25 વર્ષ પહેલાં ગુજરાત અનેક બીમારીથી પીડાતું હતું, અમે એ બીમારી દૂર કરી- નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાતપ્રવાસ દરમિયાન અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત આજે વિવિધ જિલ્લામાં 22 સ્થળે ડે-કેર કિમોથૅરપી સેન્ટરોમાં પણ પ્રારંભ કરાવ્યો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે અગાઉ ગુજરાતમાં પાણીની અછત, આરોગ્ય સુવિધાનો અભાવ, સારા શિક્ષણનો અભાવ, અપૂરતી વીજળી અને કુશાસન વગેરે જેવી બીમારીઓથી પીડાતું હતું.

જ્યારે આજે અમે આ બધી બીમારીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

વડા પ્રધાને 25 વર્ષ પહેલાંના ગુજરાત અને વર્તમાન સમયના ગુજરાતની તુલના પણ કરી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોનાકાળ દરમિયાન સરકારે કરેલી કામગીરી અને લીધેલાં પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

તેમજ કહ્યું કે ગુજરાતમાં વિશ્વકક્ષાની આરોગ્યસેવાઓ મળી રહી છે અને વડા પ્રધાન તેને આગળ ધપાવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ દર્દીઓ સાથે પણ વાત કરી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી.

line

નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકામાં 'ગેરકાયદેસર અતિક્રમણ' હઠાવવા અંગે શું કહ્યું?

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Twitter/@BJP4GUJ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં વારંવાર રાજ્યની મુલાકાતે આવતા વડા પ્રધાન મોદી ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે.

પ્રવાસના છેલ્લા દિવસે તેમણે જામકંડોરણામાં સભા સંબોધી હતી. સભામાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી અન અન્ય નેતાઓ સામેલ હતા.

રાજકોટના જામકંડોરણા તાલુકામાં સભામાં પહોંચતા પહેલાં તેમણે ટ્વીટ કર્યું કે, "જામકંડોરણા આવવું હંમેશાં ખાસ હોય છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં કહ્યું કે તેઓ પહેલા વડા પ્રધાન છે જે જામકંડોરણા આવ્યા હોય. તેમણે કહ્યું, 'મારે છાશવારે એવાં કામ કરવાનાં આવે છે જે હું પહેલીવાર જ કરું છું'.

અગાઉ તેમણે ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, પાનોલીમાં અનેક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ભરૂચમાં આઠ હજારના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

જામકંડોરણામાં તેમણે કહ્યું કે, "બે અઢી દાયકા પહેલાં ગુજરાતના વિકાસની વાત થાય તો શું, જાણે દરિયાની વચ્ચે છૂટાછવાયા બે ટાપુ ચમકતા હોય એવી ગુજરાતની સ્થિતિ હતી, બાકી બધું સૂકુંભટ. રોજગાર માટે વલખાં મારતું ગુજરાત. આજે સરકારે એ પરિસ્થિતિ બદલી છે. આયોજન બદલ્યા અને અભાવનો પ્રભાવ ન આવે, અંધકારના વાતાવરણથી વિવશ ન થવું પડે. જે વડીલોને આ બધું જ સપનાં જેવું લાગતું હશે. હવે વિકાસને જોઈને તેમની આંખમાં ચમકારો આવે."

"આજે રાજકોટમાં (ગુજરાતમાં) શિક્ષણનું મોટું હબ બનાવી દીધું છે. પહેલાંની પરિસ્થિતિ ભિન્ન હતી. પહેલાં ગુજરાતનાં બાળકોને-યુવાનો જો કૅરિયર બનાવવું હોય તો થોડાં શિક્ષણસંસ્થાનો હતાં. અને હવે બીજાં રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પંસદગી માટે ગુજરાતનું એક નામ હોય છે."

બેટ દ્વારકામાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે "ગયા દિવસોમાં આપણી સમુદ્રપટ્ટી કેટલા બધા અતિક્રમણથી બરબાદ થઈ રહી હતી. બેટ દ્વારકાની તો ઓળખ જ બદલાઈ ગઈ હતી."

વડા પ્રધાન મોદીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનાં વખાણ કરતાં કહ્યું કે, "ભૂપેન્દ્રભાઈની મુક્કમતા જુઓ તેમણે રાતોરાત બેટ દ્વારકાને મુક્ત કરાવી દીધું. ગેરકાયદેસર કબજા હટાવ્યા. બધું શાંતિપૂર્ણ રીતે પતાવી દીધું. જેવો શાંતિપૂર્ણ તેમનો સ્વભાવ છે, તેવી જ રીતે તેઓ બધું શાંતિથી કામગીરી કરતા હોય છે."

line

આણંદમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે "અર્બન નક્સલીઓના લીધે સરદાર સરોવર ડૅમ બનાવવામાં વર્ષો વેડફાયાં"

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @jitu_vaghani

ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવેલા વડા પ્રધાન મોદીએ બીજા દિવસે આણંદમાં જનસભા સંબોધી હતી.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, "અર્બન નક્સલીઓના કારણે સરદાર સરોવર ડૅમ બનવામાં 40-50 વર્ષ વેડફાયાં છે. ઘણા પ્રયાસો બાદ તેમજ અનેક પડકારોનો સામનો કરીને ડૅમનું નિર્માણ થયું છે."

તેમણે વધુમાં કહ્યું, "એક સમય હતો, જ્યારે લોકો દિવસમાં એક વખત સાંજે પાણીની માગ કરતા હતા. હાલ 24 કલાક પાણી મળે છે. અર્બન નક્સલોએ સરદાર પટેલ ડૅમ ન બને તે માટે બને એટલા સ્પીડ બ્રેકર ઊભા કર્યા પણ ડૅમ બનીને રહ્યો."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, "હું તમને ચેતવવા માગું છું. કૉંગ્રેસ નવી ચાલ રમી રહ્યું છે. તેઓ ગામોમાં 'ખાટલા બેઠકો' યોજીને ઝેર પ્રસરાવી રહ્યા છે. આપણે આ ઝેર પ્રસરતા અટકાવવાનું છે. મને આશા છે કે સીઆર પાટીલના નેતૃત્વમાં ગુજરાતની જનતા આ ઝેર પ્રસરવા નહીં દે."

તેમણે આગળ કહ્યું, "હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી બન્યો ત્યારે મારી પાસે વધુ અનુભવ ન હતો. પણ આપણે ખુશનસીબ છીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે પંચાયતથી વિધાનસભા સુધીનો 25 વર્ષનો અનુભવ છે."

line

ગોપાલ ઈટાલિયાએ વડા પ્રધાન મોદી પર ટિપ્પણી કરતા વીડિયોના વિવાદ પર શું કહ્યું?

ગોપાલ ઈટાલિયા

ઇમેજ સ્રોત, Facebook/@Aam Aadmi Party

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય હલચલ વધી ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીપ્રચાર ચલાવ્યો છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સામસામે આક્ષેપો ચાલી રહ્યા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને વિવાદ થયા બાદ હવે ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વીડિયોને લઈને નવો વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય સૂચના અને ટેકનૉલૉજી વિભાગના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યો હતો જેમાં ગોપાલ ઈટાલિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્ન કરે છે.

તેમણે આક્ષેપ કર્યો કે ગોપાલ ઈટાલિયાએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા. ભાજપના અન્ય નેતાઓએ પણ 'ગોપાલ ઈટાલિયા પર વડા પ્રધાનપદ અને ગુજરાત તથા ગુજરાતની જનતાના અપમાનના આક્ષેપ કર્યા.'

તેનો જવાબ આપવા માટે સોમવારે ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરી હતી.

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "ગુજરાતના અલગઅલગ વિસ્તારોમાં જનસભાઓ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે જેને ઐતિહાસિક પ્રતિસાદ મળી રહ્યો છે."

"જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે અને જનતા અરવિંદ કેજરીવાલને પ્રેમ કરી રહી છે એ જોતાં ભાજપ ડરેલો છે. એટલે દરરોજ નવા ગતકડાં કાઢે છે."

તેમણે કહ્યું કે, "પાછલા દિવસોમાં કેટલાક વીડિયો લાવ્યા જેમાં મને અને ઈસુદાન ગઢવીને નિશાન બનાવાયા કે જુઓ આ લોકો શું બોલે છે. ફરી નવો વીડિયો ક્યાંકથી ઊઠાવી લાવ્યા છે."

તેમણે આક્ષેપ કર્યો કે, "મારે એમને કહેવું છે કે ગુજરાતની જનતા 27 વર્ષનો ભાજપ સરકારનો હિસાબ માગી રહી છે, જનતા જવાબ માગે તો ગોપાલ ઈટાલિયાનો વીડિયો જુઓ. બેરોજગાર યુવાનો નોકરી માગી રહ્યા છે, ખેડૂતો પૂછે છે કે તેમને આત્મહત્યાથી છૂટકારો ક્યારે મળશે, ક્યારે સિંચાઈનું પાણી અને 12 કલાક વીજળી મળશે, લોકો પૂછે છે કે મોંઘવારીથી છૂટકારો ક્યારે મળશે ત્યારે તેઓ ગોપાલનો વીડિયો જોવાનું કહે છે."

ટ્વીટ

ઇમેજ સ્રોત, Twitter/@Amit_Malviya

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે "ભાજપ ચાર વર્ષ જૂનો વીડિયો બતાવી રહ્યો છે. મારી ભાષા ભાજપ જેટલી સારી નથી. હું એક ગરીબ માણસ છું. ગામડાનો નાનો માણસ છું. ભાજપ જેવી સારી ભાષા ન આવડે."

તેમણે કહ્યું કે "ગુજરાતની જનતાના પ્રશ્નોનો જવાબ આપવાનો આ રસ્તો યોગ્ય નથી."

તેમણે કહ્યું કે, "જો ગોપાલ ઈટાલિયા એક સાધારણ, સામાન્ય યુવાન છે, કોઈ હસ્તી નથી. ગોપાલ ઈટાલિયાની ભાષા ખરાબ હોય કે તેની કોઈ વાત ખરાબ હોય તો તેને ફાંસી ચડાવી દો, જેલમાં પૂરો પરંતુ ગુજરાતના યુવાનોને નોકરી ક્યારે મળશે, ક્યારે મોંઘવારીથી રાહત મળશે એનો જવાબ આપો. "

અગાઉ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો ભાજપના રાષ્ટ્રીય સૂચના અને ટેકનૉલૉજી વિભાગના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યો હતો જેમાં ગોપાલ ઈટાલિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્ન કરે છે.

તેમણે આક્ષેપ કર્યો કે ગોપાલ ઈટાલિયાએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા.

તેમણે લખ્યું કે "ગોપાલ ઈટાલિયાએ ગુજરાતની માટીના પુત્ર તથા ગુજરાતના ગરિમા સામે અપશબ્દ કરવામાં આવે તે દરેક ગુજરાતીનું અપમાન છે જેણે મોદી અને ભાજપ માટે 27 વર્ષ સુધી મતદાન કર્યું છે."

ભાજપના અન્ય નેતાઓએ પણ આપ અને ગોપાલ ઈટાલિયા પર આક્ષેપ કર્યા હતા.

line

'ભરૂચમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બનશે' - વડા પ્રધાન મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Twitter/@narendramodi

ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રદાન નરેન્દ્ર મોદી સોમવારે ભરૂચમાં આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે.

તેઓ અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણસંકુલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી રવિવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.

સોમવારે ભરૂચ જિલ્લામાં તેઓ જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ટનું અને દહેજમાં એક ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

તેઓ ભરૂચમાં વિભિન્ન ઔદ્યોગિક પાર્કના વિકાસ માટે ખાતમુહૂર્ત પણ કરશે.

અહમદાબાદમાં તેઓ મોદી શૈક્ષણિકસંકુલનું ઉદ્ઘાટન કરશે.

વડા પ્રધાન મોદી આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં એક સભાને સંબોધિત કરશે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂતમાં સભાને સંબોધિત કરતા કહ્યું કે, "ભરૂચ જિલ્લો હવે ઔદ્યોગિક વિકાસની સાથે, "આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ માટે પણ જાણીતું બનશે. આ ઍરપૉર્ટ ગુજરાતમાંથી નિકાસને વધારવમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે."

line

જે ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી ત્યાં વિમાન પણ બનશે- નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @CRPaatil

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે 9 ઑક્ટોબરે બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ મહેસાણાના જિલ્લામાં ઐતિહાસિક સૂર્યમંદિરથી ખ્યાત મોઢેરાને સૂર્યઊર્જાથી ચાલતું 'સૌર ગ્રામ' જાહેર કરવા માટેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

તેમણે મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.

મોઢેરાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમૂહને વડા પ્રધાન મોદીએ હિન્દી અને ગુજરાતીમાં વક્તવ્ય આપીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.

તેમણે કહ્યું, "પહેલાં દુનિયા મોઢેરાને સૂર્યમંદિરના કારણે જાણતી હતી, હવે સૂર્યમંદિરની પ્રેરણા લઈને મોઢેરા સૂર્ય ગ્રામ પણ બની શકે છે માટે મોઢેરા આ બન્ને બાબતો માટે દુનિયામાં એકસાથે ઓળખાશે. હવે મોઢેરા પર્યાવરણવાદી માટે વિશ્વના નકશામાં પોતાનું સ્થાન બનાવી લેશે. ગુજરાતનું આ જ તો સામર્થ્ય છે. જે આજે મોઢેરામાં દેખાઈ રહ્યું છે, તે ગુજરાતના દરેક ખૂણામાં છે."

તેમણે સમગ્ર દેશમાં મોઢેરાની સૌર ગ્રામ બનવાની ચર્ચા થઈ રહી હોવાનું જણાવીને સભામાં ઉપસ્થિત જનસમૂહને સૂચક રીતે પૂછ્યું કે, "તમે મને કહો કે આનાથી (સૌર ગ્રામ પ્રોજેક્ટથી) તમારું માથું ગર્વથી ઊંચુ થયું કે ના થયું? તમને પોતાને જીવનમાં કંઈક તમારી સામે થઈ રહ્યાનો આનંદ આવ્યો કે ના આવ્યો?"

તેમણે મોઢેરાના સૂર્યમંદિરને ધ્વસ્ત કરવા માટે આક્રમણખોરોના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા કહ્યું, "જે મોઢેરા પર અગણિત વખત વિવિધ પ્રકારના અત્યાચારો થયા છે, તે જ મોઢેરા પોતાની પૌરાણિકતાની સાથે સાથે આધુનિકતા માટે પણ વિશ્વ માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ દુનિયામાં સૌરઊર્જાની વાત થશે, એટલે મોઢેરા પહેલું નામ દેખાશે, કારણ કે અહીં બધું જ સૌરઊર્જાથી સંચાલિત થઈ રહ્યું છે."

વડા પ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં બે દશક અગાઉ પડતી મુશ્કેલીઓ અને બે દાયકામાં થયેલા વિકાસની વિગતો આપી અને જનમેદની પાસેથી તેમના આશીર્વાદ માગ્યા હતા.

તેમણે કહ્યું હતું કે 'મહેસાણા અને ઉત્તર ગુજરાતે મને હંમેશાં આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે અને મને ભવિષ્યમાં પણ આપતા રહેજો.'

મોદીએ ગુજરાતમાં થયેલો વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જે ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી ત્યાં ગાડીઓ બની, મેટ્રોના કોચ બન્યા અને હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં વિમાન પણ બનશે.

તેમણે મહેસાણા જિલ્લામાં 3 હજાર 92 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.

line

રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું

ધર્મ પરિવર્તન સભામાં રાજેન્દ્ર પાલ ગૌતમ

ઇમેજ સ્રોત, @AdvRajendraPal

ઇમેજ કૅપ્શન, ધર્મ પરિવર્તન સભામાં રાજેન્દ્ર પાલ ગૌતમ

દિલ્હીની સરકારના અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ અને સમાજ-કલ્યાણમંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે બાબાસાહેબ આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓના ઉચ્ચારણ બાબતે થયેલા વિવાદ બાદ 9 ઑક્ટોબરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.

પાંચ ઑક્ટોબરે દિલ્હીમાં યોજાયેલા બૌદ્ધ ધર્મની દીક્ષા અંગીકારના એક કાર્યક્રમમાં દસ હજારથી વધુ લોકો સાથે તેમણે બાબાસાહેબના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકર દ્વારા આ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રાજેન્દ્ર પાલે તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, "હું આ કાર્યક્રમમાં એ સમાજના એક સભ્ય તરીકે વ્યક્તિગત કક્ષાએ ગયો હતો, જેને આમ આદમી પાર્ટી અને મારી મંત્રી પરિષદ સાથે કોઈ લેવા-દેવા નહોતી."

તેમણે પત્રમાં લખ્યું છે કે, "ત્યારપછી હું જોઈ રહ્યો છું કે ભાજપ અમારા નેતા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યા છે, એ મારા માટે ખૂબ જ દુઃખદ છે."

તેમણે રાજીનામાપત્રમાં ભાજપ સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પૂર્વ કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોતે પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર: રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચિસ, વૉલ્યુમ 17માં પણ બાબાસાહેબ દ્વારા બૌદ્ધ ધર્મના અંગીકાર સમયે લેવડાવવામાં આવતી એ 22 પ્રતિજ્ઞાઓને છપાવડાવી હોવાનું જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે આ પ્રતિજ્ઞાઓની પુનરોક્તિ દર વર્ષે દેશના ખૂણેખૂણે થતાં આયોજનોમાં કરોડો લોકો દ્વારા કરવામાં આવે છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, "હું નથી ઇચ્છતો કે મારા કારણે મારા નેતા અરવિંદ કેજરીવાલ અને મારી પાર્ટી પર કોઈ પ્રકારની આંચ આવે... હું મારા સમાજના હક અને અધિકારની લડાઈને ખૂબ જ હિમ્મત, ઈમાનદારી અને મજબૂતીથી લડીશ."

line

સીઆર પાટીલે કેજરીવાલના 'કંસની ઓલાદ' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું

સીઆર પાટીલ

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેજરીવાલે 8 ઑક્ટોબરે વડોદરામાં આપેલા 'કંસની ઓલાદોનો નાશ કરવા માટે ભગવાને મને મોકલ્યો છે' નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.

તેમણે કેજરીવાલને ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 8 ઑક્ટોબરે ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા ત્યારે રાજ્યનાં વિવિધ શહેરોમાં તેમને હિન્દુ ધર્મ વિરોધી ચીતરતા પોસ્ટર્સ લાગ્યાં હતાં. આ વિવાદાસ્પદ ઘટના સામે કેજરીવાલે 8 ઑક્ટોબરની સાંજે વડોદરામાં યોજાયેલી તિરંગા રેલી બાદ આપેલા ભાષણમાં પ્રતિક્રિયા આપી હતી.

તેમણે પોતાના વિરોધમાં લગાડેલાં પોસ્ટર્સ માટે ભાજપને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે, ભાજપ તેમની નફરતમાં એટલો આંધળો થઈ ગયો છે કે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.

તેમણે પોતાને ધાર્મિક અને હનુમાનજીના ક્ટ્ટર ભક્ત ગણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. તેમણે જાહેર સભામાં એમ પણ જણાવ્યું હતું હતું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ભગવાને તેમને કંસની ઓલાદોનો નાશ કરવા માટે મોકલ્યા છે.

કેજરીવાલના આ નિવેદન સામે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે કહ્યું કે, કેજરીવાલ જેવો જુઠ્ઠો માણસ તેમણે જોયો નથી.

પાટીલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કેજરીવાલનો જન્મ 16 ઑગસ્ટ 1968ના રોજ થયો હતો અને એ વર્ષે જન્માષ્ટમી 15 ઑગસ્ટે હતી. તો પછી કેજરીવાલ ખોટું કેમ બોલ્યા?

તેમણે કેજરીવાલે ભાજપ માટે કરેલી ટિપ્પણીને ગુજરાતીઓ સાથે જોડીને કહ્યું કે, તેમણે (કેજરીવાલે) ગુજરાતના લોકોને કંસ કહ્યા છે. ગુજરાતના લોકોને કંસ કહેવા અને પછી તેમના જ મત લેવા માટે ગુજરાત આવવું એ ગુજરાતમાં જ શક્ય બને. આમ કરીને તેમણે કેજરીવાલને પોતાની ભાષા પર સંયમ રાખવા અને ખોટું બોલવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

line

'મને રાજનીતિ નથી આવડતી'- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @AAPGujarat

આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના તેમના બીજા દિવસના પ્રવાસમાં 9 ઑક્ટોબરે વલસાડ ખાતે યોજાયેલી જાહેર સભામાં ફરી એક વખત જો રાજ્યમાં આપની સરકાર બનશે તો નવી શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવાની જાહેરાત કરી છે.

કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ જાહેર સભામાં હાજર હતા.

આપના સ્થાનિક નેતાઓ અને કેજરીવાલે પોતાના ભાષણમાં ગુજરાતમાં તેમણે વિવિધ તબક્કે આપેલી રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, તથા ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થાઓ ઊભી કરવાનાં વચનો દોહરાવ્યાં હતાં.

કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકારો દ્વારા કરવામાં આવેલી કામગીરીનાં ઉદાહરણ આપીને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અને નોકરી ન મળે ત્યાં સુધી ત્રણ હજાર રૂપિયાનું માસિક બેરોજગારી ભથ્થું, રાજ્યમાં દરેક સ્થળે વિનામૂલ્યે આરોગ્યસેવાઓ પૂરી પાડતા મહોલ્લા ક્લિનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સરકારી શાળાઓ શરૂ કરવાનાં વચનોનો પુનરોચ્ચાર કર્યો હતો.

કેજરીવાલે તેમના વક્તવ્યમાં કહ્યું કે, "મને રાજનીતિ કરતા નથી આવડતું. મને પૉલિટિક્સ કરતા નથી આવડતું. હું ભણેલોગણેલો માણસ છું. હું શરીફ માણસ છું. ઇમાનદાર માણસ છું. મને એમની જેમ ગુંડાગીરી કરતા નથી આવડતી."

"એમની જેમ ભ્રષ્ટાચાર કરતા નથી આવડતો. મને સ્કૂલ બનાવતા આવડે છે. મને હૉસ્પિટલ બનાવતા આવડે છે. જો ગુંડાગીરી જોઈતી હોય તો એમની પાસે જતા રહેજો, જો ગંદી રાજનીતિ, ભ્રષ્ટાચાર જોઈએ તો એમની પાસે જતા રહેજો."

તેમણે વધુમાં કહ્યું, "જો પોતાના બાળકો માટે સ્કૂલ બનાવવી હોય, કૉલેજ બનાવવી હોય તો મારી પાસે આવી જજો. જો પોતાના પરિવાર માટે હૉસ્પિટલ બનાવવી હોય તો મારી પાસે આવજો."

line

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, Twitter/AAPGujarat

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી (આપ)એ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી માટે વધુ 12 બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

આ 12 બેઠકોના ઉમેદવારોની યાદી સાથે આપ અત્યાર સુધીમાં કુલ 41 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી ચૂકી છે.

6 ઑક્ટોબરના રોજ આપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં હિંમતનગર, ગાંધીનગર દક્ષિણ, સાણંદ, વટવા, અમરાઈવાડી, કેશોદ, ઠાસરા, શેહરા, કાલોલ (પંચમહાલ), ગરબાડા, લિંબાયત અને ગણદેવી વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

આ અગાઉ આપ ત્રણ યાદીમાં 29 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને ચોથી યાદીમાં વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે.

line

'મેં એવું ક્યાંય નથી કીધું કે મને ભાજપે ઑફર કરી': હર્ષદ રિબડિયા

હર્ષદ રિબડિયા ભાજપમાં

ઇમેજ સ્રોત, BJP Gujarat

વીસાવદર વિધાનસભાના કૉંગ્રેસ ધારાસભ્ય રહેલા હર્ષદ રિબડિયાએ 5 ઑક્ટોબરના રોજ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ બુધવારે ગુજરાત ભાજપમાં જોડાઈ ગયા.

તેમની સાથે કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને 20 જેટલા સરપંચો પણ ભાજપમાં જોડાયા છે.

હર્ષદ રિબડિયાએ કહ્યું કે, "સમગ્ર ગુજરાત અને દેશ જાણે છે કે કૉંગ્રેસ દિશાહીન થઈ છે. અમે કાર્યકર્તા તરીકે લડાઈ કરવાની આવે ત્યારે કૉંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાન મદદ માટે આગળ નથી આવતા."

આ દરમિયાન પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત હોવાની પણ તેમણે વાત કરી.

તેમણે કહ્યું, "મોદીસાહેબ આવ્યા પછી જે ગોઠવણી કરી, ખેડૂતોને ભાવ આપવાનું આયોજન કર્યું, કૃષિમાં ક્રાંતિ લાવ્યા, કૃષિઓજારો, નવી ટેકનૉલૉજી લાવ્યા. અડદ, મગ, તુવેર બધાના જ 700 રૂપિયા જ હતા. આજે કોઈ કઠોળના ભાવ હજારથી નીચે નથી. કપાસના ભાવ 700 રૂપિયા અમે જ કરતા હતા. આજે મને કપાસના ભાવ 2000થી 2500 થઈ ગયા, એથી વિશેષ શું હોય? હું એનાથી પ્રભાવિત થયો."

તેમણે ક્યારેય ભાજપ વિરુદ્ધ નિવેદન ન કર્યું હોવાનું પણ જણાવ્યું અને કહ્યું ,"ક્યારેય કોઈ પાર્ટી વિરુદ્ધમાં નથી બોલ્યો, હું ખેડૂતના હિતમાં બોલ્યો છું. મેં વિધાનસભામાં જેટલા મુદ્દા ઉઠાવ્યા છે એ તમામનો ભારતીય જનતા પાર્ટીએ ઉકેલ આપ્યો છે."

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે રિબડિયાને કેસરિયો ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. એ વખતે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 'કૉગ્રેસમાં જો તાકાત હોય તો તેમણે પોતાના ધારાસભ્યોને ભાજપમાં આવતા રોકવા જોઈએ.'

line

વિપુલ ચૌધરીને એનડીડીબીના ચૅરમૅન બનાવવા મેં ભલામણપત્ર લખ્યો હતો : શંકરસિંહ વાઘેલા

વિપુલ ચૌધરી અર્બુદા સેના

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

મહેસાણાની દૂધસાગર ડેરીમાં થયેલા સાગરદાણ કૌભાંડના કેસમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ 6 ઑકટોબરે સાક્ષી તરીકે મહેસાણા કોર્ટમાં જુબાની આપી છે.

કોર્ટમાં જુબાની આપ્યા બાદ તેમણે સ્થાનિક ટીવી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'તેમની સાથે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. તેમણે કોર્ટમાં જજ સમક્ષ તેમણે લખેલા ભલામણ પત્રની નકલને ઓળખી બતાવી હતી.'

તેમણે જણાવ્યું કે "મને પૂછવામાં આવ્યું હતું કે વિપુલભાઈની ભલામણ એનડીડીબીના ચૅરમૅન તરીકે કરી હતી કે નહીં? તો મેં હા પાડી હતી. બાકી વિગતો પૂછી જે હકારાત્મક હતી તેમાં હા પાડી. આ સિસ્ટમ જ છે. દાણ માટે પૂછ્યું તો નેચરલ કૅલેમિટીમાં લોકો મદદ કરતા હોય છે તે રીતે તેમના ભાગ તરીકે જે જવાબદારી એમની હશે એ પ્રમાણે મદદ કરી હશે વિદર્ભમાં જ્યારે દુષ્કાળ પડ્યો હશે ત્યારે. આ રાજકીય કિન્નાખોરી છે, બીજું શું હોય. આ સિસ્ટમ છે એમપી એમએલએ ભલામણ કરવા માટે. એમનું કામ જ એ હોય છે, અમે તો બધા નોટરીની ભલામણ કરીએ, ઘણી બધી ભલામણો કરતા હોઈએ છીએ. એમાં શું છે? આ તો સિસ્ટમ છે. જેને ઓથોરિટી છે, એણે નક્કી કરવાનું હોય છે કે અમારી વાત (ભલામણ) માનવી કે ના માનવી. બીજેપીની સરકારને એવો કોઈ રાઇટ નથી કે સાક્ષી બોલાવે. પોલિટિકલ કિન્નાખોરી છે."

શંકરસિંહ વાઘેલાની સાથે-સાથે કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ હતું.

મોઢવાડિયાએ પણ કોર્ટમાં પોતાની જુબાનીમાં વિપુલ ચૌધરીને એનડીડીબીના ચૅરમૅન બનાવવા માટેનો ભલામણપત્ર લખ્યો હોવાનું સ્વીકાર્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન