‘એક નાની બોટમાં અમે 52 લોકો, મને થયું કે હું મરી જઈશ’, આઠ-આઠ દેશમાં આશરો શોધનાર 'રેફ્યૂજી'ની કહાણી

    • લેેખક, મૅલિસા નુમાન
    • પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ‘હું અહીં છું. સુરક્ષિત છું.’ રાયન યુકેમાં

“તે ભયાનક હતું. મને લાગ્યું હતું કે હું મરી જઈશ. એક નાની ઇન્ફ્લેટેબલ બોટમાં અમે 52 લોકો હતા અને કઈ દિશામાં જવું તેનો કોઈને ખ્યાલ ન હતો.”

રાયન (નામ બદલ્યું છે) બ્રિટનમાં આશ્રય મેળવવા માટે ગયા વર્ષે ઇંગ્લિશ ચેનલ પાર કરનાર 45,728 લોકો પૈકીના એક છે. સલામતી તરફની યાત્રાનો એ છેલ્લો તબક્કો હતો, જે તેમને યુક્રેન સહિત આઠ જુદા જુદા દેશમાં લઈ ગયો હતો.

આજે રાયન સાઉથ વેલ્સ કૉલેજના વિદ્યાર્થી છે અને ગણિતના શિક્ષક બનવાનું તેમનું સપનું છે.

રાયન કહે છે, “હું યુવાનો માટે ઉદાહરણ બનવા ઇચ્છું છું. હું તેમને પ્રેરણા આપવા ઇચ્છું છું. સારું જીવન કેવી રીતે જીવવું એ તેમને દેખાડવા ઇચ્છું છું. ભાવિ પેઢી તમારી ચામડીનો રંગ કેવો છે અને તમે ક્યાંના છો એનો વિચાર ન કરે તે મહત્ત્વનું છે.”

જોકે, રાયન સલામત સ્થળ શોધવાની તેમની યાત્રાને ક્યારેય ભૂલી શકશે નહીં.

સોમાલી પરિવારમાં સાઉદી અરેબિયામાં જન્મેલા રાયનનો 18 વર્ષની વયે મધ્ય પૂર્વના રાષ્ટ્રમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમણે કાફલા પ્રણાલીમાં રહેવાનો ઇનકાર કર્યો હતો. એ પ્રણાલીમાં પરદેશી વસાહતી પરિવારોએ તેમની આવકનો અમુક હિસ્સો છોડવો પડે છે.

તેમણે તેમના વતન સોમાલિયામાં ફરી સ્થાયી થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને ટૂંક સમયમાં સમજાઈ ગયું હતું કે તેઓ ત્યાં રહી શકશે નહીં.

રાયન કહે છે, “હું એક શાંતિપૂર્ણ દેશમાં ઉછર્યો છું. મેં મારા જીવનમાં બંદૂક ક્યારેય જોઈ નથી. સોમાલિયામાં મારા વસવાટના ત્રીજા જ દિવસે એક ટોળકીએ મારા માથા પર બંદૂક તાકી હતી, કારણ કે તેમના મતે મારા વાળ બહુ લાંબા હતા. તેમણે મારો ફોન આંચકીને તોડી નાખ્યો હતો અને મુંડન કરવા માટે એક સાધન આપ્યું હતું.”

“બંદૂકો તો પાણીની માફક બધે જ જોવા મળતી હતી. મને દર લાગતો હતો. હું ઘણા દિવસો સુધી મારા હૉસ્ટેલ રૂમની બહાર નીકળ્યો ન હતો.”

રશિયા માટે મફત ઑનલાઇન વિઝા અરજી મંજૂર થયા પછી રાયને મૉસ્કો માટે ફ્લાઇટ બુક કરી હતી. ત્યાં પહોંચીને ક્યાં આશરો લેશે એ તેઓ જાણતા ન હતા. ત્યાં તેમને આવકાર મળ્યો હતો અને ટૂંક સમયમાં નવા દોસ્તો પણ બનાવ્યા હતા, પરંતુ અઢી મહિના પછી વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ અને તેના રિન્યુઅલનો કોઈ વિકલ્પ ન હતો. એટલે ત્યાંથી આગળ વધવાનો સમય આવી ગયો હતો.

બીબીસી ગુજરાતી

‘પોલીસ મને રોજ મારતી હતી’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, છેલ્લાં 30 વર્ષથી ગૃહયુદ્ધમાં સપડાયેલું રાયનનું વતન સોમાલિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાયનના જણાવ્યા મુજબ, તેમના જૂથના પાસપૉર્ટસ પોલીસે લઈ લીધા હતા. તેથી દેશ છોડવાનો કાયદેસરનો કોઈ માર્ગ તેમની પાસે ન હતો. તેઓ લોકોને યુક્રેનમાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા એક સરકારી માણસ પાસે ગયા હતા.

તેમના દોસ્તો આગળ વધ્યા હતા, પણ રાયન સાઉદી અરેબિયામાં રહેતા તેમના કાકા સ્મગલિંગ ફીના 1,400 પાઉન્ડ મોકલે તેની રાહ જોતા હતા.

તે એક એવી મુસાફરી હતી, જેમાં પોતે જીવંત રહેશે કે કેમ તેની રાયનને ખાતરી ન હતી. તેમણે માનવ તસ્કરો દ્વારા છેતરપિંડીની, શારીરિક શોષણની અને પૈસા ન હોવાને કારણે નગ્નાવસ્થામાં છોડી દેવાયાની વાતો પણ કરી હતી. યુક્રેન પહોંચ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તેમને દિવસો સુધી ફટકારતી રહી હતી.

રાયન કહે છે, “મને સોમાલિયા પરત મોકલી આપવા મેં તેમને કહ્યું હતું. તેમણે મને સવાલ કર્યો હતો કે સોમાલિયામાં રોજ કેટલા લોકો મરે છે?”

રાયનના જણાવ્યા મુજબ, તેમની સાથે વંશીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમના દાંત તોડી નાખવામાં આવ્યા હતા. અધિકારીઓ તેમને યુક્રેનમાં લાવેલા માનવતસ્કરનું નામ જાણવા ઇચ્છતા હતા, પણ રાયન એ જાણતા ન હતા. એ સ્મૃતિ તેમને આજે પણ સતાવે છે.

રાયન કહે છે, “મેં મારા દોસ્તો તરફ નજર કરી. એ બધા હાથકડીથી બંધાયેલા હતા. બધા લોહીથી લથબથ હતા, પરંતુ અમારામાં થોડો આત્મવિશ્વાસ હતો, કારણ કે અમે જીવંત હતા.”

જેલમાં ચાર મહિના પસાર કર્યા પછી રાયનને યુક્રેનિયન ભાષા બોલતા આવડી ગયું હતું અને તેમણે માનવતસ્કરોની મદદ ફરી ક્યારેય નહીં લેવાનો નિર્ણય કર્યો હતો.

યુક્રેનની એક સ્ત્રી સાથે સંબંધ બંધાયો પછી રાયન માટે પરિસ્થિતિ સુધરી હતી. તેઓ તેના પરિવાર સાથે દોઢ વર્ષ રહ્યા હતા, પરંતુ આખરે એ સંબંધનો અંત આવ્યો હતો.

રશિયાના યુક્રેન પરના આક્રમણના ભણકારા વાગતા હતા ત્યારે પોલીસ કર્મચારીઓએ રાયન અને તેમના દોસ્તોને નાગરિકત્વનું વચન આપીને સૈન્યમાં જોડાવા જણાવ્યું હતું, પરંતુ તેઓ લડવા ઇચ્છતા ન હતા.

રાયન કહે છે, “મારી પાસે બે વિકલ્પ હતા – યુક્રેનના સૈન્યમાં જોડાઈ જવું અથવા સોમાલિયા પાછા ફરવું.”

યુક્રેનનો એક દોસ્ત તેમને સરહદ નજીકના ગામમાં છુપાવવા લઈ ગયો હતો.

બીબીસી ગુજરાતી

જેલમાં શું થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાયન કહે છે, “સપ્ટેબરની આકરી ઠંડી હતી. અમે એક ઝાડીમાં છુપાયા હતા. માઈનસ 15 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન હતું. ત્રીજા દિવસે તો એવું લાગ્યું હતું કે આ મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. જરાય હલનચલન કરી શકાતું ન હતું. ઠંડી શરીરમાં પ્રવેશતી હતી અને સતત ધ્રુજારી અનુભવાતી હતી.”

એક અજાણી વ્યક્તિએ તેમને મફત વિયેના લઈ જવાની ઑફર કરી એ પહેલાં તેઓને પહેલાં હંગેરી અને પછી સ્લોવાકિયા લઈ જવાયા હતા, પરંંતુ ઑસ્ટ્રિયામાં પોલીસે તેમના બધા પૈસા, ફોન તથા સામાન જપ્ત કર્યો હતો અને તેઓ ગેરકાયદે પ્રવેશ્યા હોવાથી તેમને જેલમાં મોકલી આપ્યા હતા.

રાયન કહે છે, “યુક્રેનની જેલને કારણે મને તો પેનિક ઍટેક આવી ગયો હતો. યુક્રેનની જેલમાં હતો ત્યારે મારી સાથે જે થયું હતું એ બધું જ મને યાદ આવી ગયું હતું. મને ડર હતો કે એ બધું ફરી થશે. ફોન વિના, કોઈની સાથે વાત કર્યા વિના ચાર મહિનાનો કારાવાસ.”

તેમને પર્વત પર આવેલી એક શરણાર્થી શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ અરબી અને યુક્રેનિયન ભાષા બોલતા લોકો માટે અનુવાદકનું કામ કરીને થોડા પૈસા કમાઈ શક્યા હતા. તેમના કહેવા મુજબ, રેફ્યૂજી સ્ટેટ ડૉક્યુમેન્ટ્સ મળ્યા હોત તો તેમણે એ દેશમાં મહિનાઓ અથવા વર્ષો સુધી રહેવાનું પસંદ કર્યું હોત.

રાયન ઉમેરે છે કે તેમની અને આશ્રય ઇચ્છતા અન્ય આફ્રિકન લોકો સાથે સત્તાવાળાઓએ જાતિવાદી દુર્વ્યવહાર કર્યો હતો.

રાયને યમનના એક શરણાર્થી દોસ્ત અને તેમનાં પત્ની સાથે ત્યાંથી ફ્રાન્સ જવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં તેમને યુક્રેન યુદ્ધના શરણાર્થીઓ તરીકે આવકારવામાં આવ્યા હતા.

રાયન જણાવે છે કે તેમની પાસે ચેનલ પાર કરવાનું જોખમ લેવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો. યુરોપિયન યુનિયનની ધરતી પર રહેશે તો ફરી ઑસ્ટ્રિયા મોકલી આપવામાં આવશે એવો ડર તેમને હતો. તેથી તેમણે બ્રિટનની પસંદગી કરી હતી, કારણ કે ફિલ્મો જોઈને અને ગેમ્સ રમીને તેઓ થોડું અંગ્રેજી શીખી ચૂક્યા હતા.

તેમના માટે એ સવારે વહેલો સૂર્યોદય થયો હતો. 50થી વધુ લોકોને લઈને એક નાની ઇન્ફ્લેટેબલ બોટ રવાના થઈ ત્યાં સુધી રાયન તેમના નિર્ણય માટે પસ્તાઈ રહ્યા હતા.

રાયન કહે છે, “નિરાશાનો અનુભવ થાય. કોઈ શક્તિ ન હોય. આ એક જ ચીજ હતી જે કરવી શક્ય હતી. મેં મારું લાઈફ જૅકેટ ઉતારી નાખ્યું હતું. હું બીચ પર પાછો ફરવા ઇચ્છતો હતો, પરંતુ પાણી ઠંડુંગાર હતું. હૃદયના ધબકારા બંધ થઈ જાય તેવું ઠંડું. હું ખરેખર ડરી ગયો હતો. મને ચક્કર આવતા હતા અને અસ્વસ્થ હતો.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

‘તમે જીવન સાથે જુગાર રમી રહ્યા છો’

ખીચોખીચ ભરાયેલી બોટમાં 18 કલાકના પ્રવાસ પછી રાયન અને અન્ય લોકોને ઇંગ્લિશ કોસ્ટ પરના એક જહાજમાં લઈ જવામાં આવ્યા હતા.

યુરોપમાંના પોતાના અનુભવની તુલના કરતાં રાયન જણાવે છે કે બ્રિટનમાં પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓએ તેમની સાથે જે વર્તન કર્યું તેનાથી તેમને “આઘાત” લાગ્યો હતો.

રાયન કહે છે, “તેમણે મારી સાથે બહુ જ સરસ અને નમ્ર વર્તન કર્યું હતું. જાણે કે હું અહીંનો નાગરિક જ હોઉં તેવું વર્તન. મને આભારની લાગણી થઈ હતી. ચેનલ પાર કરવાનું બધાના નસીબમાં નથી હોતું એ વાત સમજવી જરૂરી છે. તમે તમારા જીવન સાથે જુગાર રમો છો. હું ડૂબ્યો નહીં એ બહુ સારી વાત છે.”

“મને સૌથી વધુ યાદ મારા પરિવારની આવે છે,” એમ કહેતાં રાયન ઉમેરે છે કે ત્યાં સલામતી હોત તો તેમણે ઘર છોડ્યું જ ન હોત.

રાયન કહે છે, “હું સોગંદ લઉં છું કે હું પાછો ફરીશ, હું યુરોપ તો ક્યારેય નહીં જાઉં. મારો દેશ સારો હોત તો મેં આટલું જોખમ શા માટે લીધું હોત? સાઉદી અરેબિયામાં મારું જીવન બ્રિટન કરતાં 100 ગણું સારું હતું. તેઓ વિચારે છે કે અમે અહીં પૈસા માટે આવ્યા છીએ. ના, અમે અમારી જીવ પરના જોખમને કારણે અહીં આવ્યા છીએ. મને પૈસાની પરવા નથી. મને માત્ર સલામત જીવનની દરકાર છે.”

રાયન હવે અસ્થાયી આવાસમાં રહે છે, જ્યાં તેમણે ભાડું ચૂકવવું પડતું નથી.

તેમણે જણાવ્યું હતું કે આશ્રયની અરજી વિશે નિર્ણય લેવાશે ત્યાં સુધી તેમને અહીં પ્રતિ સપ્તાહ 38 પાઉન્ડ આપવામાં આવશે. તેમને નોકરી કરવાનો અધિકાર નથી, પણ તેની સામે તેમને વાંધો નથી.

રાયન કહે છે, “હું અહીં ખુશ છું. સલામત છું.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી