જૂનાગઢના રહેવાસી પાકિસ્તાનના નાગરિક બની શકે છે?

ઇમેજ સ્રોત, twitter/SultanAhmadAli
- લેેખક, રિયાઝ સુહેલ
- પદ, કરાચીથી, બીબીસી ઉર્દૂ
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અહમદઅલીના દાદા નવાબ મહબત ખાને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું.
10 ડિસેમ્બરે, 2019ના રોજ જૂનાગઢના દીવાન (વઝીર-એ-આઝમ) તરીકે અહમદઅલીની તેમના પિતા જહાંગીર ખાને નિમણૂક કરી હતી.
અલી પાકિસ્તાનમાં મુસ્લિમ ઇન્સ્ટિટ્યુટના ચૅરમૅન છે. તેમણે 'જૂનાગઢ ઇઝ પાકિસ્તાન' નામના અભિયાનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે, "જૂનાગઢ પાકિસ્તાન છે એ માત્ર નારો નથી પરંતુ મિશન છે અને હું તેના માટે મારી આખી જિંદગી લગાવી દઈશ"
પાકિસ્તાન આજે પણ જૂનાગઢને પોતાનો ભાગ સમજે છે અને થોડા સમય પહેલાં જૂનાગઢના રહેવાસીઓ પાકિસ્તાનના નાગરિક બની શકે કેમ એને લઈને ચર્ચા શરૂ થઈ હતી.

ઇમેજ સ્રોત, Faceboo/ JUNAGADH STATE MUSLIM FEDERATION
2018માંવર્ષે પાકિસ્તાનમાં સિંધની હાઈકોર્ટમાં જસ્ટિસ સલાહુદ્દીન પન્હવાર અને શમ્સુદ્દીન અબ્બાસીએ જૂનાગઢની એક વ્યક્તિની એ અરજી પર સુનાવણી કરી હતી જેમાં તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ ન મળવાની ફરિયાદ કરી હતી.
છોટું મિયાંએ અરજીમાં કહ્યું છે, "તેઓ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે વર્ષ 2007માં પાકિસ્તાન આવ્યા હતા પરંતુ હજુ સુધી તેમને પાકિસ્તાનનું નાગરિકત્વ મળ્યું નથી."
તેમનું માનવું છે, "જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો એટલે જૂનાગઢના રહેવાસી પાકિસ્તાનના નાગરિક છે."
ભારતના ભાગલા પડ્યા ત્યારે ઉપમહાદ્વીપમાં એવાં કેટલાય રજવાડાં હતાં, જેમાં નવાબોનું રાજ હતું. જૂનાગઢ પણ આવું જ એક રજવાડું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂનાગઢની 80 ટકા જેટલી વસતી હિંદુ હતી પરંતુ નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે, આઝાદીના થોડા મહિના બાદ જૂનાગઢને ભારતમાં અધિકૃત રીતે જોડી દેવાયું હતું.
તો શું હવે જૂનાગઢના રહેવાસીઓને પાકિસ્તાનનું નાગરિકત્વ આપી શકાય? સિંધની હાઈકોર્ટે આ બાબતે પાકિસ્તાનની સરકારનો મત માગ્યો હતો.
છોટું મિયાંના વકીલ સૈયદ સિકંદરે બીબીસીને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જૂનાગઢમાંથી લોકો આવતા રહે છે.
તેમણે કહ્યું, "પાકિસ્તાન તેમને નાગરિકત્વ આપવા માટે બંધાયેલું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ પ્રક્રિયા બંધ હોવાથી હાલ તંત્રને આ મામલે કોઈ જાણ નથી."

ઇમેજ સ્રોત, FACEBOOK \ JUNAGADH STATE MUSLIM FEDERATION
વકીલ સૈયદ સિકંદર મુજબ પાકિસ્તાનની આઝાદીના બે મહિના બાદ ભારતે જૂનાગઢ પર કબજો કર્યો હતો અને આ મામલે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ પહોંચ્યું હતું.
પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 2-ડીને ટાંકતાં તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું બંધારણ જૂનાગઢના રહેવાસીને પણ નાગરિકત્વ આપે છે.
પાકિસ્તાનના બંધારણની આ જોગવાઈ હેઠળ, આ આર્ટિકલ ત્યારે જ લાગુ પડે જ્યારે કોઈ રાજ્ય કે પ્રાંત પાકિસ્તાનમાં ભળી ગયાં હોય અથવા કોઈ અન્ય રીતે જોડાઈ ગયાં હોય.
આ પછીના ધારા પ્રમાણે, પાકિસ્તાનની સંસદ, કાયદાકીય પ્રમાણે નવાં રાજ્યો અથવા પ્રદેશને સંસદને યોગ્ય લાગે તે પ્રમાણેની શરતે સંઘમાં સામેલ કરે.
જોકે, પૂર્વવર્તી ધારા પ્રમાણે પાકિસ્તાનની ભૌગોલિક સરહદમાં ખૈબર-પખ્તૂનખ્વા, બલૂચિસ્તાન, સિંધ અને પંજાબ આવે છે.

જૂનાગઢમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, FACEBOOK \ JUNAGADH STATE MUSLIM FEDERATION
ઉપમહાદ્વીપના ભાગલા પડ્યા, તે પહેલાં બ્રિટનની સરકારે 262 રાજ્યો અને દેશી રજવાડાં માટે ભારત કે પાકિસ્તાન સાથે ભળવા કે સ્વતંત્ર રહેવાના વિકલ્પ રજૂ કર્યા હતા.
આ દેશી રજવાડાંમાં જૂનાગઢ પણ સામેલ હતું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળવાનો નિર્ણય કર્યો હતો.
જૂનાગઢનું રજવાડું સાડા ત્રણ હજાર કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલું હતું, જેનો એક ભાગ અરબ સાગરના કિનારે આવેલો છે.
જૂનાગઢ હિંદુ બહુમતીવાળો વિસ્તાર હતો, જેનું શાસન મુસ્લિમ પરિવારના હાથમાં હતું.

પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Facebook/Junagadh State Muslim Federation
ભારતના ભાગલા પડ્યા ત્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબતખાને પાકિસ્તાન સાથે ભળી જવાનો નિર્ણય કર્યો અને 15 સપ્ટેમ્બર 1947ના દિવસે પાકિસ્તાને અધિકૃત ગૅઝેટિયર રજૂ કર્યું હતું, જેમાં તેની સીમામાં આવતાં સ્થળોનું વર્ણન હતું.
જોકે, પાકિસ્તાનની સરહદ જૂનાગઢને ક્યાંય અડતી નહોતી.
જૂનાગઢના સ્થાનિક લોકોએ નવાબના નિર્ણયનો વિરોધ કર્યો, જેના આધારે ભારતીય સૈનિકોએ જૂનાગઢમાં પ્રવેશ કર્યો.
'પ્રિન્સલી અફેયર્સ'ના લેખક યાકૂબખાન બંગશ કહે છે કે સર શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના નવાબના દીવાન હતા.
નવાબે દીવાનને કહ્યું હતું કે તેમને જે ઠીક લાગે તે પ્રમાણેનો નિર્ણય લે.
દીવાને રિજનલ કમિશનરને પત્ર લખીને સંપત્તિનું નુકસાન અને ખૂનખરાબો રોકવા માટે પ્રશાસનની મદદ કરવા કહ્યું.
9 નવેમ્બર, 1947ના ભારતે કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા જૂનાગઢને કબજે કરી લીધું.
પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકતઅલીખાને ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ટેલિગ્રામ મોકલીને વિરોધ દર્શાવ્યો કે ભારતનું આ પગલું પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
જવાહરલાલ નેહરુએ ભારતીય સેનાને જૂનાગઢમાંથી હઠાવવાનો ઇનકાર કર્યો અને લોકોની ઇચ્છા જાણવાનો વાયદો કર્યો હતો.
આ અંગે જનમત લેવામાં આવ્યો જેમાં ભારતની તરફેણમાં 19 હજાર મત આવ્યા અને પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત.

જૂનાગઢના નવાબ પાકિસ્તાન પહોંચ્યા

ઇમેજ સ્રોત, FACEBOOK\JUNAGADH STATE MUSLIM FEDERATION
જૂનાગઢ પર ભારતનો કબજો થઈ ગયા બાદ જૂનાગઢના નવાબનો પરિવાર, દીવાન શાહ નવાઝ ભુટ્ટો અને તેમના પાળેલાં કૂતરાં એક જહાજમાં સવાર થયાં અને પાકિસ્તાન પહોંચ્યાં.
તેમનાં બેગમોમાંથી એક બેગમ અને એક બાળક જૂનાગઢમા રહી ગયાં હતાં. જોકે, તેઓ ક્યારેય પાછાં નહોતાં જઈ શક્યાં.
નવાબ મહાબત ખાનનું નિધન 7 નવેમ્બર, 1959ના દિવસે થયું હતું. તેઓ પોતાની પાછળ એક વિધવા અને તેમના 17 આશ્રિતો મૂકી ગયાં હતાં.
તેમના સૌથી મોટા પુત્ર નવાબ દિલાવર ખાનને રજવાડાના વારસ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જહાંગીરને નવાબ જાહેર કરવામાં આવ્યા હતા.

સંપત્તિ બાબતે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
પરિવારમાં તકરારને કારણે જૂનાગઢના નવાબની સંપત્તિનો મામલો સિંધ હાઈકોર્ટ પહોંચ્યો હતો.
1963માં કરાચીના કમિશનરે સંપત્તિના બે ભાગ પાડી દીધા, જે પૈકી એક ભાગ નવાબ દિલાવરને અપાયો, જ્યારે બાકીની સંપત્તિ બીજા વારસદારો વચ્ચે વહેંચી દેવાઈ.
અન્ય વારસદારોને કમિશનરના આ નિર્ણય સામે વાંધો પડ્યો અને તેમણે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી, જેમાં શરિયત કાયદા અનુસાર વહેંચણી કરવાની માગ કરાઈ.
આ મામલો હજુ સુધી હાઈકોર્ટમાં જ પેન્ડિંગ પડ્યો છે.
જૂનાગઢના નવાબની સંપત્તિમાં ભારત સરકાર પાસે રહેલા 1.20 કરોડ રૂપિયા, પાકિસ્તાન સરકાર પાસે રહેલા 30 લાખ રૂપિયા, કરાચી ખાતે આવેલું કરોડોની કિંમત ધરાવતું જૂનાગઢ હાઉસ, માલિરમાં 16 એકરનો બાગ, હૈદરાબાદ ખાતેનો રૂપમહલ, ટાંડો હૈદરમાં આવેલ કૃષિ બાગ, ટાંડો મહંમદખાન ખાતેની 500 એકર ખેતીની જમીન, ઘરેણાં અને હીરાનો સમાવેશ થાય છે.

જૂના વાયદા અને ફરિયાદો
થોડાં વર્ષો પહેલાં એક પ્રેસ-કોન્ફરન્સમાં જૂનાગઢના હાલના નવાબ ખાન જહાંગીરે એવી ફરિયાદ કરી હતી કે તેમના પરિવારને પાકિસ્તાનમાં આવતાની સાથે જ નાગરિકતા મળી ગઈ હતી, પરંતુ પાછળથી આવનાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
તેમણે એવું પણ જણાવ્યું કે પહેલાં અમારા માટે નોકરીઓ માટે અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત જગ્યાઓ રાખવામાં આવતી જે જોગવાઈ હવે રદ કરી દેવાઈ છે.
પહેલાં જૂનાગઢના નવાબને જકાતમુક્ત વાહનો અને ઈલેક્ટ્રોનિક પેદાશો મગાવવાની પણ છૂટ અપાતી હતી, આ મંજૂરી પણ પાછળથી રદ કરી દેવાઈ હતી.
(મૂળ લેખ 25 સપ્ટેમ્બર 2019ના રોજ લખાયો હતો, જેને અપડેટ કરાયો છે.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













