હિન્દુત્વનું રાજકારણ કર્યા પછીયે બાલ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્ર સુધી જ સીમિત કેમ રહી?
- લેેખક, મયૂરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
બાલ ઠાકરે અને એમની શિવસેનાને આખો દેશ ઓળખે છે. ઠાકરે પોતાના બેબાક અને કટ્ટર હિન્દુત્વના રાજકારણને લીધે જાણીતા હતા અને એમની લોકપ્રિયતાનું વર્તુળ મુંબઈ અને મહારાષ્ટ્રની બહાર પણ વિસ્તર્યું હતું.
એક સમય હતો, જ્યારે ભારતનાં ઘણાં રાજ્યોમાં બાલ ઠાકરેના પ્રશંસકો હતા. બાલ ઠાકરે પોતે પણ કેન્દ્રીય રાજકારણમાં મહત્ત્વના બની રહેવા ઇચ્છતા હતા, પરંતુ એમની પાર્ટી મહારાષ્ટ્રની બહાર પોતાનું કશું સ્થાન ઊભું ના કરી શકી.

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં, દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીની ચર્ચાનો દોર ચાલે છે. આવતા મહિને ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે.
આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવામાં ચૂંટણી લડવા તૈયાર છે. ગોવામાં શિવસેનાએ એનસીપી સાથે ગઠબંધન પણ કર્યું છે.
એમ તો એ જાણવું ઘણું રસપ્રદ રહેશે કે તાજેતરમાં જ દાદરા-નગર હવેલીથી લોકસભાની ચૂંટણી જીતનારાં કલાબાઈ દેલકર મહારાષ્ટ્રની બહાર ચૂંટાઈ આવનારાં શિવસેનાનાં પહેલાં સાંસદ છે.
પાર્ટીના નેતા સંજય રાઉત પણ રાષ્ટ્રીય રાજકારણમાં પાર્ટીની ભૂમિકા પર વાતો કરે છે. એટલે કે, પાર્ટી રાજ્યની બહાર પણ પોતાનું સામર્થ્ય વધારવાના પ્રયત્નો કરતી દેખાય છે.
આ બધું જોતાં, લોકોને એ વાતનું આશ્ચર્ય થઈ શકે કે પહેલાં બાલ ઠાકરેનો કરિશ્મા મહારાષ્ટ્રની સીમા ઓળંગીને બીજાં રાજ્યો સુધી કેમ નહોતો પહોંચી શક્યો?

હિન્દુ બહુલ રાજ્યોમાં સફળતાથી વંચિત

ઇમેજ સ્રોત, Getty Images
એવું નથી કે મહારાષ્ટ્રની બહાર શિવસેનાએ પોતાનું કિસ્મત નથી અજમાવ્યું; પહેલાં પણ શિવસેના ઉત્તર પ્રદેશ અને હિન્દુઓની બહુમતી ધરાવતાં રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ચૂંટણી લડી ચૂકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સિવાય, ગોવા અને કર્ણાટકના બેલગામમાં પણ પાર્ટીએ પોતાનું ભાગ્ય અજમાવી જોયું છે. સાથે જ જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં પણ શિવસેના ચૂંટણી લડી ચૂકી છે.
વાસ્તવમાં, બાલ ઠાકરે માટે ઉત્તર ભારતમાં હંમેશાં આકર્ષણ રહ્યું હતું. એ રાજ્યોમાં આજે પણ એમના અનેક પ્રશંસકો મોજૂદ છે. એ જ કારણે એવાં રાજ્યોમાં શિવસેનાએ પોતાની પહોંચ વધારવાની કોશિશ પણ કરી, પરંતુ એ રાજ્યોમાં ના તો ક્યારેય પાર્ટીનું સંગઠન મજબૂત બન્યું કે ના તો ક્યારેય ચૂંટણીમાં એને ધારી સફળતા મળી શકી.
આવાં બધાં કારણે, રાષ્ટ્રીય સ્તરે પ્રભાવ ધરાવતી હોવા છતાં શિવસેના મહારાષ્ટ્ર સુધી જ સીમિત પાર્ટી રહી ગઈ.
એમ તો એ જાણવું દિલચસ્પ રહેશે કે મહારાષ્ટ્રની બહાર શિવસેનાના પહેલા ધારાસભ્ય ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાયા હતા.

'બાહુબલી' પવન પાંડે શિવસેનાના ધારાસભ્ય

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાને આ સફળતા 1991માં મળી હતી, જ્યારે રામ જન્મભૂમિ આંદોલન ચરમસીમાએ હતું. આખા દેશમાં અયોધ્યા રામમંદિરના મુદ્દે હિન્દુત્વનો વંટોળ હતો. એ સમયે બાલ ઠાકરે હિન્દુત્વના રાજકારણનો મુખ્ય ચહેરો બનીને ઊભર્યા હતા.
જ્યારે 1991ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના એક 'બાહુબલી' પવન પાંડે, અકબરપુર મતવિસ્તારમાંથી શિવસેનાની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. આ શિવસેના માટે એક મોટી સફળતા હતી.
પવન પાંડે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે શિવસેનાએ ઉત્તર પ્રદેશમાં પોતાનું સ્થાન જમાવવા અને વિસ્તારવાના પ્રયત્નો કર્યા હતા. શિવસેના લખનૌ, બલિયા, વારાણસી અને ગોરખપુરમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પણ જીતી. પવન પાંડે ઉત્તર પ્રદેશમાં શિવસેનાનો ચહેરો બન્યા, પરંતુ આ સિલસિલો વધારે લાંબો ન ચાલ્યો.
ત્યાર પછીની ચૂંટણી પાંડે હારી ગયા. બાદમાં જ્યારે માયાવતી મુખ્ય મંત્રી બન્યાં તો એમણે પોતાના રાજકીય વિરોધીઓ, 'બાહુબલી' નેતાઓની ધૂંસરી તાણવા માટે એક અભિયાન શરૂ કર્યું. આ અભિયાનથી બચવા માટે પવન પાંડે મુંબઈ પહોંચી ગયા.
મુંબઈ પહોંચીને એમણે થોડુંઘણું રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ સમયના શિવસૈનિક એવા ઉત્તર ભારતીય નેતા સંજય નિરુપમની હાજરીને કારણે એવું શક્ય ન થઈ શક્યું. છેવટે પાંડે બસપામાં જોડાઈ ગયા. ત્યાર પછી જ્યારે શિવસેના ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી તો એમાં એને ક્યારેય સફળતા ન મળી.

શિવસેના અને 90નો દાયકો

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યા આંદોલનના માહોલમાં શિવસેનાએ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. હિન્દી પટ્ટીનાં રાજ્યોમાં હિન્દુત્વના રાજકારણની અસર દેખાવા માંડી હતી અને એ કારણે જ શિવસેનાની ઓળખ ઊભી થવા માંડી હતી.
રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન બાલ ઠાકરે વિશે આખા દેશમાં કુતૂહલ હતું. આ નેવુંના દાયકાનો એવો દોર હતો જ્યારે શિવસેના મહારાષ્ટ્ર પર સત્તારૂઢ થવાના પ્રયત્નો કરતી હતી.
'બાલ ઠાકરે ઍન્ડ ધ રાઇઝ ઑફ શિવ સેના' પુસ્તકના લેખક અને પત્રકાર વૈભવ પુરંદરેએ કહ્યું છે, "શિવસેના માટે ઉત્સુકતા ત્યારે વધી ગઈ જ્યારે પાકિસ્તાનમાં લોકો 'ઠાકરે ઠાકરે' કરવા માંડ્યા હતા."
આ એ સમય હતો જ્યારે આખા દેશમાં શિવસેનાની મરાઠી અસ્મિતા, આક્રમકતા, રાડા સંસ્કૃતિ અર્થાત્ ગુંડાગીરીની સંસ્કૃતિની ચર્ચાઓ થતી હતી. આની પહેલાં પણ કટોકટી સમયે કૉમ્યુનિસ્ટવિરોધી સ્ટૅન્ડ લેવાના કારણે શિવસેના અખબારોનાં પાને મથાળાં ચમકાવી ચૂકી હતી.
આ બધું હોવા છતાં, શિવસેના ક્ષેત્રિય અથવા એમ કહો કે સ્થાનિક તાકાત જ હતી. મુંબઈ અને બહુ બહુ તો થાણે સુધી એની અસર હતી. પરંતુ 1985 બાદ જ્યારે બાલ ઠાકરેએ હિન્દુત્વનો મુદ્દો હાથમાં લીધો, અયોધ્યાનો રામ મંદિરનો મુદ્દો આવ્યો, અને મુંબઈમાં રમખાણો ફાટી નીકળ્યાં, ત્યારથી શિવસેના મહારાષ્ટ્રમાં ખૂબ ઝડપથી વિસ્તરી.
આ એ સમય હતો જ્યારે બાલ ઠાકરે શિવસેનાની રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા ઇચ્છુક થયા. ઉદાહરણરૂપે ઉત્તર પ્રદેશના ધારાસભ્યનો દાખલો લઈ શકાય, જેનાથી એવું સ્પષ્ટ થાય છે કે ત્યારે બાલ ઠાકરેના મનમાં પણ રાષ્ટ્રીય રાજકારણની આકાંક્ષાઓ જન્મી હશે.
આ જ કારણ છે કે શિવસેનાએ ઘણાં રાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું. આ ચૂંટણીનાં પરિણામોથી કદાચ શિવસેનાને એવો અહેસાસ થયો હશે કે માત્ર મરાઠીના નામે રાષ્ટ્રીય રાજકારણમાં આગળ નહીં વધી શકાય. તેથી, 1993માં એમણે હિન્દી ભાષામાં 'દોપહર કા સામના' નામનું દૈનિક શરૂ કર્યું અને ઉત્તર ભારતીયોનું સંમેલન યોજવાનું શરૂ કર્યું.

સેનાને સ્થાનિક સ્તરે ના મળ્યો મોટો ચહેરો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, મહારાષ્ટ્રની બહાર શિવસેનાને ક્યારેય કાયમી સફળતા નથી મળી. બીજાં રાજ્યોમાં સંગઠન સ્થિર ના રહ્યું. કેટલીક ચૂંટણીઓમાં એકાદ શાનદાર પ્રદર્શનને બાદ કરતાં, સતત એક પણ જીત હાંસલ ન થઈ શકી.
કેટલાક રાજકીય વિશ્લેષકો એમ માને છે કે એનું એક કારણ એ પણ હતું કે શિવસેનાની બધી નીતિઓ મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટેની હતી અને જ્યારે એમણે મહારાષ્ટ્રની સત્તામાં ભાગીદારી મળી તો પાર્ટી ઘણી સંતુષ્ટ થઈ ગઈ.
એ સમયે, મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું અને એક રીતે શિવસેનાએ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના પગ પ્રસારવાની તક ગુમાવી દીધી હતી. 1995માં પાર્ટી સત્તા પર આવી.
આ લક્ષને પ્રાપ્ત કર્યા બાદ તેઓ એક રણનીતિ તૈયાર કરી શકે એમ હતા અને મહારાષ્ટ્રની બહાર પણ વિસ્તરણ કરવા વિચારી શકતા હતા, પરંતુ પાર્ટીએ ક્યારેય એવી રણનીતિ ન ઘડી. પાર્ટીના નેતાઓ પણ રાજ્યની સત્તામાં જ રચ્યાપચ્યા રહ્યા.
વૈભવ પુરંદરેએ જણાવ્યું કે, "બીજાં રાજ્યોમાં પાર્ટીનો એક પણ ચહેરો નહોતો, કેમ કે, બીજાં રાજ્યોમાં કોઈ મોટો ચહેરો પાર્ટી સાથે જોડાયેલો નહોતો. એ બરાબર છે કે પાર્ટી પાસે બાલ ઠાકરે જેવી કદાવર ઓળખ હતી, પરંતુ જુદાં જુદાં રાજ્યોમાં સંગઠન બનાવવા માટે એક સ્થાનિક ચહેરાની જરૂર હોય છે."
"1999ના ફિરોજશાહ કોટલાની ઘટના પછી એમને દિલ્લીમા જયભગવાન ગોયલ જેવો ચહેરો મળ્યો, પરંતુ એથી વધુ કશું ન થયું."
પુરંદરેએ જે જયભગવાન ગોયલનો ઉલ્લેખ કર્યો છે એમને મહારાષ્ટ્રની બહાર સૌથી વધારે ચર્ચિત શિવસૈનિક તરીકે ઓળખી શકાય છે. એમણે દિલ્લીમાં પાર્ટીને સંગઠિત કરી અને એમનું વલણ પણ આક્રમક હતું.

શા માટે મહારાષ્ટ્ર સુધી જ સીમિત રહી ગઈ શિવસેના?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે બાળાસાહેબે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચોને મંજૂરી નહીં આપવાનું સ્ટૅન્ડ લીધું ત્યારે ગોયલ અને શિવસૈનિકોએ દિલ્લીના ફિરોઝશાહ કોટલા મેદાનની પિચને ખોદી નાખી. દિલ્લીમાં શિવસેનાએ ઘણાં આક્રમક આંદોલન પણ કર્યાં. પરંતુ, સંગઠન ચૂંટણી જીતવામાં સતત કામિયાબ ન થયું.
1999માં શિવસેનાએ મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ ફરીથી પાર્ટીનું ધ્યાન મહારાષ્ટ્ર પર કેન્દ્રિત થઈ ગયું. અહીં, મહારાષ્ટ્રમાં, સત્તા મેળવવાના પ્રયાસોએ રાષ્ટ્રીય ઇચ્છાને વિફળ કરી દીધી.
વૈભવ પુરંદરેએ જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેના સત્તા બહાર ફેંકાઈ ગઈ. સીટો ઓછી થઈ ગઈ. સતત 15 વર્ષ સુધી સત્તા બહાર રહી. તેથી, બાળાસાહેબનું ધ્યાન મહારાષ્ટ્રમાં સીટો વધારવા પર હતું. એમની ઉંમર વધી રહી હતી."
મહારાષ્ટ્ર બહાર, બીજાં રાજ્યોમાં સ્થાનિક ચહેરાઓને પોતાની સાથે જોડવા પર શિવસેનાનું બિલકુલ ધ્યાન નહોતું, એનું એક ઉદાહરણ ગુજરાતમાંથી મળે છે. શંકરસિંહ વાઘેલાએ નારાજ થઈને ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી અને કહેવાય છે કે તેઓ શિવસેનામાં જોડાવા માગતા હતા.
પુરંદરેએ જણાવ્યા અનુસાર, "ગુજરાતમાં ભાજપના આ દિગ્ગજ નેતા શિવસેનામાં જોડાય એ ખૂબ મોટી ઘટના ગણાઈ હોત, પણ બાળાસાહેબે એમને શિવસેનામાં ન લીધા. એમને કહેવાયું હતું કે તેઓ ભાજપ સાથેનો જૂનો સંબંધ બગાડવા નથી ઇચ્છતા. પરંતુ શિવસેનાએ ગુજરાતમાં એક તક ગુમાવી દીધી."

બાલ ઠાકરે મહારાષ્ટ્રની બહાર ન નીકળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર બહાર શિવસેનાનું વિસ્તરણ નહીં થવાનું એક કારણ સ્થાનિક સ્તરે નેતાઓ ના મળવા એ હતું તો બીજું મહત્ત્વનું કારણ એ પણ હતું કે પાર્ટીના વિસ્તરણ માટે બાલ ઠાકરે પોતે ક્યારેય મહારાષ્ટ્રની બહાર ન ગયા.
તેઓ ક્યારેય પ્રચાર કરવા માટે બહાર નથી ગયા. ઘણી વાર સુરક્ષાના કારણે આવું થતું હતું.
પરંતુ એમના બહાર નીકળવાના લીધે જે પ્રભાવ પડી શકે એમ હતો એનાથી પાર્ટી વંચિત રહી ગઈ.
1999માં એક વાર શિવસૈનિકોએ દિલ્હીમાં એમનું સન્માન કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ પોતાની જગ્યાએ એમણે ઉદ્ધવ ઠાકરેને મોકલ્યા હતા.
વૈભવ પુરંદરેએ જણાવ્યું કે, "એ મહત્ત્વપૂર્ણ તથ્ય છે કે બાળાસાહેબે પોતે ક્યારેય મહારાષ્ટ્ર ન છોડ્યું. એનાથી જે અસર ઊભી કરી શકાય એમ હતી એ ન પડી. એ એમની પ્રસિદ્ધિના શિખરનો સમય હતો."
"એક વાર એ સમય વહી ગયો તો તમે વધારે કશું નથી કરી શકતા. પરંતુ એમણે રણનીતિને વિસ્તારવા કશું ન કર્યું. સુરક્ષાનું કારણ અને કેટલાંક બીજાં કારણો હોઈ શકે છે, પરંતુ તથ્ય એ જ છે કે તેઓ બહાર ન નીકળી શક્યા. એવું કહેવાવું જોઈએ કે એમનામાં દૂરદર્શિતાની ખામી હતી."

ભાજપ સાથેના ગઠબંધન છતાં પણ ન થયું વિસ્તરણ?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો એમ પણ માને છે કે રાષ્ટ્રીય પાર્ટી ભાજપ સાથે ગઠબંધન હોવા છતાં પણ શિવસેના મહારાષ્ટ્રની બહાર પોતાનું વિસ્તરણ ના કરી શકી.
વાસ્તવમાં ઉત્તર ભારતના જે વિસ્તારોમાં બાલ ઠાકરેનું આકર્ષણ હતું, જ્યાં એમને ચૂંટણીમાં સફળતા મળવાની સંભાવના હતી, એ જ વિસ્તારો ભાજપનાં મુખ્ય ચૂંટણી ક્ષેત્રો હતાં.
એનો ઉલ્લેખ ઉદ્ધવ ઠાકરેએ બાલ ઠાકરેના જન્મદિન અને દૈનિક 'સામના'ના વાર્ષિકોત્સવના કાર્યક્રમ વખતે કર્યો હતો.
એમણે કહેલું કે, "બાબરી મસ્જિદ તોડી પડાઈ એ સમય હિન્દુત્વના રાજકારણની વૃદ્ધિનો સમય હતો અને આપણે મહારાષ્ટ્રમાં રહી ગયા જો હિન્દુત્વના રાજકારણનો પૂરો લાભ લીધો હોત તો આપણે દિલ્લીમાં હોત."
હિન્દુત્વના મુદ્દે આ રાજ્યોમાં ભાજપ પણ રાજકારણ કરી રહ્યો હતો. જો શિવસેનાએ આ વિસ્તારોમાં વિસ્તરણનો પ્રયાસ કર્યો હોત તો ભાજપની સાથે સંઘર્ષ અનિવાર્ય હતો, એ પણ એક કારણ હતું કે જેથી શિવસેનાએ પોતાને મહારાષ્ટ્ર સુધી સીમિત રાખી.
આ પાસા પર વૈભવ પુરંદરેએ લખ્યું છે કે, "એમ નહીં કહી શકાય કે ભાજપને કારણે શિવસેનાનું મહારાષ્ટ્રની બહાર વિસ્તરણ ન થયું. એ પણ ત્યારે જ્યારે ભાજપનાં મૂળ ખૂબ ઊંડાં છે. બાળાસાહેબના મગજમાં એવો વિચાર હશે કે વધારે બહાર ન જઈએ. અન્યથા ભાજપ સાથેના સંબંધો બગડી ગયા હોત. પ્રમોદ મહાજન અને લાલકૃષ્ણ અડવાણીની સાથે એમના વ્યક્તિગત સંબંધો હતા."
પરંતુ હાલના સમયે શિવસેના અને ભાજપના રસ્તા અલગ થઈ ગયા છે. શિવસેના હવે કૉંગ્રેસ, રાકાંપા, તૃણમૂલ જેવા નવા સહયોગીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં ભાગ લઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના બાલ ઠાકરેની નીતિરીતિ કરતાં જુદી રીતે રાજકારણ કરતી દેખાય છે.
એ જોતાં, સૌથી મોટો સવાલ એ જ છે કે શું ઉદ્ધવ ઠાકરેની નવી શિવસેના મહારાષ્ટ્રની બહાર વિસ્તરણ કરશે અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની છાપ ઊભી કરી શકશે? દેખીતું છે કે આના જવાબ તો આવનારો સમય જ આપશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












