'મારે ગર્ભાશય કઢાવી નાખવું છે, પણ ડૉક્ટરો કહે છે કે હું બહુ નાની છું'

મહિલા, સ્વાસ્થ્ય, હૅલ્થ, માસિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Emily Griffiths

ઇમેજ કૅપ્શન, એમિલીને એટલું દર્દનાક માસિક આવતું હતું કે તેમણે શાળામાં અભ્યાસ કરવાનું છોડી દેવું પડ્યું હતું
    • લેેખક, જેની રીસ
    • પદ, આરોગ્ય સંવાદદાતા, બીબીસી વેલ્સ ન્યૂઝ

એમિલી ગ્રિફિથ્સ તેમનું ગર્ભાશય કઢાવવા ઑપરેશન કરાવવા ઇચ્છે છે, જેને હિસ્ટરેક્ટમી નામે ઓળખવામાં આવે છે.

તેઓ 26 વર્ષનાં છે અને નિઃસંતાન છે. તેઓ જાણે છે કે આ બહુ મોટું પગલું છે, પરંતુ ઍન્ડોમેટ્રિઓસિસ અને ઍડેનોમાયોસિસ નામની બીમારીને કારણે તેમણે ઘરમાં જ રહેવું પડે છે. પારાવાર પીડા થાય છે અને પોતે ભવિષ્યમાં માતા બની શકશે એવું તેમને લાગતું નથી.

અત્યારે તેમનું એકમાત્ર સપનું કોઈની સહાય વિના ઘરની બહાર નીકળીને ચાલવા જવાનું છે. તેમના કહેવા મુજબ,તેમને એવો કોઈ ચિકિત્સક મળતો નથી જેની સાથે તેઓ ઑપરેશનની પ્રક્રિયા બાબતે ચર્ચા કરી શકે, તેનું કારણ છે તેમની નાની વય.

કાર્માર્થેનશાયરમાં રહેતાં એમિલીએ કહે છે, "ડૉક્ટરોને હું ભવિષ્યમાં માતા બની શકું તેમાં વધારે રસ છે, પરંતુ તેઓ મારી હાલની તકલીફને જોઈ શકતા નથી."

એમિલી 12 વર્ષનાં હતાં ત્યારથી આ બીમારીનાં લક્ષણો દેખાવાનું શરૂ થયું હતું. તેમને એટલું દર્દનાક માસિક આવતું હતું કે તેમણે શાળામાં અભ્યાસ કરવાનું છોડી દેવું પડ્યું હતું અને તેમના શરીરમાં લોહીની ઊણપ થઈ ગઈ હતી.

ડૉક્ટરે (જનરલ પ્રેક્ટિશનર્સે) તેમને જણાવ્યું હતું કે આવો દુખાવો સામાન્ય બાબત છે.

એમિલી કહે છે, "ડૉક્ટર્સ કહેતા કે મેં બધું ધારી લીધેલું છે અને સ્કૂલે ન જવું પડે એટલા માટે હું આવું કરી રહી છું."

મહિલા, સ્વાસ્થ્ય, હૅલ્થ, માસિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Emily Griffiths

ઇમેજ કૅપ્શન, એમિલી ગ્રિફિથ્સ તેમનાં માતા સાથે

21 વર્ષની વયે સેપ્સિસને કારણે ભાંગી પડ્યાં પછી એમિલીને ઍન્ડોમેટ્રિઓસિસની બીમારી હોવાનું નિદાન થયું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમને કાર્ડિફના એક સ્પેશિયલિસ્ટ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ એમિલીના જણાવ્યા મુજબ, એટલો લાંબો સમય રાહ જોવી પડી હતી કે તેમના પરિવારે પોતાના ખર્ચે સર્જરી કરાવી હતી.

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસના નિષ્ણાત સાથે મુલાકાત એમિલી માટે શક્ય ન હતી. તેમના જણાવ્યા મુજબ, તેઓ એટલી વખત ખાનગી ચિકિત્સકો પાસે ગયાં છે કે તેની ગણતરી ભૂલી ગયાં છે. તેમને લાગ્યું હતું કે હેલ્થ સર્વિસ પાસેથી કોઈ મદદ મળે તેમ નથી.

હિસ્ટરેક્ટમીને કારણે એમિલી માતા બની શકશે નહીં અને તે સ્થિતિ મૅનોપોઝનું કારણ બનશે, જેનાથી તેમના પર ઑસ્ટિયોપોરૉસિસ, હૃદયરોગ અને સ્મૃતિલોપનું જોખમ વધશે.

તેમ છતાં, મૅનોપોઝને રાસાયણિક રીતે પ્રવૃત્ત કરવા તેમને છેલ્લાં ત્રણ વર્ષથી દર મહિને ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી તેમની પીડા ઘટાડવાના પ્રયાસમાં તેમને માસિક આવતું બંધ થઈ જશે.

સ્કેન દર્શાવે છે કે એ કારણે તેમનાં હાડકાંની ઘનતામાં ઘટાડો થઈ રહ્યો છે.

"ઍન્ડોમેટ્રિઓસિસનો ઇલાજ હિસ્ટરેક્ટમી નથી, પરંતુ તે ઍડેનોમાયસિસ માટે છે," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે આ વધારાનું નિદાન થયું ત્યારે તેઓ 23 વર્ષનાં હતાં.

તેઓ કહે છે, "આ ખરેખર મોટું પગલું છે, પરંતુ હું વાસ્તવમાં સંઘર્ષ કરતી હોઈશ ત્યારે થોડો સમય ચાલવા જઈ શકીશ. અત્યારે તો હું ગાઢ અંધકારમાં ફસાયેલી છું."

હિસ્ટરેક્ટમી શું છે?

હિસ્ટરેક્ટમી એ લાંબા રિકવરી ટાઈમ સાથેનું મોટું ઓપરેશન છે, જે ઓછા આક્રમક ઉપચાર પછી જ કરવામાં આવે છે.

સ્ત્રીના પ્રજનનતંત્રને અસર કરતી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે આ ઑપરેશન કરવામાં આવે છે.

ટોટલ હિસ્ટરેક્ટમી ઑપરેશનમાં ગર્ભાશય અને સર્વિક્સને સર્જિકલ રીતે કાઢી નાખવામાં આવે છે.

કેટલાક કિસ્સામાં ફેલોપિયન ટ્યૂબ , અંડાશય, લસિકા ગ્રંથીઓ અને યોનિનો કેટલોક ભાગ પણ કાઢી નાખવામાં આવે છે.

ઍન્ડોમેટ્રિઓસિસ અને ઍડેનોમિઓસિસ શું છે?

મહિલા, સ્વાસ્થ્ય, હૅલ્થ, માસિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Emily Griffiths

ઍડેનોમાયોસિસ એક એવી સ્થિતિ છે, જેમાં ગર્ભાશયની લાઇનિંગ ગર્ભાશયની દીવાલમાં સ્નાયુના સ્વરૂપમાં આકાર પામે છે.

તેને લીધે માસિક પીડાદાયક બને છે, ભારે રક્તસ્રાવ થાય છે, પેલ્વિક પેઇન થાય છે, પેટ ફૂલી જાય છે અને સેક્સ દરમિયાન પીડાનું કારણ બની શકે છે.

ઍન્ડોમેટ્રિઓસિસમાં ગર્ભાશયની લાઇનિંગની જેમ સમાન કોષો શરીરના અન્ય ભાગોમાં વધે છે.

એ પેચીઝ તૂટી જાય અને રક્તસ્રાવ થાય, પરંતુ સ્ત્રીના શરીરમાંથી નીકળી ન શકે ત્યારે તેનાં લક્ષણો દેખાય છે.

એમિલીના બંને અંડાશય તેમજ ગર્ભાશય, મૂત્રાશય અને તેમના આંતરડાના ભાગમાં વ્યાપક ઍન્ડોમેટ્રિઓસિસ છે.

તેમના મૅનોપોઝનાં લક્ષણો પણ ગંભીર હતાં, પરંતુ હોર્મોન રિપ્લેસમેન્ટ થૅરપી (એચઆરટી)ને કારણે તેમનું ઍન્ડોમેટ્રિઓસિસ વકર્યું છે.

એમિલીનો કેસ જટિલ હોવાથી હિસ્ટરેક્ટમી કરાવવા માટે તેમણે ઍન્ડોમેટ્રિઓસિસ નિષ્ણાતની મદદ લેવી પડશે, કારણ કે તેમાં ઍન્ડોમેટ્રિઓસિસનું નિરાકરણ પણ થશે.

ઍન્ડોમેટ્રિઓસિસ અને ઍડેનોમાયોસિસની સારવારના સંખ્યાબંધ વિકલ્પોની સૂચિમાં હિસ્ટરેક્ટમીનો સમાવેશ થાય છે.

ઍન્ડોમેટ્રિઓસિસ, યુકેના જણાવ્યા મુજબ, હિસ્ટરેક્ટમી પીડા અને લક્ષણોમાંથી સંપૂર્ણ મુક્તિની ખાતરી આપતી નથી, પરંતુ "અંતિમ નિર્ણય તમારો છે, શરીર તમારું છે એ યાદ રાખવું જરૂરી છે."

એમિલીના જણાવ્યા મુજબ, એ વલણ તેમના જાત અનુભવ કરતાં વિરોધાભાસી છે.

‘તેમણે કહ્યું, હું બહુ નાની છું’

મહિલા, સ્વાસ્થ્ય, હૅલ્થ, માસિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એમિલી કહે છે, “મહિલાને પોતાની શરીર બાબતે નિર્ણય લેવાનો અધિકાર હોય એવું મને ખરેખર નથી લાગતું.”

“મને કહેવામાં આવ્યું છે કે હું પરણીને સ્થાયી થઈશ પછી બાળકને જન્મ આપવાની ઇચ્છા થશે. વાસ્તવમાં આ ભવિષ્યનું આયોજન છે. મારી હાલની સ્થિતિનું આકલન નથી.”

“મૂળભૂત રીતે પ્રજનનક્ષમતાને, મારી પીડાદાયક બીમારી અને મારી હાલત કરતાં વધારે મહત્ત્વની ગણવામાં આવે છે.”

એમિલીના કહેવા મુજબ, તેમને દોડવા અને પાઇલેટ્સ તથા યોગ કરવા ઉપરાંત કેમિકલ પ્રેરિત મેનોપોઝમાં રહેવાની, ગર્ભનિરોધક તેમજ ઍન્ટી-ડિપ્રેસન્ટ ગોળીઓ લેવાની સલાહ આપવામાં આવે છે.

એમિલી કહે છે, “હું કોઈના ટેકા વિના ચાલી શકતી નથી ત્યારે મને કોઈ પાઇલેટ્સ કરવાની કે દોડવાની સલાહ આપે તે યોગ્ય નથી.”

એમિલી જે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેના વિશે જાગૃતિ લાવવાના તેમના પ્રયાસોને પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ દ્વારા બિરદાવવામાં આવ્યાં છે.

એમિલી કહે છે, “મને ખરેખર કેટલીક અદભુત તકો મળી છે અને એ કારણે જ હું આશાવાદી છું.”

બ્રિટનના વેલ્સમાં સ્વાનસી અને કાર્ડિફમાં હાલ બે માન્યતાપ્રાપ્ત એનએચએસ ઍન્ડોમેટ્રિઓસિસ સેન્ટર્સ છે.

સ્વાનસીના કેન્દ્રમાં હેલ્થ બોર્ડ એરિયાની બહારના દર્દીઓની સારવાર હાલ કરવામાં આવતી નથી, જ્યારે કાર્ડિફ ખાતેના કેન્દ્રે જણાવ્યું હતું કે તેઓ બહારના, યોગ્ય હોય તેવા રેફરલ્સને ધ્યાનમાં લે છે.

દરેક હેલ્થ બોર્ડમાં દર્દીઓની સહાય માટે ઍન્ડોમેટ્રિઓસિસ નર્સીસ હોય છે, પરંતુ હાઈવેલ ડીડીએ હેલ્થ બોર્ડ પ્રદેશમાં રહેતા એમિલી જણાવે છે કે લાંબો સમય રાહ જોવી પડતી હોવાથી પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લેવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી.

એમિલી કહે છે, “અત્યાર સુધી સ્વખર્ચે મેં બે સર્જરી કરાવી છે અને કદાચ વધુ એક કરાવવી પડશે.”

ફોલો-અપ અને સલાહ મેળવવા માટે પણ ખર્ચ કરવો પડે છે

મહિલા, સ્વાસ્થ્ય, હૅલ્થ, માસિક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Emily Griffiths

એમિલીના કહેવા મુજબ, “એનએચએસમાંથી કોઈ મારી દરકાર કરતું નથી. તેથી પૈસા માટે યોગ્ય વ્યક્તિને શોધવાનું ચક્ર સતત ચાલતું રહે છે.”

“મને કોઈ સવાલ થાય, મને આપવામાં આવેલી કોઈ દવા મારા શરીરને અનુકૂળ ન હોય તો ડૉક્ટરની સલાહ લેવા માટે પણ ખર્ચ કરવો પડે છે. ફોન કરીને સલાહ મેળવી શકાતી નથી.”

“ખાનગી દવાખાનામાં સારવાર કરાવતા હોઈએ ત્યારે એવું જ હોય છે એ હું સમજું છું, પરંતુ એનએચએસની મદદ ન મળે તે યોગ્ય નથી.”

એમિલીએ પોતાની સમસ્યા સ્થાનિક સેનેડના એક સભ્યને જણાવી એ પછી સામાજિક ન્યાય અને સમાનતા વિભાગના પ્રવક્તા સાયનેડ વિલિયમ્સને આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

શ્રીમતી વિલિયમ્સે કહ્યું હતું, “વેલ્શની સરકાર તેની મહિલા આરોગ્ય યોજનાને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં બહુ ધીમી છે.”

“એમિલી જેવા ઍન્ડોમેટ્રિઓસિસથી પીડાતા દર્દીઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે તેમની વાત સાંભળવામાં આવે, સાચી માનવામાં આવે અને આવી અપેક્ષા વધારે પડતી નથી.”

વેલ્શ કન્ઝર્વેટિવ હેલ્થના પ્રવક્તા સેમ રોલેન્ડ્સે કહ્યું હતું, “માત્ર સ્થાનિક વિસ્તારના દર્દીઓને જ ધ્યાનમાં રાખતી, ક્રૉસ-કૉમ્યુનિટી અને ક્રૉસ-બૉર્ડર વર્કિંગને અવરોધતી એનએચએસની મર્યાદિત માર્ગદર્શિકાને વેલ્શ કન્ઝર્વેટિગ્સ ટૂંક સમયમાં રદ્દ કરશે, જેથી વધારાની ક્ષમતાનો ઉપયોગ એનએચએસમાં વિલંબને ઘટાડવા માટે કરી શકાય અને લાંબા ગાળે વધારે ગંભીર સમસ્યાઓના નિવારણ માટે જરૂરી કાર્યબળની યોજના ઘડી શકાય.”

વેલ્શ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓના આરોગ્યને મુખ્ય અગ્રતા બનાવી છે અને ડિસેમ્બરમાં મહિલાઓ માટેનો 10 વર્ષનો હેલ્થ પ્લાન જાહેર કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું, “વેલ્શમાં મહિલાઓના આરોગ્ય માટેની સૌપ્રથમ ક્લિનિકલ લીડની આગેવાની હેઠળના વીમેન્સ હેલ્થ નેટવર્કની સ્થાપના ઍન્ડોમેટ્રિઓસિસની સંભાળ, સારવાર અને સહાયતા સહિતના હેતુઓ માટે કરવામાં આવી છે.”

“સેવાઓ આપવાની જવાબદારી હેલ્થ બોર્ડ્સની છે અને અમે પ્રત્યેક હેલ્થ બોર્ડમાં સમર્પિત ઍન્ડોમેટ્રિઓસિસ નર્સીસ માટે ભંડોળ પણ આપ્યું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.