને ડૉક્ટરો દ્વારા અપાતી સારવારથી પણ તેમને કોઈ ફાયદો થતો ન હતો.

PCOS એક એવો હૉર્મોનલ રોગ છે જેનાથી દર 10માંથી એક મહિલા પીડાતી હોય છે. આથી તેણે જાતે જ પોતાના ડૉક્ટર બનવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તેણે ઇન્સ્ટાગ્રામ પર કોર્ટની સિમેંગ નામની ઇન્ફ્લૂએન્સરને ફોલો કરવાનું શરૂ કર્યું.

કોર્ટનીએ સોફીને વાયદો કર્યો કે તેં PCOSનું નિદાન મૂળથી કરી આપશે.

વાત જાણે એમ છે કે હજુ સુધી વૈજ્ઞાનિકો કે સંશોધકો પણ PCOSનું મૂળ શોધી શક્યા નથી. કોર્ટનીએ સોફીને અમુક ટેસ્ટ કરાવવા કહ્યું અને "હેલ્થ પ્રોટોકૉલ" નામની સેવા આપવાનો વાયદો કર્યો, જેમાં તે ડાયટના પ્લાન અને સપ્લિમેન્ટ્સ લેવાનું કહેતી. આ સર્વિસ માટે કોર્ટનીએ સોફીને $3000ની ફી કહી.

સોફીએ પૈસા ભરીને તૈયારી દર્શાવી અને કોર્ટનીના જે કંપનીની સાથે કરાર હતા, તે કંપનીઓના સપ્લિમેન્ટ્સ લેવા કહ્યું. સોફી એ માટે પણ વધુ પૈસા આપતી હતી.

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ટિક-ટૉક અને રીલ્સ પર કેટલાક ઇન્ફ્લૂએન્સર્સ સપ્લિમેન્ટ્સ રુટીન બતાવીને વેચે છે

ગાયનેકૉલૉજિસ્ટ અને મહિલા-સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. જૅન ગંટરે કહ્યું કે કોર્ટની જે ટેસ્ટ વેચી રહી છે તેના માટે તે પાત્ર વ્યક્તિ નથી અને આમ પણ ચિકિત્સા વખતે આ ટેસ્ટ ખાસ ઉપયોગી પણ નથી.

એક વર્ષ બાદ પણ સોફીને ઇલાજ મળ્યો નહીં અને છેલ્લે હારીને તેણે કોર્ટનીના ઉપચારને છોડી દીધો.

"મારા શરીર અને ખોરાક પર આ કોર્સથી ઘણી ખરાબ અસરો થવા લાગી હતી. મને એવું લાગવા લાગ્યું હતું કે PCOSની પીડા ક્યારેય દૂર નહીં થાય," સોફીએ જણાવ્યું.

જ્યારે આ અંગે કોર્ટનીને પૂછવામાં આવ્યું ત્યારે તેના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

PCOSનો કોઈ ઇલાજ નથી અને ઇલાજના અભાવને કારણે જ લાખો ફોલોઅર્સ ધરાવતા અને યોગ્ય લાયકાત ન ધરાવતા ઇન્ફ્લૂએન્સર્સ નિષ્ણાત હોવાનો દાવો કરે છે અને ખોટા ઉપચારો વેચે છે.

કેટલાક પોતાને ન્યૂટ્રિશનિસ્ટ અથવા "હૉર્મોન કોચ" તરીકે ઓળખાવે છે, પણ આવા પરિચય ઑનલાઇન માધ્યમો પર તો અઠવાડિયાઓમાં ઊભા થઈ શકે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચાર ભાષાઓમાં ટિક-ટૉક અને ઇન્સ્ટાગ્રામ પર "PCOS" હેશટેગ સાથે સૌથી વધુ જોવાયેલા વીડિયોને ટ્રૅક કર્યા અને જાણવા મળ્યું કે તેમાંથી અડધા લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

અમે અંગ્રેજી, સ્વાહિલી, હિન્દી અને પોર્ટુગીઝમાં ટોચના 25 વીડિયોનું વિશ્લેષણ કર્યું છે. અંગ્રેજીમાંના ઘણા વીડિયો ભારત, નાઇજીરીયા, કૅન્યા અને બ્રાઝિલમાં પણ લોકપ્રિય હતા.

PCOS અંગે ગેરમાન્યતાનો ફેલાવો

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક ઇન્ફ્લૂએન્સર્સ કડકાઇભર્યાં કૅલરી ડાયટની પણ હિમાયત કરે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) પ્રમાણે, વિશ્વભરમાં PCOS ધરાવતી 70% જેટલી સ્ત્રીઓનું નિદાન થયું નથી, અને જ્યારે નિદાન થાય છે ત્યારે પણ, તે સ્ત્રીઓને સરળતાથી અસરકારક સારવાર મળતી નથી.

"જ્યારે પણ આવી સ્થિતિ હોય, દવા અંગે સ્પષ્ટતા ન મળતી હોય, ત્યારે લેભાગુઓ તેનો લાભ લે છે," ડૉ. ગન્ટરે કહ્યું.

આ ઇન્ફ્લૂએન્સર્સ દ્વારા શૅર કરાયેલા ખોટા અને ભ્રામક દાવાઓમાંથી મુખ્ય કેટલાક નીચે મુજબના છે:

  • PCOSને ખાવાના યોગ્ય સપ્લિમેન્ટ્સથી ઠીક કરી શકાય છે.
  • PCOSનો લૉ-કાર્બોહાઇડ્રેટ હાઇ ફેટ કેટો ડાયેટ વગેરેથી ઉપચાર થઈ શકે છે.
  • ગર્ભનિરોધક દવાઓ(બર્થ-કન્ટ્રોલ પિલ્સ) PCOSનું કારણ બને છે અથવા તે PCOSની અસરને તીવ્ર કરે છે.
  • સામાન્ય ઉપચાર અને સારવાર PCOSને માત્ર કામચલાઉ રીતે દૂર કરી શમાવી દે છે, પણ તેના "મૂળ કારણ"ને દૂર નથી કરતી.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, એવા કોઈ પુરાવા નથી કે અત્યંત રિસ્ટ્રિક્ટેડ કૅલરી ડાયટની કોઈ સકારાત્મક અસર હોય છે અને સંભવ છે કે કેટો ડાયટ PCOSની અસરને વધુ ખરાબ કરી શકે છે. ગર્ભનિરોધક દવાઓ PCOSનું કારણ નથી અને હકીકતમાં ઘણી સ્ત્રીઓને ગર્ભનિરોધક દવાઓ મદદ કરે છે. જો કે તે દવાઓ દરેક માટે કામ નથી કરતી. PCOS માટે કોઈ મૂળ કારણ જાણી શકાયું નથી.

TikTokના પ્રવક્તાએ કહ્યું કે કંપની એમના પ્લૅટફૉર્મ પર નુકસાન પહોંચાડી શકે એવા ગેરમાર્ગે દોરતા કે ભ્રામક કન્ટેન્ટને મંજૂરી આપતી નથી.

મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમના યુઝર્સ મહિલાઓના સ્વાસ્થ્ય પર કોઈ પણ કન્ટેન્ટ એમના પ્લૅટફૉર્મ પર મૂકે એને 'કોઈ પ્રતિબંધો વગર' મંજૂરી છે. કંપનીએ કહ્યું કે તેમના પ્લૅટફૉર્મ પરથી સ્વાસ્થ્યની ખોટી માહિતીઓને દૂર કરવા માટે તેમણે થર્ટ પાર્ટી સાથે કામ કર્યું છે.

PCOS શું છે?

  • PCOS એ એક ક્રૉનિક હૉર્મોનલ સ્થિતિ છે, જે WHO પ્રમાણે અંદાજે 8-13% સ્ત્રીઓને અસર કરે છે.
  • યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) પ્રમાણે, PCOSનાં લક્ષણોમાં, પીડાદાયક અને અનિયમિત માસિકસ્ત્રાવ, વધુ પડતા વાળનો વિકાસ અને વજનમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.
  • PCOS વંધ્યત્વનું સૌથી સામાન્ય કારણ છે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ સારવારથી ગર્ભવતી થઈ શકે છે.

PCOS એક વૈશ્વિક મુદ્દો

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસીએ કૅન્યા, નાઇજીરીયા, બ્રાઝિલ, યુકે, યુએસ અને ઑસ્ટ્રેલિયાનાં 14 જેટલાં મહિલાઓ સાથે વાત કરી જેમણે ઇન્ફ્લૂએન્સર્સ દ્વારા પ્રમોટ કરાયેલાં વિવિધ ઉત્પાદનોનો વપરાશ કર્યો હતો.

તેમાંથી એક ભારતના બૅંગાલુરુનાં વૈષ્ણવી હતાં. તેણે ભારતીય ઇન્ફ્લૂએન્સર અનન્યા શર્મા પર વિશ્વાસ મૂક્યો, જે "કુદરતી" ઉપચારને પ્રોત્સાહન આપે છે, જેમ કે ડાયટ પ્લાનિંગ અને ડિટોક્સ. અન્ય ઘણા ઇન્ફ્લૂએન્સર્સની જેમ અનન્યા પણ વજન ઘટાડવા પર ખૂબ ભાર મૂકે છે.

અનન્યાના ડાયટ પ્લાન પ્રમાણે વૈષ્ણવીને દરરોજ 1,000થી 1,200 કૅલરી ખાવાનું કહેવામાં આવ્યું હતું.

તંદુરસ્ત આહાર PCOSનાં લક્ષણોમાં મદદ કરી શકે છે, પણ ખોરાકમાં આવા આત્યંતિક નિયંત્રણ સરળતાથી ખાવાની વિકૃતિઓ તરફ દોરી શકે છે. યુ.કે.ની નૅશનલ હેલ્થ સર્વિસ ભલામણ કરે છે કે સરેરાશ મહિલાએ દરરોજ 2,000 કૅલરી ખાવી જોઈએ.

કેટલાક ઇન્ફ્લૂએન્સર્સ વારંવાર રિસ્ટ્રિક્ટેડ કૅલરી ડાયટની ભલામણ કરે છે

ઓછું ખાવાથી જે એક સામાન્ય આડઅસર થઈ શકે છે એ છે પિરિયડ્સ બંધ થઈ જવા તે. વૈષ્ણવીના પિરિયડ્સ છ મહિના માટે બંધ થઈ ગયા. પણ તેને કહેવામાં આવ્યું હતું તેટલું ઝડપથી તેનું વજન ઘટ્યું નહીં. જેના કારણે તેઓ હતાશ થઈ ગયાં.

તેમણે કહ્યું, "અનન્યાના દરેક PCOS ક્લાયન્ટે મારા કરતાં ઘણું વધારે વજન ઘટાડ્યું હતું."

"આવું જોઈને આપણને લાગે છે કે બસ, આ જ છે. આખરે આ જ ઇલાજ હોઈ શકે છે, તે દરેક માટે કામ કરે છે, તેથી મને પણ તેનું સારું પરિણામ મળશે. પણ છેવટે કોઈક રીતે તમે હંમેશાં અલગ પડી ગયા હોવાનું અનુભવો છો."

અનન્યા શર્માએ કહ્યું કે PCOSનાં લક્ષણો ઉલટાવી શકાય છે, દૂર કરી શકાય છે, પણ તેનો કોઈ ઇલાજ છે એવો દાવો તે નથી કરતી. તેણે એવું પણ કહ્યું કે તે તેના ક્લાયન્ટ્સ માટે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે.

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મૅડલિન પોતાને પીસીઓએસનું નિદાન થયું છે એ વાતને સ્વીકાર કરી ચૂક્યાં છે અને અન્ય મહિલાઓને પણ મદદ કરી રહ્યાં છે

બૅંગાલુરુનાં મનીષા પણ આવી જ જાળમાં ફસાઈ ગયાં.

સોફીની જેમ, તે પણ, શરીરના વાળ, વજનમાં વધારો, માસિક દરમિયાન તીવ્ર દુખાવો અને સંભવિત વંધ્યત્વ વિશેની ચિંતાઓને દૂર કરવા માટે ડૉક્ટર્સના ઉપચારોમાંથી મદદ મેળવવાના સંઘર્ષ પછી ઇન્ફ્લૂએન્સર્સ તરફ વળ્યાં.

"હું એવી મહિલાઓને જાણું છું કે જેમનાં લગ્ન તૂટી ગયાં છે, કારણ કે તેમના પરિવારને ખબર પડી કે તેમને PCOS છે અને તેઓ માની લે છે કે તેઓ ગર્ભવતી નહીં થઈ શકે." તેણે કહ્યું. "હું કોઈ પણ ભોગે બસ ઇલાજ ઇચ્છતી હતી."

તેમણે અતિશય ઉપવાસ અને કેટો ડાયટ જેવા આહારના પ્રયોગ કર્યા, જે શાકાહારી તરીકે તેના માટે ખૂબ મુશ્કેલ હતા. તેને જણાવાયું હતું કે અમુક સપ્લિમેન્ટ્સ તેને "ચમત્કારિક ઉપચાર" આપશે. એ સપ્લિમેન્ટ્સ પણ તેણે ખરીદ્યા હતા.

આમાંથી એક અશ્વગંધા હતી, જે પરંપરાગત ભારતીય આયુર્વેદિક સપ્લિમેન્ટ છે; ઇન્ફ્લૂએન્સર્સે તેને "પશ્ચિમી દવાઓ ફક્ત PCOS લક્ષણોને ઢાંકી દે છે." એવું કહીને પશ્ચિમી દવાઓ લેવાની મનાઈ કરી હતી.

અલબત્ત, "આહાર" અને "ઉપચાર"એ તેની પીડા અને અન્ય લક્ષણોને વધુ તીવ્ર બનાવ્યાં.

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

"એક સમયે, હું આત્મહત્યા કરવાનું વિચારતી હતી. આ બધી પદ્ધતિઓ બીજા બધા માટે કામ કરી શકે છે તો બસ, એક મારાં એકલાં માટે કેમ કામ નથી કરી શકતી? તેણે કહ્યું. "તે ખૂબ નિરાશાજનક હતું."

મનીષા ફરી ડૉક્ટર પાસે ગઈ. 29 વર્ષની ઉંમરે, તેને ટાઇપ-2-ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. કારણ કે PCOS ધરાવતી ઘણી સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન રેસિસસ્ટન્સ નિર્માણ થાય છે, જેનો અર્થ એવો થાય કે તેમનું શરીર શુગર પ્રોસેસ કરવામાં સમસ્યા અનુભવે છે. એટલે કે તેમના પર વધુ જોખમ રહે છે.

અલબત્ત, જો મનીષાએ અગાઉ PCOS અને ડાયાબિટીસના નિવારણ માટે વપરાતી દવા મેટફોર્મિન લીધી હોત તો આ ટાળી શકાયું હોત.

મનીષાએ કહ્યું કે જ્યારે તેણે પહેલીવાર PCOS માટે સારવાર લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી અને ત્યારે સારવાર માટે આવવાનું સૂચવાયું હતું જ્યારે તે ગર્ભવતી થવા માગતી હોય.

ડૉ. ગુન્ટરે જણાવ્યું હતું કે PCOS એક સંવેદનશીલ પેશન્ટ ગ્રૂપ છે, જે સારવારના અભાવે લાચારી અને માનસિક સંઘર્ષ અનુભવે છે. તેણે જણાવ્યું કે ખોટી માહિતીને કારણે દર્દીઓને તબીબી મદદ મેળવવામાં વિલંબ થાય છે, અને એનાથી આગળ ટાઇપ-2-ડાયાબિટિસ જેવી પરિસ્થિતિઓ પણ સંભવી શકે છે.

નાઇજીરીયામાં મેડલીન નામની એક તબીબી વિદ્યાર્થી, PCOS સંબંધિત બાબતોને લીધે હીનતાના અનુભવો સામે લડી રહી છે. તેણે પણ ડાયટ અને સપ્લિમેન્ટ્સના પ્રયોગો ખૂબ અજમાવ્યા પણ કોઈ ફાયદો ન થયો. હવે તે અન્ય મહિલાઓને તેમના ડૉક્ટર સાથે સંપર્ક કરીને પુરાવા આધારિત સારવાર અપનાવવા જ પ્રોત્સાહિત કરી રહી છે.

મહિલાઓ, ઇનફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયા, હૅલ્થ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

"જ્યારે તમને PCOSનું નિદાન થાય છે, ત્યારે જાણે તમારા માથે કોઈ મોટો કલંક લાગ્યો હોય તેવા અનુભવ થાય છે. લોકો માને છે કે તમે આળસુ છો, તમે પોતાની સંભાળ રાખતા નથી, કે તમે ગર્ભવતી નહીં થઈ શકો." તેણે કહ્યું.

"એટલે, કોઈ તમને ડેટ કરવા માગતું નથી, કોઈ તમારી સાથે લગ્ન કરવા માગતું નથી."

અલબત્ત, હવે મેડલીન PCOSનાં લક્ષણોને પોતાની લાક્ષણિકતા તરીકે સ્વીકારી રહી છે. તેણે કહ્યું, "મારા PCOS, મારા વાળ, મારા વજનને સ્વીકારવાનું કામ મુશ્કેલ હતું."

"પણ હકીકત એ છે કે આ બાબતો મને અન્યોથી અલગ પાડે છે. મને વિશેષ બનાવે છે."

યુ.કે.સ્થિત સંસ્થા 'PCOS ચેલેન્જ'નાં સાશા ઓટ્ટીએ જણાવ્યું હતું કે તબીબી સારવાર સામાન્ય રીતે PCOS ધરાવતી સ્ત્રીઓને ગર્ભવતી થવા સક્ષમ બનાવે છે.

"PCOS ધરાવતી સ્ત્રીઓમાં બાળકોની સંખ્યા એટલી જ રહે છે, જેટલી PCOSનાં કોઈ લક્ષણો વગરની સામાન્ય સ્ત્રીઓમાં હોય છે," તેમણે ઉમેર્યું, "પરંતુ એ સ્થિતિ સુધી પહોંચવા માટે તેમને બસ થોડી મદદની જરૂર પડી શકે છે."

ડૉ. ગન્ટર કહે છે કે જે મહિલાઓને જનરલ પ્રેક્ટિશનર પાસેથી મદદ ન મળી રહી હોય તેમણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવું જોઈએ.

"કેટલીક સ્ત્રીઓને એડવાન્સ્ડ લેવલની સારવાર માટે વિશ્વસનીય ઍન્ડોક્રિનૉલૉજિસ્ટ અથવા ગાયનેકૉલૉજિસ્ટ તથા સ્ત્રીરોગ નિષ્ણાતની જરૂર હોય છે."

તબીબી સહાય મેળવ્યા પછી, મનીષા મેટફોર્મિન લઈ રહ્યાં છે, જેનાથી તેમનાં કેટલાંક લક્ષણોમાં સુધારો થયો છે, જેના પરિણામે હવે તેના પ્રકાર-2-ડાયાબિટીસમાં ઘટાડાની આશા છે.

વૈષ્ણવી તેની કસરતની પદ્ધતિમાં સુધારો કરી રહ્યાં છે અને સોફી એક ક્વોલિફાઈડ ડાયેટિશિયનના માર્ગદર્શનમાં આગળ વધીને વજન ઘટાડવા માટે કામ કરી રહ્યાં છે. બન્ને હજી પણ ડૉકટર્સ સાથે ઉપચારના ઉપાય શોધી રહ્યાં છે. એમને આશા છે કે કંઈક તો કામ કરશે જ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.