જવાહરલાલ નહેરુ જ્યારે દિલ્હીના ઍરપૉર્ટ પર કૅમેરામૅનને મારવા દોડ્યા
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જેટલા હસમુખ હતા, એટલો જ ગુસ્સો પણ કરતા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાનના ભારત આવી રહ્યા હતા ત્યારે ઍરપૉર્ટ પર પત્રકારોની ભીડ પર એટલા ગુસ્સે થયા હતા કે ગુલદસ્તો લઈને મારવા દોડ્યા હતા.
નહેરુ વિશે ઘણી બધી એવી વાતો છે કે જે તેમને એક લોકપ્રિય નેતા, શોખીન વ્યક્તિ અને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા રાજકારણીના રૂપમાં ચિત્રિત કરે છે.
14 નવેમ્બરના રોજ જવાહરલાલ નહેરુની જન્મતિથિ છે.

વાંચો રેહાન ફઝલની વિવેચના

પોતાના જમાનામાં નહેરુની ગણતરી દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ અંગ્રેજી લેખકોમાં થતી હતી.
કોઈ અન્ય વ્યક્તિના લખાયેલા કોઈ કાગળ પર હસ્તાક્ષર કરવા તેમની શાન વિરુદ્ધ હતું.
તેનું પરિણામ એ હતું કે નહેરુનો મોટા ભાગનો સમય પત્રોને ડિક્ટેટ કરવા કે પોતાનું ભાષણ તૈયાર કરવામાં જતો હતો.
નહેરુનાં સર્વશ્રેષ્ઠ ભાષણો અથવા તો કોઈ તૈયારી વગર અચાનક આપી દેવાતાં હતાં અથવા તો તેમણે સ્વયં તૈયાર કરેલાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીની હત્યા પર આપવામાં આવેલું ભાષણ (ધ લાઇટ હેઝ ગૉન આઉટ ઑફ અવર લાઇવ્સ) લેખિત ભાષણ ન હતું અને એ જ સમયે આકાશવાણીના સ્ટુડિયોમાં કોઈ તૈયારી કે નોટ્સ વગર તેમણે આ ભાષણ આપ્યું હતું.

બર્નાડ શૉ સાથે મુલાકાત

નહેરુના સચિવ એમઓ મથાઈ પોતાના પુસ્તક 'રેમિનેંસેસ ઑફ નહેરુ એજ'માં લખે છે કે જ્યારે નહેરુ પ્રખ્યાત લેખક જ્યોર્જ બર્નાડ શૉને મળવા ગયા હતા તો બર્નાડ શૉએ તેમને પોતાના પુસ્તક 'સિક્સટીન સેલ્ફ સ્કેચેઝ' પર પોતાના હસ્તાક્ષર કરી ભેટમાં આપ્યું હતું.
તેમણે તેના પર નહેરુનું નામ જવાહરલાલ નહેરુની જગ્યાએ જવાહરિયલ લખ્યું. મથાઈએ તુરંત એ ભૂલ તરફ તેમનું ધ્યાન દોર્યું.
શૉ પોતાની લાઇબ્રેરીમાં ગયા અને નહેરુની આત્મકથા કાઢી લાવ્યા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો પરંતુ મજાકિયા અંદાજમાં બોલ્યા, 'તેને આમ જ રહેવા દો. ઇટ સાઉન્ડસ બેટર.'
નહેરુએ તેમને કેટલીક કેરી ખાવા માટે આપી. શૉએ પહેલી વખત કેરી જોઈ હતી. તેઓ સમજ્યા કે કેરીની ગોટલીને પણ ખવાતી હશે.
બાદમાં નહેરુએ તેમને કેરી કાપીને બતાવી અને કેરી કેવી રીતે ખવાય તે સમજાવ્યું હતું.

'કંજૂસ' નહેરુ

ઇમેજ સ્રોત, Getty Images
નહેરુ વિશે કહેવાય છે કે પોતાના માટે તેઓ ખૂબ ઓછો ખર્ચ કરતા હતા. મથાઈ કહે છે કે કેટલાક કિસ્સામાં તો તેમને કંજૂસ કહી શકાય.
જોકે, સેસ બ્રુનરે ગાંધીજી ઊંડા વિચારમાં હોય એવી મુદ્રામાં જે પેઇન્ટિંગ બનાવ્યું હતું તેને એ સમયે 5 હજાર રૂપિયામાં ખરીદવા માટે નહેરુએ એક સેકન્ડનો પણ વિચાર કર્યો ન હતો.
નહેરુના સુરક્ષા અધિકારી રહી ચૂકેલા કે. એફ. રુસ્તમજી લખે છે કે એક વખત ડિબુગઢની યાત્રા દરમિયાન તેઓ નહેરુના રૂમમાં સિગારેટનો કેસ લેવા ગયા હતા. ત્યાં તેમણે જોયું કે એક નોકર નહેરુનાં ફાટેલાં મોજાં સીવી રહ્યો હતો. નહેરુ વેડફાટને પસંદ કરતા ન હતા.
ઘણી વખત તેઓ કારને ઊભી રખાવીને પોતાના ડ્રાઇવરને બગીચામાં વેડફાઈ રહેલા પાણીને રોકવા પાઇપને બંધ કરવા જવાનું કહેતા.
એક વખત સાઉદી અરેબિયાની યાત્રા દરમિયાન તેમણે રિયાદના ઝગમગતા રાજમહેલના એક રૂમમાં જઈને લાઇટ બંધ કરી હતી.

555 સિગારેટના શોખીન

ઇમેજ સ્રોત, Getty Images
એક વખત કોઈએ રુસ્તમજીને પૂછ્યું કે શું નહેરુ દારૂ પીવે છે?
તેમનો જવાબ હતો, ક્યારેય નહીં. હા, સિગારેટ પીવાની ટેવ હતી. તેઓ સ્ટેટ એક્સપ્રેસ 555 પીતા હતા.
પહેલાં તેઓ દિવસ દરમિયાન 20-25 સિગારેટ પી જતા હતા પરંતુ પછી તેઓ દિવસમાં માત્ર પાંચ સિગારેટ પીતા હતા.
નહેરુના સમયમાં બધા વિદેશી શાસનાધ્યક્ષ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાતા હતા અથવા તો નહેરુના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનમાં.
તે દરમિયાન વિદેશી મહેમાનોના રૂમમાં વિદેશ મંત્રાલય તરફથી વિવિધ પ્રકારનો દારૂ રાખવામાં આવતો હતો અને તેને સર્વ કરવા માટે એક અંગ્રેજી બોલતા સેવકને હાજર રાખવામાં આવતા હતા.
જોકે, નહેરુ દ્વારા આપવામાં આવેલા કોઈ સરકારી ભોજનમાં દારૂ સર્વ કરવામાં આવતો ન હતો.
એક વખત 1955ની રશિયાની યાત્રા દરમિયાન તેમણે ત્યાંના રાજદૂત મેનનના કહેવા પર ખ્રુશ્ચેવને આપવામાં આવેલા ભોજનમાં શેરી અને વાઇન સર્વ કરવાની પરવાનગી આપી હતી.
ત્યારે તેમણે એવી શરત પણ મૂકી હતી કે ભોજનમાં હાજર કોઈ પણ ભારતીય તેનું સેવન નહીં કરે.
'મૌલાના' નહેરુ

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN
સરદાર પટેલ નહેરુ કરતાં 13 વર્ષ મોટા હતા અને ગાંધી કરતાં સાત વર્ષ નાના હતા.
ઇંદર મલ્હોત્રા ઉલ્લેખ કરતા હતા કે નહેરુ અને પટેલનાં ઘર આસપાસ જ હતાં.
નહેરુએ તેમને કહી રાખ્યું હતું કે જ્યારે કોઈ મંત્રણા કરવાની હોય, ત્યારે તેઓ સ્વયં તેમના ઘરે આવશે. તેમણે ત્યાં આવવાની જરૂર નથી.
તેઓ હંમેશાં તેમના ઘર પગપાળા જ જતા હતા. મૌલાના આઝાદ થોડે દૂર રહેતા હતા. એ માટે નહેરુ તેમના ઘરે મોટરમાં બેસીને જતા હતા અને ગપશપ કરતા હતા. નહેરુ મૌલાનાને પોતાના હાથે જ ફોન લગાવતા હતા.
એક દિવસ તેમણે પોતાના સચિવ એમઓ મથાઈને કહ્યું કે મૌલાનાસાહેબ સાથે ફોન પર વાત કરાવો.
જ્યારે મૌલાનાએ ફોન લીધો અને નહેરુ આવ્યા તો તેમણે પહેલાં જ કહ્યું, "જવાહરલાલ તમારી આંગળીઓ દુખવા લાગી છે કે તમે બીજા કોઈ પાસે ફોન કરાવો છો."
નહેરુ મૌલાનાનો અર્થ સમજી ગયા અને કહ્યું કે હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય.
એક વખત પટેલને કોઈએ પૂછ્યું કે આ સમયે ભારતમાં સૌથી મોટા રાષ્ટ્રવાદી મુસ્લિમ કોણ છે?
બધા વિચારી રહ્યા હતા કે મૌલાના આઝાદ કે પછી રફી અહેમદ કિદવઈનું નામ લેશે, પણ પટેલનો જવાબ હતો 'મૌલાના નહેરુ'.

અવિશ્વાસુ નહેરુ

ઇમેજ સ્રોત, PHOTODIVISION.GOV.IN
નહેરુને પોતાને અવિશ્વાસુ કહેવામાં મજા આવતી હતી.
તેમણે ક્યારેય કોઈ મૂર્તિ સામે માથું ઝુકાવ્યું ન હતું. ક્યારેય કોઈ વ્રત રાખ્યું ન હતું અને ન તો કોઈ જ્યોતિષ પાસેથી સલાહ લીધી હતી.
એક વખત 1954માં કુંભ દરમિયાન લાલબહાદુર શાસ્ત્રીએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો કે અમાસ પર તેઓ ગંગામાં ડૂબકી લગાવે.
તેમણે કહ્યું કે ભારતમાં કરોડો લોકો આમ કરે છે. નહેરુએ પણ તેમની ભાવના અને ગંગાનું સન્માન કરતાં ડૂબકી લગાવવી જોઈએ.
નહેરુનો જવાબ હતો, "ગંગા મારા અસ્તિત્વનો ભાગ છે. મારા માટે આ ઇતિહાસની નદી છે, પરંતુ હું તેમાં કુંભ દરમિયાન નહીં જાઉં. મને તેમાં નહાવું ગમે છે, પરંતુ કુંભ સમયે જરા પણ નહીં."

ગરમ ઓવરકોટ અને મફલર

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL MEUSEUM AND LIBRARY
ઘાનાના નેતા ક્વામે ન્ક્રૂમાએ પોતાની આત્મકથામાં નહેરુ વિશે એક રસપ્રદ કિસ્સો લખ્યો છે.
એક વખત ન્ક્રૂમા શિયાળામાં ભારતની યાત્રા પર આવ્યા હતા. તેઓ ટ્રેનમાં ઉત્તર ભારતની યાત્રા પર જતા હતા અને અચાનક વડા પ્રધાન નહેરુ સ્ટેશન પર પહોંચી ગયા.
તેઓ પોતાની સાઇઝ કરતાં થોડો મોટો ઓવરકોટ પહેરીને આવ્યા હતા. તેમણે ન્ક્રૂમાને કહ્યું, "આ કોટ મારા માટે ખૂબ મોટો છે, પરંતુ તમારા માટે આ સાઇઝ ઠીક છે. તેને પહેરીને જુઓ."
ન્ક્રૂમાએ એ કોટને પહેર્યો અને તે તેમની સાઇઝનો જ નીકળ્યો.
જ્યારે ટ્રેન ચાલી તો તેમણે કોટના ખિસ્સામાં હાથ નાખ્યો. એક ખિસ્સામાંથી ગરમ મફલર અને બીજા ખિસ્સામાં ગરમ મોજાં હતાં.
પોતાના મહેમાનગતિ વિશે આવું માત્ર નહેરુ જ આવું વિચારી શકતા હતા.

ગુસ્સામાં નહેરુ

ઇમેજ સ્રોત, OTHER
આમ તો નહેરુ ખૂબ હસમુખ હતા, પરંતુ જ્યારે પણ તેમને ગુસ્સો આવતો ત્યારે તેઓ બધી જ મર્યાદા પાર કરી દેતા હતા.
તેમના સુરક્ષા અધિકારી રહી ચૂકેલા કે. એફ. રુસ્તમજી પોતાના પુસ્તક 'આઈ વૉઝ નહેરુઝ શેડો'માં લખે છે કે 1953માં જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ અલી પોતાનાં પત્ની સાથે દિલ્હી ઍરપૉર્ટ પર ઊતર્યા તો નહેરુના ગુસ્સાનો નજારો પોતાની આંખોથી જોયો.
વાત એમ હતી કે જ્યારે વિમાનની સીડીઓ લગાવવામાં આવી, ત્યારે ત્યાં હાજર આશરે પચાસ કૅમેરામૅન વિમાનની ચારે તરફ ઊભા રહી ગયા.
જ્યારે પાકિસ્તાની વડા પ્રધાન ઊતર્યા, પાછળ ઊભેલી ભીડ પણ આગળ આવી ગઈ અને ધક્કામુક્કી થવા લાગી. નહેરુનો પારો ચઢતો ગયો.
તેમણે ગુસ્સામાં બૂમો પાડીને કૅમેરામેનની પાછળ દોડવાનું શરૂ કરી દીધું.
કોઈ એક વ્યક્તિએ નહેરુ માટે કારનો દરવાજો ખોલ્યો. નહેરુએ ગુસ્સામાં તે દરવાજો બંધ કરી દીધો અને ફૂલના એક મોટા બૂકેથી લોકોને માર મારવા લાગ્યા.
રુસ્તમજીએ માંડ-માંડ તેમને જીપમાં બેસવા માટે મનાવ્યા.
નારાજ નહેરુ અને પાકિસ્તાની વડા પ્રધાન જીપમાં સવાર થઈ રાષ્ટ્રપતિભવન ગયા અને તેમની લાંબી કાર જીપની પાછળ પાછળ કોઈ સવારી વગર આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












