સત્તા મેળવવા ભાજપ-કૉંગ્રેસે 'જ્ઞાતિ-જાતિ'નાં કેવાંકેવાં સમીકરણો રચ્યાં?

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ગણતરીને આડે ગણતરીના દિવસો બાકી રહે છે, ત્યારે રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણી સમીકરણો સાધી રહ્યા છે, તો રાજકીય વિશ્લેષકો તેની છણાવટ કરી રહ્યા છે.
આ ચર્ચામાં 'જ્ઞાતિ-જાતિ'નાં સમીકરણ બાકી નથી રહેતાં. મોટાભાગે જ્યારે આવી ગુજરાત કેન્દ્રિત ચર્ચા થાય, ત્યારે તે ' KHAM' સમીકરણથી થાય. 1985ની વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહ સોલંકીએ આ રીતે કૉંગ્રેસને ગુજરાતમાં રેકૉર્ડ 149 બેઠક અપાવી હતી.
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 151 બેઠક મેળવીને આ રેકૉર્ડ તોડવાનું લક્ષ્યાંક મૂક્યું હતું, પરંતુ પાર્ટીને માત્ર 99 બેઠક મળી હતી. જે ગુજરાતમાં સત્તા પર આવ્યા પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
એવું નથી કે જ્ઞાતિવાદી સમીકરણ સાધવાનો પ્રથમ વખત પ્રયાસ થયો હોય. 1962માં ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણીથી જ આ પ્રકારના પ્રયાસો થતા રહ્યા છે.
દરેક ચૂંટણી વખતે રાજકીયપક્ષો પોતાની ગણતરી પ્રમાણે, આ સમીકરણ બેસાડવા માટે પ્રયાસ કરતા હોય છે, ચાહે ચાહે તે KHAM હોય 'પક્ષ', PODA, PODAM, KHAM, OPT કે PHAK.
'પક્ષ'થી શરૂઆત

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA
પહેલી મે, 1960ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ અને તેની પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી. આ સમય સુધી સુધી બૉમ્બે સ્ટેટના સભ્યોએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. એ ચૂંટણીમાં કૉંગ્રેસના મુખ્ય વિરોધપક્ષ તરીકે 'સ્વતંત્ર પક્ષ'નો રાજકીય ફલક ઉપર ઉદય થયો હતો.
આ પક્ષના રાષ્ટ્રીય નાયકોમાં પીલૂ મોદી અને મીનુ મસાણી જેવા પારસી હતા, જેઓ મૂળ બૉમ્બેના હતા, પરંતુ ગુજરાતમાં અનુક્રમે ગોધરા અને રાજકોટ બેઠક પરથી ચૂંટાઈ આવતા હતા. ગુજરાતના રાજકારણમાં જયદીપસિંહ બારિયા તથા ભાઈકાકા પટેલ ચર્ચિત ચહેરા હતા. પહેલી ચૂંટણીમાં પાર્ટીએ 26 અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીએ સાત બેઠક જતી હતી.
પરંપરાગત રીતે કૉંગ્રેસનું નેતૃત્વ વાણિયા-બ્રાહ્મણ સમુદાય પાસે હતું, જેમાં વિઠ્ઠલભાઈ પટેલ તથા વલ્લભભાઈ પટેલ જેવા અપવાદ હતા. ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન' કાયદાને કારણે અગાઉ ભાગિયા તરીકે કામ કરતા પટેલો રાજકીય હક્ક માટે સભાન બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1967ની વિધાનસભા ચૂંટણીમાં ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષ'ના માધ્યમથી પાટીદારોને કેન્દ્રમાં રાખીને રાજકીય સમીકરણ બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 'પ' એટલે પટેલ હતા અને 'ક્ષ' એટલે ક્ષત્રિય હતા. પાર્ટીને 66 (કુલ્લે 168માંથી) બેઠક પર વિજય મળ્યો હતો.
ગુજરાતના અભ્યાસી અચ્યુત યાજ્ઞિક મતે, "એ સમયે પાટીદારો એકલા પાસે આંકડાકીય શક્તિ ન હતી, એટલે ઠાકોરો તથા કોળી પટેલોને સાથે લેવામાં આવ્યા હતા, તેમનામાં એ વાતનો વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો કે તેઓ પણ ક્ષત્રિય છે."
એક અનુમાન પ્રમાણે, ગુજરાતમાં બ્રાહ્મણો અને વણિકોની વસતી દોઢ-દોઢ ટકા છે, એટલે કે તેમની કુલ વસતી ત્રણ ટકા છે. રાજપૂતોની વસતી પાંચ ટકા છે, જેમની ગણતરી 'બિન-અનામત'માં તરીકે થાય છે અને તેઓ તત્કાલીન રજવાડાંના શાસક કે ગિરાસદાર ભાયાત હતા, તેમને અનામત નથી મળતી.

KHAMનો ઉદય

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
સામાન્ય રીતે ગુજરાતમાં KHAM સમીકરણની વાત થાય એટલે 1985ની વિધાનસભા ચૂંટણીની વાત થાય, પરંતુ તેનાં મૂળ 1977માં કૉંગ્રેસના ચૂંટણીધોવાણમાં રહેલાં છે.
કિંગશૂક નાગ તેના પુસ્તક 'ધ નમો સ્ટોરી'માં (પેજ નંબર 45-46) લખે છે, 'મહાત્મા ગાંધીથી પ્રેરાઈને ઝીણાભાઈએ આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું હતું. ધીમે-ધીમે પાર્ટીમાં તેમનું કદ વધી રહ્યું હતું. 1969માં જ્યારે જૂના કૉંગ્રેસીઓ અને ઇંદિરા ગાંધીના જૂથની વચ્ચે ઊભી ફાટ પડી ત્યારે ઝીણાભાઈએ ઇંદિરા ગાંધી કૅમ્પમાં રહેવાનું પસંદ કર્યું હતું.'
'1972માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષની ચૂંટણી જીતી. ગુજરાતના રાજકારણ વિશે તેમની આગવી થિયરી હતી. તેઓ માનતા હતા કે પટેલોની સાથે વાણિયા અને બ્રાહ્મણ પાર્ટી અને ગુજરાતના સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેમને લાગતું હતું કે આ સમીકરણ ભરોસાપાત્ર નથી, કારણ કે તેમાંથી અમુક કૉંગ્રેસ (ઓ)માં ગયા હતા, એટલે તેમણે પાર્ટીનો આધાર વધારવા માટે નવું સમીકરણ ઘડ્યું.'
ગુજરાતમાં KHAMનું (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) સમીકરણ બેસાડવાનો શ્રેય માધવસિંહ સોલંકીને આપવામાં આવે છે. જો સસરા ઇશ્વરસિંહ ચાવડા તેમને રાજકારણમાં લાવ્યા હતા, તો દરજીએ તેમનું રાજકીય ઘડતર કર્યું હતું.
સોલંકીના અવસાન પછી વરિષ્ઠ વકીલ અને કૉંગ્રેસના પૂર્વ મહાસચિવ નિરૂપમ નાણાવટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "કૉંગ્રેસને ફરીથી પગભર કરવા માટે ઘેલા સોમનાથ ખાતે એક બેઠક મળી હતી, જેમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. એ બેઠકમાં ઝીણાભાઈ દરજી, રતુભાઈ અદાણી, પ્રબોધ રાવળ, સનત મહેતા, હરિસિંહ મહિડા, મનોહરસિંહ જાડેજા અને દિવ્યકાંત નાણાવટી જેવા નેતાઓ હાજર રહ્યા હતા. એ બેઠકમાં ખામની ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી."
માધવસિંહના પુત્ર ભરતસિંહ પણ તેમના પિતા જ KHAM થિયરીના જનક હોવાની વાત નકારતા રહ્યા છે.
જાન્યુઆરી-1980માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 26માંથી 25 બેઠક મળી હતી. તેના ચાર મહિના બાદ મે-1980માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને 182માંથી 141 બેઠક મળી હતી. એ ચૂંટણીમાં 'કૉંગ્રેસના વિકલ્પ' તરીકે જનતા મોરચાના પ્રત્યે જનતાનો મોહભંગ પણ જવાબદાર હતો.
1985ની વિધાનસભા ચૂંટણી (વિજયકુમાર મલ્હોત્રા, 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી', પેજ નં. 145) દરમિયાન ભાજપને 15 ટકા મત મળ્યા હતા, છતાં તેને માત્ર 11 બેઠક મળી હતી. જ્યારે કૉંગ્રેસને 149 (55.55 ટકા) બેઠક, મળી હતી. અત્રે એ યાદ રાખવું રહે કે ગણતરીના મહિના પહેલાં જ દેશનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી, જેના કારણે કૉંગ્રેસની તરફેણમાં સહાનુભૂતિની લહેર હતી.
કૉંગ્રેસને સ્વતંત્ર રીતે મળેલો આ છેલ્લો વિજય બની રહેવાનો હતો. એ પછી ગુજરાતમાં પાર્ટીની સરકાર બની, પરંતુ તે ચૂંટાયેલી ન હતી.

KHAMની સામે KoKaM

કૉંગ્રેસના KHAM સમીકરણની સામે ચીમનભાઈ પટેલે KoKaM સમીકરણ ઊભું કર્યું હતું, જેમાં 'Ko' કોળી, 'Ka' (કણબી, બૃહદ અર્થમાં કૃષક સમુદાય તથા 'M' મુસ્લિમ હતા.)
ચીમનભાઈ પટેલના કારણે મુસ્લિમો જનતા દળ તરફ ગયા હતા, જ્યારે કૉંગ્રેસ સરકારમાં અવગણનાનો અનુભવ કરી રહેલા પાટીદાર સમુદાયે જનતા દળ અને ભાજપને સાથ આપ્યો હતો.
1974માં વિદ્યાર્થીઓના 'નવનિર્માણ' આંદોલનને કારણે સત્તા ગુમાવનારા ચીમનભાઈ પટેલને સત્તા પર પરત ફરવામાં 16 વર્ષ લાગી ગયાં હતાં. યુવાવર્ગને કારણે સત્તા ગુમાવી હતી, તેના કારણે જ તેઓ ફરી એક વખત સત્તા સુધી પહોંચી શક્યા હતા.
વિષ્ણુ પંડ્યાના (સ્વર્ણિમ ગુજરાતનાં 50 વર્ષ, પેજ નંબર 94) મતે, "વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત 18 વર્ષની ઉંમરે મતદાનનો પ્રયોગ થયો હતો. 19 લાખ 49 હજાર 430 મતદારોએ પ્રથમ વખત મતદાન કર્યું. ચૂંટણીપરિણામો પરથી લાગ્યું કે જો ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હોત તો વધુ બેઠકો મળી હોત."
1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 26.7 ટકા મત સાથે 67 બેઠક મળી(વિજયકુમાર મલ્હોત્રા, 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી', પેજ નં. 145) અને ચીમનભાઈ પટેલના જનતા દળને 29.4 ટકા મત સાથે 70 બેઠક મળી. કૉંગ્રેસને 30.7 ટકા મત અને 33 બેઠક સાથે સંતોષ માનવો પડ્યો હતો. ગઠબંધનને કારણે ચીમનભાઈ મુખ્ય મંત્રી બન્યા, જ્યારે ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્ય મંત્રી.
જોકે, આ સરકાર ગણતરીના મહિનાઓ જ ચાલી અને ભાજપ તેમાંથી ખસી ગયો. ચીમનભાઈ પટેલે કૉંગ્રેસના અધ્યક્ષ રાજીવ ગાંધીનો સંપર્ક સાધ્યો અને ગુજરાતમાં યુતિ સરકાર બનાવવા માટે મનાવી લીધા.
સ્થાનિક કૉંગ્રેસી નેતાઓ આ નિર્ણયથી નારાજ હતા, પરંતુ રાજીવ ગાંધીના નિર્ણય સામે તેમની કારી ન ચાલી, જોકે અંદરખાને રંજ રહી જવા પામ્યો હતો.

1995માં PHAK

ઇમેજ સ્રોત, Getty Images
1995ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં બે મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી હતી. જનતા દળના ચીમનભાઈ પટેલનું અવસાન થયું. મૃત્યુ પહેલાં તેમણે પાર્ટીને કૉંગ્રેસમાં ભેળવી દીધી હતી. આમાં અહમદ પટેલ તથા નરસિંહ્મારાવે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલાં જનતા દળના ઉમેદવારોને ટિકિટ આપવી, મૂળ કૉગ્રેસીઓને આપવી, ગાંધી જૂથના લોકોને ટિકિટ આપવા અંગે ભારે ખેંચતાણ થઈ હતી. આ આંતરિક જૂથબંધીનો ભાજપને લાભ થયો.
2020-2021 દરમિયાન કોરોનાએ જેવી રીતે ગુજરાતમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું, એવું જ સુરતમાં પ્લૅગની મહામારીએ ફેલાવ્યું હતું. સુરતીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેથી કરીને સત્તાવિરોધી વલણ ઊભું થયું. શહેરમાં વસતા મૂળ સૌરાષ્ટ્રવાસીઓ (મુખ્યત્વે પાટીદારો) પાસે હવે જનતા દળરૂપી વિકલ્પ ન હતો, તેમણે ભાજપ તરફ નજર દોડાવી.
1995ની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપનો નિર્ણાયક પગપેસારો થયો. પાર્ટીના નેતા વિજયકુમાર મલ્હોત્રા તેમના પુસ્તક 'ઇવૉલ્યુશન ઑફ બીજેપી'માં (પૃષ્ઠ ક્રમાંક 157) અલગ રીતે વિશ્લેષણ કરતાં લખે છે :
"ભાજપે 'હિંદુત્વ' અને 'સ્વદેશી' ઉપર ભાર મૂક્યો હતો. રાજકારણમાં ગુનાખોરી તથા કૉંગ્રેસ-જનતા દળના પક્ષપલટા તકવાદના રાજકારણને જાકારો આપ્યો. એટલે સુધી કે ગુજરાતના રાજકીય ફલક પરથી તેમનો સફાયો થઈ ગયો. પાર્ટીને 44.81 ટકા મત સાથે 117 બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસને 34.85 ટકા મત સાથે 53 બેઠક મળી હતી."
અગાઉ સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાને બીબીસીને જણાવ્યું હતું, 1995 તથા 1998માં PHAK સમીકરણ સાધવાથી ભાજપને સત્તા મળી હતી. જેમાં પટેલ (P), હરિજન (H), આદિવાસી (A) અને ક્ષત્રિય (K) હતા.
2002ની વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના મતોની ટકાવારી વધી હતી, પરંતુ બેઠકસંખ્યા ઘટી હતી અને 51 બેઠક સાથે સંતોષ માનવો પડ્યો હતો. 2002ના ગોધરાકાંડના ઓછાયા હેઠળ યોજાયેલી ચૂંટણી સંપૂર્ણપણે 'જુવાળ આધારિત' હતી. જેમાં ભાજપ માટે જ્ઞાતિ-જાતિના સમીકરણ કરતાં 'હિંદુત્વ' કેન્દ્રસ્થાને હતું. ભાજપને 49.85 ટકા મત તથા 127 બેઠક મળી હતી. તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રથમ ચૂંટણી હતી, જે પાર્ટીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

કૉંગ્રેસનું PODAM ગમન

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH
ગત વિધાનસભાની ચૂંટણી દરિયાન ભાજપે સત્તા ઉપર આવ્યા પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. પાર્ટી ત્રણ આંકડાને પણ સ્પર્શી શકી ન હતી અને 99 પર અટકી ગઈ હતી.
ગુજરાતમાં ઓબીસી, અનુસૂચિત જાતિ (એસસી), અને જનજાતિ (એસટી) સમુદાયની વસતી 60 ટકાથી પણ વધારે છે. આથી રાજકીયપક્ષો ચૂંટણી સમયે તેમની તરફ મીટ માંડે તે સ્વાભાવિક છે.
સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાનના આકલન પ્રમાણે, '2015માં પાટીદારોનું આંદોલન થયું, ત્યારે કૉંગ્રેસના નેતાઓ પટેલ (P), ઓબીસી (O), દલિત (D), અને આદિવાસી (A)ના કૉમ્બિનેશનની 'PODA' રણનીતિ લઈને આવ્યા હતા, જેનો એમને લાભ થયો હતો.'
પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા અને પછી પાર્ટી છોડી ગયેલા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના નિર્ગમન પછી કૉંગ્રેસે તેમના સ્થાને સાત કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક કરી છે.
જેમાં હાર્દિક પટેલના આંદોલન સમયના સાથી અને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા લલિત કગથરા (ટંકારા), અંબરીશ ડેર (ધારાસભ્ય, રાજુલા), ઋત્વિક મકવાણા (ધારાસભ્ય, ચોટિલા), કાદીર પીરઝાદા, જિજ્ઞેશ મેવાણી (ધારાસભ્ય, વડગામ) તથા ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. જેઓ અનુક્રમે પાટીદાર, આહિર, કોળી, મુસ્લિમ, દલિત અને ક્ષત્રિય સમાજના છે. જ્યારે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અમદાવાદમાં સ્થાયી થયેલા મૂળ રાજસ્થાનના ગુર્જર છે.
વ્યવસાયિક રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે નથી જોડાયા, પરંતુ તેમણે ગુજરાતની ચૂંટણી માટે કૉંગ્રેસને PODAMનું સૂત્ર આપ્યું હતું, જેમાં P - પટેલ, O - ઓબીસી, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનોનો સમાવેશ થતો હતો. પાર્ટી એ સૂત્ર પર જ આગળ વધી રહી હોય તેમ જણાય છે.
આ સિવાય કૉંગ્રેસે ચૂંટણીવર્ષમાં આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિધાનભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે, જ્યારે ઓબીસી નેતા જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે.
એટલે જ હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખોડલધામના માધ્યમથી સક્રિય પાટીદાર નેતા નરેશ પટેલને પાર્ટીમાં લાવવાની ચર્ચા હતી. આ માટે કિશોર અને પટેલ વચ્ચે દિલ્હીમાં બેઠક પણ થઈ હતી.
પરંતુ હાલ પૂરતું તેની ઉપર ગુરુવિરામ મૂકાઈ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન નરેશ પટેલ રાજકારણમાં આવશે તેવી (2012, 2014, 2017, 2021 અને 2022ની ચૂંટણીઓની જેમ) ફરી એક વખત ચર્ચા થઈ શકે છે.

ફરી PHAK ?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીના મતે, "યુપી બિહારની જેમ જ ગુજરાતમાં પણ જ્ઞાતિ-જાતિનાં સમીકરણ ચૂંટણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ગુજરાતમાં OPTનું (ઓબીસી, પાટીદાર અને ટ્રાઇબલ) સમીકરણ એ 'નવ ખામ' ગણિત છે. જેને સાધવા ભાજપ અને કૉંગ્રેસ પ્રયાસરત રહે છે."
"ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપનો ઓબીસી અને આદિવાસી જનાધાર ન હતો, ધીમે-ધીમે તેને વિસ્તારવા માટે ભાજપે પ્રયાસ હાથ ધર્યા છે, આ સિવાય હિંદુત્વ તેનું સૌથી મોટું હથિયાર છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ઓબીસી અને પટેલો સામે-સામે રહેતા. KHAM સમીકરણને સ્થાન ન હતું, એટલે અન્ય સમુદાયો ભાજપ તરફ વળ્યા હતા."
"કૉંગ્રેસે પણ KHAMને ત્યજીને OPT દ્વારા પાટીદારોને સન્માનજનક સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ તેના મૂળ જનાધારને આઘાત પહોંચાડ્યા વગર આ સમીકરણને સરળતાપૂર્વક સાધવામાં સફળ રહ્યો છે, જ્યારે પાટીદારોને આકર્ષવા જતાં કૉંગ્રેસના ક્ષત્રિય અને મુસ્લિમ જનાધારને આઘાત પહોંચ્યો છે."
બીજી બાજુ, ભાજપ ઉત્તર-મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પેઠ વધાર્યા બાદ દક્ષિણ ગુજરાતના દિગ્ગજ કૉંગ્રેસી ધારાસભ્યોને સાધીને આદિવાસી વિસ્તારમાં પેઠ વધારવા માટે પ્રયાસરત છે.
ડૉ. ખાનનું આકલન છે કે 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે જે બેઠકો 1,500થી પાંચ હજારના મતના માર્જિનથી જીતી હતી કે હારી હતી, તે બેઠક ઉપર ફરીથી PHAK સમીકરણ સાધવા પ્રયાસ કરી શકે છે. ગત વર્ષે મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા તેમના સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, એ પછી જે મંત્રીમંડળનું ગઠન થયું છે, તે પણ આ દિશામાં જ અણસાર આપે છે. બારિક રીતે જોવામાં આવે તો તેમાં PHAKમાં 75 ટકા KHAM તો છે જ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













