અમદાવાદ : સોશિયલ મીડિયા પર કેવા મૅસેજ વાઇરલ થયા કે લોકો અને પોલીસ પરેશાન થઈ ગયાં?

ઇમેજ સ્રોત, A.Tirmiji
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી સંવાદદાતા

- અમદાવાદમાં કોટ વિસ્તારમાં પાછલા એક અઠવાડિયામાં ત્રણ મહિલાઓને બાળક ચોરીના આરોપમાં માર મરાયાની ઘટનાઓ સામે આવી હતી
- ઘટનાઓનું કારણ સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓ હોવાનું જણાવાઈ રહ્યું છે
- સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવાઓના કારણે વિસ્તારમાં માહોલ તંગ થયો છે
- માતાપિતા પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં ખચકાટ અનુભવી રહ્યાં છે

અમદાવાદના જમાલપુર વિસ્તારની સાંકડી ગલીઓમાં આજકાલ તણાવનું વાતાવરણ દેખાય છે. દરેક સ્કૂલની બહાર સૂચન લખવામાં આવ્યાં છે કે કોઈપણ રિક્ષાવાળા બાળકોને સ્કૂલે મૂકવા આવે તો તેમને સ્કૂલ બહારથી જ મૂકીને જતા ન રહેવું.
તો શાળાના શિક્ષકોએ ભણાવવા ઉપરાંત રિસેસ પડે એટલે કોઈ બાળક બહાર ના જાય એ માટે દરવાજે ચોકી પહેરો કરવો પડે છે. આ સિવાય પોલીસને દિવસરાત કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં પેટ્રોલિંગ કરવું પડે છે.
અમદાવાદના જમાલપુર દાણીલીમડા માધુપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ તણાવનું કારણ છે સોશિયલ મીડિયા ફેલાયેલી એક અફવા.
એ અફવા કંઈક એવી છે કે 'ભિખારીઓના વેશમાં બાળકોને ઉઠાવી જનારી ટોળકી સક્રિય થઈ છે માટે તમારાં બાળકોને બચાવો.' જેમજેમ આ મૅસેજ ફેલાઈ રહ્યો છે તેમ-તેમ લોકોમાં ફફડાટ વધી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ અફવા એટલી હદ સુધી ફેલાઈ છે કે આ વિસ્તારમાં એક અઠવાડિયામાં દર બીજા દિવસે ત્રણ અલગઅલગ મહિલાઓને માર મારવામાં આવ્યો છે.
મારપીટને પગલે ભિક્ષુક મહિલાઓને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી છે અને સ્થાનિકોએ આ અંગેના વીડિયો પણ બનાવ્યા છે.
આવી જ એક ઘટના અંગે સ્થાનિકોએ ઉતારેલા વીડિયોમાં લાલ ડ્રેસમાં એક મહિલા દેખાઈ રહ્યાં છે.
વીડિયોમાં સ્થાનિકો મહિલાની પૂછપરછ કરતા દેખાઈ રહ્યા છે. મહિલાના ચહેરા પર મારઝૂડથી આવેલો સોજો પણ જોઈ શકાય છે. સ્થાનિકો અનુસાર આ વીડિયો બુધવારના રોજ અમદાવાદની સાળવીની પોળમાં ઉતારાયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા એક વીડિયોમાં પોલીસ વાનની આસપાસ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ઉશ્કેરાયેલ ટોળું મહિલાને પોલીસ વાનમાંથી બહાર કાઢવા માટે બૂમો પાડી રહ્યું છે. બનાવ જમાલપુરમાં સિંધી વાજડમાલપુર ખાતેનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
તેમજ વધુ એક વીડિયોમાં અનેક લોકોનું ટોળું એક મહિલાને માર મારતું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો મહિલાને બચાવીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાનું જણાવી રહ્યા છે. આ બનાવ પીરની દરગાહ વિસ્તારનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસને સક્રિય થવું પડ્યું છે અને એણે સોશિયલ મીડિયા પર જાગરૂકતા માટેના મૅસેજ વાઇરલ કરવા પડી રહ્યા છે.

સ્કૂલના સત્તાધીશોએ વાલીઓને બાળકો સ્કૂલે મોકલવા સમજાવવા પડે છે

ઇમેજ સ્રોત, A.Tirmiji
આ વિસ્તારની એફ. ડી. સ્કૂલના પ્રિન્સિપાલ એચ.એન. રાધાનપુરી એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમદાવાદના કોટ વિસ્તારમાં અમારી શાળામાં માત્ર જમાલપુર નહીં આસપાસના કોટ વિસ્તારમાંથી છોકરાછોકરીઓ ભણવા આવે છે પણ આ વિસ્તારોમાં ફેલાયેલી બાળકો ઉઠાવી જવાની અફવાને કારણે એક અઠવાડિયામાં ત્રણ ઘટનાઓ ઘટી છે."
"જેના કારણે લોકો એ બાળકોને સ્કૂલમાં મોકલવાનું બંધ કરવા લાગ્યા. અમે આ વિસ્તારની સ્કૂલના લોકોએ ભેગા થઈ વાલીઓનો વિશ્વાસ સંપાદિત કરવા સ્કૂલમાં બાળકોને મૂકવા આવતા રિક્ષાચાલકોને સૂચના આપી ઠે કે બાળક દરવાજામાં દાખલ થાય પછી જ તેઓ જાય અને સ્કૂલે લેવા આવે એટલે દરવાજેથી ખુદ રિક્ષા સુધી લઈ જાય."
તેઓ કહે છે કે, "એટલું જ નહીં અમે કોઈ પણ બાળક રિસેસમાં સ્કૂલની બહાર ના જાય એની તકેદારી રાખવા માટે પાંચ શિક્ષકોને જવાબદારી સોંપી છે. અમે જે માતાપિતા બાળકોને સ્કૂલ નથી મોકલતાં એમને ફોન કરી એમનાં બાળકો સલામત રહેશે, એવી ખાતરી આપીએ છીએ જેથી બાળકો સ્કૂલમાં આવે. "

'વિસ્તારના લોકોમાં ભય'

ઇમેજ સ્રોત, A.Tirmiji
વર્ષોથી બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા આવતાં રિક્ષાચાલક જાવેદ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "કોટવિસ્તાર રસ્તા સાંકડા હોવાથી પહેલાં રિક્ષા સ્કૂલથી થોડી દૂર ઊભી રાખી બાળકોને જવા દેતો હતો અને બાળકોને ખબર હોય કે મારી રિક્ષા ક્યાં ઊભી છે એટલે એ ત્યાં આવી જતાં હતાં, પણ જ્યારથી બાળકોને ઉઠાવી જવાની વાત અમારા વિસ્તારમાં ફેલાઈ છે ત્યારથી હું પોતે બાળકોને સ્કૂલના દરવાજે મૂકી જાઉં છું અને દરવાજેથી સંભાળીને દરેકને એમને ઘરે મૂકી આવું છું. "
"આ અફવા પછી અમારા વિસ્તારમાં વાતાવરણ તંગ છે એટલે બાળકોને વધુ સાવચેત રહી સ્કૂલેથી લાવું છું. "
આ વિસ્તારમાં રહેતાં રૂબિનાબહેન કાબલીવાળાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારાં બાળકો સ્કૂલમાં ભણે છે. અમે ઘરની બહાર નીકળતાં નથી પણ આસપાસના મહોલ્લામાંથી સમાચાર આવે અને વૉટ્સઍપમાં વાંચ્યા પછી ડર લાગે છે. "
"અમારા વિસ્તારમાં ત્રણ જગ્યાએ આવી ઘટના ઘટી છે એટલે ડર લાગે એ સ્વાભાવિક છે પણ અમને સ્કૂલવાળાઓએ ખાતરી આપી પછી અમે બાળકોને સ્કૂલે મોકલીએ છીએ પણ મનમાં ભય તો રહે જ છે. "
પોલીસ અને સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે આ વિસ્તારમાંથી કોઈ બાળક ચોરી થયાની કોઈ ઘટના સામે નથી આવી.
સ્થાનિક પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે બાળકચોરીની કોઈ ફરિયાદ પણ આવી નથી. આ વિસ્તારના અગ્રણી અતીક સૈયદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોટવિસ્તારમાં આ અફવા ફેલાઈ છે જેના કારણે ઘણા લોકોના મનમાં ડર બેસી ગયો છે પણ આ માત્ર અફવા છે. "
"જ્યાં મહિલાઓ સાથે મારપીટ થઈ છે તે વિસ્તારમાં વધુ શિક્ષિત લોકો નથી રહેતા. પોલીસ દ્વારા શરૂ થયેલાં જાગરૂકતા અભિયાન અને પેટ્રોલિંગને કારણે આવનારા દિવસોમાં આ સમસ્યા હલ થઈ જશે."
આ વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા વિસ્તારમાં બાળચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોવાની અફવા આગની જેમ ફેલાઈ છે. જમાલપુરના ત્રણ વિસ્તારમાં ગરીબ ભિક્ષુક મહિલાઓને બાળકચોર સમજી ટોળાં એ માર માર્યો હતો પરંતુ આ વિસ્તારમાંથી એકપણ બાળક ગુમ થયું નથી. અમે લોકોને સમજાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તેમણે કહ્યું કે, "પોલીસનો સહયોગ લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાની આ અફવાને કારણે ટોળાં હિંસક બની જાય અને કોઈ ગરીબનો જીવ ના જાય એટલે અમે પણ ઘરે-ઘરે જઈને લોકજાગૃતિનું કામ કરી રહ્યા છીએ."
દાણીલીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. સોલંકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, " આ વિસ્તારમાં કોઈ બાળકને ઉઠાવી ગયું નથી અને બાળક ગુમ થયાની કોઈ ફરિયાદ મળી નથી."
"આમ છતાં ટોળા દ્વારા મારપીટની ઘટના સોશિયલ મીડિયાની એક અફવાથી શરૂ થઈ છે. આ બધું રોકવા માટે અમે સોશિયલ મીડિયામાં મૅસેજ વાઇરલ કર્યા છે કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો એની પોલીસને જાણ કરવી અને અમે લોકોમાં જાગૃતિના કાર્યક્રમ ઉપરાંત સતત પેટ્રોલિંગ કરીએ છીએ જેથી આવી ઘટનાઓને ટાળી શકાય. "

'લોકોને મારઝૂડ કરવી એ જ ન્યાય લાગે છે'
નોંધનીય છે કે વર્ષ 2018માં પણ ગુજરાતના અમદાવાદ શહેરમાં નવા વાડજ વિસ્તારમાં ઉશ્કેરાયેલ ટોળાએ બે મહિલાઓને માર માર્યો હતો. મહિલાઓ પર બાળક ચોરી કરવા મામલે શંકા હતી. આ મહિલા પૈકી એકનું મારઝૂડમાં મૃત્યુ થયું હતું.
લોકોમાં ફેલાયેલી અફવા પર ટોળાના હિંસક થવા અંગે વાત કરતા જાણીતા મનોચિકિત્સક પાર્થ વૈષ્ણવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સામાન્ય રીતે વધુ શિક્ષિત ન હોય એવા લોકોમાં આવી અફવાઓ પર જલદી વિશ્વાસ કરી લે તેવું બની શકે."
તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં આવેલા મૅસેજને વૉટ્સઍપમાં ઝડપથી શૅર કરવામાં આવે છે અને લોકો તેને સાચી માની લે છે. આ લોકોની આસપાસનું વર્તુળ પણ એવું જ હોય છે એટલે સોશિયલ મીડિયા પર આવેલા મૅસેજ ચર્ચાનો વિષય બની જાય છે જે 'હોસ્ટાઇલ ઍંગર'નો માહોલ ઊભો થાય છે.
પાર્થ વૈષ્ણવ કહે છે કે, "પહેલેથી આવેશની ભાવના ધરાવતા લોકોને એમ લાગે છે કે ન્યાયિકપ્રક્રિયામાં એમનો અવાજ સાંભળનાર કોઈ નથી એટલે પોતાનો ગુસ્સો કાઢવા માટે તેમના માટે મારઝૂડ કરવી એ સરળ છે. આ એમણે પોતે કરેલો સાચો ન્યાય લાગે છે જેના કારણે આવી મારઝૂડની ઘટનાઓ ઘટે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













