ઈસુદાન ગઢવી : એક ખેડૂતપુત્રની પત્રકારથી AAPના CM પદના ઉમેદવાર બનવા સુધીની સફર

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

- આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં પક્ષના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા
- જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા ખેડૂતપુત્ર ઈસુદાન આખરે પત્રકાર બન્યા હતા
- તેમણે પત્રકાર બનવાનું નક્કી કરી નાખેલું અને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવેલો
- 2016માં વીટીવી જેવી અગ્રણી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા પછી કારકિર્દીને મહત્ત્વનો વળાંક મળ્યો
- 'મહામંથન' ડિબેટ શોની લોકપ્રિયતા સાથે ઈસુદાનની લોકપ્રિયતા પણ વધી
- આસપાસના લોકોની પીડા, પ્રજાની મુશ્કેલીઓ માટે આપણે શું કરી શકીએ એવું વિચારનારા લોકોને ઘણી વાર લાગતું હોય છે કે છેવટે તો સિસ્ટમમાં હિસ્સો બનવું પડશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીને પક્ષનો ચહેરો બનાવ્યા છે. કેજરીવાલે 29 ઑક્ટોબરે સુરતમાં પત્રકારપરિષદ યોજીને લોકોને પૂછ્યું હતું કે લોકો કોને મુખ્ય મંત્રી તરીકે જોવા માગે છે.
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીને પક્ષનો ચહેરો બનાવ્યો છે. કેજરીવાલે 29 ઑક્ટોબરે સુરતમાં પત્રકારપરિષદ યોજીને લોકોને પૂછ્યું હતું કે લોકો કોને મુખ્ય મંત્રી તરીકે જોવા માગે છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદનો ચહેરો બનવા માટે પક્ષપ્રમુખ ગોપાલ ઈટાલિયા, મહાસચિવ મનોજ સોરઠિયા જેવાં નામો રેસમાં હતાં. જોકે, સર્વેમાં ભાગ લેનારા લોકોએ બહુમતથી ઈસુદાન પર પસંદગી ઉતારી હતી.

ઘટનાઓના સમાચાર આપનાર પત્રકાર જ્યારે સમાચાર બને તે પણ એક ઘટના બની જતા હોય છે.
14 જૂન 2021ના રોજ ગુજરાતની એક ટીવી ચેનલના પત્રકાર ઈસુદાન ગઢવી પણ સમાચાર બની ગયા અને આમ આદમી પાર્ટી (આપ)માં જોડાવું એ એક ઘટના બની ગઈ.
પ્રાદેશિક ભાષાની ટીવી ન્યૂઝ ચેનલમાં પ્રાઇમ ટાઇમ ડિબેટ 'મહામંથન'માં લોકોને સ્પર્શતા મુદ્દા પર સત્તાધીશોને સવાલ કરીને ઈસુદાન ગઢવીએ દર્શકોના મનમાં પોતાની એક અલગ ઓળખ વિકસાવી અને એ જ ઓળખે તેમને લોકોના પ્રશ્નોને વાચા આપતા, તેમના માટે સવાલ પૂછતા, એક પત્રકારમાંથી એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે રાજકારણમાં જોડાયેલા નેતા તરીકે પણ જનમાનસમાં સ્વીકૃતિ અપાવી.
આમ છતાં જામખંભાળિયાના પીપળિયા ગામના એક ખેડૂતપુત્રમાંથી ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત પણ એક વિકલ્પ તરીકે પોતાને રજૂ કરી રહેલા પક્ષ આપમાં રાષ્ટ્રીય સહ-મહામંત્રી બનનારા ઈસુદાન ગઢવીની સફર વિશે ખૂબ ઓછા લોકોને માહિતી હશે.
ઈસુદાન ગઢવી જેવા પત્રકાર આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવા સમાચારો બ્રેકિંગ ન્યૂઝની જેમ ચાલેલા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ એમ કહીને ઍરપૉર્ટ પર બ્રેકિંગ ન્યૂઝ આપ્યા હતા કે, "મને હમણાં કોઈએ આવીને એવું કહ્યું કે ઈસુદાન તો ગુજરાતના કેજરીવાલ છે."
કેજરીવાલ રાજકારણમાં એક ઘટના તરીકે આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે જુદાં જુદાં રાજ્યોમાં કયા નેતાઓને રાતોરાત સફળતા મળી તેની પણ ચર્ચા થવાની.

નેતૃત્વક્ષમતાનું ઘડતર

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
જામનગરમાં કૉલેજ કર્યા પછી પત્રકારત્વનું ભણવું છે એવું ઈસુદાને નક્કી કરેલું.
2003માં કૉલેજ દરમિયાનનો એક કિસ્સો પણ અગત્યનો છે. ઈસુદાન કૉલેજમાં ભણતા હતા ત્યારે એક પત્રકાર ત્યાંની મુલાકાતે આવેલા.
કૉલેજિયન્સ સાથે પત્રકારની મુલાકાત અને ચર્ચાઓ થયેલી. ઈસુદાનને લાગ્યું કે આ સારું કહેવાય કે એક પત્રકાર ભલભલાને સવાલો પૂછી શકે.
એથી એ વખતે જ તેમણે પત્રકાર બનવાનું નક્કી કરી નાખેલું અને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવેલો.
ગૂજરાત વિદ્યાપીઠમાં આજેય વિદ્યાર્થીઓને ભણાવવા કરતાંય ઘડવા પર ભાર મૂકવાની વાતો થાય છે.
વિદ્યાપીઠનો માહોલ અલગ હોય છે, અને તેમાં ઘણી વાર નાના ગામમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે નવી દુનિયા પણ ખૂલતી હોય છે.
વિદ્યાપીઠમાં જુદા જુદા વિભાગોમાં સીઆર (સ્ટુડન્ટ રિપ્રેઝન્ટેટિવ) ચૂંટાયા પછી તેમાંના મોટા ભાગના સીઆરે ભેગા થઈને ઈસુદાનને એવું કહ્યું કે તમે જીએસ બનો.
જીએસ એટલે જનરલ સેક્રેટરી બનીને શું કરવાનું? સહપાઠીઓનું એવું કહેવું હતું કે વિદ્યાર્થીઓની નાની મોટી મુશ્કેલી સાથે આપણે વિદ્યાપીઠના સંચાલકો પાસે જઈને રજૂઆતો કરીએ છીએ એ જ કરવાનું હોય, પણ હવે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે સત્તાવાર રીતે મુદ્દાઓ મૂકી શકાય છે.
કુદરતી રીતે નેતૃત્વના ગુણના કારણે વિદ્યાર્થીઓએ જ આગળ કર્યા અને સિસ્ટમનો ભાગ બનીને નાના મોટા મુદ્દાની ચર્ચા કરીને કેવી રીતે ઉકેલો પણ લાવી શકાય તેનો એ એક નાનકડો અનુભવ હતો.
જોકે સમાજને સમગ્ર રીતે અસર કરતી વ્યાપક રાજકારણમાં પ્રવેશવાને હજી બહુ વાર હતી.

પિતાના કહેણથી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB
જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા ખેડૂતપુત્ર ઈસુદાન આખરે પત્રકાર બન્યા.
પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને તે દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું તે ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી.
કદાચ પિતાની એ ઇચ્છાથી પત્રકારત્વ ચાલતું રહ્યું. ઈટીવી ત્યારે ગુજરાતમાં પ્રથમ ટીવી ચેનલ હતી અને તેમાં સમાચારો પણ આવતા હતા.
વાપીમાં રહીને દક્ષિણ ગુજરાતના અહેવાલો તેમણે આપેલા. દરમિયાન જંગલોમાં ચાલતો ભ્રષ્ટાચાર સહિતના ઘણા ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો પણ ઈસુદાને આપેલા.
જોકે રાજકારણની જેમ પત્રકારત્વમાં પણ ધીરજ જોઈએ. ઈટીવીમાં સંવાદદાતા તરીકે જોડાયા બાદ અમદાવાદમાં 2015ના વર્ષમાં એ ચેનલનું ન્યૂઝ-18 નામકરણ થયું ત્યારે ઈસુદાન બ્યૂરો ચીફ બન્યા.
2016માં વીટીવી જેવી અગ્રણી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા પછી કારકિર્દીને મહત્ત્વનો વળાંક મળ્યો.
ઉપર ઉલ્લેખ કર્યો તે 'મહામંથન' ડિબેટ શૉની લોકપ્રિયતા સાથે ઈસુદાનની લોકપ્રિયતા પણ વધી.

ટીવી ડિબેટના પ્રેઝન્ટર તરીકે પ્રસ્થાપિત

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB
ઈસુદાન ગઢવી પોતે બ્રેકિંગ ન્યૂઝ અને ગુજરાતી ટીવી ડિબેટનું એક પ્રસ્થાપિત નામ બની ગયા હતા.
વીટીવી પર આવતા પ્રાઇમ ટાઇમ ડિબેટ 'મહામંથન' અને તેના ઍન્કર તરીકે ઈસુદાન ગઢવીની મજબૂત ઓળખ ઊભી થઈ.
તેનું મુખ્ય કારણ એ હતું કે 'મહામંથન'માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી.
પાકવીમાના પ્રશ્ને ગુજરાતના ખેડૂતો 'લૂંટાઈ ગયા' ત્યારે આ મુદ્દો ખેડૂતો સમજી શકે અને ખેડૂતોની વ્યથાને વાચા આપી શકે તે રીતે અનેક ડિબેટ 'મહામંથન'માં થઈ તેના કારણે તાલુકામથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ઈસુદાનનું ફેન ફૉલોઇંગ ઊભું થયું હતું.
ખેડૂતો માટે સહકારી બૅન્કમાંથી ધિરાણ મેળવવું એ એક કડાકૂટવાળો વિષય અને જૂની-નવી-જૂની-નવી એટલું શું તે માટે ટીવીના કેટલાક દર્શકોએ માથું ખંજવાળવું પડે, પણ ખેડૂતવર્ગ અને નાનાં ગામોના લોકો તેને સારી રીતે સમજી શકે.
વાવણીનો સમય આવે તે પહેલાં ખેડૂતોને સહકારી બૅન્કોમાંથી ધિરાણ મળે, પણ નવું ધિરાણ એટલે કે નવી લૉન લેતા પહેલાં જૂની લૉન પૂરી કરવી પડે. એટલે વ્યાજે પૈસા લઈને જૂની લોન પૂરી કરવાની અને પછી નવી લોન આવે ત્યારે વ્યાજ સાથે દેવું ચૂકવવાનું.
માગણી એવી હતી કે વચ્ચેના સમયગાળા પૂરતી આ કડાકૂટ ટાળવા માટે જૂનું ધિરાણ હોય ત્યારે પણ નવી લોન આપી દેવાની અને જૂના હપ્તા બાકી હોય તે વસૂલ કરી લેવાના.
એ વિષય માટે પોતે ઘણી મથામણ કરી હતી તેને યાદ કરતાં ઈસુદાન ગઢવી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ખેડૂતો સતત આવીને રજૂઆત કરતા હતા કે આનું કાંઈક કરો. ડિબેટો તો બહુ કરી અને પછી સરકારને પણ કહેલું કે આમાં વ્યવહારુ રસ્તો નીકળે એમ છે. પણ કોઈ કશું કરવા તૈયાર નહોતા - એવું ના થાય એવો જ જવાબ મળે."

સિસ્ટમ બદલવા સિસ્ટમનો ભાગ બનવું પડે

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB
વ્યક્તિમાં ઘણી વાર કુદરતી રીતે નેતૃત્વના ગુણ પણ હોય છે. આસપાસના લોકોની પીડા, પ્રજાની મુશ્કેલીઓ માટે આપણે શું કરી શકીએ એવું વિચારનારા લોકોને ઘણી વાર લાગતું હોય છે કે છેવટે તો સિસ્ટમમાં હિસ્સો બનવું પડશે.
ઈસુદાનને આ બાબતનો જુદી રીતે અનુભવ થયેલો. ખેડૂતોના પ્રશ્નો, ખેતમજૂરો અને કામદારોના પ્રશ્નો, મધ્યમવર્ગના પ્રશ્નો વચ્ચે કોરોના મહામારી આવી અને તે વખતે કઈ રીતે તંત્ર પડી ભાંગ્યુ તે સૌએ જોયું હતું.
પત્રકારોએ તેને બહુ નજીકથી જોયું, કેમ કે મહામારી વચ્ચે પણ ક્યાં શું ચાલી રહ્યું છે તે નજરે જોવા પત્રકારો ફરતા રહ્યા હતા.
ઈસુદાન ગઢવી કહે છે, "વર્ષો સુધી વિકાસની વાતો પછી પણ રોગચાળામાં તંત્ર આટલું લાચાર થઈ જાય ત્યારે આપણને પણ લાચારીનો અનુભવ થાય. પત્રકારો અહેવાલો આપે, સરકાર ભીંસમાં આવીને પ્રયત્નો પણ કરે, પરંતુ સિસ્ટમને જ લૂણો લાગેલો હોય ત્યારે ઉકેલ ક્યાંથી આવવાનો?"
તો પછી ઉકેલ ક્યાંથી મળે? એનું મનોમંથન ચાલ્યું અને તેના કારણે આખરે પોતાને લાગ્યું કે સક્રિય રાજકારણમાં જવું જરૂરી છે.
પરંતુ એક પત્રકાર તરીકે, તંત્રી તરીકે અને ઍન્કર તરીકે ચીલાચાલુ રાજકારણને સતત વખોડ્યું હોય ત્યારે કયા પક્ષમાં જવું?
ઈસુદાન કહે છે, "પત્રકાર તરીકે વિષયને સમજવા મથામણ કરી હોય ત્યારે લાગે કે કેટલાક વહેવારુ ઉકેલો તો આમાંથી નીકળે એમ છે. જો સરકાર અમુક પ્રકારની પૉલિસીઓ બનાવે તો પ્રજાની ઘણી નાની મોટી તકલીફો દૂર થાય. પરંતુ સ્થાપિત પક્ષોમાં એવો લૂણો લાગેલો હોય છે કે પ્રજાલક્ષી પૉલિસીઓ તૈયાર થતી નથી."
"મને પ્રજાલક્ષી પૉલિસીઓ લાવી શકે તેવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેખાણી એટલે તેમાં જોડાવાનો નિર્ણય આખરે કર્યો હતો."

રાજકારણના આટાપાટા

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB
જોકે પત્રકારત્વની સંવેદનશીલતા રાજકારણમાં કામ આવતી નથી. રાજકારણ બહુ કપરું છે અને અહીં ઘટનાક્રમો કેવી રીતે આકાર લેશે તેની કલ્પના પણ નથી હોતી.
ગુજરાતમાં સરકારી ભરતી માટે પરીક્ષા યોજાય અને વારેવારે પેપરો ફૂટી જાય.
યુવાનોમાં ભયાનક હતાશાનો માહોલ હતો અને વધુ એક પેપર ફૂટ્યાના મામલે ઊહાપોહ ચાલી રહ્યો હતો ત્યારે ડિસેમ્બર 2021માં આપના 500 જેટલા કાર્યકરો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી જેવા નેતાઓની આગેવાનીમાં ભાજપના કાર્યાલય કમલમમાં ધસી ગયા હતા.
પોલીસ લાઠીચાર્જ કરવો પડેલો અને આ ધમાલમાં ઈસુદાને દારૂ પીને છેડતી કરી તેવા આરોપો લગાવી દેવાયેલા.
આ મામલો બહુ જ ઉગ્ર બનેલો. એ જ રીતે મહેશ સવાણી આપમાં જોડાયા તે પછી સૌરાષ્ટ્રમાં પ્રવાસો શરૂ થયેલા. ત્યારે પણ આપના કાફલા પર હુમલો થયો અને આપને કાર્યકરો પોલીસ સ્ટેશને આખી રાત બેસી રહેલા.
પત્રકાર રાજકારણમાં આવે તે નવી વાત નથી. આમ આદમી પાર્ટીના બીજા નેતા મનીષ સિસોદિયા પણ મૂળ તો પત્રકાર.
અરુણ શૌરી પત્રકાર તરીકેનું બહુ મોટું નામ અને ભાજપે તેમને આવકાર્યા હતા. આ ઉપરાંત ભાજપની સરકારમાં મંત્રી તે છેડતીના આરોપી એમ. જે. અકબર પણ મોટા ગજાના પત્રકાર હતા.
વાજપેયી અને અડવાણીની પણ એક ઓળખ પત્રકાર તરીકેની અપાતી રહી છે. જોકે, ગુજરાતમાં ઇસુદાનને કેવી સફળતા મળશે તેની કસોટી આ ચૂંટણીમાં થવાની છે.
પત્રકાર તરીકેની લોકપ્રિયતા ઉપરાંત સમગ્ર રીતે પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને કેવી અને કેટલી પસંદ પડે છે તેના પર સમગ્ર આધાર છે.
ઈસુદાન ગઢવી જેવા નેતાઓએ પત્રકારત્વની સફળ કારકિર્દી, ટોચ પર હતા ત્યારે છોડીને, સક્રિય રાજકારણનો પડકાર ઉપાડ્યો છે ત્યારે કેટલી અને કેવી સફળતા મળશે તે માટે પણ પરિણામોની જ રાહ જોવાની રહેશે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નહીં)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













