Gandhi@150: હિંદુત્વ અને RSS અંગે ગાંધીજીના વિચારો શું હતા?

ઇમેજ સ્રોત, ELLIOTT AND FRY/GETTY IMAGES/FACEBOOK/RSSORG
- લેેખક, કુમાર પ્રશાંત
- પદ, ગાંધીદર્શનના સ્કૉલર, બીબીસી ગુજરાતી માટે
ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અનુકૂળ હિંદુત્વ સાથે જોડવાની અનેક વાર કોશિશ થતી રહી છે અને આ મુદ્દે ગાંધી સાથે ઇતિહાસે અનેક વાર રમત રમી છે.
1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ 30 જાન્યુઆરી, 1948ના રોજ તેમના મૃત્યુ સુધી, જે લોકો ગાંધીથી અસંમત હતા, તેમના વિરોધી હતા, તેમના દુશ્મન રહ્યા હતા, તેઓ પણ પ્રયત્નો કરતા રહ્યા. એટલું જ ઇચ્છતા રહ્યા કે ગાંધીને નકારવાની સ્વીકૃતિ પણ તેમને ગાંધી પાસેથી જ મળે.
આ બધું સંઘપરિવારની સમજીવિચારીને નક્કી કરાયેલી અને લાંબા સમયથી ચાલી રહેલી રણનીતિ છે.
જો સંઘપરિવાર પ્રામાણિક હોત, આત્મવિશ્વાસથી ભરાયેલો હોત તો તેમણે એવું જ કહેવું જોઈતું હતું કે ગાંધી ખોટા છે, દેશ-સમાજ માટે અભિશાપ હતા.
આવું કહીને ગાંધીને નકારી દેવાના હતા અને પોતાની ખરી, સર્વમંગળકારી વિચારધારા તથા કાર્યશૈલીને લઈને આગળ ચાલવાનું હતું.
જો સંઘ પ્રામાણિક હોત તો. જોકે, મુશ્કેલી એ જ વાતની છે કે તેઓ જાણે છે કે તેઓ જે કહે છે અને કરે છે તે ખરું અને સર્વમંગળકારી નથી.

ઇમેજ સ્રોત, RSSS FB
તેઓ પોતાના આ અમંગળકારી ચહેરા પર ગાંધીનો પડદો નાખવા માગે છે, કારણ કે ભારતીય સમાજ આજે પણ મહાત્મા ગાંધીને જ આદર્શ તરીકે સ્વીકારે છે, કોઈ સાવરકર કે ગોલવલકરને નહીં.
મહાત્મા ગાંધી તો તમામ પ્રકારની સંકીર્ણતા વિરુદ્ધ લડનાર સદીના સૌથી મોટા યોદ્ધા હતા અને આખા વિશ્વમાં ફેલાયેલા શાંતિપ્રિય, ઉદાર માનસના લોકો તેમની પાસેથી પ્રેરણા મેળવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભ્રમ કે અસ્પષ્ટતાની સંભાવના

ઇમેજ સ્રોત, Twitter RSS
એવું વિચારવું-સમજવું અશક્ય છે કે વિશ્વ જેમને ગઈ સદીમાં પેદા થયેલી સૌથી મોટી વ્યક્તિ માને છે તેઓ ક્યારેય પણ, કોઈ પણ સ્થિતિમાં નબળા, દલિત, અલ્પસંખ્યક, ઉપેક્ષિત અને અપમાનિત સમાજની વિરુદ્ધમાં ઊભેલા લોકોને સાથ આપશે.
મહાત્મા ગાંધી ઇતિહાસમાં થઈ ગયેલી એવી કેટલીક વ્યક્તિઓ પૈકી એક છે જેઓ પોતાનાં મન, વચન અને કર્મમાં એવી એકરૂપતા ધરાવતા હતા કે કોઈ પણ ભ્રમ કે અસ્પષ્ટતાની સંભાવના નથી રહેતી.
પરંતુ આવું ત્યારે જ બનશે જ્યારે તમે ઇતિહાસનાં પાનાં મેલા મને ન ફેરવી રહ્યા હોવ.
સાંપ્રદાયિક હિંસાવાદીઓ અને હિંસક ક્રાંતિકારીઓથી તેમનો સતત સામનો થતો રહ્યો અને આવી વ્યક્તિઓનું માન જળવાઈ રહે એ રીતે તેમણે તેમની વિચારધારાનું કડકપણે ખંડન કર્યું.
આરએસએસ સંદર્ભે તેમણે પહેલી વાર પોતાના વિચારો પ્રકટ કર્યાનો પ્રસંગ 9 ઑગસ્ટ, 1942માં બન્યો હતો.
એ સમયે દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના તત્કાલીન અધ્યક્ષ આસફ અલીએ ગાંધીને સંઘની ફરિયાદ કરતો એક પત્ર લખ્યો હતો.

આરએસએસ વિશે ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION
'હરિજન'માં આસફ અલીના પત્રનો જવાબ આપતાં (પાનું 261) ગાંધીજી લખે છે:
"ફરિયાદનો પત્ર ઉર્દૂમાં છે. એનો સાર એ છે કે આસફ અલી સાહેબે પોતાના પત્રમાં જે સંસ્થાનો ઉલ્લેખ કર્યો છે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) તેના 3,000 સભ્યો દરરોજ લાકડી લઈને કવાયત કરે છે."
"કવાયત બાદ હિંદુસ્તાન હિંદુઓનું છે, બીજા કોઈનું નથી એવા નારા પણ પોકારે છે. આના પછી નાનાં ભાષણો થાય છે જેમાં વક્તા કહે છે કે પહેલાં અંગ્રેજોને કાઢો પછી મુસલમાનોને અમે અમારા આધીન કરી લઈશું, અને જો તેઓ અમારી વાત નહીં માને તો અમે તેમને મારી નાખીશું."
આસફ અલીની ફરિયાદનો જવાબ આપતાં ગાંધી લખે છેઃ "વાત જે પ્રકારે કહેવાઈ છે તેને એવી જ સમજીને એવું કહી શકાય કે આ નારા અયોગ્ય છે અને ભાષણનો મુખ્ય વિષય તો હજુ વધારે ખરાબ છે."
"નારા અયોગ્ય છે, કારણ કે જેઓ અહીં પેદા થયા, જેમનો ઉછેર પણ અહીં જ થયો છે અને જેઓ બીજા દેશનો આશરો નથી લઈ શકતા ભારત એવા તમામ લોકોનું પણ છે."
"તેથી ભારત જેટલું હિંદુઓનું છે એટલું જ પારસી, યહૂદી, ભારતીય ખ્રિસ્તી, મુસ્લિમો અને બીજા બિનહિંદુઓનું પણ છે."
"સ્વતંત્ર ભારતમાં હિંદુઓનું નહીં, પરંતુ ભારતીયોનું રાજ હશે અને તે કોઈ ધાર્મિક પંથ કે સંપ્રદાયના બહુમત પર આધારિત નહીં હોય, કોઈ પણ જાતના ભેદભાવ વગર ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિઓ પર આધારિત હશે."

હિંદુત્વનાં દર્શનને નકારે છે ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધી જેઓ પોતે એક ધર્મપરાયણ હિંદુ હતા તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે, "ધર્મ એક ખાનગી વિષય છે. જેનું રાજકારણમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ."
"વિદેશી શાસનના કારણે જે અસ્વાભાવિક પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે, એના કારણે જ આપણા દેશમાં ધર્મ અનુસાર આટલા બધા અસ્વાભાવિક વિભાગો (વિભાજન) થઈ ગયા છે."
"જ્યારે દેશમાંના વિદેશી શાસનનો અંત થશે ત્યારે અમે આપણા આવા અયોગ્ય નારા અને આદર્શો સાથે સંકળાયેલા રહેવાની આ મૂર્ખતાને લઈને જાત પર જ હસીશું."
"જો અંગ્રેજોના સ્થાને હિંદુઓ કે અન્ય કોઈ સંપ્રદાયની જ સરકાર બનવાની હોય તો અંગ્રેજોને કાઢી મૂકવાની વાતમાં કોઈ જ દમ નહીં રહે. એ સ્વરાજ્ય નહીં હોય."
નોંધનીય છે કે ગાંધીજી હિંદુત્વનાં દર્શનને જ નકારે છે અને એ પણ જણાવી દઈએ કે દરેક સંગઠિત ધર્મ વિશે તેમનો મત કંઈક આવો જ હતો.

સાંપ્રદાયિકતાથી અસંમત રહ્યા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
સાંપ્રદાયિકતાનો ઉન્માદ ઊભો કરીને રાજકારણની રમત ત્યારે શરૂ થઈ જ્યારે બે રાષ્ટ્રોના સિદ્ધાંતને આગળ કરવામાં આવ્યો અને તેને આખા દેશમાં ખૂબ જ ચાલાકીથી ફેલાવવામાં આવ્યો.
મૃત્યુ સુધી ગાંધી સાંપ્રદાયિક અને રાજકીય હિંસાના કુચક્ર વચ્ચેથી કાઢીને સ્વતંત્રતાના સંઘર્ષને આગળ લઈ જવા માટે ઝૂઝતા રહ્યા.
આ ઝેર ઘોળવાની શરૂઆત સૌથી પહેલાં સાવરકરે કરી અને પછી મુસ્લિમ લીગના નાનામોટા નેતાઓએ. શાયર ઇકબાલે એમાં ખાતર-પાણી સીંચ્યાં અને ઝીણાએ એનો પાક લીધો.
કૉંગ્રેસના ઘણા નેતાઓએ પણ પોતપોતાનું યોગદાન આપવાના કાયર પ્રયાસો કર્યા, પરંતુ સૌ જાણતા હતા કે મહાત્મા ગાંધી અંતિમ શ્વાસ સુધી તેની સાથે સહમત નથી.
આ જ કારણે આ આખા સમયગાળા દરમિયાન ગાંધી પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે આ તમામના નિશાન પર રહ્યા.
ગાંધીજીની વૈચારિક શક્તિ તેમની સામે સતત ઝૂઝતી રહી અને સાંપ્રદાયિકતા-સંકીર્ણતાના ઝેરનું મારણ કરતી રહી.

જ્યારે સંઘની શાખામાં ગયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસમાં 16 સપ્ટેમ્બર, 1947નો એક પ્રસંગ પણ જડે છે. જ્યારે આરએસએસના દિલ્હી પ્રાંતપ્રચારક વસંતરાવ ઓક મહાત્મા ગાંધીને વાલ્મીકિઓની ચાલીમાં પોતાની શાખામાં લઈ ગયા હતા.
આ એકમાત્ર એવો અવસર હતો જ્યારે ગાંધીજી સંઘની કોઈ શાખામાં ગયા હતા.
વિરોધી હોય કે વિપક્ષી, ગાંધી કોઈ પણ સાથે વાતચીત કરવાની તક ક્યારેય જતા નહોતા કરતા. વસંતરાવનું આમંત્રણ પણ તેમણે આ જ ભાવ સાથે સ્વીકાર્યું હતું.
આ મુલાકાત દરમિયાન પોતાના સ્વયંસેવકોને ગાંધીથી પરિચિત કરાવતા વસંતરાવ ઓક ગાંધીને 'હિંદુ ધર્મ દ્વારા ઉત્પન્ન કરાયેલ એક મહાન પુરુષ' ગણાવે છે.
ગાંધીજી એ સમયે આવા કોઈ પણ પરિચયના મોહતાજ નહોતા, પરંતુ તેમનો આવો પરિચય આપીને સંઘ તેમને પોતાની સુવિધા અને રણનીતિના બીબામાં ઢાળવા માગતો હતો.
ગાંધીજી આવી રમતોથી વાકેફ હતા અને ક્યારેય આવી હરકતનો જવાબ આપવાનું પણ નહોતા ચૂકતા.
મહાત્મા ગાંધીના અંતિમ દિવસોનો સૌથી પ્રામાણિક દસ્તાવેજ તેમના અંતિમ અંગત સચિવ પ્યારેલાલ દ્વારા લખાયેલો છે.

સંઘના હિંદુત્વને માન્યતા આપવા ગાંધી તૈયાર નહોતા

ઇમેજ સ્રોત, AFP/ BBC
પોતાના એક અદભુત પુસ્તક 'પૂર્ણાહુતિ' જે મૂળ અંગ્રેજી પુસ્તક 'લાસ્ટ ફેઝ'નો અનુવાદ છે.
એ પુસ્તકમાં આ પ્રસંગને ટાંકતા પ્યારેલાલ લખે છે કે ગાંધીજીએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, "મને હિંદુ હોવાનો ગર્વ તો જરૂર છે, પરંતુ મારો હિંદુ ધર્મ ના તો અસહિષ્ણુ છે કે ના બહિષ્કારવાદી."
"જેટલી હદે હું હિંદુ ધર્મને સમજુ છું, એ અનુસાર હિંદુ ધર્મની વિશિષ્ટતા એ છે કે, તેમાં તમામ ધર્મોની ઉત્તમ વાતોને સમાવી લેવાઈ છે."
"જો હિંદુઓ એવું માનતા હોય કે ભારતમાં બિનહિંદુઓનું સ્થાન સમાન અને સન્માનપૂર્ણ નથી અને જો મુસ્લિમો ભારતમાં રહેવા માગતા હોય તો તેમણે નીચલા દરજ્જાથી જ સંતોષ રાખવો પડશે તો તેનું પરિણામ એ થશે કે હિંદુ ધર્મ શોભાહીન બની જશે."
"મુસલમાનોને મારવામાં તમારા સંગઠનનો હાથ છે તેવો તમારા સંગઠન વિરુદ્ધ લગાવાયેલો આરોપ સાચો હશે તો હું તમને ચેતવણી આપું છું કે, તેનું પરિણામ સારું નહીં આવે."
અહીં ગાંધી બે વાતોની સ્પષ્ટતા કરે છે.
એક, સંઘના ચિહ્ન હિંદુત્વને હિંદુ ધર્મ માનવા માટે તેઓ તૈયાર નથી, તેઓ હિંદુત્વ સાથે પોતાને જોડવાની વાતથી હંમેશાં ઇનકાર કરે છે.
બીજી, ગાંધી એ ચેતવણી પણ આપે છે કે સંઘ જે દિશામાં જઈ રહ્યો છે તે હિંદુ ધર્મ વિરુદ્ધની દિશા છે અને આ પ્રયત્નોનાં પરિણામો ખરાબ આવશે.
આગળ તેઓ જણાવે છે, "થોડાક દિવસ પહેલાં જ તમારા ગુરુજી સાથે મારી મુલાકાત થઈ હતી. મેં એમને કહ્યું હતું કે કોલકાતા અને દિલ્હીથી સંઘ વિરુદ્ધ મારી પાસે કેવી-કેવી ફરિયાદો આવી છે."
"ગુરુજીએ મને કહ્યું કે તેઓ સંઘના તમામ સદસ્યોના યોગ્ય આચરણની જવાબદારી નથી લઈ શકતા, પરંતુ સંઘની નીતિ હિંદુ પ્રજા અને હિંદુ ધર્મની સેવા કરવાની છે, બીજા કોઈનેય નુકસાન પહોંચાડવાની નહીં. તેમણે મને કહ્યું કે સંઘ આક્રમણમાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ અહિંસામાં પણ તેમનો વિશ્વાસ નથી."

શું હિટલરના નાઝીઓમાં અનુશાસન નહોતું?

ઇમેજ સ્રોત, Gandhi Film Foundation
આ મુલાકાતમાં ગુરુજી તરીકે ઓળખાતા ગોલવલકર સાથેની પોતાની વાતચીતનો સાર પણ સાવધાનીપૂર્વક સાર્વજનિક કરી દે છે, તેઓ સંઘની એ વિચારધારાને પણ છતી કરે છે જેમાં વાત તો અનુશાસનની કરાય છે, પરંતુ પોતાના સભ્યોના આચરણની જવાબદારી નથી લેવાતી.
તેઓ ત્યારે જ એ પણ સંભળાવી દે છે કે જો તમે અહિંસામાં વિશ્વાસ નથી રાખતા તો તમે લડાઈમાં હિંસા અને આક્રમણ સિવાય બીજું શું કરશો?
એ દિવસે ગાંધીજીને એવા કેટલાક પ્રશ્નો પૂછાયા જે સંઘના વૈચારિક પાયા સાથે જોડાયેલા છે.
જે કારણે સંઘની મૂંઝવણ બધાની સામે આવી ગઈ અને ગાંધીજીને અજાણે જ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની તક મળી ગઈ.
તેમને પૂછાયું કે 'ગીતા'ના બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કૌરવોનો નાશ કરવાનો જે ઉપદેશ આપે છે, એની વ્યાખ્યા તમે કેવી રીતે કરશો?
ગાંધીજીએ જવાબ આપતા કહ્યું, "આપણે એ વાતનો અચૂક નિર્ણય કરવાની શક્તિ પોતાની જાતમાં વિકસિત કરવી જોઈએ કે મહાપાપી કોણ છે?"
"બીજા શબ્દોમાં કહું તો આપણને ગુનેગારને સજા આપવાનો અધિકાર ત્યારે જ મળી શકે છે જ્યારે આપણે જાતે સંપૂર્ણપણે નિર્દોષ બની જઈએ."
"એક પાપીને બીજા પાપીનો ન્યાય કરવાની કે તેને ફાંસી આપવાનો અધિકાર મળે, એ વાત કઈ રીતે સ્વીકારી શકાય."
"જો એવું માની પણ લેવાય કે પાપીને દંડિત કરવાના અધિકારની વાત ગીતામાં સ્વીકારાઈ છે, તો એ અધિકારનો ઉપયોગ કાયદા દ્વારા સ્થાપિત સરકાર જ કરી શકે છે ને."
"તમે જ ન્યાયાધીશ અને તમે જલ્લાદ, જો આવું થશે તો તો સરદાર અને પંડિત નહેરુ બંને લાચાર બની જશે. તમે એમને તમારી સેવા કરવાની તક આપો. કાયદાને હાથમાં લઈને પ્રયાસોને નિષ્ફળ ન બનાવશો."

સંઘની પાયાની માન્યતા

ઇમેજ સ્રોત, Reuters
અહીં ગાંધી ઈસુની અપૂર્વ ઉક્તિ 'પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય.' પર મહોર મારે છે.
પછી તેઓ એ વાતને પણ રેખાંકિત કરે છે કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકારને તમામ તકો આપવી જોઈએ જેથી તે સાર્વજનિક વિવાદોનું નિરાકરણ લાવી શકે.
સાફ મનથી શોધશો તો તમને આ તમામ કથનોમાં સંઘની બુનિયાદી માન્યતાઓનો ઉકેલ મળશે. આમાં સંઘને બદનામ કરવાની કે દોષારોપણ કરવાની કોઈ વાત નથી બલકે ભૂલોને સુધારવાની વાત છે.
ગાંધીજીની વાતોમાં ટીકાની કડવાશ નથી, રચનાત્મક સહાયનો ભાવ જ હતો. પ્યારેલાલજી લખે છે કે "હરિજનવાસની શાખાથી પાછા ફર્યા બાદ ગાંધીજીના એક સાથીદારે કહ્યું કે સંઘમાં ગજબનું અનુશાસન છે."
આ અંગે ગાંધીજીએ થોડાક કડક અવાજમાં કહ્યું, "હિટલરના નાઝીઓમાં અને મુસોલિનીના ફાસિસ્ટોમાં આવું જ અનુશાસન નથી?"
ગાંધી અહીં સ્પષ્ટ કરી દેવા માગે છે કે અનુશાસન સ્વયં કોઈ આદર્શ કે મૂલ્ય નથી. ખરી વાત તો એ છે કે અનુશાસન કેમ અને કેવી રીતે સ્થાપિત કરાઈ રહ્યું છે, એ વાતની વિવેકસંમત વિવેચના થવી જોઈએ.
આપણે એ ના ભૂલવું જોઈએ કે આ ભારતે 1975-77માં કટોકટીની યાતના પણ વેઠી છે, જેના નારામાં પણ કડક અનુશાસનની જ વાત હતી.

અનુશાસનનાં ગુણગાન

ઇમેજ સ્રોત, facebook RSS
જનતાના વિવેક અને સ્વતંત્રતાનું અપમાન કરનારા હંમેશાં અનુશાસનનાં જ ગુણગાન કરતાં હોય છે.
પ્યારેલાલજી એ દિવસે ગાંધીજીની વાતોના ભાવ શબ્દબદ્ધ કરતાં લખે છે કે, 'તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તાનાશાહી દૃષ્ટિકોણ ધરાવનાર સાંપ્રદાયિક સંસ્થા' ગણાવી હતી.
આરએસએસ સાથેનો તેમનો બીજો પ્રસંગ આપણને 21 સપ્ટેમ્બર, 1947ના તેમના પ્રાર્થના-પ્રવચનમાં મળે છે.
ગાંધીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરુ ગોલવલકર સાથેની પોતાની અને ડૉક્ટર દીનશા મહેતાની વાતચીત વિશે જણાવતાં કહે છે, "મેં ગુરુજીને કહ્યું કે મેં સાંભળ્યું છે કે આ સંસ્થાના હાથ પણ લોહીથી ખરડાયેલા છે. ગુરુજીએ મને વિશ્વાસ અપાવ્યો કે વાત એક જૂઠાણું છે."
"તેમણે કહ્યું કે તેમની સંસ્થા કોઈનીય દુશ્મન નથી. તેમનો ઉદ્દેશ મુસ્લિમોની હત્યા કરવાનો નથી. તેઓ તો માત્ર પોતાની શક્તિને જોરે ભારતનું રક્ષણ કરવા માગે છે."
"તેનો ઉદ્દેશ શાંતિ જાળવી રાખવાનો છે. ગુરુજીએ મને કહ્યું કે હું તેમના વિચારોને સાર્વજનિક કરી દઉં."
ગુરુજીની વાતો સાર્વજનિક કરવાથી સમાજને ગુરુજી અને આરએસએસ વિશે જાણવાનો એવો આધાર મળી ગયો જે આજ સુધી કામ લાગે છે.

ભારે નૈતિક જવાબદારી

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG
આગળ ગાંધીજી અન્ય એક અહિંસક હથિયારનો ઉપયોગ કરે છે.
તેઓ એવું કહીને સંઘના ખભે એક મોટી જવાબદારીનો ભાર નાખી દે છે કે સંઘ વિરુદ્ધ જે આરોપો લગાવવામાં આવે છે, તેને પોતાના આચરણ અને કામ થકી ખોટા સાબિત કરવાની જવાબદારી સંઘ પર જ છે.
મતબલ કે ગાંધીજી એ આરોપોને નકારી નથી કાઢતા. સંઘને એનાથી મુક્ત નથી કરતાં, પરંતુ સંઘને જ કહે છે કે તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરે.
આરએસએસ આજ સુધી પોતાની કથની-કરણીથી એના ખભે લદાયેલો આ નૈતિક બોજો ઉતારી નથી શક્યું.
ગાંધી એક વેતાળની જેમ આરએસએસના ખભે ચઢી બેઠા છે અને એટલે જ વારંવાર સંઘ આ કારણે જ ગાંધીજીને પોતાના ખભા પરથી હઠાવવાની મથામણ કરતા રહે છે, પરંતુ સત્યનો સામનો સત્યથી જ થઈ શકે, ચાલાકી કે દગાબાજીથી નહીં, આ વેદ-સત્ય તેઓ ભૂલી જાય છે.
(લેખક વરિષ્ઠ પત્રકાર અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ છે. આ લેખકના અંગત વિચાર છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












