15 મહિનાની ગર્ભવતી: શું છે આ 'ચમત્કારી' ગર્ભાવસ્થા? બીબીસીની તપાસમાં શું બહાર આવ્યું

- લેેખક, યેમિસી એડેગોક, ચિયાગોઝી વોન્વુ અને લીના શેખૌની
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ચિઓમાને ખાતરી છે કે તેમનાં ખોળામાં જે બાળક છે, તે તેમનું જ છે. ગર્ભધારણ કરવા માટે આઠ વર્ષ સુધી નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ચિઓમાને બાળક મળ્યું છે. તેમણે તેને હોપ નામ આપ્યું છે અને તેને એક ચમત્કારિક બાળક તરીકે જુએ છે.
તે મક્કમતાથી કહે છે, "આ બાળક મારું જ છે."
ચિઓમા નાઈજીરિયાની એક સરકારી ઑફિસમાં પોતાના પતિ આઇકેની બાજુમાં બેઠાં છે. અધિકારી લગભગ એક કલાકથી આ દંપતીની પૂછપરછ કરી રહ્યા છે.
આઈફી ઓબિનાબો નામના અધિકારી મહિલા અને સામાજિક કલ્યાણ વિભાગના કમિશ્નર છે. તેમને કૌટુંબિક વિવાદો ઉકેલવાનો ઘણો અનુભવ છે, પરંતુ આ કોઈ સામાન્ય વિવાદ નથી.
આઈકેના પરિવારના પાંચ સભ્યો પણ રૂમમાં હાજર છે, પરંતુ તેમને ભરોસો નથી કે હોપ એ આ દંપતીનું બાયોલૉજિકલ સંતાન છે. જ્યારે ચિઓમા અને આઈકેનો દાવો છે કે તેઓ બાળકનાં બાયોલૉજિકલ માતાપિતા છે.
ચિઓમાનો દાવો છે કે તેમણે આ બાળકને 14 મહિના સુધી ગર્ભમાં રાખ્યું હતું. કમિશ્નર અને આઈકેના પરિવારજનો આ વાહિયાત દાવો સ્વીકારવા તૈયાર નથી.
ચિઓમા કહે છે કે તેના પર ગર્ભધારણ કરવા માટે આઇકેના પરિવાર તરફથી દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે તેમના પતિને બાળક માટે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ કહ્યું હતું.
હતાશ થઈને ચિઓમાએ બિનપરંપરાગત "સારવાર" આપતા એક "દવાખાના"ની મુલાકાત લીધી. આ એક વિચિત્ર અને પરેશાન કરી મૂકે તેવું કૌભાંડ છે જેમાં સંતાન ઇચ્છતી મહિલાઓને નિશાન બનાવાય છે અને બાળકોની હેરાફેરી કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી આ ગુપ્ત પ્રેગનન્સી કૌભાંડની તપાસ કરે છે. તેથી સત્તાવાળાઓએ ચિઓમાની કમિશ્નર દ્વારા પૂછપરછ થતી હતી, ત્યારે ત્યાં હાજર રહેવા બીબીસીને મંજૂરી આપી હતી.
અમે આ અહેવાલમાં ચિઓમા, તેમના પતિ આઈકે અને બીજા લોકોનાં નામ બદલી નાખ્યાં છે જેથી તેમના સમુદાય તરફથી તેમને કોઈ જોખમ ન રહે.

મહિલાઓનું નકલી સિઝેરિયન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાઈજીરિયા દુનિયામાં સૌથી ઊંચો જન્મદર ધરાવતો દેશ છે જ્યાં મહિલાઓએ ગર્ભધારણ કરવા માટે ઘણી વખત સામાજિક દબાણનો સામનો કરવો પડે છે. તેઓ ગર્ભધારણ ન કરી શકે તો તેમને બહિષ્કાર અથવા દુર્વ્યવહારનો પણ સામનો કરવો પડી શકે છે.
આવા દબાણમાં કેટલીક મહિલાઓ માતૃત્વનું સપનું સાકાર કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
એક વર્ષ કરતા વધુ સમયથી બીબીસી આફ્રિકા આ 'ગુપ્ત ગર્ભાવસ્થા' કૌભાંડની તપાસ કરી રહ્યું છે.
ડૉક્ટર અથવા નર્સના સ્વાંગમાં આવીને કૌભાંડકારીઓ મહિલાઓને ભરોસો અપાવે છે કે તેમની પાસે એવી ચમત્કારિક ફર્ટિલિટી સારવાર છે જેનાથી તેઓ ખાતરીપૂર્વક ગર્ભવતી બનશે. પ્રારંભિક 'સારવાર'માં સામાન્ય રીતે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં એક ઇન્જેક્શન, એક ડ્રિંક અથવા યોનિમાં દાખલ કરવાના એક પદાર્થનો સમાવેશ થાય છે.
અમે અમારી તપાસ દરમિયાન જે મહિલાઓ અથવા અધિકારીઓ સાથે વાત કરી તેમાંથી કોઈને ચોક્કસ રીતે ખબર ન હતી કે આ દવાઓમાં શું હોય છે. પરંતુ કેટલીક મહિલાઓએ અમને જણાવ્યું કે આ પદાર્થના કારણે તેમના શરીરમાં કેટલાક ફેરફાર થયા. જેમ કે પેટ ફૂલાઈ ગયું. તેનાથી તેમને વિશ્વાસ બેસી ગયો કે તેઓ ગર્ભવતી હતી.
આવી 'સારવાર' મેળવનારી મહિલાઓને ચેતવણી આપવામાં આવે છે કે તેમણે કોઈ ડૉક્ટર પાસે અથવા હૉસ્પિટલે જવાનું નથી, કારણ કે કોઈ પણ સ્કેન અથવા પ્રેગનન્સી ટેસ્ટમાં આ બાળકની ખબર નહીં પડે. ગોટાળાબાજ તત્ત્વો દાવો કરે છે કે બાળક તો ગર્ભની બહાર ઊછરતું હોય છે.
જ્યારે બાળકની 'ડિલિવરી'નો સમય આવે ત્યારે મહિલાઓને કહેવામાં આવે છે કે તેમને એક 'દુર્લભ અને મોંઘી દવા' આપવામાં આવશે, ત્યાર પછી જ પ્રસૂતિની પીડા ઊપડશે. તેના માટે તેમણે વધારાના રૂપિયા ચૂકવવા પડશે.
'ડિલિવરી' કેવી રીતે થાય છે તેનું વિવરણ અલગ અલગ છે, પરંતુ તે બધું વ્યથિત કરે તેવું છે. કેટલીક મહિલાઓને બેહોશ કરવામાં આવે છે અને તેઓ ભાનમાં આવે ત્યારે સિઝેરિયન જેવો ચીરોય મૂકાયેલો હોય છે. અમુકનું કહેવું છે કે તેમને એક ઇન્જેક્શન અપાય છે જેના કારણે તેમને ઊંઘ આવે છે, મતિભ્રમની સ્થિતિ પેદા થાય છે અને તેમને લાગે છે કે તેઓ બાળકને જન્મ આપી રહી છે.
પદ્ધતિ ગમે તે હોય, અંતમાં મહિલાઓને બાળક મળે છે અને તેઓ માને છે કે તેમણે જ તેને જન્મ આપ્યો છે.
ગર્ભવતી થવાની માહિતી આપવામાં આવે છે

ચિઓમાએ કમિશ્નર ઓબિનાબોને જણાવ્યું કે જ્યારે તેની પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે કથિત ડૉક્ટરે તેને કમર પર ઇન્જેક્શન આપ્યું અને ધક્કો મારવા કહ્યું. તેણે કઈ રીતે બાળકને જન્મ આપ્યો તેની તો ખબર નથી, પરંતુ તે કહે છે કે 'પ્રસૂતિ' પીડાદાયક હતી.
અમારી ટીમ આ ગુપ્ત 'દવાખાના'માંથી એકમાં ઘૂસી જવામાં સફળ થાય છે. બીબીસીની ટીમ એક એવા દંપતીના સ્વાંગમાં જાય છે જેને આઠ વર્ષથી બાળક થતું નથી. અમારી મુલાકાત એક મહિલાથી થાય છે પોતાની ઓળખ 'ડૉ. રૂથ' તરીકે આપે છે.
કથિત "ડૉક્ટર રૂથ" મહિનાના દર બીજા શનિવારે દક્ષિણ પૂર્વ અનામ્બરા જિલ્લાના ઇહિયાલા શહેરની એક જીર્ણશીર્ણ હોટેલમાં પોતાનું દવાખાનું ચલાવે છે. તેમના રૂમની બહાર હોટેલના કૉરિડોરમાં સેંકડો મહિલાઓ તેમના માટે રાહ જોઈ રહી છે, તેમાંથી કેટલાકનું પેટ બહાર આવી ગયું છે.
વાતાવરણમાં બધે જ સકારાત્મકતા છે. એક મહિલાને જ્યારે જણાવાય છે કે તે ગર્ભવતી છે, ત્યારે રૂમની અંદર ઉજવણી કરાય છે.
અમારા ગુપ્ત પત્રકારોને જોવાનો વારો આવે છે, ત્યારે 'ડૉ. રૂથ' તેમને જણાવે છે કે તેમની સારવાર ગૅરેન્ટીપૂર્વક કામ કરશે.
તેઓ મહિલાને એક ઇન્જેક્શન આપવાની દરખાસ્ત કરે છે. તેઓ દાવો કરે છે કે આનાથી તેમને છોકરો કે છોકરી, જે જોઈતું હોય તે મેળવી શકશે. તબીબી રીતે આ અશક્ય વાત છે.
તેઓ જ્યારે ઇન્જેક્શન લેવાની ના પાડે છે, ત્યારે 'ડૉ. રૂથ' તેમને વાટેલી ગોળીઓની એક પડીકી આપે છે, અને ઘરે લઈ જવા માટે કેટલીક ગોળીઓ આપે છે. સાથે સાથે ક્યારે સંભોગ કરવો તેની સૂચના પણ આપે છે.
આ પ્રારંભિક સારવારનો ખર્ચ લગભગ 17,300 રૂપિયા જેટલો આવે છે.
અમારાં અંડરકવર રિપોર્ટર દવાઓ નથી લેતાં તથા 'ડૉ. રૂથ'ની કોઈ સૂચનાનું પણ પાલન નથી કરતાં. ચાર અઠવાડિયા પછી તેઓ ફરી તેમને મળવા જાય છે.
અમારા રિપોર્ટરના પેટ પર અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનર જેવું દેખાતું ઉપકરણ ફેરવવામાં આવે છે. હૃદયના ધબકારા જેવો અવાજ સંભળાય છે અને 'ડૉ. રૂથ' રિપોર્ટરને ગર્ભવતી હોવા બદલ અભિનંદન પાઠવે છે.
તેઓ બંને આનંદથી ઝૂમી ઊઠે છે.
આ ખુશખબરી આપ્યા પછી 'ડૉ. રૂથ' જણાવે છે કે બાળકને જન્મ આપવા માટે તેમણે એક જરૂરી દુર્લભ અને મોંઘી દવા ખરીદવી પડશે જેની કિંમત લગભગ 1100 ડૉલર (આશરે 92,700 રૂપિયા)ની આસપાસ હશે.
વૈજ્ઞાનિક તથ્યને ગણકાર્યા વગર 'ડૉ. રૂથ' દાવો કરે છે કે આ દવા લેવામાં નહીં આવે તો ગર્ભાવસ્થા નવ મહિના કરતા વધુ ચાલી શકે છે. દવા નહીં લેવાય તો "બાળક કુપોષિત રહી જશે અને તેને ફરીથી વિકસીત કરવું પડશે."
બીબીસીએ કરેલા આક્ષેપોનો 'ડૉ. રૂથે' જવાબ નથી આપ્યો.
તેમાં સામેલ મહિલાઓ આવા દાવા પર કેટલી હદે ભરોસો કરે છે તે સ્પષ્ટ નથી.
પરંતુ તેઓ આ નર્યા જુઠ્ઠાણાને કેટલી હદે માનતી હશે તેનો અંદાજ આંશિક રીતે ઑનલાઇન ગ્રૂપમાં મળી શકે છે, જ્યાં ગર્ભાવસ્થા અંગે વ્યાપક ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.
દુષ્પ્રચારનું વ્યાપક નેટવર્ક

ગુપ્ત ગર્ભાવસ્થા એક માન્યતાપ્રાપ્ત મેડિકલ ઘટના છે, જેમાં મહિલાને છેલ્લા તબક્કા સુધી પોતાની ગર્ભાવસ્થા વિશે ખબર નથી હોતી.
પરંતુ અમારી તપાસ દરમિયાન બીબીસીને આ પ્રકારની ગર્ભાવસ્થા વિશે ફેસબુક સમૂહો અને પેજિસ પર ઢગલાબંધ ગેરમાહિતી મળી.
અમેરિકાની એક મહિલાએ પોતાનું આખું ફેસબૂક પેજ પોતાની "ગુપ્ત ગર્ભાવસ્થા" માટે ફાળવ્યું છે. તે દાવો કરે છે કે તે "વર્ષોથી" ગર્ભવતી છે અને વિજ્ઞાન પણ તેની સ્થિતિ સમજાવી શકે તેમ નથી.
ફેસબુક પર એવા ઘણા ક્લોઝ્ડ ગ્રૂપ છે જેમાં ધાર્મિક પરિભાષાનો ઉપયોગ કરીને ગર્ભધારણ માટે અસમર્થ મહિલાઓ માટે આ બોગસ "સારવાર"ને "ચમત્કાર" તરીકે ગણાવવામાં આવી છે.
આ પ્રકારની ખોટી માહિતીના કારણે આવા કૌભાંડમાં મહિલાઓનો ભરોસો વધી જાય છે.
આ જૂથોના સભ્યો માત્ર નાઈજીરિયાના નથી, પરંતુ દક્ષિણ આફ્રિકા, કેરેબિયન અને યુએસના પણ છે.
કૌભાંડીઓ કેટલીકવાર આવા જૂથોનું સંચાલન અને પોસ્ટ પણ કરે છે, જેના કારણે તેઓ "સારવાર"માં રસ દર્શાવતી મહિલાઓ સુધી પહોંચી શકે છે.
એકવાર કોઈ વ્યક્તિ આ છેતરપિંડીની પ્રક્રિયામાં રસ દર્શાવે, ત્યાર પછી તેને વધુ સુરક્ષિત વૉટ્સઍપ જૂથોમાં આમંત્રિત કરવામાં આવે છે. તેમાં ઍડમિન દ્વારા "ગુપ્ત ક્લિનિક્સ" અને આ પ્રક્રિયામાં શું સામેલ છે તે વિશેની માહિતી શેર કરે છે.
'હું હજુ પણ મૂંઝવણમાં છું'

સત્તાવાળાઓએ અમને જણાવ્યું કે આવી "સારવાર" પૂર્ણ કરવા માટે કૌભાંડીઓને તાજાં જન્મેલાં બાળકોની જરૂર પડે છે. તેના માટે તેઓ એવી મહિલાઓને શોધે છે જેઓ હતાશ અને અસુરક્ષિત હોય છે. તેમાંથી ઘણી નાની વયે ગર્ભવતી હોય છે અને નાઈજીરિયામાં ગર્ભપાત કરવો ગેરકાયદે છે.
ફેબ્રુઆરી 2024માં અનંબરા રાજ્યના આરોગ્ય મંત્રાલયે એક એવી જગ્યા પર દરોડો પાડ્યો જ્યાં ચિઓમાએ હોપને 'જન્મ' આપ્યો હતો.
બીબીસીને આ દરોડાના ફૂટેજ મળ્યા જેમાં બે ઇમારતોનું બનેલું એક વિશાળ પરિસર જોવા મળ્યું હતું.
એક જગ્યાએ તબીબી ઉપકરણો હતાં. દેખીતી રીતે જ તે લોકોને દેખાડવા માટે હતાં. બીજી જગ્યાએ કેટલીક ગર્ભવતી મહિલાઓને તેમની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવી હતી. તેમાંથી કેટલીક તો માત્ર 17 વર્ષની હતી.
કેટલીક મહિલાઓએ અમને જણાવ્યું કે તેમને છેતરીને ત્યાં લાવવામાં આવી હતી. તેમને ખબર ન હતી કે તેમનાં બાળકોને કૌભાંડીઓ વેચી નાખવાનાં છે.
ઉજુ નામનાં એક મહિલા (નામ બદલ્યું છે) પોતાના પરિવારને પોતે ગર્ભવતી છે તે જણાવતા બહુ ડરતાં હતાં. તેથી તેમણે રસ્તો શોધી કાઢ્યો. તેમણે કહ્યું કે બાળક વેચી નાખવા માટે તેને 470 ડૉલર (લગભગ 40,000 રૂપિયા) ઑફર કરવામાં આવ્યા હતા.
તેમને પૂછવામાં આવ્યું કે શું પોતાના બાળકને વેચી નાખવાના નિર્ણયના કારણે તેમને અફસોસ છે? તેમણે કહ્યું, "હું હજુ મૂંઝવણમાં છું."
કમિશ્નર ઓબિનાબો પોતાના રાજ્યમાં આવા કૌભાંડને રોકવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે કૌભાંડીઓ બાળકો મેળવવા માટે ઉજુ જેવી નબળી મહિલાઓનો ઉપયોગ કરે છે.
આકરી પૂછપરછના અંતે કમિશ્નર ઓબિનાબો ચિઓમાને તેનું બાળક હોપ છીનવી લેવાની ધમકી આપે છે.
પરંતુ ચિઓમાએ પોતાનો પક્ષ રજૂ કર્યો. છેલ્લે કમિશ્નર તેમની વાત સ્વીકારવા તૈયાર થયા કે ચિઓમા પોતે એક પીડિત છે અને તેને પણ ખબર ન હતી કે શું થઈ રહ્યું છે.
હાલમાં ચિઓમા અને તેના પતિ આઈકેને આ બાળક રાખવાની મંજૂરી મળી છે, જ્યાં સુધી તેનાં અસલી માતાપિતા બાળક પર દાવો ન કરે.
પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે, જ્યાં સુધી મહિલાઓ, નિઃસંતાનપણું, પ્રજનન અધિકાર અને બાળક દત્તક લેવા વિશેનો દૃષ્ટિકોણ નહીં બદલાય, ત્યાં સુધી આ પ્રકારના ગોટાળા થતા રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












