ચીમનભાઈ પટેલ : કૉંગ્રેસના એ પૂર્વ CM જેણે ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર રચવામાં મદદ કરી

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાઈ રહી છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહી છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના સ્વરૂપે ત્રીજો વિકલ્પ રાજકીય પરિદૃશ્ય પર ઊભરી રહ્યો છે.

ચૂંટણીની કવાયતમાંથી કૉંગ્રેસની ગેરહાજરી તથા પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવતાં બિનપરંપરાગત તથા ગેરિલ્લા પ્રચારઅભિયાનો તેને નોંધપાત્ર હરીફ તરીકે રજૂ કરે છે.

જોકે, એવું નથી કે ગુજરાતમાં 'ત્રીજા મોરચા'નો અગાઉ પ્રયોગ નથી થયો. તેની શરૂઆત ગુજરાતની સ્થાપના પછીની ત્રીજી ચૂંટણીથી જ જોવા મળી હતી.

એ વખતે કૉંગ્રેસના નેતા ચીમનભાઈ પટેલે પાર્ટીથી અલગ થઈને અલગ પક્ષની રચના કરી હતી. લગભગ પંદરેક વર્ષના ગાળા બાદ તેમણે વધુ એક રાજકીય પક્ષની સ્થાપના પણ કરી, પરંતુ એ પક્ષ કૉંગ્રેસમાં વિલીન થઈ ગયો હતો.

1990માં બનેલી એ ઘટના ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બંને માટે નિર્ણાયક રહી, જેણે ગુજરાતના રાજકીય ઇતિહાસને હંમેશાને માટે બદલી નાખ્યો.

line

ઘર ફૂટ્યું, ઘર ગયું

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1960થી 1980 સુધી મોરારાજી દેસાઈ ગુજરાતના રાજકારણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી

ગુજરાતની સ્થાપના પછી 1962માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ. એ સમયના રાજકીય ચલણ પ્રમાણે, 1962 તથા 1967ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો સ્પષ્ટ વિજય થયો અને જીવરાજ મહેતા તથા બળવંતરાય મહેતાએ સત્તાના સૂત્રો સંભાળ્યાં.

પાકિસ્તાની ઍરફૉર્સના વિમાનહુમલામાં બળવંતરાય મહેતાના મૃત્યુ બાદ હિતેન્દ્ર દેસાઈ મુખ્ય મંત્રી બન્યા.

1969માં ઇંદિરા ગાંધીને પાર્ટીમાંથી જ વરિષ્ઠ નેતાઓ દ્વારા પડકાર મળ્યો. જેના એક મુખ્ય નેતા મોરારજી દેસાઈ હતા. પાર્ટીનું ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ તથા ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં (ઓ, ઑર્ગેનાઇઝેશન કે સંસ્થા) વિભાજન થયું.

એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈ હતા, જેઓ પણ મોરારજી દેસાઈની જેમ જ અનાવિલ બ્રાહ્મણ હતા. તેમણે વિભાજન સમયે મોરારાજી દેસાઈ સાથે રહેવાનું પસંદ કર્યું અને કૉંગ્રેસ (ઓ) સત્તામાં ટકી રહી.

આ દરમિયાન ગુજરાતના રાજકીય પટલ પર એક પટેલ નેતાનો ઉદય થઈ રહ્યો હતો.

અત્યારસુધીના બધા મુખ્ય મંત્રી વાણિયા-બ્રાહ્મણ હતા, પરંતુ આ નેતાને પાટીદારોની રાજકીય મહત્ત્વકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે અર્થશાસ્ત્રના પાઠ ભણાવતા-ભણાવતા, રાજકારણની કૅમિસ્ટ્રી તથા ઇલેક્શન ફંડનું ગણિત શીખ્યું હતું. આ નેતા એટલે ચીમનભાઈ પટેલ.

line

ચૂંટણીમાં પાકિસ્તાનનું પરિબળ

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર-1973માં ઇંદિરા ગાંધીની મુલાકાત સમયે ચીમનભાઈ પટેલ (જમણે)

1970માં ઉત્તર પ્રદેશમાં (એ સમયે ઉત્તરાખંડ સાથે) બહુપ્રતિષ્ઠિત મધ્યસત્રી ચૂંટણી યોજાઈ, જેને જીતવી ઇંદિરા ગાંધી માટે જરૂરી હતી.

'ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપ'માં (પેજ નંબર 233-234) ક્રિસ્ટૉફ જેફરોલેટ અને પ્રતિનવ અનિલ લખે છે કે ગુજરાતને નર્મદા ડૅમ મળે તેના સાટે ચીમનભાઈએ ચાર કરોડ રૂપિયા કેન્દ્રીય નેતૃત્વનેએ ચૂંટણી માટે પહોંચાડ્યા હતા. રકમ ગુજરાતના ઉદ્યોગપતિઓ તથા તેલિયાંરાજાઓએ પૂરી પાડી હતી આ સિવાય તેલિયાં રાજાઓને મગફળીના ઊંચા ભાવ તથા નિકાસ પરના નિયંત્રણો હળવા કરવા જેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

1971માં 'ગરીબી હટાવો'ના નારા સાથે ઇંદિરા ગાંધીએ ચૂંટણી લડી અને ભારે બહુમત સાથે માર્ચ મહિનામાં કેન્દ્રમાં સત્તા મેળવી. બે મહિનામાં ગુજરાતની દેસાઈ સરકારને (12મી મે) બરતરફ કરી દેવામાં આવી.

કાયદેસર રીતે છ મહિનામાં નવી વિધાનસભાના ગઠન માટેની તજવીજ હાથ ધરવી જોઈએ, પરંતુ ઇંદિરા ગાંધીના મગજમાં લાંબાગાળાની યોજના ચાલી રહી હતી. જો ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું હોય તો ડિસેમ્બરનો મહિનો સાનુકૂળ રહેશે, તેવી સૂચન તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ શામ માણેકશાએ 1971ના શરૂઆતના સમયમાં કર્યું હતું.

આથી, ગુજરાતામાં વધુ છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લંબાવી દેવામાં આવ્યું.

પાકિસ્તાન ઉપરના ભવ્ય વિજયના ઉન્માદ વચ્ચે માર્ચ-1972માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ (ભારતીય જનતા પાર્ટીનો પૂરોગામી પક્ષ) તથા સ્વતંત્રપક્ષનું ધોવાણ થયું. 160માંથી ઇંદિરા ગાંધીનાં નેતૃત્વવાળી કૉંગ્રેસને 140 બેઠક મળી હતી. ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ રતુભાઈ અદાણી કરી રહ્યા હતા.

line

તેલે બગાડ્યો ખેલ

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીમનભાઈ પટેલના રાજીનામાની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ

ચીમનભાઈ પટેલને આશા હતી કે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય રતુભાઈ અદાણી તથા કાંતિલાલ ઘીયા એમ બે વણિક નેતા પણ દાવેદાર હતા.

ઇંદિરા ગાંધીએ 'ત્રિપુટી'ને સત્તાથી દૂર રાખવા માટે પ્રમાણમાં ઓછા જાણીતા એવા ઘનશ્યામ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. આથી, ચીમનભાઈ સમસમી ગયા.

અમદાવાદની બહાર તેમનું ફાર્મહાઉસ 'પંચવટી' ઓઝા સરકારને પાડી દેવા માટેની પ્રવૃત્તિઓનું મથક બન્યું. અદાણીએ પણ ધારાસભ્યો મૅનેજ કરવામાં મદદ કરી. નવી સરકારમાં તેલિયારાજા પોતાનો હિસ્સો માગી રહ્યા હતા.

નવગઠિત બાંગ્લાદેશને અનાજ પૂરું પાડવાની જવાબદારી ભારત ઉપર આવી પડી હતી, જેના કારણે ગુજરાતસહિત દેશભરમાં સ્થાનિકસ્તરે અનાજની તંગી થઈ ગઈ હતી અને મોંઘવારી વધી ગઈ હતી. ઇંદિરા ગાંધીથી ઉપરવટ જઈને ચીમનભાઈએ શક્તિપ્રદર્શન કર્યું. અંતે ઓઝાએ રાજીનામું આપી દીધું અને મુખ્ય મંત્રી બન્યા.

જોકે, મગફળીના તેલ ઉપરાંત વધુ એક તેલે (ક્રૂડ) ચીમનભાઈ પટેલની ગણતરીઓને બગાડી નાખી હતી. ઑર્ગેનાઇઝેશન ઑફ આરબ પેટ્રોલિયમ ઍક્સ્પૉર્ટ કંટ્રીઝે આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી પેટ્રોલિયમ પેદાશોની આપૂર્તિ ઘટાડી દીધી. પશ્ચિમી દેશોને નિશાન બનાવીને અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી ભારત પણ પ્રભાવિત થયું હતું.

માત્ર ત્રણ ડૉલરમાં પ્રતિબૅરલની આંતરરાષ્ટ્રીય કિંમતે મળતું ક્રૂડઑઈલ જોત-જોતામાં 12 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગયું હતું. પેટ્રોલિયમ પેદશોમાં ભાવવધારાને કારણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની ગઈ હતી. જેણે ગુજરાતમાં 'નવનિર્માણ આંદોલન'નો પાયો નાખ્યો.

આ આંદોલન દરમિયાન મહત્ત્વપૂર્ણ વિદ્યાર્થીનેતા તરીકે ઊભરી આવેલા મનીષી જાનીના કહેવા પ્રમાણે, "1974માં ભાવવધારો અસહ્ય બની ગયો હતો. 1974ના પહેલા અઠવાડિયાથી અમારું આંદોલન શરૂ થયું હતું, જેને નાગરિકોનું સ્વયંભૂ સમર્થન હાંસલ થયું હતું. એ આંદોલનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાથમિક શિક્ષક, વકીલ, ડૉક્ટરો અને પત્રકારો સુદ્ધાં જોડાયાં હતાં. 26મી જાન્યુઆરીની રજાને કારણે બીજા દિવસે સવારે અખબાર ન આવે, પરંતુ પત્રકારોએ 25મી જાન્યુઆરીએ હડતાલ પાડી હતી, જેના કારણે પ્રજાસત્તાક દિવસે પણ લોકોના ઘર સુધી અખબાર નહોતું પહોંચ્યું."

જાની ઉમેરે છે, "શરૂઆતમાં તો ચીમનભાઈની સરકારે 'પોલીસરાજ' ચલાવ્યું અને આંદોલનકારીઓ ઉપર દમન કર્યુ, જેમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયા. આંદોલનને દબાવી દેવા માટે સેનાને ઉતારવમાં આવી અને ફ્લૅગ માર્ચ કરવામાં આવી."

ઇંદિરા ગાંધીના પ્રયાસોથી ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં ફૂટ પડી અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. જોકે, આંદોલનકારીઓની માગ હતી કે વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે અને જનતા નવી સરકારને ચૂંટે.

મોરારાજી દેસાઈના જીવન પર પરિચયપુસ્તકમાં યશવંત દોશી (પેજ નંબર 77) લખે છે કે 11મી માર્ચ, 1974થી મોરારાજી દેસાઈએ વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે નવી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા. અંતે 15 માર્ચે ઇંદિરા સરકારે વિધાનસભાનું વિસર્જન કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે દેસાઈએ ઉપવાસ છોડ્યા.

નિયમ પ્રમાણે, છ મહિનાની અંદર ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરવી જોઈ હતી, પરંતુ વધુ છ મહિના માટે નિર્ણય લંબાવવામાં આવ્યો. આ અરસામાં ગુજરાતમાં ભયાનક દુકાળ પડ્યો. મોરારાજી દેસાઈને લાગતું હતું કે રાષ્ટ્રપતિ મારફત આટલી વિકરાળ સમસ્યાનું નિરાકરણ શક્ય નથી અને લોકપ્રતિનિધિઓને વહીવટ સોંપાવો જોઈએ.

દોશી પોતાના પુસ્તકમાં (પૃષ્ઠ ક્રમાંક 77) લખે છે કે, સંસ્થા કૉંગ્રેસે આની સામે સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી ઠરાવ્યું અને લોકસંઘર્ષ સમિતિની પણ સ્થાપના કરવામાં આવી.

આની સામે પોલીસે હિંસાની આશંકા વ્યક્ત કરી હતી. 7 એપ્રિલ 1975ના રોજ નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને ઉપવાસ શરૂ કર્યા. 13 એપ્રિલે સરકારે ચૂંટણી યોજવાનું સ્વીકાર્યું એટલે દેસાઈએ તેમના ઉપવાસ છોડ્યા.

line

કિમલોપની સ્થાપના, નૈતિકતાનો 'લોપ'

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓમપ્રકાશ ચૌટાલા, પટેલ અને મેનકા ગાંધી

'પક્ષવિરોધી પ્રવૃત્તિઓ' કરવા બદલ ચીમનભાઈને કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમણે કિસાન મજદૂર લોક પક્ષની (કિમલોપ) સ્થાપના કરી. પક્ષના નામમાં 'કિસાન' અને 'મજદૂર' હતા, પરંતુ તેમાં સમૃદ્ધ ખેડૂતો અને ધનિક ઉદ્યોગપતિઓનો દબદબો હતો.

ગુજરાતમાં પ્રથમ વખત જનતા મોરચો રયાચો. જેમાં સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, ભારતીય લોકદળ (જે પોતે સાત પક્ષના વિલીનીકરણથી બન્યો હતો) સમાજવાદી પક્ષ તથા રિપબ્લિકન પાર્ટી સામેલ હતા. જનતા મોરચા, કૉંગ્રેસ તથા કિમલોપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો.

દોશી તેમના પુસ્તકમાં (પેજ નંબર 85) લખે છે કે 181માંથી જનતા મોરચાને 85 બેઠક મળી હતી, જોકે 75 બેઠક સાથે કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો હતો. જનાક્રોશને કારણે ખુદ ચીમનભાઈ પટેલ મધ્ય ગુજરાતની જેતપુર બેઠક પરથી હારી ગયા હતા, પરંતુ તેમના પક્ષના 13 ધારાસભ્ય, જ્યારે આઠ અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.

મોરચાને બહુમત માટે છ બેઠક ખૂટતી હતી, ત્યારે ચીમનભાઈ પટેલની કિમલોપે બહારથી બિશરતી ટેકો આપ્યો હતો.

બાબુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા. જોકે, તેમાં ક્યાંકને ક્યાંક નૈતિકતાનો લોપ થયો હતો. કારણ કે સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ તથા અન્ય પક્ષના નેતાઓ પોતાનાં ચૂંટણીભાષણોમાં (અને એ પહેલાં પણ) ચીમનભાઈ પટેલ ઉપર ભ્રષ્ટાચાર અને દમનકારી વલણના આરોપ મૂકતા હતા.

જે દિવસે ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું, તે દિવસે (12 જૂન, 1975) અલાહબાદ હાઈકોર્ટે વર્ષ 1971માં ઇંદિરા ગાંધીની ચૂંટણીને રદ જાહેર કરી અને છ વર્ષ માટે તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો. 25 જૂને દેશમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી.

ગુજરાતની સરકારને નવેક મહિના થયા હતા કે લોકશાહીનો 'ગર્ભઘાત' થયો. 12મી માર્ચ 1976ના દિવસે બાબુભાઈ જશભાઈ પટેલની સરકારને બરતરફ કરી દેવામાં આવી અને રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.

line

માટીથી ઘડાયા, માટીમાં ભળ્યા

ચીમનભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી 1990માં પટેલ મુખ્ય મંત્રી (જમણે) અને નાયબ મુખ્ય મંત્રીની (ડાબે) વચ્ચે ભાવિ મુખ્ય મંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

આગામી વર્ષો દરમિયાન ચરણસિંહની જનતા પાર્ટી-સૅક્યુલર (1980), જનતા પાર્ટી (1985) અને જનતા દળના માધ્યમથી તેમણે પોતાની રાજકીય કારકિર્દી જાળવી રાખી. પોતાના પુસ્તક 'સ્વર્ણિમ ગુજરાતનાં 50 વર્ષ'માં વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યા લખે છે (પેજ નંબર 94-95) :

1990માં ગુજરાતમાં ભાજપ અને ચીમનભાઈનું જનતાદળ સાથે મળીને ચૂંટણી લડ્યાં. 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપવાનો પ્રયોગ પહેલી વખત થયો હતો. ભાજપને 67 અને જનતાદળને 70 બેઠક મળી હતી.

ગુજરાતમાં પાટીદારોનો દબદબો વધ્યો હતો. મુખ્ય મંત્રી ચીમનભાઈ હતા તો ભાજપના ક્વોટામાંથી નાયબમુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ હતા. આ સિવાય વજુભાઈ વાળા, અશોક ભટ્ટ, સુરેશ મહેતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓને મંત્રીપદ મળ્યા હતા.

કેન્દ્રમાં ભાજપે વીપી સિંહ સરકાર સાથે છેડો ફાડી નાખ્યો હતો, જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ અને બંને પક્ષોએ પોતાના રસ્તા અલગ કરી દીધા. કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકારને બિનશરતી ટેકો આપનાર કૉંગ્રેસે ગુજરાતમાં પણ તેનું પુનરાવર્તન કર્યું.

કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન ચીમનભાઈને હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ હવે કૉંગ્રેસ રાજીવ ગાંધીના નેતૃત્વમાં ગુજરાતમાં તેમની સરકારને ટેકો આપી રહી હતી. સ્થાનિક કૉંગ્રેસી નેતાઓ આ નિર્ણયની વિરૂદ્ધ હતા, પરંતુ તેમની કારી ન ચાલી. થોડા જ મહિનામાં તામિલનાડુમાં આત્મઘાતી બૉમ્બવિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા થઈ.

નરસિંહ્મા રાવ દેશના વડા પ્રધાન બન્યા, તેમની પાસે કૉંગ્રેસનું સુકાન હતું. તેમના અને અહેમદ પટેલના પ્રયાસોથી ચીમનભાઈના જનતાદળનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થયું.

1991માં જામનગરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી હારી ગયેલાં ચીમનભાઈનાં પત્ની ઊર્મિલાબહેનને રાજ્યસભામાં મોકલવામાં આવ્યાં. આગળનાં વર્ષોમાં તેમના દીકરા સિદ્ધાર્થે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ બન્યા.

કૉંગ્રેસની જે માટીથી તેઓ રાજકારણમાં ઘડાયા હતા, છેવટે તે માટી સાથે જ ભળી ગયા હતા. 17 ફેબ્રુઆરી 1994ના ચીમનભાઈ મુખ્યમંત્રીપદે હતા ત્યારે જ તેમનું અવસાન થયું અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન