પાતરાં બારડોલીની ઓળખ કઈ રીતે બની ગયાં?

પાતરાંના કારણે બારડોલીને એક અલગ ઓળખ મળી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, પાતરાંના કારણે બારડોલીને એક અલગ ઓળખ મળી છે
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

'બારડોલી તરફ છો તો એક કામ કરજો ને? પાતરાંના કેટલાંક પૅકેટ લઈ આવજો.'

તમે બારડોલીની નજીક હોવ અને મિત્ર અથવા સંબંધીઓને ખબર પડી જાય ત્યારે આવો ફોન આવ્યો હોય એવું ઘણીવાર બન્યું હશે. બારડોલીના ફ્રાઇડ પાતરાં એટલાં પ્રખ્યાત બની ગયા છે કે હવે આ તેની ઓળખ બની ગઈ છે.

દક્ષિણ ગુજરાતના આ શહેરમાં લોકો ખાસ તેની વાનગી ચાખવા અને ખરીદવા માટે આવતા હોય છે. એનઆરઆઈ અને પોતાના સમુદ્ધ ગામો માટે જાણીતાં બનેલાં બારડોલીનું અર્થતંત્ર કૃષિ અને ખાસ કરીને શેરડી અને શુગર મિલો પર નભે છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બારડોલીનાં અર્થતંત્રમાં પાતરાં ઉદ્યોગ હવે મહત્ત્વનો ભાગ ભજવે છે. દરરોજના એક હજારથી 1100 કિલોગ્રામથી વધુનાં પાતરાં ઉત્પાદન સાથે આ ઉદ્યોગ આજે બારડોલીમાં હજારો લોકોને રોજગારી આપી રહ્યો છે. ઉદ્યોગના કારણે બારડોલીને એક ઓળખ તો મળી જ છે પણ સ્થાનિક લોકોને પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે.

અહીં બનતાં પાતરાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાય છે, જેને કારણે આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે અને બારડોલીની અલગ ઓળખ આપવવામાં કારણભૂત પણ બન્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના પાતરાં વેચાય છે.

દરેક જગ્યાએ મળશે પાતરાં

આજે બારડોલીમાં પાતરાંના વ્યવસાયમાં ઘણી બ્રાન્ડસ્ આવી ગઈ છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, આજે બારડોલીમાં પાતરાંના વ્યવસાયમાં ઘણી બ્રાન્ડસ્ માર્કેટમાં આવી ગઈ છે

બારડોલીની મુલાકાત લો ત્યારે દરેક મુખ્ય માર્ગ ઉપર તમને પાતરાંની દુકાન મળી આવશે, જ્યાં સવારથી લોકો પોતાનો મનગમતો નાસ્તો ખરીદવા માટે ઉમટી પડતા હોય છે. દરેક શહેરની મુખ્ય વાનગીને લોકો દિવસના કોઈ પણ સમય ખાતા હોય છે. બારડોલીનાં પાતરાં સાથે પણ કંઇક આવું જ છે.

શહેરમાં લટાર મારતી વખતે અહીંના લોકોને સવારનાં નાસ્તામાં પણ પાતરાં ખાતાં જોઈ શકાય છે. પાતરાં અહીંના દેનિક ભોજનનો એક ભાગ બની ગયો છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ બારડોલીથી પસાર થતાં લોકો અહીં અચૂક ઊભા રહીને તેની ખરીદી કરે છે. રાજ્યના વિવિધ શહેરોમાં જતી બસો કે બીજા વાહનોમાં પણ પાતરાં પૅકેટથી ભરેલાં બૉક્સ મોકલવવામાં આવે છે.

ગુજરાતમાં એક મોટો વર્ગ એવો છે જે કાંદા અને લસણનો ભોજનમાં ઉપયોગ કરતો નથી. બારડોલીના પાત્રાં પણ હવે આ રીતે મળતાં થયા છે, જેના કારણે તેની માગ પણ વધી રહી છે.

બારડોલીમાં રહેતા હરેન્દ્રસિંહ બારડએ શહેરમાં પાતરાં ઉદ્યોગને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "બારડોલીમાં પાતરાંનો વ્યવસાય એક મોટો બિઝનેસ બની ગયો છે અને તે સતત વધી રહ્યો છે. માત્ર નાસ્તાના સ્વરૂપથી શરૂ થયેલા આ વ્યવસાયમાં આજે હજારો લોકો કામ કરી રહ્યા છે. મહિલાઓને પણ સારાં પ્રમાણમાં રોજગારી મળી રહી છે, જેનો સીધો ફાયદો સ્થાનિક અર્થતંત્રને થઈ રહ્યો છે. વિવિધ બ્રાન્ડસના કારણે અન્ય રોજગારીનું પણ સર્જન થયું છે."

મુંબઈ, અમદાવાદ, આણંદ, નડિયાદ અને નવસારીથી નિકાસકારો મોટી માત્રામાં પાતરાં ઑર્ડર કરે છે, જે બાદમાં અમેરિકા, યુકે, કૅનેડા અને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન માગ હોય છે પરંતુ તહેવાર અને લગ્નની સિઝન દરમિયાન તેની માગમાં સારો એવો વધારો જોવા મળે છે.

  • બારડોલીમાં પાતરાંની 70થી વધુ દુકાનો છે, જેમાં કેટલીક હવે મોટી બ્રાન્ડ બની ગઈ છે
  • પાતરાંનો બિઝનેસ હવે બારડોલીનો સૌથી મોટો ગૃહઉદ્યોગ બની ગયો છે
  • સારી એવી માગ હોવાને કારણે પાતરાંના વ્યાપારમાં સતત વધારો થઈ રહ્યો છે
  • એક અંદાજ મુજબ બારડોલીમાં સાત મોટી બ્રાન્ડસ્ છે જે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ પાતરાં મોકલે છે
  • દરરોજ અંદાજે ચાર લાખ રૂપિયાના પાતરાં વેચાય છે

કઈ રીતે બને છે પાતરાં?

પાતરાંના વ્યવસાયમાં બારડોલીની એક પ્રકારની મૉનોપોલી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, પાતરાંના વ્યવસાયમાં બારડોલીની એક પ્રકારની મૉનોપૉલી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અળવીનાં પાન અને 18 પ્રકારના મસાલાઓથી બારડોલીનાં પ્રખ્યાત પાતરાં બને છે. કેટલાક મસાલા બીજા રાજ્યોથી પણ મંગાવવામાં આવે છે. વાનગીનો સૌથી મુખ્ય ઘટક એવાં અળવીનાં પાન મુખ્યત્વે મહારાષ્ટ્રના નવાપુર, ધુલીયા અને જલગાંવથી મંગાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં પણ અળવીનાં પાન મળે છે પરંતુ તેની ગુણવત્તા એ પ્રમાણે હોતી નથી.

જતીન રાજપૂત વર્ષોથી બારડોલીમાં પાતરાંનો વ્યવસાય કરે છે અને શ્રી જલારામ પાતરાં બ્રાન્ડ ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "બારડોલીમાં જે પાતરાં બને છે તે સામાન્ય રીતે મળતાં પાતરાં કરતાં એકદમ અલગ છે. ચણાના લોટમાં ખાસ મસાલા ઉમેરવામાં આવે છે અળવીનાં પાન પર સારી રીતે પાથરવામાં આવે છે."

"ત્યારબાદ તેને તેલમાં તળવામાં આવે છે. તળ્યાં બાદ તેને અમુક સમય માટે સૂકવવામાં આવે છે અને ત્યારબાદ પૅક કરવામાં આવે છે. પૅક પણ એ રીતે કરવામાં આવે છે જેથી ઓછામાં ઓછા છ મહિના સુધી તે બગડતાં નથી."

ત્રણ લૅયરવાળા પ્લાસ્ટિકના પૅકેટમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરીને પાતરાં પૅક કરવામાં આવે છે. આમ કરવાથી પાત્રાં તાજા રહે છે અને સ્વાદ પણ સારો રહે છે.

પીયુષ પાતરાંવાળા કહે છે કે, "18 જાતના મસાલાને ભેગા કરીને પાતરાં માટેનો સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે જે અમે પોતે બનાવીએ છીએ. તળવા માટે અમે માત્ર મકાઈ નું તેલ જ વાપરીએ છે. આમ કરવાથી પાતરાંની સેલ્ફલાઈફ વધી જાય છે. અન્ય તેલ વાપરવાથી પાતરાં ચાર મહિનાની સુધી ફ્રેશ રહે છે જ્યારે મકાઈના તેલમાં તળવાથી તે છથી આઠ મહિના ફ્રેશ રહે છે."

રસપ્રદ વાત એ છે કે પાતરાં બનાવવા માટે કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવે છે જે 20 દિવસથી લઇને એક મહિના સુધી ચાલતી હોય છે. તાલીમમાં કર્માચારીઓને અવળીનાં પાન કઈ રીતે કાપવા, મસાલા કેવી રીતે મિક્સ કરવા અને કેવી રીતે તળવું વગેરે સામેલ હોય છે. કર્મચારીઓને એ પણ શીખવવામાં આવે છે કે કઇ રીતે અળવીનાં સારાં પાનને ઓળખવા અને કઈ રીતે પાનને વાળવા.

જતીન કહે છે કે, "આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી ગુણવત્તા અને સ્વાદ જળવાઇ રહે. વર્ષોથી પાતરાંની ગુણવત્તા એક સરખી રહી છે, જે તેના લોકપ્રિય થવા પાછળનું મુખ્ય કારણ છે. પાતરાં તળવા માટેના ખાસ કારીગરો હોય છે જે પાતરાંને એકદમ યોગ્ય રીતે તળે છે. આ કામ સૌથી અઘરું છે.''

આજે બારડોલીમાં પાતરાંના વ્યવસાયમાં ઘણી બ્રાન્ડસ્ આવી ગઈ છે. એવી પણ કંપનીઓ છે કે બીજા કોઈની બ્રાન્ડસ્ માટે પાતરાં બનાવે છે અને વર્ષે સારો એવો બિઝનેસ કરી રહી છે. એક રીતે જોઈએ તો પાતરાંમાં બારડોલીની એક પ્રકારની મૉનોપૉલી છે એવું કહી શકાય.

શરૂઆત કેવી રીતે થઈ?

પાતરાંના કારણે બારડોલીને એક અલગ ઓળખ મળી છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, પાતરાંના કારણે બારડોલીને એક અલગ ઓળખ મળી છે

દરેક વાનગીની જેમ બારડોલીનાં પાતરાં પાછળની પણ એક કહાણી છે. બારડોલી રેલવે સ્ટેશન નજીક નાસ્તાની લારીમાં પ્રખ્યાત પાતરાંનો આવિષ્કાર થયો હતો. સાલ 1975માં અહીં નાસ્તાની લારી ચલાવતા ચંદ્રકાન્ત પાતરાંવાળાએ સૌથી પહેલા આ વાનગી બનાવીને લોકોને પીરસી હતી. ચંદ્રકાન્તભાઇના પિતા બાલુભાઈ રાજપૂત મહારાષ્ટ્રના નવાપુરમાં નાસ્તાનો વ્યવસાય કરતા હતા. તેઓ બારડોલી આવ્યા અને અહીં તેમના પુત્રે નવી વાનગી લોકોને પીરસી.

હરેન્દ્રસિંહ બારડ કહે છે કે, "ચંદ્રકાન્તભાઈએ સૌપ્રથમ વખત પાતરાં તળીને ગ્રાહકોને આપ્યા હતા. તે વખતે બારડોલીમાં પણ પાતરાં બાફીને અને ત્યારબાદ વઘાર કરીને ખાવામાં આવતાં હતાં. લોકોને પાતરાંનું નવું સ્વરૂપ પસંદ પડી ગયું હતું અને ત્યારબાદ બહુ ઝડપથી આ પાતરાં લોકપ્રિય થવા લાગ્યાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વખણાવવા લાગ્યાં. સૌપ્રથમ બારડોલી અને તેની આજુબાજુના ગામડાંઓથી લોકો પાતરાં ખાવા આવતા હતા પરંતુ સમય જતાં દૂરથી પણ લોકો અહીં આવતા થયા."

ચંદ્રકાન્તભાઈએ સમય જતાં પોતાની બ્રાન્ડ 'મનીષ પાતરાંવાળા' લૉન્ચ કરી જે ટૂંક સમયમાં સફળ થઈ ગઈ. મનિષ બ્રાન્ડ બાદ બારડોલીમાં બીજી બ્રાન્ડસ્ પણ આવી અને આજે અહીં આઠ મોટી પાતરાંની બ્રાન્ડસ્ છે હોલસેલ અને રીટેલમાં પાતરાંનો વ્યવસાય કરે છે.

ચંદ્રકાંતના પુત્ર પરેશભાઈ રાજપૂત કહે છે, "મારા પિતા પહેલેથી જ ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. બારડોલી શહેરના લીમડા ચોકમાં તેઓએ ફરસાણની કૅબિન શરૂ કરી હતી. એક દિવસે પાતરાં બનાવતી વખતે ચણાનો લોટ થોડો જાડો થઈ જતા તેમણે તે પાત્રાને સીધા જ તેલમાં તળી નાખ્યા હતા."

"જ્યારે તેઓએ તેમના પરિવાર અને મિત્રને તેમજ બે ચાર ગ્રાહકોને તળેલા પાત્રાનો સ્વાદ ચખાડ્યો અને તમામ લોકોને આ ક્રિસ્પી પાતરાં પસંદ આવ્યા. બસ ત્યારથી જ તેમના પિતાએ કરકરા પાતરાંનું વેચાણ શરૂ કરી દીધું હતું. જોતજોતામાં આ પાતરાંનો સ્વાદ આજૂબાજૂનાં નાના શહેરોના લોકો સુધી પહોંચ્યો અને ઑર્ડર મારફતે તેઓ બારડોલીથી ખાસ કરકરા પાતરાં મંગાવતા થયા."

12 વર્ષથી પાતરાંના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ શાહ કહે છે કે, "આજે બારડોલી અને પાતરાં એકબીજાના પૂરક બની ગયાં છે. બારડોલીમાં પાતરાંની આઠ મોટી બ્રાન્ડસ્ છે જે દરરોજ એક હજારથી 1100 કિલોગ્રામ ઉત્પાદન કરે છે. કેટલીક બ્રાન્ડસ્ હોલસેલ અને છૂટક વેચાણ બંને કરે છે, જ્યારે અમુક માત્ર હોલસેલ વ્યાપર કરે છે. લગ્ન સિઝન અને તહેવાર દરમિયાન તેની માગ વધી જાય છે."

બારડોલીથી નીકળીને પાતરાં સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર કઈ રીતે લોકપ્રિય થઈ ગયાં?

જતીન રાજપૂત કહે છે કે, "તેની પાછળનું કારણ છે પાતરાંનો સ્વાદ અને તેની ગુણવત્તા. અહીંનાં પાતરાં જેટલા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે, તેવી અન્ય કોઈ જગ્યાએ નહીં મળે. લોકો માત્ર બારડોલીમાં બનેલાં પાતરાં જ ખરીદવા માગતા હોય છે. અમે પહેલાં દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધાર્યો અને ત્યારબાદ વડોદરા, અમદાવાદ અને બીજા શહેરોમાં અહીંથી પાતરાં મોકલતા થયાં જે આજે પણ કરીએ છીએ."

અળવીનાં પાનનાં ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો દબદબો

 અળવીનાં પાન મહારાષ્ટ્ર પૂરાં પાડે છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, અળવીનાં પાન મહારાષ્ટ્ર પૂરાં પાડે છે

બારડોલીની જે સફળતા છે તેમાં મહારાષ્ટ્રના ખેડૂતોનો પણ સિંહફાળો છે એમ કહીએ તો ખોટું નથી. તેની પાછળનું કારણ છે અળવીનાં પાન. આજે પાતરાં ઉદ્યોગની જે મુખ્ય જરૂરિયાત એવાં અળવીનાં પાન મહારાષ્ટ્ર પુરાં પાડે છે. દરરોજ મહારાષ્ટ્રના અમલનેર, જલગાંવ, નવાપુર અને બીજા જિલ્લાઓથી 170થી લઇને 200 કિલોગ્રામ અળવીનાં પાન ટ્રેન અને ટ્રક મારફતે બારડોલી આવે છે.

મનીષ શાહ કહે છે કે, "દક્ષિણ ગુજરાતના ખેડૂતો અળવીની એટલા પ્રમાણમાં ખેતી કરતાં નથી જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન પાન મળતા રહે. અહીંના ખેડૂતો મોટાભાગે શેરડીની ખેતી જ કરતા હોય છે. બીજા મુખ્ય પાકોમાં ડાંગર છે.''

મુખ્ય પાકોની આજૂબાજૂમાં અહીંના ખેડૂતો અળવીનાં પાન નાંખી દેતા હોય છે, જેમાં જોઈએ એટલું ઉત્પાદન મળતું નથી. આ કારણોસર અમારે મહારાષ્ટ્રથી પાન મંગાવવા પડે છે. ત્યાં અળવીની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. ઉત્પાદન સારું હોવાના કારણે અમને સમગ્ર વર્ષ દરમિયાન જરૂર હોય એટલાં અળવીનાં પાન મળી રહે છે.

મહારાષ્ટ્રથી પાન મંગાવવા પાછળ બીજું મોટું કારણ છે તેની સાઇઝ અને જાડાઈ. ગુજરાતમાં જે અળવીનાં પાન મળે છે તેનો આકાર નાનો હોય છે અને તે પાતળાં હોય છે. તેની સરખામણીમાં મહારાષ્ટ્રનાં પાન જાડાં અને લાંબાં હોય છે.

જતીન રાજપૂત કહે છે કે, "તમે ઓછાં પાનમાં વધુ ઉત્પાદન મેળવી શકો છે. બીજું કે પાતરાંની ગુણવત્તા પણ સારી હોય છે. આ પ્રકારનાં પાન અમને સ્થાનિક સ્તરે મળતા નથી, જેના કારણે મહારાષ્ટ્રથી મંગાવવા પડે છે."