14 દિવસ સુધી જહાજની નીચે છુપાઈને જીવના જોખમે સમુદ્રની સફર ખેડીને પરદેશ જનાર ચાર યુવાનોની કહાણી

ચાર લોકોએ બોટના સુકાન પર 14 દિવસ કેવી રીતે કાઢ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર લોકોએ બોટના સુકાન પર 14 દિવસ કેવી રીતે કાઢ્યા
    • લેેખક, જોએલ ગન્ટર
    • પદ, બીબીસી ન્યૂઝ

કૅનેડા, અમેરિકા અને યુરોપ પહોંચવાનું સપનું માત્ર ગુજરાતીઓ જ નહીં, દુનિયાના અનેક દેશોમાં લોકો જોતા હોય છે. અને એ સપનું પૂરું કરવા માટે જીવ જોખમમાં મૂકીને ખતરનાક સફર ખેડવાથી પણ લોકો ખચકાતા નથી. આ કહાણી એવી જ એક ખતરનાક સફરની છે.

રોમન ઍબિમેન ફ્રાઈડેએ બધો ખોરાક એકત્ર કર્યો અને 27 જૂનની મધરાતના થોડા સમય પછી અંધારામાં નાઇજીરિયાના લાગોસ શહેરમાંના મોટા વેપારી બંદર તરફ પ્રયાણ કર્યું. રોમને એ દિવસે સવારે 620 ફૂટનું ટૅન્કર બંદર પર લાંગરેલું જોયું હતું અને તેમણે નક્કી કર્યું હતું કે એ ટૅન્કર તેમને યુરોપ પહોંચાડશે.

રોમને એ ટૅન્કરના સુકાનને બરાબર ધ્યાનમાં રાખ્યું હતું. એ સુકાન કોઈ એવી વ્યક્તિ માટે વિશાળ જહાજ પર પહોંચવાનું એકમાત્ર સાધન હતું, જેણે તેમાં પ્રવાસ કરવાનો ન હતો.

આ સુકાન સુધી પહોંચવા માટે તેમણે એક માછીમારનો સહારો લીધો હતો.

ડક્કાથી સુકાન સુધી પહોંચાડવા એક માછીમારને સમજાવવા સિવાય તેની પાસે કોઈ રસ્તો ન હતો.

રોમને એ યાદ કરતાં કહ્યું, "એ બહુ સારો માણસ હતો. તેણે પૈસા માગ્યા ન હતા. તેને ખબર હતી કે હું જવા ઇચ્છતો હતો."

માછીમાર તેમને સુકાન સુધી લઈ ગયો અને 35 વર્ષના રોમન દોરડા મારફત પોતાની ફૂડ બૅગ લઈને ઉપર સુધી પહોંચ્યા હતા.

ઉપર પહોંચીને સ્થિર થયા ત્યાં તેમને આશ્ચર્યજનક રીતે ત્રણ બીજા ચહેરાઓ જોવા મળ્યા.

કોઈ પણ રીતે યુરોપ પહોંચી જવા માગતા ચાર લોકોમાં રોમન એ સુકાન સુધી પહોંચનાર છેલ્લા હતા.

તેમણે કહ્યું, "હું શરૂઆતમાં ડરી ગયો હતો, પરંતુ તેઓ કાળા (બ્લૅક) આફ્રિકન હતા, મારા ભાઈઓ હતા."

કેન વેવ નામનું એ ટૅન્કર બંદરની બહાર ધકેલાઈને સમુદ્ર તરફ આગળ વધ્યું. બે સપ્તાહની જોખમી દરિયાઈ સફર શરૂ થઈ, જે જહાજમાં છુપાઈને પ્રવાસ કરનાર આ ચાર લોકોને મૃત્યુની નજીક લઈ જવાની હતી.

પહેલો દિવસ ચાર લોકો એક નાનકડી જગ્યામાં કેવી રીતે બેઠા?

નાઇજીરિયા બ્રાઝિલ સાહસિકો

ઇમેજ સ્રોત, REUTERS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સફર શરૂ થઈ અને લાગોસથી થોડી દૂર પહોંચ્યા તેની સાથે જ આ લોકો સુકાન પર સારી રીતે ગોઠવાઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ તેમાં નિષ્ફળ રહ્યા.

ઊભા રહેવા માટે બહુ સાંકડી જગ્યા હતી. રોમને જોયું કે તેમાં સૂવા માટેનું એકમાત્ર સ્થાન બે નાની જાળી હતી, જે બહુ જોખમી રીતે પાણીની ઉપર બાંધવામાં આવી હતી.

રોમન જણાવે છે કે, "લોકો જહાજના સુકાન કે નાની હોડીમાં બેસીને ભૂમધ્ય સમુદ્ર પાર કરવા જાનનું જોખમ શા માટે ખેડે છે તે બહારથી સમજવું મુશ્કેલ છે, પરંતુ તમામ આશા ગુમાવી દીધી હોય ત્યારે એવો નિર્ણય કરવાનું આસાન બની જાય છે."

રોમને કહ્યું, "નાઈજીરિયામાં નોકરી નથી, પૈસા નથી અને મારા નાના ભાઈઓ તથા મારી માતા ભૂખ્યાં ન રહે તે માટે બીજો કોઈ માર્ગ નથી. હું સૌથી મોટો દીકરો છું. મારા પિતાનું 20 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેથી પરિવારની સંભાળ મારે લેવી જોઈતી હતી, પરંતુ એ હું કરી શકતો ન હતો."

રોમને લાગોસમાં રોજગાર મેળવવાના પ્રયાસ ત્રણ વર્ષ સુધી કર્યા હતા. રોમને કહ્યું, "નાઈજીરિયામાં પ્રત્યેક દિવસ ગુનાખોરી અને પાપનું વિષચક્ર હતો. લોકો લડી રહ્યા છે."

"એકમેકની હત્યા કરી રહ્યા છે. આતંકવાદીઓ હુમલા કરી રહ્યા છે. અપહરણકર્તાઓએ માઝા મૂકી છે. હું મારા માટે ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છું છું."

ટૅન્કરના સુકાન પર રોમનની બાજુમાં થૅન્કગૉડ ઓપેમિપો મેથ્યુ યેયે હતા.

વેપારી અને બે બાળકોના પિતા એવા થૅન્કગૉડના મગફળી તથા પામ ઑઇલના ખેતરો નાઈજીરિયામાં ગયા વર્ષે આવેલા વિનાશક પૂરમાં ધોવાઈ ગયાં હતાં. નુકસાનની ભરપાઈ થઈ શકે તેવો કોઈ વીમો ન હતો.

તેમણે કહ્યું, "મારો ધંધો નાશ પામ્યો હતો અને મારો પરિવાર બેઘર બની ગયો હતો. નાઈજીરિયા છોડવાનો મારા નિર્ણયનું મેં આ કારણે કર્યો હતો."

ગોબાચારી અને મતની હેરાફેરીના આરોપથી ઘેરાયેલી રાષ્ટ્રપતિની તાજેતરની ચૂંટણી પછી થૅન્કગૉડનો નિર્ણય વધારે નક્કર બન્યો હતો.

તેમણે કહ્યું, "ચૂંટણી અમારી આશા હતી, પરંતુ અમે નાઈજીરિયાના લોકો સારી રીતે જાણીએ છીએ કે સિસ્ટમ ભ્રષ્ટ છે."

તેથી પરિવારને કશું જણાવ્યા વિના થૅન્કગૉડ એ રાતે બહેનનું ઘર છોડીને બંદર તરફ જવા નીકળી પડ્યા હતા. તેમને ખબર હતી કે કેન વેવ ટૅન્કર રવાના થવાનું છે.

નાઈજીરિયામાં મંદી અને બેરોજગારી વિક્રમસર્જક સ્તરે પહોંચ્યા છે. તેથી રોમન અને થૅન્કગૉડ જેવા હજારો લોકો કાયદેસરના અને ગેરકાયદે માર્ગ મારફત દેશમાંથી સ્થળાંતર કરે છે.

ઘણા સહારા અને ભૂમધ્ય સમુદ્રના માર્ગે પ્રવાસ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઓછામાં ઓછા 1,200 નાઈજીરિયનો ત્યાં મૃત્યુ પામ્યા છે.

કેટલાંક વહાણમાં સંતાઈને પ્રવાસ કરે છે. રોમન અને થૅન્કગૉડ જે રીતે વહાણના સુકાન પર ચડ્યા એવી રીતે ગયા વર્ષે ત્રણ બીજા માણસો ચડ્યા હતા.

એ રીતે પ્રવાસ કરીને તેઓ 2,500 માઇલ દૂર આવેલા કેનેરી આઇલૅન્ડ્સ સુધી પહોંચ્યા હતા, જે સ્પેનનો ઍન્ટ્રી પૉઇન્ટ છે. રોમન અને થૅન્કગૉડે ધાર્યું હતું કે પોતે પણ એ જ માર્ગે આગળ વધશે.

તેમણે તેમના બે અન્ય સહપ્રવાસી વિલિયમ અને ઝેઝે સાથે મળીને વહાણ પર શરૂઆતના થોડા દિવસો કંટાળા, અસ્વસ્થતા અને ડરમાં પસાર કર્યા હતા. બહુ થોડી વાતો કરી હતી.

વારંવાર પ્રાર્થના કરી હતી અને સતત જાગતા રહેવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે બ્રાઝિલ તરફ આગળનો 3,500 માઇલનો પ્રવાસ કરી રહેલું કેન વેવ જહાજ દક્ષિણ ઍટલાન્ટિકના વિશાળ પટમાં આગળ વધી રહ્યું હતું.

પાંચમા દિવસ સુધી ઊંઘવા પણ મળ્યું નહીં

રૉમન ફ્રાઇડે નાઇજીરિયા બ્રાઝિલ

ઇમેજ સ્રોત, Victor Moriyama/BBC

ઇમેજ કૅપ્શન, રોમન ફ્રાઇડે

સહારાનો કેટલોક હિસ્સો પગપાળા પ્રવાસ કરીને અથવા ભૂમધ્ય સમુદ્રને લાકડાની હોડીના સહારે પાર કરતા લોકોની સરખામણીએ વહાણમાં સંતાઈને પ્રવાસ કરતા લોકો (સ્ટોવેઝ) કેટલીક રીતે વધારે સલામત હોય છે, પરંતુ પાંચમો દિવસ પસાર થયો તેમ રોમન અને થેૅન્કગૉડે તેમની પરિસ્થિતિના જોખમોની ગણતરી શરૂ કરી હતી.

તેમની પાસે પહેલેથી જ અપૂરતો ખોરાક હતો અને ઊંઘના અભાવે થાકી ગયા હતા. પાણીનો પ્રવાહ જોરદાર હતો અને મોજાં તેમને ફટકા મારતા હતા. પેશાબ કરવો હોય ત્યારે તેઓ તેમની કમરની આસપાસ દોરડું બાંધી રાખતા હતા.

થૅન્કગૉડે કહ્યું, "અમે બધા મોટા મોજાથી ભયભીત હતા. મેં પહેલાં ક્યારેય મહાસાગર જોયો ન હતો, પરંતુ તોફાનો વિશેની ડૉક્યુમેન્ટરી જોઈ હતી."

"મેં જહાજોને મોટાં મોજાં વચ્ચે એક બાજુથી બીજી બાજુએ જતાં જોયાં હતાં. ઊંઘવાનું લગભગ અશક્ય હતું. આંખ બંધ કરવાનો વિચાર સુદ્ધાં ન કરી શકાય."

"સુકાન દિવસના 24 કલાક, સપ્તાહના સાતેય દિવસ સતત ફરતું હોય. સતત જાગતા રહેવું પડે."

જાળી ઢીલી પડી ગઈ હતી અને તેમણે તેને ફરીથી બાંધવી પડી હતી. બધા ફરીથી તેમાં આડા પડ્યા, પરંતુ રોમન અચાનક પડી જવાના ડરથી અને નીચેથી આવતા ઠંડા પવનને કારણે જાગતા રહ્યા.

તેમણે કહ્યું, "નેટ તૂટી જાય તો સીધા પાણીમાં પડીએ અને મોત થાય." વાત સાચી, કારણ કે તમે પાણીમાં ગરકાવ થઈ ગયા છો એ કોઈ જાણતું ન હોય ત્યારે સમુદ્રમાં બચાવની કોઈ શક્યતા હોતી નથી.

દિવસ પસાર થતો. રાત પડી અને ફરી દિવસ થયો. ચારેય લોકો નબળા પડી ગયા.

તેમણે એકમેકની સાથે બોલવાનું તદ્દન બંધ કરી દીધું. રોમન કાંડા પર બાંધેલી ઘડિયાળ વડે સમયનો ખ્યાલ રાખતા હતા. તેમણે દિવસને યાદ રાખવાનો પ્રયાસ કર્યો.

નેટ ફરીથી ઢીલી પડી ગઈ. તેને ફરી બાંધવામાં આવી. ખોરાક નાના પાર્સલમાં, પાણી નાની ચુસ્કી જેટલા પ્રમાણમાં આપવામાં આવતું હતું.

તેમના મોં સુકાવા લાગ્યા હતા. પેટમાં દુખાવો થતો હતો. તેઓ જાગતા રહેવાના અને પાણીમાં સરકી ન પડાય તેના પ્રયાસ સતત કરતા હતા.

દસમા દિવસ સુધી ભૂખ્યા તરસ્યા કેવી રીતે રહ્યા?

રોમન ફ્રાઇડે અને થેન્કગોડ યેયે

ઇમેજ સ્રોત, Victor Moriyama/BBC

ઇમેજ કૅપ્શન, રોમન ફ્રાઇડે અને થૅન્કગૉડ યેયેનું કહેવું છે કે અમે રસ્તામાં જાણે કે ભાઈઓ બની ગયા છે

આ ચારેય જે ક્ષણથી ડરતા હતા એ દસમા દિવસે આવી હતી. એ સવારે તેમણે છેલ્લી વખત ખોરાક ખાધો હતો અને પાણી પીધું હતું. તેમની પાસે નજીવું રાશન હતું. તેઓ પહેલેથી જ બહુ ભૂખ્યા હતા.

થૅન્કગૉડે કહ્યું, "બધા માટે એ સૌથી મુશ્કેલ ક્ષણ હતી. મારું મોં સુકાઈ ગયું હતું અને તેમાં ચીરા પડી ગયા હતા. મારા જીવનમાં પહેલીવાર મને પાણીનું મહત્ત્વ સમજાયું હતું."

વચ્ચે થોડી હળવી ક્ષણો પણ આવી હતી. થૅન્કગૉડે તેના સહપ્રવાસીઓને કહ્યું કે તેઓ વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

એ સાંભળીને બધા હસ્યા અને પૂછ્યું કે વરસાદ આવશે તો તેનું શું કરશો? વરસાદ તેમના માટે ખતરનાક હતો. હાસ્ય શમી ગયું.

સમય પસાર થવાની સાથે તેમની તરસની તીવ્રતા સતત વધતી હતી. સમય જાણે કે ધીમે ધીમે આગળ વધતો હતો.

બીજા દિવસે સવારે રોમને બિસ્કિટના ફાટેલા રેપરને લાંબા દોરડા સાથે સમુદ્રમાં ઉતાર્યું અને પીવા માટે થોડું ખારું પાણી મેળવ્યું. તેઓ ટૂથપેસ્ટ સુદ્ધાં ચાટતા હતા.

દરિયાના ખારા પાણીથી બીમાર પડેલા એક માણસને બારમા દિવસે ઊલટી થવા લાગી હતી.

રોમને કહ્યું, "તે સીધો પાણીમાં જોઈને ઊલટી કરતો હતો. પોતાની જાતને પકડી રાખવાની તાકાત તેનામાં ન હતી."

"તે પડી જવાની તૈયારીમાં હતો. હું એકમાત્ર એવી વ્યક્તિ હતો, જેની પાસે તાકાત બચી હતી. મારે તેને પકડી રાખવો પડ્યો હતો."

આ ચારેય લોકો તેમને મૃત્યુની નજીક લઈ જાય તેવા ભૂખ અને તરસના તબક્કામાં પ્રવેશી રહ્યા હતા.

પોતાનું ધ્યાન અન્યત્ર વાળવાના પ્રયાસમાં રોમને એકલા સુકાનની ધાર પર બેસવાનું શરૂ કર્યું હતું. ક્ષિતિજની લાંબી અખંડ રેખાને અવરોધતી કોઈ વસ્તુ નિહાળવા રોમન સમુદ્રને અપલક નજરે, નિરર્થક રીતે તાકતા રહેતા હતા.

સફરના તેરમા દિવસે તેમને એક વ્હેલ જોવા મળી હતી.

એ સ્મૃતિને સંભારતાં રોમને કહ્યું, "મારા જીવનમાં પહેલી વખત મેં એવી કોઈ વસ્તુ જોઈ હતી. મેં વ્હેલ જોઈ છે એવું ઘરે કોઈને કહ્યું હોત તો તેમણે એવું કહ્યું હોત કે હું જૂઠું બોલું છું, પણ હું સુકાન પર બેઠો હતો."

"મેં વ્હેલ જોઈ હતી અને હું ભૂખ્યો કે તરસ્યો છું એ ભૂલી ગયો હતો. વ્હેલ નિહાળવી એ કોઈ સર્જનને નિહાળવા જેવું હતું. એક પવિત્ર ક્ષણ હતી."

જ્યારે બ્રાઝિલના કિનારે પહોંચ્યા

નાઇજીરિયા બ્રાઝિલ સાહસિકો રૉમન ફ્રાઇડે

ઇમેજ સ્રોત, Victor Moriyama/BBC

સફરના 14મા દિવસે ક્ષિતિજ પર પ્રકાશ દેખાયો ત્યારે રોમન સુકાનની ધાર પર બેઠો હતો. સમુદ્રને નિહાળતો હતો.

અચાનક તેને લાગ્યું કે ટૅન્કરના શક્તિશાળી ઍન્જિન ધીમા પડવા લાગ્યાં છે. પછી ઝાંખા પ્રકાશમાં દૂરના અંતરે તેમને જમીન જેવું કશુંક દેખાયું હતું. પછી ઇમારતો અને પછી એક બોટ જોવા મળી હતી.

કેન વેવ ટૅન્કર નવા ચાલકદળને લેવા માટે દરિયાકિનારે રોકાયું ત્યારે રિસપ્લાય બોટમાંના લોકોએ ચારેય લોકોને જોયા.

એક જણે બૂમ પાડીને પૂછ્યું, "તમે જાણો છો કે તમે ક્યાં છો?" રોમને તેમને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું ગળું ખૂબ સુકાઈ ગયું હતું.

બોટ રવાના થઈ ગઈ. બે કલાક પછી સ્પષ્ટ પ્રકાશમાં એક પોલીસ બોટ જોવા મળી. એક પોલીસ અધિકારીએ રોમન સુધી પાણીની બોટલ લંબાવીને કહ્યું, "તમે બ્રાઝિલ આવી પહોંચ્યા છો."

સૂકી જમીન પર સલામત રીતે પાછા ફરેલા આ ચારેય પુરુષોએ બીજા પાસેથી ફોન લઈને તેમના પરિવારજનોને ફોન કર્યા હતા.

રોમન તથા થૅન્કગૉડના સાથીઓ વિલિયમ તથા ઝેઝે નાઈજીરિયા પાછા ફરવાની ઑફર સ્વીકારી લીધી હતી.

રોમન તથા થૅન્કગૉડે બ્રાઝિલને પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો. થૅન્કગૉડે કહ્યું, "અમે અહીં આવીને આનંદિત છીએ. આ એક નવી શરૂઆત છે."

તેમણે નવા પડકારોનો સામનો કરવો પડશે. સ્થળાંતર કરતા લોકોને બ્રાઝિલમાં આરોગ્યસંભાળ અને અન્ય અધિકારો આપોઆપ મળે છે, પરંતુ આફ્રિકન માઇગ્રન્ટ્સે ઘણીવાર જાતિવાદનો સામનો કરવો પડે છે.

સારા વેતનવાળી નોકરી શોધવા માટે સંઘર્ષ કરવો પડે છે. રોમન અને થૅન્કગૉડને સાઓ પાઉલોના એક શેલ્ટરમાં આશરો આપવામાં આવ્યો છે.

અન્ય સહાય ઉપરાંત એક કેથલિક મિશન તેમના પોર્ટુગીઝ ભાષા શીખવવામાં મદદ કરી રહ્યું છે. થૅન્કગૉડની ઇચ્છા નવો બિઝનેસ શરૂ કરવાની અને તેમનાં પત્ની તથા સંતાનોને અહીં લાવવાની છે.

રોમને બહુ લાંબુ વિચાર્યું નથી. તેમણે કહ્યું, "હું નવી જગ્યા સાથે અનુકૂલન સાધવાના પ્રયાસ કરી રહ્યો છું. ભાષા શીખવાના પ્રયાસ કરી રહ્યો છું."

નાઈજીરિયા બહારના આ પ્રથમ પ્રવાસે રોમને મૃત્યુની નજીક ધકેલી દીધા હતા, પરંતુ બચાવ પછીના દિવસો પસાર થાય છે તેમ તેમની નિરાશા ઓછી થઈ રહી છે.