યુક્રેન-રશિયા સંઘર્ષ : યુક્રેન હુમલાની તૈયારી કરી રહ્યું હોવાનો રશિયાનો દાવો
- લેેખક, વિટાલી શેવચેન્કો
- પદ, બીબીસી મૉનિટરિંગ
પશ્ચિમની જેમ રશિયન મીડિયા પણ યુક્રેનમાં સંઘર્ષની આશંકા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જોકે, રશિયન સરકાર-નિયંત્રિત મીડિયામાં સંઘર્ષની શરૂઆત કરનાર દેશને લઈને અલગ જ વાર્તા ચાલી રહી છે.
રશિયાનું મીડિયા યુક્રેનને એક એવા આક્રમક દેશ તરીકે રજૂ કરી રહ્યું છે જે મોસ્કો સમર્થિત અલગાવવાદીઓ દ્વારા નિયંત્રિત વિસ્તારો પર કશી ઉશ્કેરણી વિના હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
રશિયાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે પશ્ચિમે રશિયાની સુરક્ષા બાબતોની ચિંતાઓને લઈને અવગણના કરી છે.
નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી રશિયા યુક્રેન પર હુમલો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઇમેજ સ્રોત, ROSSIA 24
જોકે, અમેરિકાએ નાટોમાં યુક્રેનને ન સમાવવાની મોસ્કોની માગ ફગાવી દીધી છે પરંતુ રશિયાને 'રાજદ્વારી રસ્તો' કાઢી આપવાની પેશકશ કરી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે એ વાતની 'પ્રબળ સંભાવના' છે કે રશિયા યુક્રેન પર આવતાં વર્ષે હુમલો કરશે.
જોકે, રશિયા આવું કોઈ આયોજન ન હોવાની વાત કરે છે. પરંતુ શુક્રવારે પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંએ કહ્યું હતું કે બંને દેશો હજુ પણ સામસામે છે.
વાતચીત અંગે જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે, "અમેરિકા અને નાટોના જવાબોએ રશિયાના સલામતી સંબંધી મુદ્દાઓ, જેમ કે નાટોના વિસ્તરણ પર મર્યાદા, રશિયાની બૉર્ડર નજીક સ્ટ્રાઇક હથિયારો ન રાખવાની બાબત, તેમજ સંગઠનના સૈન્ય અને અન્ય માળખાગત સંસાધનોને યુરોપમાં 1997ની પરિસ્થિતિ પ્રમાણે રાખવાને ધ્યાને લીધા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયા સમર્થિત મીડિયાનું કહેવું છે કે રશિયાને નફરત કરનારા પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન સરકારને ઉશ્કેરવામાં આવી રહી છે.
રશિયા સમર્થિત મીડિયા યુક્રેન પર રશિયન હુમલાની આશંકાની ભલે મજાક ઉડાવે, પરંતુ અહીં મીડિયાના સંદેશાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે પ્રજાને સમજાવી શકાય કે જો રશિયા હુમલો કરી દે તો પણ તે એકદમ યોગ્ય પગલું જ હશે.

યુક્રેન સામે આરોપ

ઇમેજ સ્રોત, ROSSIYA24
ક્રેમલિન મીડિયાના મતે યુક્રેન અનેક દુષ્ટતાઓથી ભરેલો દેશ છે. વર્ષોથી ક્રેમલિન મીડિયા યુક્રેન સરકારને નાઝી તરફ ઢળેલી અને રશિયન ભાષી લોકો પર દમનકારી ગણાવી રહ્યું છે.
એટલે તાજેતરમાં ક્રેમલિન મીડિયાનો યુક્રેન પર તે ડોનબાસ પ્રદેશના વિદ્રોહીઓના કબજાવાળા પ્રદેશમાં રહેતા નાગરિકો પર અકારણ હુમલા કરી શકે છે એવો આક્ષેપો લગાવે તેમાં રશિયન પ્રેક્ષકો માટે કંઈ નવાઈ જેવું નથી.
મોસ્કોના સમર્થનથી પૂર્વ યુક્રેનમાં રહેતા કેટલાક અલગાવવાદીઓએ પણ વારંવાર આવા આક્ષેપો કર્યા છે.
ઉદાહરણ તરીકે, તથાકથિત દોનેસ્ક પીપલ્સ રિપબ્લિકના મુખ્ય બળવાખોર નેતા ડેનિસ પશલિને રશિયન ન્યૂઝ ચેનલ પર આવીને કહ્યું કે યુક્રેને હુમલાની તૈયારી અંતર્ગત યુક્રેનના સૈન્યનાં તમામ હુમલાખોરદળોને આ પ્રદેશમાં તહેનાત કરી દેવાયાં છે.
દોનેસ્ક પ્રદેશના અન્ય એક અલગતાવાદી એડવર્ડ બસુરીન ટીવી પર એવો આરોપ લગાવતા જોવા મળ્યા કે યુક્રેન નાગરિકો માટેની ઉપલબ્ધ મૂળભૂત સુવિધાને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
આ આક્ષેપોનું જ એ પરિણામ છે કે હવે જાણીતી હસ્તીઓ રશિયાના હસ્તક્ષેપની માગ કરી રહી છે.
26 જાન્યુઆરીના રોજ મુખ્ય ટીવી ચૅનલોએ યુનાઇટેડ રશિયા પાર્ટીના મુખ્ય સભ્ય આન્દ્રે તુરચક દ્વારા કરવામાં આવેલી અપીલનું પ્રસારણ કર્યું.
આ અપીલમાં આન્દ્રેએ કહ્યું હતું કે, "શાંતિથી જીવતા નાગરિકોની હત્યા થઈ રહી છે. ત્યારે પશ્ચિમી દેશ યુક્રેનની સરકારને ડોનબાસમાં સીધું આક્રમણ કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રશિયાએ લુહાંસ્ક અને દોનેસ્કના લોકોને વિશેષ પ્રકારનાં શસ્ત્રો આપીને જરૂરી મદદ કરવી જોઈએ."
યુક્રેનથી હુમલાની સંભાવનાના રશિયન મીડિયાના દાવાઓ વચ્ચે અમેરિકન અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે રશિયા યુક્રેનમાં તેમના લશ્કરી હુમલાને યોગ્ય ઠેરવવા માટે 'ફોલ્સ ફ્લેગ ઑપરેશન'ની તૈયારી કરી રહ્યું છે.
ફોલ્સ ફ્લેગ ઑપરેશન્સ એવા અભિયાનને કહેવામાં આવે છે જેમાં ઑપરેશન પાર પાડનારની ઓળખને સાવ છુપાવવામાં આવે છે અને જવાબદારી અન્ય કોઈ પર ઢોળી દેવામાં આવે છે.

રશિયા તરફથી ખતરો "કાલ્પનિક"

ઇમેજ સ્રોત, BBC Sport
ક્રેમલિન સમર્થકો રશિયા દ્વારા યુક્રેન પર હુમલાની શક્યતાને સાવ નકારી કાઢે છે.
ઉદાહરણ તરીકે, સરકારી ટીવી 'ચૅનલ વન'એ આ ખતરાને "કાલ્પનિક" ગણીને ફગાવી દીધો અને ચૅનલના રાજકીય ટૉક શોના પ્રસ્તુતકર્તાએ યુક્રેન સામેના "વર્તમાન રશિયન આક્રમણ"ના આરોપો પર હાસ્યની છોળો ઉડાવી.
યુક્રેનની સરહદે એક લાખ રશિયન સૈનિકોના જમાવડા પર અત્યારે કોઈનું ધ્યાન નથી જતું. જો તેની ચર્ચા કરવામાં આવે તો પણ તેમાં એવો સંદેશ આપવાનો પ્રયાસ થાય છે કે રશિયા પોતાના દેશમાં ગમે ત્યાં તેના સૈનિકો તહેનાત કરવા માટે સ્વતંત્ર છે.
રશિયાનું સરકારી મીડિયા એ પણ નકારે છે કે રશિયા પૂર્વ યુક્રેનમાં અલગતાવાદી જૂથો સાથે સંકળાયેલું છે. અહીંના મીડિયાએ 2014માં તેને રશિયન પ્રદેશના "એકીકરણ" તરીકે રજૂ કર્યું છે.

પશ્ચિમ સાથે સંઘર્ષ
યુક્રેન સાથે વધતા વિવાદને ક્રેમલિનના મીડિયા દ્વારા રશિયા અને પશ્ચિમ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષના મુખ્ય અંગ તરીકે જોવામાં આવે છે.
યુક્રેનને એક એવા દેશ તરીકે પણ રજૂ કરવામાં આવી રહ્યો છે જે તેની સ્વતંત્ર નીતિને અનુસરવામાં નિષ્ફળ ગયો છે અને તેથી રશિયાને નફરત કરતા પશ્ચિમી દેશો તેને તેમના ઈશારે ચલાવે છે.
રશિયન અધિકારીઓએ તેમની દલીલ રજૂ કરવા માટે તેમની પોતાની અલગ શબ્દાવલી વિકસાવી છે.
આ અધિકારીનો આરોપ છે કે પશ્ચિમી દેશો તેમના સૈન્ય જોડાણમાં સામેલ કરવા માટે યુક્રેનને પડખે લઈ રહ્યા છે અને દેશમાં હથિયારો ભરી રહ્યા છે.
યુએસ અને બ્રિટનને રશિયાના કટ્ટર વિરોધીઓ તરીકે જોવામાં આવે છે અને વાંરવાર તેમની સરખામણી 'એંગ્લો-સેક્સન' સાથે કરવામાં આવે છે.
એંગ્લો-સેક્સન સમુદાય મધ્ય યુગના પ્રારંભે ઇંગ્લૅન્ડમાં રહેતો હતો. એવું માનવામાં આવે છે કે આ સમુદાય રશિયા પર પણ કબજો કરવા માગતો હતો. હવે રશિયન મીડિયા બ્રિટન અને અમેરિકાની આ સમુદાય સાથે તુલના કરી રહ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














