અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા ભૂખ્યા-તરસ્યા, જંગલમાં જીવના જોખમે ખેડાતી સફરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વેલેન્ટિના ઓરોપેઝા કોલમેનારેઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ખતરનાક ડેરિઅન જંગલની બહાર પગ મૂકતાની સાથે જ પેડ્રો (ઓળખ ગુપ્ત રાખવા માટે નામ બદલવામાં આવ્યું છે)ને ખબર પડી કે અમેરિકામાં પ્રવેશ માટેના નિયમો બદલાઈ ગયા છે.
28 વર્ષીય પેડ્રોએ બે અઠવાડિયાં પહેલાં કોલંબિયા, મધ્ય અમેરિકા અને મેક્સિકોને પાર કરીને અમેરિકામાં પ્રવેશવા માટેની એક વ્યૂહરચના સાથે વેનેઝુએલા છોડ્યું હતું.
ટેક્સાસમાં પગ મૂકતાં જ તે સત્તાતંત્ર સામે શરણાગતિ સ્વીકારી લેશે અને ગત વર્ષે યુએસ સરહદમાં પ્રવેશ મેળવનાર દોઢ લાખ વેનેઝુએલાના અન્ય લોકોની જેમ તેમને માનવીય ધોરણે આશ્રય મળી રહેશે. એના પહેલાંના વર્ષની સરખામણીમાં પાછલા વર્ષે 293% નો વધારો થયો હતો.
જોકે 12 ઑક્ટોબર, 2022ની બુધવારની રાત્રે, પેડ્રો પનામામાં ડેરિઅન ગૅપના ઉત્તર છેડે પહોંચ્યા તેના કલાકો પહેલાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ જાહેરાત કરી કે જો વેનેઝુએલાના લોકો દક્ષિણ સરહદ પાર કરવાનો પ્રયાસ કરશે તો તેઓને મેક્સિકો પરત મોકલવામાં આવશે.
પેડ્રોએ જોયું કે નદી, નાળા, ભારે હુમલા સહિતની હાલાકીઓ ભોગવીને ડેરિયન પાર કરીને આવેલા સાન વિસેન્ટ માઇગ્રેટરી રિસેપ્શન સ્ટેશનમાં કૅમ્પમાં રહેલા અન્ય વેનેઝુએલાના લોકો યુનાઇટેડ નેશન્સ અને ડૉકટર્સ વિધાઉટ બૉર્ડર્સ સામે આશાભરી નજરે તાકી રહ્યા હતા.
કોલંબિયાના ઍટર્ની જનરલ ઑફિસે આ મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે આ મહિને દરરોજ લગભગ 3,000 લોકો પનામા અને કોલંબિયા વચ્ચેના માર્ગને સીમિત કરતા રસ્તાઓ વિના મધ્ય અને દક્ષિણ અમેરિકા વચ્ચે કુદરતી અવરોધ તરીકે કામ કરતા 5,75,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ડેરિયનના જંગલને પાર કરીને આવી રહ્યા છે.
સમાચારોથી ભયભીત પેડ્રોમાં અજાણ્યા લોકોને વધુ કંઈ પૂછવાની તાકાત ન હતી. 25-કિલોની બૅગ સાથે દસ દિવસ સુધી ચાલવાના કારણે તેમની પિંડીઓમાં સોજા આવી ગયા હતા અને પગના તળીયે ફોલ્લા પડી ગયા હતા.
એ પડ્યા ઉપર પાટું સમાન હતું કે પેડ્રોની જાંઘ સપાટ છે અને તેમને બાળપણમાં જ ડૉક્ટરે સલાહ આપી દીધી હતી કે તેમણે વધુ પડતું ચાલવું નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા પહોંચવા જીવનું જોખમ લેનારા લોકોની સંઘર્ષભરી કહાણી

- ભારતની જેમ જ દુનિયાના ઘણા દેશોના લોકો કોઈને કોઈ કારણોસર અમેરિકા પહોંચવા માટે મથી રહ્યા છે
- ઘણા તેના માટે 'ગેરકાયદેસર માર્ગ' પણ અપનાવવા તૈયાર થઈ જાય છે
- આસપાસના દેશોમાંથી સેંકડો કિલોમિટરની સફર ખેડી 'અમેરિકન ડ્રીમ' હાંસલ કરવા અનેક લોકો પહોંચી રહ્યા છે
- તેમાંથી કેટલાક નદીઓ, જંગલોમાં કપરી પરિસ્થિતિ વેઠીને, લાંચ-રુશવત થકી પણ અમેરિકામાં પ્રવેશ કરવા પ્રયાસ કરે છે
- દુર્ભાગ્યે ઘણા આ સફરમાં પોતાનો જીવ પણ ગુમાવી દે છે

વિમાન માર્ગે પ્રવેશ

ઇમેજ સ્રોત, Getty Images
પેડ્રો કહે છે કે વેનેઝુએલાના લોકો કાયદેસર રીતે વિમાનમાર્ગે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશી શકે છે. પેડ્રો એક નવા પ્રોગ્રામનો ઉલ્લેખ કરતાં કહે છે કે વેનેઝુએલાના 24,000 લોકોને યુનાઇટેડ સ્ટેટ્સના સહયોગથી, તેઓના "નાણાકીય અને અન્ય સમર્થન"થી આ લાભ મળશે. આ યોજના યુક્રેનમાં યુદ્ધ દ્વારા વિસ્થાપિત થયેલા લોકો માટે લાગુ કરવામાં આવી છે.
પેડ્રોને આશા છે કે આ યોજનામાં તેમનો મેળ પડી શકે છે. તેમના ભાઈ સાત વર્ષ અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં જઈને વસ્યા હતા અને ગૂગલમાં કાયમી નોકરી કરતા હતા. તેઓ આ પ્રક્રિયામાં એમને ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે.
"મેં હમણાં જ ડેરિયનનું જંગલ પાર કર્યું છે અને હું યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશનો માર્ગ મેળવી લઈશ," એમ સાન વિસેન્ટ પહોંચ્યાના કલાકો પછી ડૉક્ટર તેમના પગની તપાસ કરે તેની રાહ જોતી વખતે પેડ્રોએ બીબીસી મુંડોને ફોન કરીને જણાવ્યું હતું.
નવા નિયમો હેઠળ તેમને મેક્સિકો પરત મોકલવામાં આવશે એ હકીકતની પેડ્રોને જાણ હોવા છતાં તેઓ માને છે કે, "અમેરિકામાં પ્રવેશનો કોઈક માર્ગ મળી જશે, કેમ કે મેં ભારે પીડા વેઠી લીધી છે."

ખોટો સધિયારો

ઇમેજ સ્રોત, Getty Images
પેડ્રો કહે છે કે તેણે માર્ચ 2021માં પ્રથમ વખત તેમનું ઘર છોડ્યું હતું, જ્યારે વેનેઝુએલાના સૈન્યે દક્ષિણ-પશ્ચિમ વેનેઝુએલાના અપુરે રાજ્યના ખેતી અને પશુપાલન પર નભતા નગર લા વિક્ટોરિયામાં FARC ગેરીલાઓ સાથે લડાઈ છેડી હતી.
જ્યારે તેમણે એવી અફવા સાંભળી કે લશ્કરી ટૅન્ક નજીક આવી રહી છે, ત્યારે તેણે કૉલમ્બિયન પ્રાંત અરુક્વિટામાં આશ્રય લેવા માટે તેમના પિતા સાથે અરૌકા નદી પાર કરવાનું નક્કી કર્યું. તેઓ બંને એકલ પુરુષો હતા અને છેવાડાના મકાનમાં રહેતા હતા.
પેડ્રો અને તેમના પિતા કોલંબિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝના માનમાં બનાવવામાં આવેલા 'અલ ગાબો' નામના આશ્રયસ્થાનમાં એક મહિના સુધી રહ્યા. ત્યાંથી તેઓ લા વિક્ટોરિયા પાછા ફર્યા ત્યારે જોયું તે તેમનું ઘર તોડીફોડી નાખવામાં આવ્યું હતું.
તેમનાં બાકીનાં સાધનો સાથે કૉમ્પ્યૂટર ચોરાઈ ગયુ હતું, જેમાંથી તેઓ તેમણે ઊછેરેલા મરઘાંનો કોલંબિયામાં વેપાર કરતા હતા. તેમના પડોશીઓ સાથે પણ આવું જ થયું હતું. તેમના પરિચિત એવા ઓછામાં ઓછા 16 ખેડૂતોની હત્યા કરવામાં આવી હતી.
આ નુકસાનીનો ખાડો પૂરવા માટે પેડ્રોએ એક વર્ષ ભારે મહેનત કરી. આ માટે પેડ્રો નજીકનાં ખેતરોના માલિકોની ગાયોને દોહતા અને જમીનમાં રોપણી કરવામાં મદદ કરતા. પરંતુ અફસોસ કે તેમણે જે કમાણી કરી તે તો તેમના પિતાની ન્યુરોપથી અને ઇન્ગ્યુનલ હર્નિયા અને તેની ગરદનની અન્ય પીડા માટેની દવામાં જ ખર્ચાઈ ગઈ.
આ દરમિયાન તેમણે તેમના પિતરાઈ ભાઈ સાથે મળીને ડેરિયન જંગલ પાર કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશની યોજના બનાવી. તેમણે ધાર્યું હતું કે આ જંગલ તો અપુરેનાં ખેતરો જેવું જ લાગે છે અને સાથે પત્ની કે બાળકો નથી એટલે આસાનીથી પાર કરી શકાશે.
પેડ્રોએ 500 અમેરિકન ડૉલર ભેગા કર્યા અને તેના પિતરાઈ ભાઈ અને બે મિત્રો સાથે ડેરિયન પાર કરવાનું નક્કી કર્યું. જ્યારે તેણે તેમના પિતા પાસેથી વિદાય લેતી વેળાએ તેમને વચન આપતાં કહ્યું હતું કે તે અને તેમનો ભાઈ તેને ખૂબ જ જલદી લા વિક્ટોરિયામાંથી બહાર કાઢશે. વિમાન માર્ગે, જેથી હર્નિયા તેમને તકલીફ આપે નહીં.

માઇગ્રન્ટ બિઝનેસ

ઇમેજ સ્રોત, Getty Images
પેડ્રો અને તેમના સાથીઓએ પશ્ચિમ વેનેઝુએલાના લા વિક્ટોરિયાથી સાન ક્રિસ્ટોબલ સુધી બસમાં મુસાફરી કરી અને ત્યાથી પછી કોલંબિયન શહેરો કુકુટા, મેડેલિન અને નેકોક્લી ગયા અને ત્યાંથી બોટ માર્ગે કપુરગાના ગયા, જે ડેરિઅન જંગલનું પ્રવેશદ્વાર છે.
તેમણે પોતાના દેશની શરણાર્થી શિબિરમાં પહોંચવા માટે હોડીમાં સવારી દીઠ 200 ડૉલર ચૂકવ્યા. પેડ્રોએ તેમનો ફોન અને અન્ય કિંમતી સામાન સીલબંધ પ્લાસ્ટિકની થેલીની અંદર રાખ્યો હતો, જેથી થેલી ભીની થઈ જાય તો તેને પાણીથી બચાવી શકાય. પૈસાને ચોર ખિસ્સામાં સંતાડ્યા હતા જેથી કોઈ તેમને લૂંટવાનો પ્રયાસ કરે તો તેમનાં નાણાં બચાવી શકાય.
પહેરેદારો પકડી ન શકે તે માટે પ્રવાસ રાત્રે શરૂ થતો હતો અને રાત્રે હોડી ઊપડી તેની દસ મિનિટમાં પાણી હોડીમાં ઘૂસવા માંડ્યું અને આખરે હોડી ડૂબી ગઈ. જેમને તરતા નહોતું આવડતું તેઓ હોડીના તરતા ભાગોને વળગી રહ્યા હતા. તરવૈયા પેડ્રોએ સહયાત્રીઓ સાથે તૈયાર ખોરાક, કૂકીઝ, એક તંબુ અને પલળી ગયેલા મોબાઇલ ફોન ધરાવતા થેલા સાથે અન્ય હોડીની મદદથી નદી પાર કરી.
ડૂબી ગયેલા ખાધાખોરાકીના સામાનના ફરી પ્રબંધન સાથે 21 લોકોના તે જૂથની મુસાફરીમાં એક દિવસનો વિલંબ થયો હતો.
પેડ્રોએ સ્વદેશી શિબિરમાં દરેક રાત્રિ દીઠ 50 ડૉલર ચૂકવ્યા હતા. પેડ્રો કહે છે, "તેઓ અમને સ્થળાંતર કરનારાઓને એક બિઝનેસ રૂપે જોઈ રહ્યા છે. કેટલીક વાર તેઓએ અમે માંગ્યું ન હોય છતાં ભોજન પીરસી દીધું હોય તો પણ અમારે અલગથી ચૂકવણી કરવી પડતી. તેઓ પાંચ વર્ષના બાળકના રૅશનના પણ પૈસા પડાવતા હતા."

ઇમેજ સ્રોત, Getty Images
પેડ્રો કહે છે કે ભલું થજો કે મેં ચામડાના બૂટ સાથે લીધા હતા. રબરના બૂટ પહેરેલા સાથીઓએ કાદવમાંથી પગ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે કાદવ એટલો ભારે હતો કે તેઓ ફસાઈ ગયા. ઘણા લોકો પાસે ખુલ્લા પગે કળણ પાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
પેડ્રોને ભાન થયું કે ડેરિયનનું જંગલ એપુરના ઢોળાવવાળાં ખેતરો જેવું નહોતું. પેડ્રો કહે છે કે લા લોરોના જંગલમાં કેટલાક ભાગો એટલા ઊંચા છે કે તે વૃક્ષોનાં મૂળને પકડીને જ ચઢી શકાય છે.
એકવાર તેઓ લા લોરોનામાંથી પસાર થયા બાદ પેડ્રો અને તેના સાથીઓને નિરાધાર છોડી દેવાયા. આગળના પ્રદેશો આદિવાસી વિસ્તારો હતા. ત્યાથી તેઓ રિયો ગ્રાન્ડેના કાંઠે ગયા અને પાછળ આવતા લોકોને માર્ગ મળી રહે તે માટે સંકેતરૂપે વાદળી થેલીઓ રસ્તા પર છોડી દેતા આવ્યા.
પેડ્રો કહે છે, "તમારે જંગલમાં પગનાં નિશાન, વાદળી થેલીઓ, તંબુઓના અવશેષો, રસ્તાના નિશાન શોધવા પડે. જો તમને તે મળે, તો તમે સાચા માર્ગ પર છો. પરંતુ જો તમને માત્ર ઝાડી અને કાદવ જ જોવા મળે તો એનો અર્થ એ કે તમે માર્ગ ભટકી ગયા છો."

ઇમેજ સ્રોત, Getty Images
રસ્તામાં તેઓ સૈનિકોના પોશાક પહેરેલા અને રાઇફલ્સથી સજ્જ સ્વદેશી લોકો સાથે દોડ્યા. એક શિબિરમાં તે વળાવિયો મળ્યો જેમણે તેમને માર્ગદર્શક તરીકે તેની સેવાઓ ઑફર કરી. ભોમિયાએ તેમને પૂછ્યું કે શું તેમણે રસ્તામાં કોઈ મૃતદેહ જોયો છે. પેડ્રોએ નકારમાં માથું હલાવ્યું.
વળાવિયાનું કહેવું હતું કે તેમને જંગલમાં અઠવાડિયામાં એકથી બે મૃતદેહ મળે છે. તેમણે ઘણાને મૃત્યુ પામતા જોયા હતા. પહેલાં તેમને ભારે પરસેવો વળતો અને પછી મરી જતા. "કહેવાય છે કે આ લોકો હાર્ટઍટેકથી પણ મરી જાય છે."
જ્યારે સ્થળાંતર કરનાર મૃત્યુ પામે અથવા રસ્તામાં કોઈ મૃતદેહ જોવા મળે તો વળાવિયો એક નિશાન છોડી જાય છે. જો મૃતદેહનો કોઈ સંબંધી મળી આવે અને તેને દૂર કરવા માંગે તો આ કામ કરવા માટે 4,500 ડૉલરનો ચાર્જ લાગે છે : તેમાંથી 1,500 ડૉલર વળાવિયો રાખી લે છે અને બાકીના લાશને જંગલની બહાર ખસેડનારા લોકોને આપે છે.

વાતચીત અને ઉકેલની રાહ

ઇમેજ સ્રોત, AFP
જ્યારે પેડ્રોને યુએસ બૉર્ડરની નાકાબંધી વિશે જાણવા મળ્યું, ત્યારે તેમણે તેમના ભાઈ સાથે વાતચીત કરવા સાન વિસેન્ટમાં મોબાઇલ ખરીદવાનું નક્કી કર્યું.
સાથે જ સમાચાર મળતા તેમના ભાઈએ પેડ્રો સ્પૉન્સર થકી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશી શકે એવા પ્રોગ્રામમાં અરજી કરી શકે કે કેમ તે જાણવા વકીલ સાથે પરામર્શ કર્યો. જોકે અરજી માટેના નિયમો પૈકીનો એક નિયમ એવો છે કે સ્થળાંતર કરનાર વ્યક્તિ ગેરકાયદેસર રીતે મેક્સિકો અથવા પનામામાં પ્રવેશેલી ન હોવી જોઈએ.
પેડ્રો કહે છે, "ભાઈએ કહ્યુ છે કે હું મેક્સિકો પહોંચીને તેને કોઈ પણ રીતે પાર કરી લઈશ. પછી કે વિમાન દ્વારા કે જમીન માર્ગે ગમે તેમ કરીને હું તેને પાર કરીશ."
પેડ્રો પાસે 200 ડૉલર બચ્યા છે, જે મેક્સિકો જવા માટે પૂરતા છે. પેડ્રો હાલ પૂરતા તો સાન વિસેન્ટમાં જ તેમના ભાઈના ફોનની રાહ જોશે અને યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવા માટે આગળનો માર્ગ શોધશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














