યુક્રેન સંઘર્ષ : રશિયા માટે યુક્રેન અગત્યનું કેમ છે? જાણો ત્રણ મોટાં કારણ
- લેેખક, એન્જલ બર્મ્યુડેઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
રશિયાની સેનાએ યુક્રેન પર સૈન્યહુમલો કરી દીધો છે. ગુરુવારે સવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું એક નિવેદન પ્રસારિત થયું હતું અને બાદમાં હુમલાના સમાચાર આવ્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પુષ્ટિ કરી છે કે રશિયાએ યુક્રેન પર મિસાઇલ હુમલા કર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમાસુરક્ષાબળો પર આ હુમલા કર્યા છે.
રશિયાની માગણી રહી છે કે યુક્રેનને નાટોમાં લેવામાં ના આવે, પૂર્વ યુરોપમાં 1997 પછી નાટોનો વિસ્તાર થયો છે તેને પાછો લેવામાં આવે અને ભૂતપૂર્વ સોવિયેત સંઘના પ્રદેશોમાં શસ્ત્રો અને ટુકડીઓ ગોઠવવામાં ના આવે.
જિયોપૉલિટિકલ ફ્યુચર્સ સંસ્થાના વિશ્લેષક જ્યોર્જ ફ્રાઇડમેન રશિયાની માગણીઓને સમજાવતાં કહે છે, "શીતયુદ્ધ વખતે પૂર્વ યુરોપમાં જે પ્રકારની સરહદ હતી એવી તેઓ ઇચ્છી રહ્યા છે."
આના કારણે રશિયા સામે પ્રતિબંધો જાહેર કરાયા છે અને પશ્ચિમ સામે ઘર્ષણ વધી રહ્યું છે. પરંતુ રશિયાને શા માટે યુક્રેનમાં આટલો રસ છે? અહીં તે સમજાવાનો પ્રયાસ છે.

1. સુરક્ષા માટેનો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
વર્જિનિયા ટેક યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર ગેરાલ્ડ ટોલે બીબીસીને જણાવ્યું કે "રશિયાને લાગે છે કે તેના પાડોશી દેશો જોખમી લશ્કરી સંગઠનના સભ્યો બની રહ્યા છે એટલે આ પગલાં લઈ રહ્યું છે. યુક્રેન નાટોનું સભ્ય બને અને તેનાં શસ્ત્રો ત્યાં ગોઠવાય તેવી શક્યતાને કારણે આવું થઈ રહ્યું છે".
ફ્રાઇડમેન કહે છે કે યુક્રેન છેક 1812માં નેપોલિયને હુમલો કર્યો ત્યારથી રશિયા માટે બફર ઝોન તરીકે રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"યુક્રેન રશિયા માટે પશ્ચિમની સરહદ છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના પર હુમલો થયો ત્યારે વચ્ચે યુક્રેનની ભૂમિને કારણે તેમનો બચાવ થયો. મોસ્કો જવા માટે અહીંથી 1600 કિમીનો પ્રવાસ કરવો પડે. યુક્રેન નાટોમાં ભળી જાય તો તેની સરહદેથી મોસ્કો પછી માત્ર 640 કિમી જ દૂર રહે. નેપોલિયનના હુમલા વખતથી આ રીતે યુક્રેન બચાવતું રહ્યું છે."
ટોલે કહે છે તે પ્રમાણે રશિયાને એવું લાગી રહ્યું છે કે તેને ચારે બાજુથી ઘેરવામાં આવી રહ્યું છે.
આ સંકટ શરૂ થયું ત્યારે રશિયાના નાયબ વિદેશમંત્રી 1962ની ક્યુબા મિસાઇલ ક્રાઇસિસનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં મૉસ્કોએ એવું કહ્યું હતું કે તેઓ ક્યુબા અને વેનેઝુએલામાં પોતાનાં દળો ગોઠવી શકે છે.
મંત્રીએ કહ્યું હતું કે "અમેરિકાની પોતાની મૉસ્કો ડ્રોક્ટાઇન છે તે ના ભૂલવું જોઈએ, તેમની નજીકની સરહદે પણ આક્રમકદળોની હાજરી હોઈ શકે છે તે ના ભૂલવું જોઈએ."
ટોલે વધુમાં કહે છે કે "જોકે તેની સામે જવાબમાં કહેવાઈ રહ્યું છે કે યુક્રેનમાં રશિયાએ કેટલોક પ્રદેશ લઈ લીધો છે અને આક્રમણનું જોખમ છે એટલે આવું થઈ રહ્યું છે. યુક્રેન પોતાની સલામતી માટે મદદ માગી રહ્યું છે, તેની સામે મિત્રોનો સહયોગ માગી રહ્યું છે".

2. ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન સાથેના સંબંધો વિશે 13 જુલાઈ, 2021ના રોજ વ્લાદિમીર પુતિને એક લાંબો લેખ લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ દેશ ખતરનાક રમતનો ભોગ બની રહ્યો છે કે જેથી તે યુરોપ અને રશિયા વચ્ચે અવરોધ બને અને મૉસ્કો વિરુદ્ધમાં તેનો ઉપયોગ થાય.
સલામતી અને ભૌતિક સ્થિતિનો ઉલ્લેખ કરવા ઉપરાંત પુતિને ખાસ કરીને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોની પણ વાત કરી હતી, જે બંને દેશોને જોડે છે.
પુતિને લખ્યું કે પ્રાચીન રશિયા લોકો રશિયન, બેલારશિયન અને યુક્રેનિયના વડવાઓ છે અને બંનેનો સમાન ઇતિહાસ છે. રશિયન અને યુક્રેનિયન લોકો એક જ પ્રજા છે એમ તેમણે જણાવ્યું હતું.
ગેરાલ્ડ ટોલ કહે છે કે ઘણી બાબતો એવી છે જે ઇતિહાસ, સંસ્કૃતિ અને ઓળખને જોડે છે.
તેઓ કહે છે, "રશિયા યુક્રેનને કોઈ અન્ય પ્રકારનો દેશ નથી સમજતું. રશિયાનો રાષ્ટ્રવાદી વિચાર એવો છે કે યુક્રેન એ સ્વેલિક સાથી રાષ્ટ્ર છે. તે રશિયા સામ્રાજ્યના હાર્દમાં છે. આ બહુ પ્રબળ વિચારધારા છે અને યુક્રેન રશિયન ઓળખના કેન્દ્રમાં છે."
તેઓ ઉમેરે છે, "તેના કારણે યુક્રેન રાષ્ટ્ર તરીકે પોતાને અલગ દાખવે ત્યારે ઘણાની ભાવના ઘવાય છે. રશિયામાં તેની સામે બહુ રોષ છે અને તેમને લાગે છે કે ભાઈએ દગો દીધો."
જ્યોર્જ ફ્રાઇડમેન એ વાતને નકારી કાઢે છે કે રશિયા માટે યુક્રેન ઐતિહાસિક કે સાંસ્કૃતિક રીતે મહત્ત્વનું છે. તેઓ કહે છે કે વ્યૂહાત્મક ભૂભૌગોલિક સ્થિતિને કારણે રશિયાને વધારે ચિંતા છે.
તેઓ કહે છે, "તેમનો સમાન ઇતિહાસ છે તે વાત સાચી, પણ સોવિયેટ શાસનમાં દુકાળ પડ્યો ત્યારે અહીં લાખો લોકો માર્યા ગયા હતા. અહીંનુ અનાજ રશિયનો લઈ ગયા હતા. એટલે રશિયન અને યુક્રેનિયન વચ્ચે એકતાની વાત વાહિયાત છે."

3. પુતિનની મહત્ત્વાકાંક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપિયન કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સના રશિયાની બાબતોના નિષ્ણાત કેડ્રી લિન્કે ગયા ડિસેમ્બરમાં એક મુલાકાતમાં બીબીસીને જણાવ્યું હતું કે યુક્રેનની બાબતમાં પુતિનની લાગણીઓ જોડાયેલી છે અને તેના કારણે તાર્કિક રીતે આ મામલાને વિચારવામાં આવતો નથી.
ગેરાલ્ડ ટોલ કહે છે કે પુતિન માટે વ્યક્તિગત રીતે નીચાજોણું થયું છે, કેમ કે તેમણે કિવમાં રશિયા તરફી પ્રમુખને બેસાડવાની કોશિશ કરી પણ તેમાં સફળ થયા નથી.
તેઓ કહે છે, "ઘણા સમયથી તેઓ આ માટે પ્રયત્નો કરી રહ્યા છે. પોતાની મહત્ત્વાકાંક્ષામાં આ અગત્યની બાબત છે અને તેનો ઉકેલ તેઓ કાયમ માટે લાવવા માગે છે."
"પુતિને લાગે છે કે પશ્ચિમે યુક્રેનને રશિયનવિરોધી બનાવી દીધું છે અને પોતાએ તેનો ઉકેલ લાવવો પડે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે માત્ર લાગણીને કારણે યુક્રેનની સ્થિતિનો વિચાર કરવાની વાતમાં જોખમ છે એમ પણ ટોલ માને છે.
"ઘણા લોકો આ દૃષ્ટિએથી વિચારે છે, પણ મને લાગે છે કે તે જોખમી છે. લાગણીની વાત કરીએ ત્યારે યુક્રેનની સમસ્યાને માત્ર પુતિનની નારાજગી ગણી લેવાની જરૂરી નથી."
"મને લાગે છે તે ભૂલ છે. આ લાગણીઓ સાચી અને રશિયાના જિયોપૉલિટિકલ કલ્ચર પ્રમાણેની છે, એટલે કોઈ પણ નેતાએ વિચાર કરવો પડે કે આ લોકલાગણી પ્રમાણે કામ કરવું કે પડતી મૂકવી."
તેઓ ઉમેરે છે, "પુતિનનું વ્યક્તિત્વ અને તેઓ ભૂતકાળમાં કેજીબીના વડા હતા તેના કારણે અમુક પ્રકારની નીતિ તેઓ અપનાવે છે એવું મને લાગતું નથી. મજબૂત રાષ્ટ્ર માટેની તેમની વિચારસરણી વગેરે બધું બરાબર છે, પરંતુ આ બધી બાબતો અગત્યની છે."
"યુવા પેઢીની નેતાગીરી કદાચ જુદી રીતે વિચારશે, પરંતુ આ બધી લાગણીઓ જેન્યુઇન છે અને તેને માત્ર પુતિનના વ્યક્તિત્વ તરીકે જોઈને અવગણના ના કરાય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













