પોરબંદરમાં દરગાહ તોડ્યા બાદ ફેલાયેલી તંગદિલી પાછળની હકીકત શું છે?

પોરબંદર દરગાહ તોડી પાડવા મામલે તંગદિલી

ઇમેજ સ્રોત, Ajay Shilu

ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં દરગાહ તોડી પડાતા સર્જાયેલો તંગદિલી ભર્યો માહોલ
    • લેેખક, અજય શિલુ
    • પદ, પોરબંદરથી, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • પોરબંદરના અણિયારી ગામે ગેરકાયદેસર દબાણની સાથે-સાથે દરગાહ તોડી પાડવામાં આવતા પોરબંદર શહેરમાં સોમવારે મુસ્લિમ સમુદાયના એક ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો
  • પોલીસે 125 લોકોની સામે નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે
  • પોલીસે વળતી કાર્યવાહી કરતા ટોળા પર નિયંત્રણ મેળવવા માટે ટીયરગેસના શેલ છોડીને હળવો લાઠિચાર્જ કરવામાં આવ્યો હતો
  • પોરબંદર શહેરની નજીકના ગોસાબારા ગામમાં ગેબનશાહની દરગાહ અને અણિયારા ગામમાં આવેલી મુરાદશાહની દરગાહની આસપાસનું દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી
  • દરગાહ તોડી પાડવા બાબતે પોરબંદર કલેક્ટરે જણાવ્યુ હતું કે સ્થળની માલિકીના રેકોર્ડની તપાસ ચકાસણી કરીને કાયદેસરની જમીનનો કબજો પરત કરી દેવામાં આવશે
  • મુસ્લિમ આગેવાન હાજી ઇબ્રાહિમ સંઘારનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ રાજકારણ નથી કોમવાદ કે હિન્દુ-મુસ્લિમનો મુદ્દો નથી કે નથી મુસ્લિમોને તકલીફ આપવાની વાત. બાકી સરકારે જે કર્યું છે, એ દુ:ખ છે. અમને અમારી જગ્યા આપી દે એ એમની મહેરબાની. અમે અમારી જે દરગાહ છે એને અમે શાનદાર બનાવી દઈએ. અમારે કોઈ અવૈધ જગ્યાઓની જરૂર નથી.
લાઇન

પોરબંદરની નજીક આવેલા અણિયારી ગામે મુરાદશાહની દરગાહ અને તેની આસપાસનું દબાણ રવિવારે બીજી ઑક્ટોબરની રાત્રે અને 3 ઑક્ટોબરની વહેલી સવારે તોડી નાખવામાં આવતા મુસ્લિમ સમુદાયના ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ પોલીસે 125 લોકોની સામે નામજોગ અને એક હજાર લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

ગેરકાયદેસર દબાણની સાથે-સાથે દરગાહ પણ તોડી નાખવામાં આવતા પોરબંદર શહેરમાં સોમવારે મુસ્લિમ સમુદાયના ટોળામાંથી કેટલાંક તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

ટોળા પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે વળતી કાર્યવાહી કરી, ટિયરગૅસના શેલ છોડ્યા અને હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

દરગાહ તોડી પાડવા બાબતે પોરબંદરના કલેક્ટરે જણાવ્યું હતું કે સ્થળની માલિકીના રેકોર્ડની ચકાસણી કરીને કાયદેસરની જમીનનો કબજો પરત કરી દેવામાં આવશે.

line

શું હતી ઘટના?

ઘટનાસ્થળે આઇજીપી નિલેશ જાજડિયા

ઇમેજ સ્રોત, Ajay Shilu

ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં ઘટનાસ્થળે આઈજીપી નિલેશ જાજડિયા

પોરબંદર શહેરની નજીક ગોસાબારા ગામમાં આવેલી ગેબનશાહની દરગાહ અને અણિયારા ગામમાં આવેલી મુરાદશાહની દરગાહની આસપાસનું દબાણ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.

આ ઘટનાક્રમ અંગે વિગતો આપતા પોરબંદરના મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમ સંઘાર કહે છે કે, "29 સપ્ટેમ્બરે નોટિસ આપવામાં આવી હતી. જેની જાણ દરગાહના મુજાવરોએ અમને રવિવારે (2 ઑક્ટોબરે) કરી હતી."

આ નોટિસનો જવાબ આપવા માટે તેમણે મામલતદાર સાથે ફોન પર વાત કરીને સોમવારે સવારે જરૂરી કાગળો જમા કરાવવાની વાત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું, "ગેબનશાહ દરગાહના મુજાવરે રવિવારે રાત્રે 11:30 વાગ્યે આવીને મને કહ્યું કે એમને સમાચાર મળ્યા છે કે દરગાહનું રાત્રે 3 વાગ્યે ડિમોલિશન કરવાના છે."

"તો મેં ત્યાં જઈને અધિકારીઓને કહ્યું કે અમે સવારે કલેક્ટર ઑફિસમાં મામલતદારને નોટિસનો જવાબ આપવાના છીએ તો અમને થોડો સમય આપો."

"અમે સોમવારે મામલતદાર ઑફિસમાં આ નોટિસનો જવાબ આપીને કલેક્ટર ઑફિસની બહાર આવ્યા, ત્યારે જ અમને ખબર પડી કે મુરાદશાહ બાવાની દરગાહનું અણિયારીમાં ડિમોલિશન થઈ ગયું. કોઈ મુસ્લિમને ખબર નથી અને કોઈ જવાબ લીધો નથી અને દરગાહ સાથે બધું જ જમીનદોસ્ત કરી નાખ્યું છે."

હાજી ઇબ્રાહીમ સંઘારે

ઇમેજ સ્રોત, Ajay Shilu

ઇમેજ કૅપ્શન, હાજી ઇબ્રાહીમ સંઘાર

ત્યારબાદ હાજી ઇબ્રાહીમ સંઘાર ગેબનશાહની દરગાહ પર પહોંચ્યા અને જઈને અધિકારીઓ સાથે વાત કરી, તેમને જણાવ્યું કે દરગાહનાં કાગળ તેમની પાસે આવે તેમાં બે-ત્રણ દિવસ લાગે તેમ છે. ત્યારે અધિકારીઓએ ગેબનશાહની દરગાહને નુકસાન ન થાય તે રીતે આસપાસનું દબાણ હઠાવી દીધુ હતું.

સંઘારે પોલીસ સાથે મુરાદશાહની દરગાહના સ્થળની મુલાકાત લીધી અને ત્યાં દરગાહનું પણ ડિમોલિશન કરી દેવામાં આવ્યું હોવાની જાણ સમાજના અન્ય આગેવાનોને કરી હતી.

ત્યારબાદ તંત્રની આ કામગીરીના વિરોધમાં લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને પોરબંદરની સુન્ની અંજુમને ઇસ્લામની ઑફિસની બહાર પહોંચીને સરકાર, કલેક્ટર અને સ્થાનિક નગરપાલિકાના પ્રમુખના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

બીજા દિવસે મુસ્લિમ આગેવાનોએ દરગાહના સ્થળે ચાદર અને ફૂલ ચડાવવાની દરરોજની વિધિ કરવા માટે પોલીસને રજૂઆત કરી, જેમાં પોલીસે માત્ર દસ વ્યક્તિને દરગાહના સ્થળે જવાની મંજૂરી આપી હતી.

line

પોલીસ પર પથ્થરમારો

પોરબંદર

ઇમેજ સ્રોત, Ajay Shilu

જોકે 4 ઑક્ટોબરના રોજ દસ આગેવાનો ચાદર ચડાવવા માટે જાય એ પહેલાં જ રસ્તા પર ઊતરેલા ટોળાએ ડિમોલેશનના સ્થળે પહોંચવાની કૂચ શરૂ કરી દીધી હતી, પોલીસ દ્વારા રોકવામાં આવતા ટોળામાંથી કેટલાંક તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.

આ વિશે વાત કરતા પોરબંદર સિટી પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ડીવાયએસપી) નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે "વહીવટી તંત્ર દ્વારા મિટિંગ કરીને સમજાવટ કરવામાં આવી હતી. આમ છતાં 1500થી 2000 લોકોનું ટોળું પૂર્વાયોજિત કાવતરું રચીને ઉદ્યોગનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં એકઠું થયું હતું."

તેમણે એવું પણ કહ્યું હતું કે હિંસા ફેલાવવા અને શહેરની સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાના આશયથી આ ટોળું ભેગું થયું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત પોલીસકર્મીઓ પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેમાં પાંચ જવાનો ઘાયલ થયા હતા."

"જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા."

તેમણે વધુમાં કહ્યું, "આ સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસસ્ટેશનમાં ટોળામાં સામેલ 125 વ્યક્તિઓ સામે નામજોગ તથા ટોળામાં સામેલ 1 હજાર જેટલાં અન્ય સ્ત્રી-પુરુષ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."

line

શું કહે છે વહીવટી તંત્ર?

ડીવાયએસપી નીલમ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Ajay Shilu

ઇમેજ કૅપ્શન, ડીવાયએસપી નીલમ ગોસ્વામી

દરગાહની આસપાસના ગેરકાયદેસર દબાણને દૂર કરવાની નોટિસનો જવાબ મળે તે પહેલાં જ દરગાહ અને દબાણને વહેલી પરોઢે તોડી નાખવા વિશે પોરબંદરના જિલ્લા કલેક્ટર એ. એમ. શર્માએ કહ્યું, "આ રેવન્યૂ રેકૉર્ડ પરની જમીન પર દબાણ કરવાનો મામલો છે. રેકૉર્ડમાં કોઈ સંગઠનના નામની ઍન્ટ્રી નથી."

"તેમને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે જવાબ નહોતો આપ્યો. તેમણે પછીથી વક્ફ બોર્ડનો રેકૉર્ડ આપ્યો."

"તેમને કહેવામાં આવ્યું કે ગેઝેટનું નૉટિફિકેશન હોય છે, તેની ઍન્ટ્રી હોય છે એ બધાં કાગળ જે મામલતદારે નોટિસ આપી છે, તેમને જમા કરાવો. જેની ચકાસણી થશે."

"મુદ્દો એ છે કે એમણે જે કાગળ આપ્યાં છે, એ 210 ચોરસ મીટરના છે અને ગેરકાયદેસર દબાણ પાંચ હજાર ચોરસ મીટર પર થયેલું હતું."

તેમણે ઉમેર્યું કે, "તપાસ કરનાર મામલતદાર આ કાગળોની ચકાસણી કરશે અને જેટલી જમીન પર તેમનો કાયદેસરનો કબજો હશે, તે તેમને પરત આપવામાં આવશે."

આ વિશે હાજી ઇબ્રાહીમ સંઘારે કહ્યું, "આ ઘટનામાં કોઈ રાજકારણ નથી, કોમવાદ કે હિન્દુ-મુસ્લિમનો મુદ્દો પણ નથી કે આમાં મુસ્લિમોને તકલીફ આપવાની વાત પણ નથી. સરકારે જે કર્યું છે, એ દુખદ છે."

"અમને અમારી જગ્યા આપી દે, એ એમની મહેરબાની. અમે અમારી જે દરગાહ છે, એને અમે શાનદાર બનાવી દઈએ. અમારે કોઈ અવૈધ જગ્યાઓની જરૂર નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન