યુક્રેન યુદ્ધ : ભારતીય ડૉક્ટરે આખરે પોતાના પાલતુ જૅગુઆર છોડવાં જ પડ્યાં

ઇમેજ સ્રોત, GIRIKUMAR PATIL
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પોતાના ઘરના ભોંયરામાં રહેવા મજબૂર એક ભારતીય મૂળના ડૉક્ટરે પોતાના પાલતુ જૅગુઆરથી આખરે અલગ થવું પડ્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને ભીષણ યુદ્ધ થયું ત્યારે ભારતીય મૂળના ડૉક્ટર ગિરિકુમાર પાટીલે કહ્યું હતું કે તેઓ પોતાનાં પાલતુ પ્રાણીઓને એકલાં મૂકીને ક્યાંય નહીં જાય.
અવિવાહિત ગિરિકુમાર હાડકાંના ડૉક્ટર છે અને પૂર્વ યુક્રેનના લુહાંસ્ક ક્ષેત્રના એક નાના કસબા સ્વાવતોફની એક હૉસ્પિટલમાં કામ કરતા હતા.
42 વર્ષીય ગિરિકુમાર પાટિલે વર્ષ 2016માં યુક્રેનની નાગરિકતા લઈ લીધી હતી. તેમણે પાટનગર કીએવના એક પ્રાણીસંગ્રહાલયથી બે વર્ષ પહેલાં આ પ્રાણીઓ ખરીદ્યાં હતાં.
તેમાં એક 24 મહિનાનું નર લેપજૅગ છે જે નર લેપર્ડ અને માદા જૅગુઆરની દુર્લભ હાઇબ્રિડ સંતતિ છે. આ સિવાય તેમની પાસે 14 માસની માદા બ્લૅક પૅંથર પણ છે.
બે મહિના પહેલાં જ્યારે પાટિલ પાસેનાં નાણાં ખતમ થઈ ગયાં તો તેઓ પાડોશી દેશ પોલૅન્ડ જતા રહ્યા અને ત્યાં કામ કરવા લાગ્યા જેથી તેઓ પોતાનાં બે પ્યારાં પ્રાણીઓને ભોજન પૂરું પાડી શકે.
જે હૉસ્પિટલમાં પાટિલ કામ કરતા હતા તે યુદ્ધના શરૂઆતના મહિનામાં જ બંધ થઈ ગઈ હતી. હવે એ હૉસ્પિટલ બૉમ્બમારામાં બરબાદ થઈ ચૂકી છે. પાછલાં કેટલાંક અઠવાડિયાંમાં યુક્રેનના સૈન્યદળોએ ઝડપથી રશિયન સેના પર હુમલા કર્યા છે અને ઘણા વિસ્તારોને પોતાના નિયંત્રણમાં પાછા લીધા છે. આ અભિયાનમાં આ હૉસ્પિટલ પણ બૉમ્બમારાનું નિશાન બન્યું.
હાલ પાટીલ પોલૅન્ડના પાટનગર વારસાની એક હૉસ્ટેલ ડોરમેટ્રીમાં અન્ય યુક્રેનિયન શરણાર્થીઓ સાથે રહી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ત્યાં કામ કરીને પૈસા કમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હવે તેમને તેમનાં પ્રાણીઓની ચિંતા થઈ રહી છે.

યુક્રેનમાં રહેતા ભારતીય ડૉક્ટરે આખરે પોતાનાં પાલતુ પ્રાણીઓથી અલગ કેમ થવું પડ્યું?

- આ વર્ષે ફેબ્રુઆરી માસમાં રશિયાએ જ્યારે યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય મૂળના ડૉક્ટર ગિરિકુમાર પાટીલ તેમનાં પાલતું જૅગુઆર અને પૅંથરના કારણે ચર્ચામાં આવ્યા હતા
- યુદ્ધ શરૂ થયા બાદ પોલૅન્ડ જતા રહેલા પાટીલે પોતાનાં પાલતુ પ્રાણીઓથી આખરે અલગ થવું પડ્યું હતું
- યુદ્ધની શરૂઆત સમયે તેમણે પોતાનાં પ્રાણીઓને ક્યારેય પોતાનાથી અલગ ન કરવાની વાત કરી હતી
- તેઓ કહે છે કે તેમણે આ પ્રાણીઓને નિભાવવા માટે હજારો ડૉલરનો ખર્ચો કરવો પડે છે
- પાટીલ ભારત સરકાને પોતાનાં પ્રાણીઓને ભારતનાં પ્રાણીસંગ્રહાલય કે જંગલમાં છોડવા માટે અપીલ કરી ચૂક્યા છે

પ્રાણીઓની ચિંતા

ઇમેજ સ્રોત, GIRIKUMAR PATIL
તેઓ કહે છે કે બે અઠવાડિયાં પહેલાં સ્વાવતોફમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું અને હવે તેમણે પોતાનાં પ્રાણીઓના હાલચાલ જાણવા માટે એક સ્થાનિક ખેડૂતને ફોન કરવો પડે છે જે તેમની સારસંભાળ કરી રહ્યા છે.
વારસાથી ફોન પર વાત કરતાં પાટીલે બીબીસીને જણાવ્યું કે, "દેખરેખ કરી રહેલા ખેડૂતે મને જણાવ્યું કે પ્રાણીઓ મારી ગેરહાજરી મહેસૂસ કરી રહ્યાં છે. લીપજૅગે પાછલા એક અઠવાડિયાથી સારી રીતે ખાધું નથી. બ્લૅક પૅંથર અસમંજસમાં છે. હું પ્રાણીઓને બચાવવા માગું છું અને તેમને ત્યાંથી કાઢવા માગું છું. પરંતુ મને નથી ખબર કે હું આ કેવી રીતે કરું."
પાટીલ જણાવે છે કે તેમને અત્યંત ખરાબ પરિસ્થિતિમાં માત્ર એક બૅગ અને 100 ડૉલર સાથે રાખીને પોતાના ઘરેથી નીકળી જવું પડ્યું છે. આ સિવાય તેમણે બે ઍપાર્ટમૅન્ટ, બે કારો અને પોતાની મોટરસાઇકલ અને કૅમેરા પણ વેચી દીધાં છે. તેના બદલામાં તેમને માત્ર એક લાખ ડૉલર જ મળ્યા.
તેઓ કહે છે કે યુદ્ધ શરૂ થયા બાદ તેઓ દરરોજ પોતાનાં પ્રાણીઓના ભોજન પર 300 ડૉલરનો ખર્ચ કરે છે. તેઓ દરરોજ તેમને પાંચ કિલોગ્રામ માંસ ખવડાવે છે.
તેઓ કહે છે કે, "જેમ જેમ પરિસ્થિતિ વણસતી ગઈ અને યુદ્ધ અમારા ઘરની નજીક આવતું ગયું, મારી પાસેના પૈસા પણ ખતમ થતા ગયા. મેં પ્રાણીઓને એક કૅરટેકર પાસે છોડને યુક્રેનથી બહાર જવાનો અને નોકરી કરીને પૈસા કમાવવાનો નિર્ણય લીધો."
તેઓ કહે છે કે તેઓ લગભગ ત્રણ મહિના ચાલે એટલું માંસ ફ્રિજમાં મૂકીને આવ્યા છે અને કૅરટેકરને વેતન સ્વરૂપે ત્રણ માસમાં 2,400 ડૉલર ચૂકવી દીધા છે.
જોકે, તેમની આ યોજના પણ વધુ સફળ ન થઈ શકી.

જ્યારે રશિયન સૈનિકોએ કરી પૂછપરછ

ઇમેજ સ્રોત, Getty Images
પાટીલ જણાવે છે કે તેમણે એક મિની બસમાં યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં 12 કલાકની સફર કરી. સરહદ પાસે રશિયન સૈનિકોએ તેમને વાહનમાંથી ઉતારી દીધા અને ત્રણ દિવસ સુધી પૂછપરછ માટે અંડરગ્રાઉન્ડ રૂમમાં રાખ્યા.
પાટીલ કહે છે કે, "મને બસમાંથી ઉતારી દેવાયો અને આંખ પર પાટું બાંધીને એક અંડરગ્રાઉન્ડ પૂછપરછ કક્ષમાં લઈ જવાયો. જ્યાં મને ખાવા માટે સૂપ અને બ્રેડ અપાયાં અને પછી મારી પૂછપરછ કરાઈ. તેમણે મારા ઓળખપત્રો જોયા જે કિએવમાં બન્યા હતા. આ કારણે તેમને શંકા ગઈ કે હું જાસૂસ છું. તેમને લાગી રહ્યું હતું કે હું જાણકારીઓ યુક્રેનની સેનાને પહોંચાડવા જઈ રહ્યો છું."
પાટીલે રશિયન સૈનિકોને જણાવ્યું કે તેમણે યુક્રેન યુદ્ધમાં કોઈનો પક્ષ નથી લીધો. તેમણે પોતાની યૂટ્યૂબ ચૅનલ પણ બતાવી જેના પર તેઓ પ્રાણીઓ વિશે પોસ્ટ કરે છે. તેના પર લગભગ આઠ હજાર ફૉલોઅર પણ છે.
તેઓ કહે છે કે મેં પોતાની યૂટ્યૂબ ચૅનલ અને તેના પર પોસ્ટ કરાયેલ વીડિયો તેમને બતાવ્યાં.
"મારી કસ્ટડીની ત્રીજી રાત્રિએ એક રશિયન અધિકારી મારી પાસે આવ્યા અને જણાવ્યું કે તેમનાં પત્નીએ મારાં પ્રાણીઓના વીડિયો જોયા અને કહ્યું કે હું કોઈ જાસૂસ નથી બલકે એક પશુપ્રેમી છું. એ રાત્રે હું નિરાંત સૂઈ શક્યો."
બીજી સવારે પાટીલને આઝાદ કરી દેવાયા. પાટીલ જણાવે છે કે રશિયન સૈનિકોએ તેમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેમને નવો ઓળખપત્ર આપ્યો.
પાટીલને પોલૅન્ડની સરહદ પાસે છોડી મૂકવામાં આવ્યા અને જ્યાં પાટીલે પોતાની બાયૉમૅટ્રિક ઓળખ દ્વારા પોતાની ઓળખની પુષ્ટિ કરી અને પોતાની કહાણી સંભળાવી. તેમને બૉર્ડર પાર કરવા દેવાઈ.

પરિવારથી મળી મદદ

ઇમેજ સ્રોત, GIRIKUMAR PATIL
પૉલૅન્ડના અધિકારીઓએ તેમને પેપર વિઝા આપ્યા, જે અંતર્ગત તેઓ 90 દિવસ સુધી પોલૅન્ડમાં રહી શકતા હતા. એ રાતે તેમણે વારસા માટેની બસ પકડી લીધી.
હવે તેમના શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ચૂકી છે. પાટીલે કહે છે કે તેમને ખબર નથી કે તેઓ પોતાનાં પ્રાણીઓ પાસે કેવી રીતે પાછા ફરી શકશે.
પાટીલનો જન્મ દશ્રિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં થયો છે, તેમનો પરિવાર હવે તેમને આર્થિક મદદ કરી રહ્યો છે.
પાટીલ કહે છે કે, "મેં ઘણી વાર કિએવમાં ભારતીય ઍમ્બૅસીમાં ફોન કર્યો અને પોતાનાં પ્રાણીઓને યુક્રેનમાંથી કાઢીને ભારત લઈ જવાનો આગ્રહ કર્યો. મને કહેવાયું કે દૂતાવાસ જંગલી પ્રાણીઓના મામલા નથી જોતો."
પાટીલ કહે છે કે આ અઠવાડિયે તેમણે વૉરસૉના એક પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી અને ત્યાં અધિકારીઓને પોતાનાં પ્રાણીઓને રાખવા અપીલ પણ કરી.
"હું ગમે તે પ્રકારે મારાં પાલતુ પ્રાણીઓને પાછાં લાવવા માગું છું. જો ભારત સરકાર એ પ્રાણીઓને કોઈ પ્રકારે ત્યાંથી કાઢી લાવે છે અને તેમને ભારતનાં પ્રાણીસંગ્રહાલય કે કોઈ જંગલમાં છોડી દે તો હું તેમાં ખુશ છું. હું માત્ર કોઈ પણ પ્રકારે તેમનો જીવ બચાવવા માગું છું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













