મરચું, હળદર જેવા મરીમસાલાથી શરીરને ખરેખર કોઈ ફાયદો થાય?

મરીમસાલા, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેસિકા બ્રાઉન
    • પદ, બીબીસી ફ્યૂચર

મરચાં, હળદર અને અન્ય મસાલા આરોગ્યની રીતે લાભદાયક હોય છે અથવા "આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા"ની ક્ષમતા ધરાવતા હોય છે, તેવો દાવો ઘણી વખત કરવામાં આવે છે. પરંતુ શું મસાલા ખરેખર આપણા ખોરાકને આરોગ્યની દૃષ્ટિએ ફાયદાકારક બનાવે છે, કે પછી બીમારી દૂર કરવામાં મદદ કરી શકે છે?

હજારો વર્ષોથી મસાલા એ આપણા ભોજનનો એક ભાગ છે. આપણે ચિપ્સ પર મરી છાંટીએ છીંએ, આદુવાળી ચાની ચૂસકી લઈએ છીએ અને ભોજનમાં મરચાં નાખીએ છીએ. પરંતુ તાજેતરમાં કેટલાક મસાલાઓને એવા સુપરફૂડ્સ તરીકે ગણાવવામાં આવે છે જે બીમારીઓ મટાડી શકે છે.

કહેવાય છે કે હિલેરી ક્લિન્ટન 2016માં ચૂંટણીપ્રચાર વખતે બીમાર ન પડાય તે માટે રોજ એક મરચું ખાતાં હતાં. એશિયામાં જેનો હજારો વર્ષોથી ઉપયોગ થાય છે તે હળદરે વિશ્વભરના કૉફી શૉપમાં "ગોલ્ડન લાતે" (હળદરવાળું દૂધ) તરીકે પ્રવેશ મેળવ્યો છે. કોવિડ વખતે વાઇરલ મૅસેજ ફરતા થયા હતા, જેમાં દાવો કરાયો હતો કે હળદર "તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે" અને તમને માંદા પડતા અટકાવે છે. એક સેલિબ્રિટી શેફ અનુસાર હળદર હવે બધે જ છે.

2013માં "બેયૉન્સ ડાયેટ"માં લાલ મરચું ખાવાની સલાહ આપતો ટ્રેન્ડ શરૂ થયો હતો. તેમાં એવું કહેવાયું હતું કે લાલ મરચું, મેપલ સીરપ, લીંબુ અને પાણીનું મિશ્રણ કરીને પીવામાં આવે તો તેનાથી વજન ઘટાડી શકાય છે.

પરંતુ શું મસાલા ખરેખર આપણા ખોરાકમાં કોઈ આરોગ્યના ફાયદા ઉમેરે છે, અથવા આપણને બીમારીથી બચવામાં મદદ કરે છે? અને શું કોઈ મસાલા ખરેખર આપણને નુકસાન પહોંચાડી શકે છે?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

મરચાંના આરોગ્ય માટે શું ફાયદા

લાલ મરચાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાલ મરચું ખાવાથી શરીર પર ચોક્કસ પ્રકારની અસર થાય છે જેની બાબતે સંશોધનો કરવામાં આવ્યા છે.

મરચાં એ સૌથી વધુ જાણીતા અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મસાલા છે. ઘણા અભ્યાસોમાં આપણા સ્વાસ્થ્ય પર તેમની સંભવિત અસરોની તપાસ કરવામાં આવી છે. પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા બંને જોવા મળ્યા છે.

મરચામાં કૅપસાઇસિન નામે મુખ્ય સક્રિય ઘટક હોય છે. આપણે જ્યારે મરચાં ખાઈએ છીએ, ત્યારે કૅપસાઇસિનના મૉલિક્યુલ્સ આપણા શરીરમાં તાપમાનના રિસેપ્ટર્સ સાથે પ્રતિક્રિયા કરે છે, તે આપણા મગજને ગરમીની લાગણી પેદા કરવા સંકેત મોકલે છે.

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કૅપસાઇસિન તમને લાંબુ જીવવામાં મદદ કરી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2019ના એક ઇટાલિયન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો અઠવાડિયામાં ચાર વખત મરચાં સાથેનો ખોરાક ખાય, તેમને મરચાં ન ખાતા લોકોની સરખામણીમાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે. (ધૂમ્રપાન, કસરત અને ખોરાકની એકંદર ગુણવત્તા સહિતના જીવનશૈલીના પરિબળોને નિયંત્રણમાં રાખીને).

2015માં ચીનમાં સંશોધકોએ લગભગ પાંચ લાખ ચાઇનીઝ લોકોમાં મરચાંના વપરાશ અને તેમના આરોગ્યની તપાસ કરી, તો જાણવા મળ્યું કે મરચાં ખાવાથી મૃત્યુનું જોખમ ઘટે છે. જે લોકો લગભગ દરરોજ મસાલેદાર ખોરાક લે છે તેમના મૃત્યુનું જોખમ, અઠવાડિયામાં એક કરતા ઓછા વખત મસાલેદાર ખોરાક ખાનારા લોકો કરતા 14 ટકા ઓછું હતું.

હાર્વર્ડ ખાતે સ્કૂલ ઑફ પબ્લિક હૅલ્થના ન્યુટ્રિશનના પ્રોફેસર, રિસર્ચર લુ કિ કહે છે, "મુખ્ય તારણ એ મળ્યું કે મસાલેદાર ખોરાક વધુ ખાતા હોય તેવા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હતું. ખાસ કરીને કૅન્સર, હૃદય રોગ અને શ્વસન સંબંધી રોગોથી ઓછા મૃત્યુનું જોખમ ઓછું હતું."

જોકે, તેનો અર્થ એ નથી કે મોટા પ્રમાણમાં મરચાં ખાવાનું શરૂ કરવાથી ટૂંકા ગાળામાં તમારા આરોગ્યને ફાયદો થશે અથવા તમને શ્વાસને લગતી બીમારીઓ નહીં થાય.

મરચાંની ખૂબીઓ

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ચીનનો અભ્યાસ સરેરાશ સાત વર્ષના ગાળા માટે થયો હતો. મરચાં ખાવાથી આરોગ્યને ફાયદો થતો હોય તો પણ તેની અસર અમુક સપ્તાહમાં કે મહિનામાં નહીં પણ લાંબા ગાળે જોવા મળશે. એવું પણ બને કે મરચાં ખાનારા લોકો શરૂઆતથી જ તંદુરસ્ત હોય.

કિએ મરચાં ખાવાની અસરોને અન્ય દરેક વસ્તુથી અલગ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ભાગ લેનારાની ઉંમર, લિંગ, શિક્ષણનો સ્તર, વૈવાહિક સ્થિતિ, આહાર અને જીવનશૈલીના પરિબળોને નિયંત્રિત કર્યા જેમાં શરાબનું સેવન, ધૂમ્રપાન અને શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે મરચાંમાં કેપ્સાસિન હોવાના કારણે તેને બીમારીનું જોખમ ઘટવા સાથે સંબંધ હોઈ શકે છે.

કિ કહે છે કે, "મસાલેદાર ખોરાકના અમુક ઘટકો, જેમ કે કેપ્સાસિનના કારણે મેટાબોલિક સ્થિતિ, એટલે કે લોહીમાં કૉલેસ્ટ્રેલની લિપિડ પ્રોફાઇલ સુધરતી હોય તેવું જોવા મળ્યું છે. તેના કારણે અમારા સ્ટડીમાં આવું નિરીક્ષણ આવ્યું હોય તે શક્ય છે."

ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૅપસાઇસિન આપણામાં ઊર્જાના દહનનું પ્રમાણ વધારી શકે અને આપણી ભૂખ ઘટાડી શકે છે.

કતાર યુનિવર્સિટી ખાતે માનવ પોષણ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ઝુમિન શીએ શોધી કાઢ્યું છે કે મરચાંનું સેવન કરવાથી સ્થૂળતાનું જોખમ ઘટી શકે છે. તે હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે. તેથી તેમણે કૉગ્નિટિવ ફંક્શન (જ્ઞાનાત્મક કામગીરી) પર મરચાંની અસરનો અભ્યાસ કર્યો ત્યારે તેમને અપેક્ષા હતી કે તેમાં પણ ફાયદો જ થશે.

પરંતુ તેમણે જ્યારે ચીનના પુખ્ત વયના લોકોમાં મરચાં ખાવાથી કૉગ્નિટિવ ફંક્શન માપવાનું શરૂ કર્યું, તો જાણવા મળ્યું કે જેઓ વધારે મરચાં ખાતા હતા તેવા લોકોનું કોગ્નિટિવ ફંક્શન નબળું હતું. યાદશક્તિ પર તો ઘણી વધારે અસર પડતી હતી.

રોજના 50 ગ્રામ (1.8 ઔંસ) કરતા વધારે મરચાં ખાનારાઓમાં પોતે જણાવ્યા પ્રમાણે યાદદાશ્ત નબળી પડવાનું જોખમ લગભગ ડબલ થઈ જતું હતું. જોકે, અહીં નોંધવું જરૂરી છે કે સ્વ-નોંધેલી માહિતીને બહુ ભરોસાપાત્ર ગણવામાં આવતી નથી.

મરચાં ખાવાથી જે બળતરા થાય છે તે લાંબા સમયથી વૈજ્ઞાનિકો માટે એક રસનો વિષય રહ્યો છે. તે આપણને એ વાતની પણ માહિતી આપે છે કે મરચાંનો સંબંધ કૉગ્નિટિવ ઘટાડા સાથે કેમ હોઈ શકે છે. પોતાની જાતને બીમારીઓ અને જીવજંતુઓથી બચાવવા માટે છોડની આ રીતે ઉત્ક્રાંતિ થઈ તેનું આ પરિણામ છે.

મસાલાનું ગ્રાફિક્સ

યુકેની ન્યૂ કેસલ યુનિવર્સિટીમાં માનવ પોષણ સંશોધન કેન્દ્ર પૉપ્યુલેશન હેલ્થ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર લેક્ચરર કર્સ્ટન બ્રાન્ટ કહે છે કે, "કેટલાક છોડ એવી રીતે વિકસિત થયા છે જેથી તે કડવા અથવા મસાલેદાર હોય અને શિકારીઓ તેને ખાઈ ન શકે. પરંતુ છોડ પોતાની જાતને થોડા ઝેરીલા બનાવે તે પણ સારું છે."

પરંતુ આ ઘટકો સામાન્ય રીતે જંતુઓની તુલનામાં માનવી પર બહુ ઓછી અસર કરે છે. તેઓ કહે છે, "થોડું ઝેર હોવું એ સારું હોઈ શકે છે, જેમ કે કેફિન, તેનાથી આપણું ચયાપચય ઝડપી બની જાય છે જેથી આપણે વધારે જાગૃત અનુભવીએ છીએ. જોકે, તે વધારે પડતું હોય તો નુકસાન કરે છે."

યુકેના બર્મિંઘમ ખાતે એસ્ટન મેડિકલ સ્કૂલમાં ડાયેટિશિયન અને સિનિયર ટિચિંગ ફેલો ડુઆને મેલોરનો તર્ક છે કે જે ઘટકો મસાલાને સ્વાદ આપે છે, તે ઘટકો માનવી માટે હાનિકારક નથી.

તેઓ કહે છે કે, "ખાદ્ય પદાર્થોમાં આપણે ઘણા બધા રંગો અને કડવા સ્વાદનો આનંદ માણીએ છીએ, તે જંતુઓ છોડને ખાઈ ન જાય તે માટે હોય છે. આપણે તે સ્વાદમાં રહેલા વિષથી ટેવાઈ ગયા છીએ. આપણા પર તેમાંથી ઘણા છોડના ઘટકોની અસર નથી થતી, જેમાં બ્લેક ટીમાં રહેલ ટેનિન પણ સામેલ છે. જ્યારે કેટલાક જંતુઓને અસર થાય છે."

બીજી તરફ, ભલે કોઈ વિશેષ મસાલામાં કોઈ ઘટક લાભદાયક હોઈ શકે, પરંતુ આપણે સામાન્ય રીતે એટલા પ્રમાણમાં નથી ખાતા કે તેનાથી કોઈ ફરક પડે.

પોલિફેનૉલ્સને જ લો. આ ઘટક ઘણા છોડમાં મળી આવે છે જેમાં સોજાને ઘટાડતી શક્તિ હોય છે. મસાલા આરોગ્ય માટે ફાયદાકારક હોવા માટે તેમાં પોલિફેનૉલ્સના ઊંચા સ્તરને કારણભૂત ગણવામાં આવે છે. 2014માં એક સંશોધનની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે મસાલા ઓછા પ્રમાણમાં ખાવામાં આવે તો તેના આરોગ્ય વિષયક ફાયદા પણ મર્યાદિત થઈ જાય છે કે નહીં તે જાણી શકાયું નથી.

કેટલાક અભ્યાસોમાં ઉત્સાહજનક તારણ નીકળ્યાં છે, ત્યારે 2022માં 11 સમીક્ષાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કેપ્સાઇસિન અને મસાલેદાર ભોજન ખાવાના ફાયદા સ્પષ્ટ નથી. પુરાવાનો આધાર પણ 'અત્યંત ઉચ્ચ ગુણવત્તા'નો નથી.

હળદર ખાવાથી આરોગ્યને ફાયદો

હળદરના ગુણો

માનવીના આરોગ્ય પર મોટા પાયે લાભદાયક પ્રભાવ પાડનાર મસાલામાં હળદરની પણ ગણતરી થાય છે. તેનો શ્રેય વ્યાપક રીતે કરક્યૂમિનને આપવામાં આવે છે. હળદરમાં મળી આવતું આ એક નાનકડું મૉલિક્યુલ છે જેનો ઉપયોગ સોજા, તણાવ અને બીજી ઘણી તકલીફોમાં તબીબી સારવાર માટે થાય છે.

ઘણા સંશોધનકર્તાઓ માને છે કે અસલમાં આપણે મસાલાને શેની સાથે ખાઈએ છીએ તેના પર તેના આરોગ્ય વિષયક ફાયદાનો આધાર રહેલો છે.

જોકે, હળદર ફાયદાકારક હોવાના નક્કર પુરાવા મળતા નથી.

અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે પ્રયોગશાળામાં કરક્યુમિનમાં કેન્સર વિરોધી ગુણ હોય છે. પરંતુ પ્રયોગશાળાનું વાતાવરણ માનવ શરીર કરતા એકદમ અલગ હોય છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે તેની જૈવઉપલબ્ધતા કોઈ પણ સામાન્ય આરોગ્યલાભ માટે બહુ ઓછી છે.

આવું અન્ય મસાલાના મામલે પણ હોઈ શકે છે. જોકે, કેટલાક સંશોધનકર્તાઓએ સપ્લિમેન્ટ (પૂરક પદાર્થો)ના આરોગ્ય પર ફાયદાનો અભ્યાસ કર્યો છે જેમાં કેટલાક મસાલાનું ઊંચું પ્રમાણ સામેલ છે. તેમાં આશાજનક પરિણામ મળ્યા છે.

ઉદાહરણ તરીકે 2023ના એક સંશોધનમાં જાણવા મળ્યું કે રોજ આદુનું સપ્લિમેન્ટ લેવામાં આવે તો લ્યુપસ અને રુમેટૉઇડ આર્થરાઇટિસ જેવી ઑટોઇમ્યુન બીમારીઓ ધરાવતા લોકોમાં સોજો ઘટાડવામાં મદદ મળી શકે છે.

યેલ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર પૉલ ફ્રીડમૅન કહે છે કે, પશ્ચિમી દુનિયામાં વૈકલ્પિક ચિકિત્સા તરીકે હળદર સહિતના મસાલામાં છેલ્લે મધ્ય યુગમાં રસ જોવા મળ્યો હતો. તે સમયે મસાલામાં ઔષધોના ગુણ હતા તેવું માનવામાં આવતું હતું.

ફ્રીડમૅન કહે છે કે "મસાલાનો ઉપયોગ ભોજનને સંતુલિત કરવા માટે થતો હતો. લોકોએ ભોજનને ગરમ, ઠંડું, ભીનું અને શુષ્ક ગુણોવાળું માનતા હતા અને તેને સંતુલિત કરવાની જરૂર હતી. ઉદાહરણ તરીકે, માછલી એક ઠંડું અને ભીનું ભોજન ગણાતી હતી અને મસાલાને ગરમ અને સૂકા ગણવામાં આવતા હતા."

ભોજનને દવા તરીકે ઉપયોગ કરવાનો વિચાર અને ગરમ અને ઠંડું અથવા ભીના અને સૂકા જેવા ગુણોને સંતુલિત કરવાનો વિચાર આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે. ભારતમાં તે હજારો વર્ષથી તે પ્રચલિત છે.

કરક્યુમિન શું ખરેખર આરોગ્ય માટે સારું છે?

હળદરના ગુણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક સંશોધનો પ્રમાણે હળદર કૅન્સરની સારવારમાં લાભદાયક છે એવું કહેવામાં આવે છે.

ફ્રીડમૅન કહે છે કે "ઘણા પશ્ચિમી દેશો, જ્યાં આવા વિચારો બહુ નવા છે, ત્યાં આધુનિક જમાનાની દવાઓ સાથે સંતુલનના આ વિચારને રજૂ કરવામાં આવે છે."

તેઓ કહે છે, "મસાલા પ્રત્યે આપણું આધુનિક આકર્ષણ આપણને 50 વર્ષ અગાઉના મધ્યયુગીન દૃષ્ટિકોણની નજીક લાવે છે, જ્યારે ઍન્ટીબાયોટિક્સ જેવી આધુનિક સારવાર પદ્ધતિ અને ભૂતકાળની નકામી અંધશ્રદ્ધા આધારિત દવાઓ વચ્ચે એક દીવાલ હતી."

મિનોસેટા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફૉર થેરેપ્યુટિક ડિસ્કવરી ઍન્ડ ડેવલપમેન્ટનાં ભૂતપૂર્વ રિસર્ચ આસિસ્ટન્ટ પ્રોફેસર કૅથરિન નેલ્સેને પોતાની કામગીરીના ભાગરૂપે અણુઓનો અભ્યાસ કર્યો અને નવી દવા બનાવવા માટે તેઓ ઘટક બની શકે કે નહીં તેનું સંશોધન કર્યું.

તેમને જ્યારે કરક્યુમિન સાથે સંકળાયેલા આરોગ્યના દાવાની ખબર પડી ત્યારે તેમણે કરક્યુમિનનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે, "સંશોધનકર્તાઓ ટેસ્ટ ટ્યૂબમાં વિકસિત કોષમાં ઘટકો ઉમેરીને પ્રભાવ પાડવા સક્ષમ છે અને કોષોનું શું થાય છે તે જોઈ શકે છે."

પરંતુ તેમને જાણવા મળ્યું કે કરક્યુમિન એક "ભયંકર" ડ્રગ મૉલિક્યુલ છે, કારણ કે તે જૈવ ઉપલબ્ધ નથી. એટલે કે તે એક વખત પચી જાય ત્યાર પછી શરીર તેનો ઉપયોગ કરી શકતું નથી. તે નાના આંતરડામાં સહેલાઈથી શોષાતું નથી. જ્યારે તે નાના અને મોટા આંતરડામાં પ્રોટીન સાથે જોડાઈ જાય ત્યારે તેની સંરચનાને બદલી શકાય છે. પરિણામે તે વાસ્તવમાં કંઈ ખાસ નથી કરતું.

તેઓ કહે છે કે હળદરમાં એવું કંઈક હોઈ શકે જે ફાયદાકારક હોય. પરંતુ તે કરક્યુમિન નથી. આ ઉપરાંત, જો હળદરને ભોજનના ભાગ તરીકે રાંધવામાં આવે તો તેને અન્ય ખાદ્યપદાર્થોમાં ઉમેરવામાં આવે છે, તથા ગરમ કરવામાં આવે છે. તેથી તેના રાસાયણિક ઘટક બદલી જાય છે.

"હળદરમાં જોવા જેવું કંઈ બીજું પણ હોઈ શકે છે, પરંતુ કરક્યુમિન નહીં. અને તે એક ચીજ નહીં હોય. લાભદાયક હોવા માટે તેમાં રાસાયણિક રીતે ફેરફાર થવા પડે અથવા બીજી કોઈ ચીજમાં ઉમેરવાની જરૂર પડી શકે છે."

તેઓ કહે છે કે વધારે પડતું હળદર ખાવામાં આવે તો તે નુકસાનકારક નથી, પરંતુ તેનો સ્વ-ઉપચાર તરીકે ઉપયોગ કરવો ન જોઈએ.

સહસંબંધ અને કારણો

ભારતીય મસાલે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ભોજનમાં મસાલાનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવે છે

મરચાં અને હળદરનો ઘણો અભ્યાસ કરવામાં આવ્યો છે, પરંતુ મોટા ભાગના અભ્યાસમાં માત્ર તેના ઉપયોગ અને આરોગ્યના અલગ અલગ પરિણામોના ડેટાની સરખામણી કરવામાં આવી છે, જે કારણને અસરથી અલગ નથી કરતું. પ્રયોગશાળામાં કરવામાં આવેલાં સંશોધનો માનવ શરીર પર લાગુ થાય તે જરૂરી નથી.

જે રીતે પોષણને લગતાં ઘણાં બધાં સંશોધનોમાં સાચું છે તે રીતે સહસંબંધ અને કારણને સમજવા મુશ્કેલ હોય છે.

2019માં ઇટાલીમાં થયેલા એક સંશોધનને લો. તેમાં જાણવા મળ્યું કે મરચાં ખાવાને મૃત્યુના ઓછા જોખમ સાથે સંબંધ છે. આ અવલોનાત્મક હતું, તેથી એ જાણવું અશક્ય છે કે શું મરચાં ખાવાના કારણે લોકો લાંબો સમય જીવી શકે છે, શું પહેલેથી તંદુરસ્ત હોય તેવા લોકો વધારે મરચાં ખાય છે, કે પછી બીજું કોઈ પરિબળ કામ કરે છે.

જોકે, આ સંશોધનના લેખક અને ઇટાલીના મેડિટેરેનિયન ન્યૂરોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રોગચાળાના વૈજ્ઞાનિક મારિયાલોરા બોનાસિયો કહે છે કે, ઇટાલી અને ભૂમધ્ય સમુદ્ર આસપાસની સંસ્કૃતિમાં મરચાં કઈ રીતે ખાવામાં આવે છે તે પણ એક કારણ હોઈ શકે છે.

બોનાસિયો કહે છે કે, "ભૂમધ્ય સમુદ્રના દેશોમાં મરચાં બહુ સામાન્ય છે. તેને મોટા ભાગે પાસ્તા અને કઠોળ અથવા શાક સાથે ખાવામાં આવે છે."

આ માત્ર એક ઉદાહરણ છે કે મસાલા પરોક્ષ રીતે કેટલા લાભદાયક હોઈ શકે છે. મોટા ભાગે તેને કઠોળ અથવા શાક સાથે ખાવામાં આવે છે."

મસાલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ભોજનમાં હળદર અને મરચાં ઉપરાંત પણ અનેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

સંશોધનમાં જાણવા મળ્યું કે મસાલા વગરના બર્ગર ખાતા હોય તેના કરતા બર્ગરમાં મસાલો નાખીને ખાનારી વ્યક્તિના શરીરમાં ઓછા મુક્ત કણ બનશે. આ ઉપરાંત માંસ પણ ઓછું કેન્સરજનક બનશે. પરંતુ આ તમામ લાભોને મસાલાના પ્રિઝર્વેટિવ ગુણોથી સમજાવી શકાય છે, એવું મોલેર કહે છે જેઓ આ અભ્યાસમાં સામેલ ન હતાં.

તેઓ કહે છે, "માંસમાં મસાલા નાખવા એ માંસને સાચવી રાખવા માટેની જાણીતી પદ્ધતિ છે. તેથી મસાલાના ફાયદા આપણા માટે સીધા લાભદાયક હોવાના બદલે ખોરાકને જાળવી રાખવામાં વધારે હોઈ શકે છે. પરંતુ કોઈ પણ સ્થિતિમાં આપણને ફાયદો થશે કારણ કે તે ખોરાકને ઓછા હાનિકારક બનાવે છે."

ઘણા સંશોધકો માને છે કે મસાલાના શેની સાથે ખાવામાં આવે છે તેના પરથી આરોગ્યના લાભની ખબર પડી શકે છે. ઉદાહરણ તરીકે ન્યૂ યૉર્કમાં એનવાયયુ લેન્ગોન હૅલ્થ મેડિકલ સેન્ટરનાં ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર લિપી રૉય કહે છે કે, મીઠાની જગ્યાએ મસાલાનો ઉપયોગ કરવાનું વલણ છે.

તેઓ કહે છે, "મસાલા આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેઓ મીઠાની જગ્યાએ આરોગ્યવર્ધક વિકલ્પ બની શકે છે."

વાસ્તવમાં ગયા વર્ષે સંશોધનકર્તાઓએ સાબિત કર્યું કે મીઠા અને સૅચ્યુરેટેડ ફૅટની જગ્યાએ મસાલાનો ઉપયોગ કરવામાં આવે, તો તેની મદદથી ખોરાકને એટલો જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

આપણે શાકભાજીની સાથે મરચાં પણ ખાઈએ છીએ, જે ચોક્કસપણે આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે.

તેથી ગોલ્ડન લાતેથી આપણને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ આપણે કેટલાક મસાલા છાંટેલા શાકભાજી ખાઈએ તો સારું રહેશે. આ ઉપરાંત આપણએ કોઈ બીમારીથી બચવા અથવા તેની સામે લડવા માટેના ઉપાય તરીકે મસાલા પર આધાર રાખવો ન જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.