ગુજરાતીઓને ગેરકાયદેસર 'ડૉલરિયા દેશ' અમેરિકા લઈ જતા 'ડૉન્કી રૂટ' ની દાસ્તાન

ઇમેજ સ્રોત, FB/SRK
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
બોલીવૂડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની કહાણી ચાર યુવાનો પર આધારિત છે જે પંજાબના છે અને વિદેશ જવા માગે છે. શાહરુખ ખાન સિવાય આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને તાપસી પન્નૂ પણ સામેલ છે.
પંજાબના યુવાનોમાં વિદેશ જવાનું વલણ મોટાપાયે જોવા મળે છે.
આમ તો પંજાબ જ નહીં, ગુજરાતથી પણ ‘ગેરકાયદેસર’ અમેરિકા જવા માટે જાતભાતના રસ્તા અપનાવતા લોકો અંગે ઘણા સમાચારો આવતા રહે છે.
‘અમેરિકન ડ્રીમ’ હાંસલ કરવાની ‘ઘેલછા’માં ઘણા લાખો-કરોડોનો ખર્ચ કરવા, જીવનું જોખમ ખેડવા અને અપાર મુશ્કેલીઓ વેઠવા માટે પણ તૈયાર થઈ જાય છે.
પરંતુ ઘણી વખત ‘અમેરિકન ડ્રીમ’ દુ:સ્વપ્નમાં પણ પરીણમે છે.
કંઈક આવું જ બન્યું ગુજરાતના એક યુવાન સાથે.
સ્થાનિક અહેવાલો પ્રમાણે ગાંધીનગરના કલોલના એક યુવાન, જેઓ કથિતપણે મેક્સિકોથી ‘ગેરકાયદેસર’ અમેરિકા જઈ રહ્યા હતા, તેમણે મેક્સિકો-અમેરિકા બૉર્ડરે સ્થિત 30 ફૂટ ઊંચી ‘ટ્રમ્પ વૉલ’ પરથી નીચે પડી જતાં જીવ ગુમાવ્યો હતો. અહેવાલો અનુસાર દીવાલ પર ચઢતી વખતે તેમના હાથમાં તેમનું ત્રણ વર્ષનું બાળક પણ હતું. અકસ્માતમાં તેમનાં પત્ની અને બાળકને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.
જોકે, બીબીસી આ ઘટનાની પુષ્ટિ કરતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંઈક આવો જ કિસ્સો આ વર્ષે જાન્યુઆરી માસમાં કૅનેડા-અમેરિકાની બૉર્ડરે પણ બન્યો હતો. જેમાં ચાર સભ્યોના ગુજરાતી પરિવારે અતિશય ઠંડા વાતાવરણમાં ‘ગેરકાયદેસર’ અમેરિકામાં પ્રવેશવા જતાં જીવ ગુમાવ્યો હતો.
મૂળ ગાંધીનગરના ડીંગુચાના આ પરિવારમાં બે બાળકો સહિત પતિ-પત્ની મૃત્યુ પામતાં આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી.
જે બાદ ગુજરાતમાંથી ‘ગેરકાયદેસર’ અમેરિકા જવાના ચલણ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી, બાદમાં સ્થાનિક પોલીસે આવી પ્રવૃત્તિ ચલાવતા કેટલાક એજન્ટોની ધરપકડ પણ કરી હતી.
આ ચલણ અને કાર્યવાહીની વિગતો સામે આવ્યા બાદ અમેરિકા જવા માટે અપનાવાતા ‘ગેરકાયદેસર’ રસ્તાઓની ચર્ચા પણ શરૂ થઈ હતી.
આવો જ એક રસ્તો છે ‘ડૉન્કી રૂટ.’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અનેક મુશ્કેલીઓ, પડકારો અને ખર્ચ વેઠીને અમેરિકામાં ‘ગેરકાયદેસર’ રીતે પ્રવેશવા માટેના આ રસ્તામાં કેટકેટલી મુસીબતો આવે છે અને તેનો સામનો કરવા કેવી યુક્તિઓ અજમાવાય છે તે અંગે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આવું જ એક સ્થળ છે ડારિએન ગૅપ.
“ડારિએનમાં (ગૅપ) અપહરણ કે બળાત્કાર જેવું અનિચ્છનીય ઘણું બધું બની શકે છે. મને અહીં સુધીના રસ્તામાં બે લાશ જોવા મળી, જેમાં એક બાળકની પણ લાશ હતી. મને સાપથી બહુ બીક લાગે છે. એક વખત મેં સાપની ઉપર પગ મૂકી દીધો હતો. એક વખત હું ઝાડ ઉપર હતો, ત્યારે ત્યાં સાપ હતો. મારે પણ એક દીકરી છે એટલે મને બાળકોની ખૂબ જ દયા આવે છે.”
પનામા અને કોલંબિયાના જંગલની વચ્ચે આવેલા ડારિએન ગૅપ વિશે માનવતસ્કર આ વાત કહે છે.
જેઓ અમુક સો ડૉલરના બદલે ડારિએન ગૅપ સુધી સલામત રીતે પહોંચાડવાનું કામ કરે છે. H-1B વિઝા, L-1A અને L-1B અને અભ્યાસ માટેના અનેક વિકલ્પો હોવા છતાં દર વર્ષે અમુક ગુજરાતી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો વિચાર કરે છે, જેમાં અતિ જોખમી 'ડારિએન ગૅપ'નો રસ્તો પણ સામેલ છે.
કુદરતી હોનારતોને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયેલાં હૈત્તી અને કોસ્ટા રિકાના રહેવાસીઓ સારા ભવિષ્યની આશામાં અમેરિકા જવા માટે જોખમ ખેડે છે, તો ગુજરાતીઓ-પંજાબીઓની આંખોમાં વધુ સારી સામાજિક જિંદગી અને વધુ કમાણીનાં અમેરિકન ડ્રીમ હોય છે.
બાઇડનના પુરોગામી ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિ અને કોરોનાને કારણે ગમે તે ભોગે અમેરિકામાં પ્રવેશવા માગતા લોકોની સંખ્યા ઘટી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેમાં ઉછાળો આવ્યો છે.

કબૂતરબાજી

ગમે તે ભોગે અમેરિકામાં પ્રવેશવા માટેના પ્રયાસો દાયકાથી થતા રહ્યા છે, છતાં 9/11ની ઘટના પછી અમેરિકાએ તેના ટુરિસ્ટ વિઝા, કામના વિઝા અને નાગરિકત્વને લગતા કાયદા કડક કર્યા છે.
આ સિવાય ગેરકાયદેસર ઇમિગ્રન્ટની સમસ્યા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમેરિકા વસવા માગતા પંજાબી અને હરિયાણવાસીઓમાં એક પ્રચલિત રૂટ કબૂતરબાજીનો છે.
સંદેશાવ્યવહાર માટે સદીઓથી ભારતમાં કબૂતરોનો ઉછેર થતો રહ્યો છે. કૌશલ્યવાન કબૂતરબાજ 'શાંતિદૂતો'ને પાળે છે, ઉછેરે છે અને તેમને ઊડવાની તાલીમ આપે છે.
તેના ઉપરથી આ શબ્દ પ્રચલિત બન્યો છે. ખેલકૂદ, પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કે ભજનિકોને સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ, મ્યુઝિક ટૂર કે ભક્તિસંગીતના નામે યુએસ જવા માગતા લોકોને લઈ જવામાં આવે છે.
એક વખત તેઓ કાયદેસર રીતે યુએસ પહોંચી જાય એટલે તેઓ પોતાના ઑરિજિનલ પાસપોર્ટનો નાશ કરી દે છે અને અમેરિકામાં ભળી જાય છે.
એ પછી આયોજક દ્વારા ઔપચારિક રીતે સ્થાનિક તંત્રને તેના વિશે જાણ પણ કરવામાં આવે છે.
ઘણી વખત આયોજકો પણ 'કબૂતર' વિશે જાણતા હોય છે, છતાં તેઓ આંખ આડા કાન કરતા હોય છે.
જ્યારે કોઈ ભારતીય ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવામાં સફળ થાય, તે પોતાના રાજ્યના કે સમાજ (કે જ્ઞાતિ), ગામના કાયદેસર રીતે નિવાસ કરતા લોકોનો સંપર્ક કરે છે, જે તેના માટે રહેવા, કામ-ધંધા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપવામાં મદદ કરે છે.
જોકે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે 'કબૂતરબાજી' ગુજરાતીઓ કરતાં પંજાબ અને હરિયાણાના લોકોમાં પ્રચલિત છે.
તાજેતરમાં પંજાબી ગાયક દલેર મહેંદીની લગભગ 19 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે કેસ પણ કબૂતરબાજીનો જ હતો.
ડૉન્કી ફ્લાઇટ અને રૂટ

છેલ્લા લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી 'ડૉન્કી ફ્લાઇટ' શબ્દ પ્રચલિત છે, જે હવે 'રૂટ'ના સંદર્ભમાં પણ વાપરવામાં આવે છે. બીબીસી પંજાબી સેવાના દલિપસિંહના કહેવા પ્રમાણે:
"ખચ્ચર પોતાના ગંતવ્ય સુધી પહોંચતાં પહેલાં રસ્તામાં આમતેમ ભટકે છે, એટલે સ્થાનિકોમાં ગમે તે રીતે વિદેશ જવા માગતા લોકો માટે 'ડૉન્કી' શબ્દ પ્રચલિત બન્યો હતો, જે આગળ જતાં મીડિયામાં પણ વપરાવા લાગ્યો."
એક સમયે પ્રાદેશિક કે રાષ્ટ્રીય અખબારો પૂરતો મર્યાદિત શબ્દ વૉશિંગ્ટન ડીસીસ્થિત માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (ડૉન્કી ફ્લાઇટ્સ, ફેબ્રુઆરી-2014, પેજ નં. 2) દ્વારા વપરાશમાં લેવાયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત થઈ ગયો છે.
એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે યુકે જવા માગતા ઇમિગ્રન્ટ્સ દ્વારા સેનજેન દેશમાંથી કોઈના ટુરિસ્ટ વિઝા મેળવી વિદેશ પહોંચતા, ત્યાંથી તેઓ યુકેમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા.
ઉલ્લેખનીય છે કે એ સમયે યુકેએ યુરોપિયન સંઘના ભાગરૂપ હતું તથા અન્ય સેનજેન દેશોમાં પ્રમાણમાં મુક્ત રીતે અવરજવર થઈ શકતી હતી. યુરોપિયન દેશમાંથી ફ્રિઝ ટ્રકમાં છુપાઈને કે નાની હોડીમાં દરિયાઈમાર્ગે યુકે સુધીનો પ્રવાસ ખેડવાનો પ્રયાસ થતો.

અમેરિકા, અપ્રવાસી, ઑપ્શન

ઇમેજ સ્રોત, JOHN MOORE/GETTY IMAGES
ઇમિગ્રૅશનના વ્યવસાય સાથે સંકળાયેલા એક એજન્ટે નામ ન છાપવાની શરત સાથે માહિતી આપતાં કહ્યું, "અમેરિકા જવા માટેનો કયો અને કેવો રસ્તો પસંદ કરવો એ વ્યક્તિની પ્રોફાઇલ ઉપર આધાર રાખે છે. તેની ઉંમર, લિંગ, શૈક્ષણિક લાયકાત, ખર્ચ કરવાની ક્ષમતા, જોખમ લેવાની ક્ષમતા, શારીરિક ક્ષમતા વગેરે બાબતોના આધારે 'બેસ્ટ ઑપ્શન' પસંદ કરે છે."
"કેટલાક આવેદકોની ઇચ્છા અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ત્યાંનાં કામ કરવાની હોય છે, તો કેટલાક અભ્યાસકાળથી જ કમાણી કરવા ઇચ્છતા હોય છે. હાજરીના કડક નિયમોને કારણે આવા લોકો સંદિગ્ધ અને કેટલીક વખત ભૂતિયા હોય તેવી કૉલેજ-યુનિવર્સિટીમાં પણ પ્રવેશ મેળવવા તૈયાર થઈ જાય છે. આ સિવાય કૅનેડા કે મેક્સિકોની સરહદેથી ગેરકાયદેસર પ્રવેશના રસ્તા પણ પ્રચલિત છે."
"જો વ્યક્તિ 'ડૉન્કી રૂટ' પસંદ કરે તો તેણે લૅટિન કે દક્ષિણ અમેરિકાનો લાંબો અને જોખમી પ્રવાસ ખેડવાની તૈયારી રાખવી પડે છે. તેને મોકલવામાં દિલ્હીના અને આંતરરાષ્ટ્રીય એજન્ટને પણ સામેલ કરવામાં છે. તેમનું પણ કમિશન ઉમેરાતું હોવાથી ખર્ચ વધી જાય છે. છતાં સફળતાની કોઈ ગૅરંટી નથી હોતી."
જેમની પ્રોફાઇલ ખૂબ જ નબળી હોય, પરંતુ શારીરિક અને માનસિક રીતે ખડતલ હોય તેઓ આ રસ્તો પસંદ કરે છે. અમેરિકા પહોંચીને પણ તનતોડ મહેનત કરવાની તેમની તૈયારી હોવી જોઈએ."
યુએસ જવા માટે 20 થી 75 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. આ સિવાય ડ્રગ કાર્ટેલ, રસ્તા પરના દેશોના ભ્રષ્ટ અધિકારીઓ અને બીજા અનેપેક્ષિત ખર્ચ માટે પણ રસ્તામાં પૈસાની જોગવાઈ રાખવી પડે છે.
એજન્ટ ઉમેરે છે કે આ ધંધો 'માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી' ઉપર વિકસે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ સફળ (અલબત્ત ગેરકાયદેસર) રીતે અમેરિકા પહોંચી જાય છે એટલે તેનાં સગાંવહાલાં, મિત્ર વર્તુળમાંથી બીજા આવેદક મળી રહે છે.
મોટાભાગના વ્યવહારો રોકડમાં થાય છે, દરેક એજન્ટ પોત-પોતાના માનવતસ્કરીના નેટવર્ક થકી કામ કરતા હોય છે, વધુમાં આ પ્રવૃત્તિ ગુપ્ત રીતે થતી હોય છે એટલે ગુજરાતભરમાં આવા કેટલા એજન્ટ હશે અને કેટલા લોકો યુએસ પહોંચ્યા હશે તેના વિશે કોઈ નક્કર આંકડો જણાવવો મુશ્કેલ છે.

- ગુજરાતમાંથી ‘ગેરકાયદેસર અમેરિકા જવા’ ઘણા લોકો પ્રયત્ન કરતા જોવા મળે છે
- આ પ્રયત્નોને કારણે અવારનવાર કેટલીક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે જેમાં લોકો કાં તો પૈસા કાં તો પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે
- અમેરિકા જવા માટેનો આવો જે એક કુખ્યાત રૂટ છે ‘ડૉન્કી રૂટ’
- જેમની પ્રોફાઇલ નબળી હોય પરંતુ પોતે તનતોડ મહેનત કરવા તૈયાર હોય તેવા લોકો આ રૂટ થકી અમેરિકામાં પ્રવેશવાનો સાહસ ખેડે છે
- લાખો રૂપિયા, અપાર મુશ્કેલીઓ અને જીવના જોખમે ખેડાતી આ સફર વિશે વધુ જાણવો વાંચો બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.

યુએસ, ઇલિગલ ઇમિગ્રન્ટ્સ, ઇન્ડિયા
અમેરિકાના કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પેટ્રોલના ડેટા પ્રમાણે, ઑક્ટોબર-2022 સુધીમાં યુએસ-મૅક્સિકો સરહદ પરથી 16 હજાર 290 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, તેઓ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સંખ્યા અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
છેલ્લે વર્ષ 2018માં આઠ હજાર 998ની સીબીપીએ ધરપકડ કરી હતી. જે એ સમય સુધીની ટોચની સંખ્યા હતી. આ લોકોને કૅમ્પમાં રાખવામાં આવે છે, જ્યાંથી તેમનો ખટલો ચાલી જતા તેમને ભારત ડિપૉર્ટ કરી દેવામાં આવે છે. દેવું કરીને, જમીન કે ઘર વેચીને અમેરિકા જવાના પ્રયાસમાં નિષ્ફળ રહેનારના કિસ્સા, મહેસાણા, ખેડા કે આણંદમાં સાંભળવા મળી જશે. જ્યાં તાલુકાસ્તરે પણ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવાં શહેરોના કૉમ્પલેક્સમાં જોવા મળતા 'ઇમિગ્રેશન ઍન્ડ વિઝા કન્સ્લટન્ટ'ની દુકાનો જોવા મળશે.
સ્ટ્રીટલાઇટ પર બૅનર, મોટા હૉર્ડિંગ અને દીવાલો પરની જાહેરાતો આ વાતની સાક્ષી પૂરશે, જેઓ સ્ટુડન્ટ વિઝા, કામકાજના વિઝા અને ગ્રીન કાર્ડના કામ 'ખાતરીપૂર્વક' કરી આપવાનો દાવો કરે છે.
અમેરિકાની થિન્ક-ટૅન્ક ન્યૂ અમેરિકન ઇકૉનૉમીના અનુમાન પ્રમાણે, અમેરિકામાં લગભગ એક કરોડ ત્રણ લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ વસે છે, જેમાંથી લગભગ સાડા પાંચ લાખ 87 હજાર ભારતીય છે. જે મૅક્સિકો અને અલ-સાલ્વાડૉર પછીની ત્રીજી સૌથી મોટી વસતિ છે.
અમેરિકન ડ્રીમ્સ અંગે દાયકાઓથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (આ અબ લૌટ ચલે, ઐસા હોતા તો ક્યા હોતા) ફિલ્મો બની છે. ગુજરાતી (કેવી રીતે જઈશ) અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ (ડ્રીમ યુએસએ, અમરિકા પણ આ વિષયવસ્તુને આવરી લેવામાં આવી છે.
ડિસેમ્બર-2023માં શાહરુખ ખાન અભિનિત તથા રાજકુમાર હિરાની દિગ્દર્શિત ફિલ્મ 'ડંકી' રજૂ થવાની છે. યુએસસ્થિત ગુજરાતી મૂળના અભિજાત જોશીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. શાહરુખનું કહેવું છે કે તેમાં હળવાશપૂર્વક ભાવનાત્મક રીતે વતન પરત ફરવા માગનારાઓની લાગણીઓને આવરી લેવામા આવી છે. અંગ્રેજીમાં તેનું ટાઇટલ 'ડૉન્કી' હશે.














