Ind Vs Eng સેમિફાઇનલમાં અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી શું 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થશે, ટીમ ઇન્ડિયા સામે કેવા પડકારો છે?

ટી20 વિશ્વકપ ભારત ઇંગ્લૅન્ડ સેમિફાઇનલ વાનખેડે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રવીણ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ટી20 વિશ્વકપમાં બીજી સેમિફાઇનલનો મુકાબલો આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે થશે. ન્યૂઝીલૅડની ટીમ બુધવારે પહેલી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ફિન એલને માત્ર 33 બૉલમાં સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાને ટુર્નામેન્ટથી બહાર કરી દીધું હતું.

આ ટી20 વિશ્વકપની સૌથી ઝડપી સદી હતી.

બીજી સેમિફાઇનલની વિજેતા ટીમનો મુકાબલો 8મી માર્ચે ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સાથે થશે.

ભારતીય ટીમ ટી20 વિશ્વકપની હાલની ચૅમ્પિયન છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં પણ ભારતને ફેવરિટ માનવામાં આવતું હતું. પરંતુ સેમિફાઇનલ સુધી પહોંચતા પહોંચતા ટીમની ઘણી નબળાઈઓ ઉજાગર થઈ અને તેને કારણે તેને ફાઇનલમાં પહોંચવા માટેની સફર મુશ્કેલ બની શકે છે.

જોકે, સેમિફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયા તરફથી આ નબળાઈ પર કામ કરવાનો સંકેત મળી રહ્યો છે.

નવા બૉલથી જોફ્રા આર્ચરનો પડકાર

ટી20 વિશ્વકપ ભારત ઇંગ્લૅન્ડ સેમિફાઇનલ વાનખેડે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જોફ્રા આર્ચર ટી20 વિશ્વકપમાં પાવરપ્લે દરમિયાન 66 ડૉટ બૉલ ફેંકી ચૂક્યા છે

ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ભલે સેમિફાઇનલ સુધી પહોંચવા સુધીમાં માત્ર એક જ મૅચ હારી હોય પરંતુ ભારતીય ટૉપ ઑર્ડરનું ફ્લૉપ થવું ટીમ માટે સતત ચિંતાનો વિષય રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાના મુકાબલામાં ભારતની હારનું કારણ પાવરપ્લેમાં ત્રણ મહત્ત્વના બૅટ્સમૅનોનું આઉટ થવું હતું. ત્યાં અમેરિકા સામે તો ભારતે પાવરપ્લેમાં જ ચાર વિકેટો ગુમાવી દીધી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ મૅચમાં સૂર્યકુમાર યાદવે નૉટઆઉટ 84 રનની પારીને કારણે ભારત ટુર્નામેન્ટની પહેલી મૅચમાં ઊલટફેરથી બચી ગયું હતું.

પરંતુ ઇંગ્લૅન્ડ સામે મૅચમાં ભારતને આ પ્રકારની ભૂલથી બહાર આવવાની તક ન મળે, કારણ કે આ નૉકઆઉટ મૅચ છે.

ઇંગ્લૅન્ડના ઝડપી બૉલરોના ઝંઝાવાતની કમાન જોફ્રા આર્ચર સંભાળે છે. પહેલી બે મૅચમાં 90 રન આપનારા આર્ચરે ટુર્નામેન્ટમાં બાદમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્ચરે વિશ્વકપના પાવરપ્લે દરમિયાન 114 બૉલ ફેંક્યા છે અને તે પૈકી 66 ડૉટ બૉલ હતા.

તેઓ આ ટુર્નામેન્ટમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ ડૉટ બૉલ ફેંકનારા બૉલર છે. આર્ચરનો સંજુ સેમસન સામેનો રેકૉર્ડ પણ શાનદાર છે. તેમણે સંજુને પાંચ મૅચ પૈકી ત્રણ ટી20 મૅચોમાં આઉટ કર્યા છે.

સંજું સેમસન આર્ચર સામે 26 બૉલ પર માત્ર 23 રન બનાવી શક્યા છે અને આ દરમિયાન તેઓ ત્રણ વખત આઉટ થઈ ગયા છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કૅપ્ટન ફાફ ડુ પ્લેસિસ માને છે કે ઇંગ્લૅન્ડને સંજુ સેમસનની નબળાઈઓ ખબર છે.

તેમણે કહ્યું, "સંજું સેમસન ઇંગ્લૅન્ડની શૉર્ટ બૉલિંગ સામે સારું રમી શકે છે. પરંતુ આર્ચરની સ્પીડ 140થી વધુ છે. જ્યાં શૉર્ટની સામે રમવું મુશ્કેલ બની જાય છે. ઇંગ્લૅન્ડ આ વાત સારી રીતે જાણે છે."

ભારતીય બૅટ્સમૅનો એક સાથે પરફૉર્મ નથી કરતા

ટી20 વિશ્વકપ ભારત ઇંગ્લૅન્ડ સેમિફાઇનલ વાનખેડે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 6 ઇનિંગ્સમાં અભિષેક શર્માએ માત્ર 80 રન બનાવ્યા છે

ઝિમ્બાબ્વેની સામેની મૅચને બાદ કરવામાં આવે તો તમામ મૅચમાં ભારતની સૌથી મોટી સમસ્યા તેના બૅટ્સમૅનોનું પ્રદર્શન છે. તેઓ સારું પ્રદર્શન નથી કરી શક્યા.

અમેરિકા સામે કૅપ્ટન સૂર્યકુમાર એકલા દમ પર ટીમ ઇન્ડિયાને જીત અપાવે છે. ત્યાં ઇશાન કિશન નામીબિયા અને પાકિસ્તાન સામે ફાંકડી બૅટિંગ કરે છે.

શિવમ દુબે દક્ષિણ આફ્રિકા અને નેધરલૅન્ડ્સની મૅચમાં સારું રમી શક્યા. ત્યાં સંજુ સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં 97 રનની નૉટઆઉટ પારી રમીને ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું.

આ બધામાં ભારતની ભરખમ બૅટિંગ લાઇનઅપ હજુ આ ટુર્નામેન્ટમાં એક યુનિટ તરીકે પરફૉર્મ કરતા નજરે નથી પડી.

ભારત માટે બૅટિંગમાં સૌથી મોટી સમસ્યા અભિષેક શર્માનું નબળું પ્રદર્શન છે.

ટુર્નામેન્ટમાં અત્યારસુધીમાં તેમણે 6 ઇનિંગ્સમાં 13.33ની સરેરાશથી માત્ર 80 રન બનાવ્યા છે. જેમાં શરૂઆતની ત્રણ મૅચમાં ઝીરો પર આઉટ થવાનું પણ સામેલ છે.

તેમણે આ વિશ્વકપમાં એક માત્ર અર્ધસદી ફટકારી છે અને તે પણ ઝિમ્બાબ્વેની સામે.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પહેલી મૅચમાં 84 રન બનાવી શક્યા પરંતુ બાકીની ઇનિંગમાં જોવા જઈએ તો તેમની શક્તિ મુજબ તેમનું પ્રદર્શન નથી રહ્યું.

સેમિફાઇનલમાં પહોંચ્યા છતાં ટુર્નામેન્ટમાં હજુ પાંચ સૌથી વધુ રન ફટકારનારા બૅટ્સમૅનોના લિસ્ટમાં ભારતના એક પણ ખેલાડી નથી. કૅપ્ટન સૂર્યકુમાર 231 રન સાથે લિસ્ટમાં સાતમા ક્રમાંકે છે.

છેલ્લી બે મૅચમાં વરુણ ચક્રવર્તી નથી ચાલ્યા

ટી20 વિશ્વકપ ભારત ઇંગ્લૅન્ડ સેમિફાઇનલ વાનખેડે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વરુણ ચક્રવર્તીએ છેલ્લી બે મૅચમાં 8 ઓવરમાં 87 રન ખર્ચ કર્યા છે

ભારતીય પિચ સ્પિનર્સને મદદ કરે છે અને તેને કારણે વરુણ ચક્રવર્તી ટુર્નામેન્ટમાં ભારત માટે ક્યાંક ને ક્યાંક 'ટ્રમ્પ કાર્ડ' માનવામાં આવે છે.

તેઓ 12 વિકેટ સાથે ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે. પરંતુ ટીમ બૅલેન્સને કારણે કુલદીપ યાદવને એક મૅચમાં પ્લેઇંગ-11માં રમાડવામાં આવ્યા. ભારતની વરુણ ચક્રવર્તી પર નિર્ભરતા વધારે છે.

દક્ષિણ આફ્રિકા સામે વરુણે ચાર ઓવરમાં 47 રન અને વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં 40 રન ખર્ચ કર્યા હતા.

ભારતના પૂર્વ કોચ અને સ્પિન બૉલર અનિલ કુંબલે માને છે કે બૅટ્સમૅનોને હવે વરુણની રણનીતિ સમજાય રહી છે.

ઈએસપીએન ક્રિકઇન્ફોના એક શોમાં વરુણ ચક્રવર્તીની બૉલિંગ પર વાત કરતાં તેમણે કહ્યું, "વરુણ ચક્રવર્તીની સામે બૅટિંગ કરવું આસાન નથી."

"પરંતુ તેઓ હવે સમજી ગયા છે કે વરુણ ચક્રવર્તી રાઇટ હૅન્ડર્સની સામે કયા પ્રકારની બૉલિંગ કરીને બૉલને બહાર તરફ રાખે છે."

ભારતના બીજા સ્પિનર અને ઉપકપ્તાન અક્ષર પટેલે ટુર્નામેન્ટની બે મૅચમાંથી બહાર રાખવાના નિર્ણય પર પહેલાં પણ સવાલ ઊઠ્યો હતો. પરંતુ જે પાંચ મૅચમાં અક્ષર રમ્યા છે તેમાં તેઓ વિકેટ લેવામાં સફળ થઈ શક્યા નથી.

અક્ષર પટેલે ગ્રૂપ સ્ટેજમાં રમેલી ત્રણ મૅચમાં 6 વિકેટો મળી પરંતુ સુપર-8ની બે મૅચોમાં તેમને માત્ર એક જ વિકેટ મળી છે. સુપર-8ની બે મૅચમાં તેઓ 8 ઓવરમાં 70 રન ખર્ચ કરી ચૂક્યા છે.

ખરાબ ફિલ્ડિંગ અને ટૉસ ભારતીય ટીમની મુશ્કેલી વધારી શકે

ટી20 વિશ્વકપ ભારત ઇંગ્લૅન્ડ સેમિફાઇનલ વાનખેડે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમે આ વિશ્વકપમાં 13 કૅચ છોડ્યા છે.

ટુર્નામેન્ટમાં અત્યારસુધી ભારતીય ટીમે 33 કૅચ પકડ્યા છે ત્યાં 13 કૅચ છોડ્યા પણ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી મૅચમાં માત્ર અભિષેક શર્માએ બે કૅચ છોડ્યા હતા.

ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે 71.7 ટકા કૅચ સફળતાપૂર્વક પકડ્યા છે.

ટીમના બૉલિંગ કોચ મોર્ને મોર્કલનું માનવું છે કે ટીમ આ મામલે કામ કરી રહી છે. તેમણે મૅચ પહેલાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "એવું નથી કે અમે ટ્રેનિંગ નથી કરી રહ્યા. ફિલ્ડિંગ પર અમારું ફોક્સ છે. ટુર્નામેન્ટ પહેલાં પણ અમે ફિલ્ડિંગને મહત્ત્વ આપ્યું હતું. અને તેને લઈને ખાસ તૈયારી કરી હતી."

"જો અમે ફિલ્ડર્સને યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર મૂક્વામાં સફળ રહીશું તો કૅચ પકડવાના મામલે વધુ સફળ રહી શકીશું."

આ ઉપરાંત એક એવું પણ ફૅક્ટર છે જે આ ટુર્નામેન્ટમાં નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે, કારણ કે આખી ટુર્નામેન્ટમાં ડ્યુને કારણે બીજી ઇનિંગમાં બૉલિંગ કરનારી ટીમ પરેશાનીનો સામનો કરે છે.

પહેલી સેમિફાઇનલમાં પણ ડ્યૂની અસર જોવા મળી હતી.

જ્યાં દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનોએ પહેલાં બેટિંગ કરવામાં સંઘર્ષ અનુભવતા જોવા મળ્યા તો ન્યૂઝીલૅન્ડના ઓપનર્સને રન બનાવવામાં કોઈ સમસ્યા ન થઈ.

વાનખેડે સ્ટેડિયમમાં પણ ડ્યૂ મોટો ફૅક્ટર રહેશે તેવી સંભાવના છે.

રિપોર્ટ પ્રમાણે, રાત્રે વાનખેડેના મેદાન પર હ્યૂમિડિટીનું સ્તર 82 ટકા સુધી પહોંચી શકે છે. જેને કારણે સ્પિનર્સ માટે બૉલ પર ગ્રિપ બનાવવી મુશ્કેલ બની શકે છે. ઝડપી બૉલરોને પણ યૉર્કર નાખવામાં તકલીફ નડી શકે છે.

મોર્ને મોર્કલે કહ્યું, "ડ્યૂ હંમેશાં ચિંતાનો વિષય છે. પરંતુ ટૉસને કંટ્રોલ કરવું તમારા હાથમાં નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન