અનંત પટેલ : જેમના પર હુમલો થયો એ ગુજરાત કૉંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલ કોણ છે?

ઇમેજ સ્રોત, Twitter/AnantPatel1Mla
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
હાલમાં જ ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ એજ અનંત પટેલ છે જેમના વિશે સુરતસ્થિત દક્ષિણ ગુજરાતના કૉંગ્રેસી નેતાએ નામ ન છાપવાની વિનંતી સાથે કહ્યું હતું કે "જે દિવસે ગુજરાતમાં કૉંગ્રેસની આદિવાસી રેલી હોય અને રાહુલજી તેમાં ભાગ લેવાના હોય, એ જ દિવસે ગુજરાત કૉંગ્રેસનો આદિવાસી નેતા 400 કિલોમિટર દૂર સમાંતર આદિવાસી સભા કરે અને તેમાં પાર્ટીના બૅનર ન હોય, તેમ છતાં પાર્ટી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે, એ ઘટના ઉપરથી તમે એ નેતાના કદનું અનુમાન કરી શકો છો."
શનિવારે અનંત પટેલ ઉપર હુમલાના ગણતરીના કલાકોમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ હુમલાની ટીકા કરી હતી અને આદિવાસીઓના હકને ખાતર કૉંગ્રેસનો કાર્યકર્તા છેલ્લા શ્વાસ સુધી લડી લેશે એવો હુંકાર કર્યો હતો.
અનંત પટેલ શનિવારે સાંજે એક જાહેરકાર્યક્રમમાં ભાગ લેવા માટે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે પહોંચ્યા હતા, ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેનો આરોપ નવસારી જિલ્લાના પ્રમુખની ઉપર મૂકવામાં આવ્યો છે.
અનંત પટેલ પાર-તાપી પરિયોજનાના વિરોધ દ્વારા ચર્ચામાં આવ્યા હતા. આદિવાસી આક્રોશને પગલે સરકારે ચૂંટણીવર્ષમાં આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી છે. તેમની ગણતરી દક્ષિણ ગુજરાતના યુવા આદિવાસી નેતા તરીકે થાય છે.
એટલે જ આ ઘટનાના વિરોધમાં પટેલના હજારો સમર્થકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને જવાબદારોને પકડીને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. સોમવારથી તા. 20મી ઑક્ટોબર સુધી તેઓ 'સંઘર્ષયાત્રા' હાથ ધરવાના હતા.
ભાજપે હુમલામાં સંડોવણીના કૉંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધીને 72 કલાકમાં જવાબદારોને પકડી લેવાની વાત કરી છે.

ડૅમ, રેલી અને અનંતશક્તિ-પ્રદર્શન

તારીખ પહેલી ફેબ્રુઆરીના દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું, ત્યારે જાહેરાત કરી હતી કે પાર-તાપી-નર્મદા સહિતની નદીઓના જોડાણની પાંચ પરિયોજનાના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. લાભાર્થી રાજ્યો વચ્ચે સહમતી સધાય એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, કારણ કે 12 વર્ષ જૂનો વિવાદાસ્પદ મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો હતો. 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના તથા અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા, ત્યારે કેન્દ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો.
જે મુજબ ગુજરાતમાં ચાર ડૅમ બાંધવાની યોજના છે, જેનું પાણી કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચે. જોકે, તેના કારણે કેટલાંક ગામોના આદિવાસી પરિવારો તેમની પૈતૃક જમીનની વિસ્થાપિત થઈ જાય તેમ હોવાથી આ યોજનાના વિરોધમાં આદિવાસીઓ એક થયા હતા.
ડાંગ જિલ્લામાં આ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ નવસારી જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે વાંસદા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે લીધું હતું.
તેમણે ભાજપના નેતાઓને 'નારંગી ગૅંગ' કહીને તેમની ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
કૉંગ્રેસી નેતા જે રેલીની વાત કરી રહ્યા હતા, તે તા. 10મી મેના રોજ દાહોદ ખાતે યોજાઈ હતી. રાહુલ ગાંધીએ 'આદિવાસી સત્યાગ્રહ'ની શરૂઆત કરાવી હતી, એ રેલીમાં છેલ્લી વખત હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી એકસાથે જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, @INCINDIA
રાહુલ ગાંધીએ પાર્ટીમાં નવા જોડાયેલા યુવાનેતા જિજ્ઞેશ મેવાણીની ભારે પ્રશંસા કરી હતી. એ પછી હાર્દિક પટેલે કૉંગ્રેસના નેતાઓ પર ગંભીર નહીં હોવાના આરોપ મૂકીને પાર્ટી છોડી દીધી હતી. આગળ જતાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
દાહોદમાં કૉંગ્રેસની રેલીને સમાંતર અનંત પટેલે આહ્વા ખાતે આદિવાસી રેલી યોજી હતી. પાર-તાપી-નર્મદા પરિયોજનાના વિરોધમાં યોજાયેલી એ રેલીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહેશ વસાવા પણ સામેલ થયા હતા.
આહ્વાની રેલીમાં કોઈ પક્ષનાં બૅનર ન હતાં. માત્ર બિરસા મુંડાની તસવીરો તથા પરિયોજનાના વિરોધના બૅનરો હતા. જેની ઉપર 'જય જોહાર', 'એક તીર, એક કમાન, આદિવાસી એકસમાન' તથા 'ડૅમ હટાવો, ગામ બચાવો' જેવાં સૂત્રો લખેલાં હતાં.
મીડિયા સાથે વાત કરતા અનંત પટેલે કહ્યું હતું કે 'અગાઉ પહેલી મેના (ગુજરાતના સ્થાપના) દિવસે અમે રેલી આયોજિત કરવાના હતા, એ દિવસે રાહુલજી આવી રહ્યા હતા, એટલે રેલીને રદ કરી દીધી હતી, એ પછી તા. 10મી મે નક્કી કરવામાં આવી હતી. એ દિવસે પણ રાહુલજીનો કાર્યક્રમ નક્કી થયો હતો. બીજી વખત, મોકૂફ રાખવાથી ખોટો સંદેશ જાય તેમ હોવાથી ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માની 'મંજૂરી લઈને' રેલીમાં ભાગ લીધો હતો."
પછીના દિવસો દરમિયાન આદિવાસી સમાજના ભારે વિરોધને કારણે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને પડતો મૂકવાની જાહેરાત કરી હતી. કેટલાકને આશંકા છે કે માત્ર ચૂંટણી વર્ષ પૂરતી આ પરિયોજનાને મોકૂફ રાખવામાં આવી છે અને ફરી તેના ઉપર કામ શરૂ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "ઉત્તર ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ચૂંટણીલક્ષી હિંસાએ જ્વલ્લે જ બનતી ઘટના છે, એટલે ચૂંટણી પૂર્વે જ અનંત પટેલ ઉપર હુમલાની ફરિયાદ થાય તે આશ્ચર્ય જન્માવે તેવી ઘટના છે. પોલીસ તપાસમાં બધું બહાર આવશે, પરંતુ મૂળતઃ આ બધું દાહોદથી લઈને ડાંગ સુધીના આદિવાસી બૅલ્ટ પર પ્રભુત્વ જમાવવાના ભાજપના પ્રયાસો તથા પોતાના ગઢને જાળવી રાખવા વચ્ચેની લડાઈ છે."
"રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ધોવાણ થવા છતાં કૉંગ્રેસ આદિવાસી વિસ્તારો પરનું વર્ચસ્વ જાળવી રાખવામાં કૉંગ્રેસ સફળ રહી છે. અનંત પટેલ કૉંગ્રેસના યુવાન, આક્રામક અને વાચાળ ધારાસભ્ય છે. તેમના ઉપર હુમલાની કથિત ઘટના પછી જે રીતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા અને હાઈવે જામ કરવાના પ્રયાસ કર્યા, તે આદિવાસી સમાજમાં તેમનું વર્ચસ્વ છતું કરે છે. જે કૉંગ્રેસ કરતાં તેમનું પોતાનું વ્યક્તિગત શક્તિપ્રદર્શન વધુ હોય તેમ જણાય છે."
40 વર્ષીય અનંત પટેલે એમ.એ. બી.એડ.નો અભ્યાસ કર્યો છે અને ખેતી તથા ટ્યુશન દ્વારા આજીવિકા રળતા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. તેઓ વાંસદા તાલુકા પંચાયતના સભ્ય અને પછી અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ ગુજરાત કૉંગ્રેસના યુવા મોરચાના મંત્રીપદ સુધી પહોંચ્યા.

અનંત, આદિવાસી અને અભિયાન
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 151 બેઠક અપાવવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક મૂક્યું છે. પાર્ટી કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો 182માંથી 149 બેઠક જીતવાનો રેકર્ડ તોડવા માગે છે.
મોદી-શાહ ગુજરાતમાં હતા ત્યારે પણ આ દિશામાં પ્રયાસ થયા હતા, છતાં પાર્ટીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 127 બેઠકનું (2002) રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આ લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પાર્ટી માત્ર 99 બેઠક જ મેળવી શકી હતી.
સોલંકીએ KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ સાધીને આ લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. પાર્ટી સારી રીતે સમજે છે કે જો તેણે 151નું લક્ષ્યાંક હાંસલ કરવું હોય તો અનુસૂચિત જનજાતિ માટે અનામત એવી 27 બેઠક પર નોંધપાત્ર પ્રદર્શન કરવું પડે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાનના ભાજપના પ્રદર્શનની ઉપર નજર કરીએ તો મોદી-શાહના ભાજપમાં પાર્ટીને મધ્ય તથા ઉત્તર ગુજરાતની અમુક આદિવાસી બેઠકો પર પેઠ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ ભરૂચ તથા દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો હજુ પણ તેની પહોંચથી દૂર છે. વાંસદા બેઠક પણ તેમાંથી જ છે. 2007ના અપવાદને બાદ કરતાં ભાજપ ક્યારેય આ બેઠક જીતી નથી શક્યો. આવું જ વ્યારા બેઠકનું પણ છે.
ભાજપે પોતાના મતોની ટકાવારી વધારવા માટે આદિવાસી મતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે તેને આગામી લોકસભા ચૂંટણી પહેલાં યોજાનારી છત્તીસગઢ તથા મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મનોવૈજ્ઞાનિક સરસાઈ અપાવી શકે છે. 2017ની ચૂંટણી પછી દક્ષિણ ગુજરાતમાં પેઠ વધારવા માટે ભાજપે અશ્વિન કોટવાલ, જીતુ ચૌધરી અને મંગળ ગાવિતને પાર્ટીમાં સામેલ કર્યા છે.
વિપક્ષમાં ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ સંયુક્ત સભાને સંબોધી હતી, બંને સાથે મળીને 'આદિવાસી સંકલ્પ મહાસંમેલન'ને સંબોધિત કર્યું હતું. જોકે, આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર રીતે ઉમેદવારો જાહેર કરવું ચાલુ રાખતા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. છેવટે, છોટુભાઈ વસાવાએ 'ટોપીવાળા' સાથે કોઈપણ પ્રકારનું જોડાણ નહીં કરવાની જાહેરાત કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













