ગુજરાત : જ્યારે લતીફના નામે કેશુભાઈ પટેલે 'મત માગ્યા'

ઇમેજ સ્રોત, Facebook/Bombay Underworld
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં અંડરવર્લ્ડની વાત આવે એટલે અબ્દુલ લતીફના નામની ચર્ચા થાય જ. અમદાવાદના ગરીબ પરિવારમાં જન્મેલા લતીફે દારૂના વ્યવસાયથી શરૂઆત કરી હતી અને ઉગ્રવાદના આરોપી સુધીની ગુનાખોરીની સફર ખેડી હતી.
જાણકારોનું કહેવું છે કે આ સમગ્ર સફર દરમિયાન લતીફને રાજનેતાઓ અને પોલીસ અધિકારી-કર્મચારીનો સહકાર મળતો રહ્યો, જેના આધારે બુટલેગરથી ડૉન સુધી સફર ખેડી હતી.
મુંબઈના અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને પણ જીવનના એક તબક્કે લતીફના નામથી ધ્રૂજારી છૂટતી હતી અને તેની પાછળ અમદાવાદમાં બનેલી એક ઘટના જવાબદાર હતી. આગળ જતાં તે દુશ્મની મૈત્રીમાં બદલાઈ જવાની હતી.
બોલીવૂડ ફિલ્મોમાં બને છે તેમ રાજનેતાઓની મદદ કરતા-કરતા ખુદ લતીફને પણ નેતા બનવાના અભરખા જાગ્યા હતા. જે ચૂંટણીમાં લતીફનો રાજકીય સિતારો બુલંદ થયો એ જ ચૂંટણીમાં ભાજપના બે નેતાઓનો પણ ઉદય થયો, જેઓ આગળ જતાં ગુજરાત જ નહીં દેશના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવાના હતા .
માત્ર અમદાવાદ જ નહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ લતીફના નામની ચર્ચા રહેતી. ભાજપના નેતા લતીફનું નામ આગળ કરીને મત માગતા હતા, અલબત નકારાત્મક રીતે. આગળ જતાં આ 'મોડલ' લગભગ દરેક ચૂંટણીમાં એક યા બીજી રીતે વપરાવાનું હતું.

સંક્ષિપ્તમાં: જ્યારે લતીફના નામે કેશુભાઈ પટેલે મત માગ્યા

- લતીફનો જન્મ અદાવાદના કાળુપુર વિસ્તારમાં થયો હતો. એક જ કમાનાર તથા સાત ખાનાર હોવાને કારણે લતીફે ખૂબ જ નાની ઉંમરે જુગારના અડ્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું
- વીરમગામના રમાઝાન નામના શખ્સે લતીફની મુલાકાત તત્કાલીન બૉમ્બેની પઠાણ ગૅંગના આલમઝેબ અને અમીરઝાદા સાથે કરાવી
- વર્ષ 1981માં પઠાણ ગૅંગે સબીર ઇબ્રાહિમ કાસકરની હત્યા કરી હતી અને નાસતો ફરતો હતો
- 1983માં સુનાવણી બાદ દાઉદ, અન્ય બે આરોપી તથા એક પોલીસ અધિકારી વડોદરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નારોલ વિસ્તારમાં આ હિલચાલની બાતમી લતીફને મળી હતી. સુરતમાંથી પરત ફરી રહેલા આલમઝેબને પણ આ હિલચાલની ટીપ મળી હતી. એટલે 'ફિલ્ડિંગ' ગોઠવવામાં આવી. દાઉદની ઉપર હુમલો તો થયો, પરંતુ નસીબ જોગે તે બચી ગયો. આગળ જતાં દાઉદે પઠાણ ગૅંગને ખતમ કરી નાખી
- કેવી રીતે લતીફના નામે ભાજપે મતો મેળવ્યા તે જાણવા માટે વાંચો આ અહેવાલ...


લતીફ ન રહ્યો 'લતીફ'

ઇમેજ સ્રોત, PTI
ડિક્ષનરી અર્થ મુજબ લતીફનો મતલબ 'સદ્દગુણી', 'પવિત્ર' અને 'ઉત્તમ' એવો થાય છે, પરંતુ કિસ્મતે એવા ખેલ ખેલ્યા હતા કે અબ્દુલ લતીફે બુટલેગિંગના ધંધાથી શરૂઆત કરી અને આગળ જતાં ઉગ્રવાદ સુધી વિસ્તાર્યો.
લતીફનો જન્મ અદાવાદના કાળુપુર વિસ્તારમાં થયો હતો. એક જ કમાનાર તથા સાત ખાનાર હોવાને કારણે લતીફે ખૂબ જ નાની ઉંમરે જુગારના અડ્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
જોત-જોતામાં મૅનેજર અને પછી પોતે જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દમણ સહિતના રાજ્યોમાંથી દારૂ મંગાવીને તેને ગુજરાતમાં ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના બુટલેગર પોતાની રીતે 'માલ' મંગાવવાના બદલે લતીફ પાસેથી ખરીદવા લાગ્યા હતા. આ કામમાં પોલીસ અને રાજનેતાઓના લતીફને આશીર્વાદ હતા. (દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર નીરજ કુમારના દ્વારા લતીફ ન રહ્યા 'લતીફ' વૃત્તાંતમાં કરેલા વર્ણનના આધારે)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય રાજ્યોમાં નેટવર્ક વિસ્તરતા ગયા. આ અરસામાં વીરમગામના રમાઝાન નામના શખ્સે લતીફની મુલાકાત તત્કાલીન બૉમ્બેની પઠાણ ગૅંગના આલમઝેબ અને અમીરઝાદા સાથે કરાવી હતી. વર્ષ 1981માં પઠાણ ગૅંગે સબીર ઇબ્રાહિમ કાસકરની હત્યા કરી હતી અને નાસતો ફરતો હતો.
આ સબીર એટલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો મોટો ભાઈ. આ અરસામાં લતીફે અમદાવાદમાં તેને આશરો આપ્યો હતો. આમ તેમની નિકટતા વધી હતી. દાઉદની ઉપર ગુજરાતમાં 'કોફેપાસા' (દાણચોરી વિરોધી કાયદો) હેઠળ કેસ ચાલી રહ્યો હતો. દાઉદને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રાખવામાં આવ્યો હતો, જ્યારે તેમનો કેસ વડોદરામાં ચાલી રહ્યો હતો.
દાઉદને એ વાતની જાણ હતી કે અમદાવાદથી વડોદરાની વચ્ચે જમાલપુર વિસ્તાર પણ આવે છે, જે લતીફના પ્રભાવવાળો વિસ્તાર છે. શરૂઆતમાં દાઉદની સાથે કડક જાપ્તો રહેતો, પરંતુ ધીમે-ધીમે તે ઘટવા લાગ્યો હતો, એટલે તેની સતર્કતા વધી ગઈ હતી. અંદરખાને લતીફનો ડર પણ હતો.
1983માં સુનાવણી બાદ દાઉદ, અન્ય બે આરોપી તથા એક પોલીસ અધિકારી વડોદરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નારોલ વિસ્તારમાં આ હિલચાલની બાતમી લતીફને મળી હતી. સુરતમાંથી પરત ફરી રહેલા આલમઝેબને પણ આ હિલચાલની ટીપ મળી હતી. એટલે 'ફિલ્ડિંગ' ગોઠવવામાં આવી.
દાઉદની ઉપર હુમલો તો થયો, પરંતુ નસીબ જોગે તે બચી ગયો. આગળ જતાં દાઉદે પઠાણ ગૅંગને ખતમ કરી નાખી.

પોલિટિક્સમાં પા...પા...પગલી

ઇમેજ સ્રોત, Getty Images
1985માં અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. અત્યારસુધીમાં લતીફે ઠીકઠાક પૈસા બનાવી લીધા હતા અને તેણે ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સપૉર્ટેશન, ડિલિવરીના નૅટવર્કમાં પોળના છોકરાને કામે રાખ્યા હતા.
લાઇફસ્ટાઇલમાં પરિવર્તન આવી ગયું હતું. વિશ્વાસુ માણસો મેળવવા તથા તેમને સાચવવા માટે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં કોમની નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરતો અને જરૂર પડ્યે પડખે ઊભો રહેતો.
1985માં હિંદુ-મુસ્લિમ હુલ્લડ થયાં હતાં, આ સમયે લતીફ મુસ્લિમોની પડખે ઊભો રહ્યો હતો અને પ્રતિકાર કરવામાં પણ મદદ કરી હતી. આ કામમાં કથિત રીતે તેમને તત્કાલીન સરકારની રાજકીય ઓથ પણ હતી.
મુંબઈની ડોંગરીનો યુવાન જો દાઉદ બનવાનું સપનું જોતો તો અમદાવાદની પોળના યુવાનો માટે લતીફ અને તેની લાઇફસ્ટાઇલ 'રોલ મૉડલ' હતા.
એ હુલ્લડોને કારણે પોળ વિસ્તારમાંથી હિંદુઓ અને જૈનોનું પલાયન થયું હતું અને તેઓ વેપાર-ધંધાથી દૂર નવા અમદાવાદમાં કે હાઉસિંગ બૉર્ડના મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. લતીફને કારણે બેઘર થવું પડ્યું હોવાનું એક વર્ગ માનતો હતો.
વધુમાં રામ મંદિર આંદોલનની શરૂઆત થઈ રહી હતી અને કટ્ટરવાદીઓના દબાણ હેઠળ રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ઉથલાવી નાખ્યો હતો. આ બધા પરિબળોનું એક 'કોકટેલ' રચાયું હતું, જેનો પહેલી વખત પરિચય અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન થવાનો હતો.
એક જૂના કેસમાં લતીફ જેલમાં બંધ હતો, પરંતુ માતાનું અવસાન થતા તે બહાર આવ્યો હતો. આ અરસામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ અને તેણે મુસ્લિમ બહુમતીવાળી પાંચ-પાંચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી.
વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર પ્રશાંત દયાળના કહેવા પ્રમાણે, "લતીફે દરિયાપુર, કાલુપુર, દાણીલીમડા, જમાલપુર અને રાયખડ એમ પાંચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીપરિણામો આવ્યા ત્યારે કૉંગ્રેસ તથા ભાજપ ચોંકી ગયા હતા. લતીફનો તમામ પાંચ બેઠક પર વિજય થયો હતો."
"નિયમ પ્રમાણે કોઈ એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ હોઈ લતીફે દરિયાપુરની બેઠક જાળવી રાખી હતી અને કાલુપુર, દાણીલીમડા, જમાલપુર અને રાયખડની બેઠકો ખાલી કરી હતી. આ રાજીનામાને કારણે ભાજપના ભામિની પટેલ (કાલુપુર), ગુરૂપ્રસાદ નાયડુ (રાયખડ), કૉંગ્રેસના ઇમ્તિયાઝ કાદરી (જમાલપુર) અને જનતાદળના કાંતીભાઈ પરમાર (દાણીલીમડા) કૉર્પોરેટર બન્યા હતા."
પ્રશાંત દયાળે 'લતીફ : દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે બુટલેગરથી સ્મગલર અને રાજનેતાથી ઉગ્રવાદના આરોપી બનવા સુધીની સફર વિશે છણાવટ કરી છે.

ભાજપના બે સિતારા ચમક્યા

ઇમેજ સ્રોત, Twitter/Gaurav__2016
1987માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પાંચ બેઠક પરથી લડી હતી અને જેલમાં હોવા છતાં તેનો વિજય થયો હતો.
એ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા કૉંગ્રેસ અને જનતાદળ વચ્ચે હતી અને ભાજપ ડાર્ક હૉર્સ હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે ભાજપે પહેલી વખત આ મહાનગરપાલિકા આંચકી લીધી. એ ચૂંટણીમાં કૉંગ્રેસનું પતન શરૂ થયું, જે આગળ જતાં ચાલુ રહેવાનું હતું. ભાજપની આ જીતના બે સૂત્રધાર હતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ.
'મોદી@20 - ડ્રીમ્સ મીટ ડિલિવરી'માં ગૃહ મંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી વિશે આખું પ્રકરણ લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે નરેન્દ્ર મોદી સાથે મારી પહેલી મુલાકાત વર્ષ 1987માં થઈ હતી. તેમને સંઘમાંથી ભાજપના સંગઠનસચિવ તરીકે નિમવામાં આવ્યા હતા.
તેઓ લખે છે કે 'અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ હતી. હું અમદાવાદ ભાજપનો સચિવ હતો. પૃષ્ઠભૂમિ જોઈએ તો દેશભરમાં કૉંગ્રેસનું એકહથ્થું શાસન હતું. કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતા.'
'એવા સમયે નરેન્દ્ર મોદીએ અમને ઊંચું વિચારવા તથા વ્યવસ્થિત યોજના ઘડવા માટે સમજાવ્યા. તેમણે ચૂંટણી અને મતદાતા વિશેની અમારા કલ્પના અને વિચારને બદલી નાખ્યા. મેં તેમને નજીકથી સાંભળ્યા અને તેમના કહેવા પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દીધું. તેમણે પક્ષની શક્તિ ઉપરાંત સંઘના નૅટવર્કનો ઉપયોગ કરીને મૉબિલાઇઝેશન કરવા માટે અમને પ્રેરિત કર્યા. પરિણામ આશ્ચર્યજનક હતું. ભાજપને ન કેવળ બહુમતી મળી, પરંતુ મેયરનું પદ પણ મળ્યું.'

મોદી-શાહનું 'લતીફ' મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના KHAM, જ્યારે ચીમનભાઈ પટેલની જનતા દળ 'KoKaM' સમીકરણ સાધવા માટે પ્રયાસરત હતા, જેના કારણે હિંદુ મત વિભાજીત થઈ ગયા હતા. તેમને એક કરવા માટે ભાજપ તથા સંઘને એક પરિબળની જરૂર હતી, જે તેમને લતીફના સ્વરૂપે મળ્યું હતું. 1987ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મોદી, શાહ, હરેન પંડ્યા સહિતના પ્રચારકોએ લતીફનું નામ લઈને લોકોને હુલ્લડોની યાદ અપાવી હતી.
રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકના કહેવા પ્રમાણે, "લતીફના નામનો ઉપયોગ કોમના પ્રતિનિધિ તરીકે પ્રચાર દરમિયાન કરવામાં આવ્યો હતો. જેનો હેતુ મતોનું ધ્રુવીકરણ કરવા માટેનો હતો" આ વાતનો ઉલ્લેખ તેઓ પોતાના પુસ્તક 'અમદાવાદ ફ્રૉમ અ રોયલ સિટી ટુ મૅગા સિટી'માં પણ કર્યો છે.
1989માં ભાજપ અને જનતા દળે ગઠબંધનથી સરકાર બનાવી હતી અને કેશુભાઈ પટેલ નાયબમુખ્ય મંત્રી બન્યા હતા. આ અરસામાં ભાજપે લતીફના મુદ્દાને કોરાણે મૂકી દીધો હતો. ચીમનભાઈના અવસાન પછી લતીફની મુશ્કેલીઓ વધી હતી.
1993માં એલિસબ્રિજ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર હરેન પંડ્યાએ લતીફના નામનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તેમને મળેલી સરસાઈએ 1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાને ઉઠાવવા ભાજપને પ્રેરિત કર્યો હતો.
કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ સહિતના નેતાઓ કહેતા કે 'મતદાન કરવા જાવ, ત્યારે લતીફને યાદ રાખજો.' લતીફના નામે મતોનું ધ્રુવીકરણ કરવાનો આ પ્રયાસ હતો. જે સફળ રહ્યો હતો. 182 ધારાસભ્યોની વિધાનસભામાં ભાજપને બે-તૃતીયાંશ બહુમતી મળી હતી.
2002માં ગોધરાકાંડ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 'મિયાં મુશર્રફ' તથા 2007માં 'સોહરાબુદ્દીન શેખ'ના નામે 1987ના 'મોડલ'ને આગળ ધપાવ્યું હતું.
2012માં નરેન્દ્ર મોદી અને 2017માં અમિત શાહે 'આલિયા, માલિયા અને જમાલિયા હુલ્લડ કરાવી નથી શકતા' જેવા શબ્દપ્રયોગ કર્યા હતા. આ 'શબ્દસમૂહ'ના નિહિતાર્થ હતા, જેને સમજવા માટે રાજકારણની ઊંડી સમજની જરૂર ન હતી.

અંતનો આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
1980ના મધ્યભાગ પછીથી સમયને જોઈને લતીફે પણ દાઉદ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું. નવેમ્બર-1989માં દાઉદે લતીફ અને તેના સાથીઓને દુબઈ બોલાવ્યા હતા, જ્યાં એક મૌલાનાએ પરસ્પરની દુશ્મનાવટને ભૂલીને એકબીજા માટે કામ કરવાના સૌગંધ ખવડાવ્યા હતા. અન્ય કેટલાકના મતે, દાઉદ અને લતીફે સરખેજની એક મસ્જિદમાં કુરાન ઉઠાવી હતી.
દાઉદનો સોના-ચાંદી તથા અન્ય કિંમતી સામાન ગુજરાતના બંદરે ઉતરે તેને સલામત રીતે પહોંચાડવાનું કામ લતીફે ઉપાડી લીધું હતું. બુલટેગર લતીફે હવે સ્મગલિંગની દુનિયામાં ડગ માંડી દીધા હતા.
આવી જ એક ખેપમાં આરડીએક્સ, હેન્ડગ્રૅનેડ અને એકે શ્રેણીની રાયફલો ગુજરાતમાંથી બોમ્બે પહોંચી હતી, જેણે માર્ચ-1993માં મુંબઈમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. બૉમ્બે પોલીસની તપાસમાં લતીફનું નામ ખુલ્યું હતું અને તેણે અંડરગ્રાઉન્ડ થઈ જવું પડ્યું હતું.
1995માં લતીફના નામે ભાજપે મત લીધા, પરંતુ સત્તા ટકાવી ન શક્યો. આંતરિક બળવો થયો અને શંકરસિંહ વાઘેલાએ રાજપાની સ્થાપના કરીને સત્તા મેળવી. નવેમ્બર-1997માં રાજપ-કૉંગ્રેસની યુતિ સરકારના કાર્યકાળ દરમિયાન પોલીસ ઍન્કાઉન્ટરમાં લતીફનું મૃત્યુ થયું. જેની સત્યતા ઉપર વિવાદ પણ થયો હતો.
(લતીફ ન રહ્યા 'લતીફ' વૃત્તાંત નિરજ કુમારના પુસ્તક 'ડાયલ ડી ફૉર ડૉન'ના આધારે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













