જ્યારે નહેરુએ અમેરિકાના રાષ્ટ્રપતિનાં પત્ની સાથે રમી હોળી

જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી અને જૅકલિન કેનેડી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડીનાં પત્ની જૅકલિન 1962માં ભારતની નવ દિવસની મુલાકાતે આવ્યાં હતાં. જોકે, આ એક ખાનગી મુલાકાત હતી એટલે એમને સલાહ અપાઈ હતી કે કોઈ અમેરિકન ઍરલાઇન્સને બદલે 'ઍર ઇન્ડિયા'માં ભારત આવે.

એમણે કર્યું પણ આવું જ. રોમથી દિલ્હી સુધીની તેમણે 'ઍર ઇન્ડિયા'ની ફ્લાઇટ પકડી અને ભારત આવ્યાં.

તેમની સાથે તેમનાં બહેન રાજકુમારી લી રૅધઝીવિલ અને તેમનાં આયા પ્રોવી પણ ભારત આવ્યાં હતાં. ભારત આવતાં પહેલાં ત્રણેય પોપને મળવાં વેટિકન ગયાં હતાં.

લી એ વાતે નાખુશ હતાં કે પોપે માત્ર એ કારણે તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો કે તેમણે છૂટાછેડા લીધા હતા.

જોકે, એ જ પોપને તેમની આયા પ્રોવીને મળવામાં કોઈ વાંધો ના આવ્યો કે જે ત્રણ અનૌરસ સંતાનનાં માતા હતાં.

અલબત્ત, આ એક ખાનગી પ્રવાસ હતો છતાં, ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પાલમ ઍરપૉર્ટ પર જૅકલિન કેનેડીના વિમાનની રાહ જોઈ રહ્યા હતા.

વિમાન પાલમનાં ચક્કર પર ચક્કર ફરી રહ્યું હતું પણ ઊતરવાનું નામ નહોતું લઈ રહ્યું.

નહેરુએ એ વખતે અમેરિકામાં ભારતના રાજદૂત બી.કે. નહેરુ થકી પુછાવ્યું કે આખરે આ મામલો છે શો?

બી.કે. નહેરુ પોતાની આત્મકથા 'નાઇસ ગાઇઝ્ ફિનિસ સૅકન્ડ'માં લખે છે,

"મે વડા પ્રધાનને જણાવ્યું કે વિમાનના ના ઊતરવાનું કારણ એ છે કે જૅકલિને પોતાનો મેકઅપ પૂરો નથી કર્યો. નહેરુને થોડું આશ્ચર્ય થયું તેઓ હસ્યા. મેં તેમને કહ્યું કે અમેરિકાના આ ફર્સ્ટ લેડીને પ્રોટોકૉલ વગેરની કંઈ પડી નથી. તેમના માટે સુંદર દેખાવું સમય પર પહોંચવાં કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે."

તો આખરે જૅકલિન ઊતર્યાં અને નહેરુએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું. પાલમથી તીનમૂર્તિ નિવાસ સુધી હજારો લોકો જૅકલિનના સ્વાગત માટે રસ્તાની બન્ને તરફ ઊભા હતા.

એમાંથી કેટલાય લોકો પોતાનાં ગાડાંમાં 'અમેરિકાની આ મહારાણી'ના દર્શન કરવા આવ્યા હતા.

અમેરિકન દૂતાવાસ પહોંચવાના થોડા સમય બાદ ભારતમાં અમેરિકન રાજદૂત કૅન ગાલબ્રૅથે બી.કે. નહેરુને કહ્યું કે જૅકલિન ઇચ્છે છે કે ભારતમાં તેઓ જ્યાં પણ જાય, તમે તેમની સાથે રહો.

આ રીતે બી.કે. નહેરુએ પોતાના જ દેશમાં વિદેશી રાજદૂતના મહેમાનના મહેમાન બની ગયા.

line

જૅકલિનની રેલયાત્રા

જૅકલિન કેનેડી

ઇમેજ સ્રોત, Getty Images

જૅકલિન અને તેમનાં બહેને પ્રથમ રાત પ્રધાનમંત્રી નિવાસમાં વિતાવી. નહેરુએ એ વખતે તેમનાં સન્માનમાં ભોજનનું આયોજન કર્યું હતું.

ભોજન તુરંત જ પૂરું થઈ ગયું અને બન્ને પાસે પોતપોતાના ઓરડામાં જતાં રહેવાં સિવાયનો કોઈ વિકલ્પ ના બચ્યો.

એ જ વખતે પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ હોમી ભાભાએ સલાહ આપી કે તમે અમારી સાથે નાચતાં કેમ નથી?

જૅકલિનનાં બહેન લી તો આ માટે તૈયાર જ હતાં પણ જૅકલિનને થોડો ખચકાટ અનુભવાઈ રહ્યો હતો.

બી.કે. નહેરુ અને હોમી ભાભા જૅકલિનને તેમના ઓરડા સુધી છોડી આવ્યા અને લી સાથે તેઓ એ વખતની દિલ્હીના શ્રૅષ્ઠ હોટલ ઇમ્પિરિયલના 'ધ ટૅવર્ન'માં ડાન્સ કરવાં ચાલ્યાં ગયાં.

આગામી દિવસે જૅકલિન, તેમનાં બહેન, કૅન અને ક્રિટી ગાલબ્રૅથ, બી.કે. નહેરુ તથા વિદેશ મંત્રાલયનાં એક અધિકારી સૂનુ કાપડીયા એક વિશેષ રેલગાડી થકી આગરા માટે રવાનાં થયાં.

રેવલે બોર્ડે જૅકલિન માટે ભારતમાં ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ રેલવે સલુનની વ્યવસ્થા કરી હતી. ભોજન અને વાઇનની પણ સારી વ્યવસ્થા કરી હતી.

જૅકલિનને આ બધુ ખૂબ સારું લાગી રહ્યું હતું કારણ કે અમેરિકામાં તે વિમાનમાં ઊડવા માટે ટેવાયેલાં હતાં પણ વર્ષો બાદ તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં.

જૅકલિને ફતેહપુર સિકરીના અકબર મહેલ અને તાજ મહેલને જોયાં. આગામી દિવસે તેમણે પોતાનો પ્રવાસ ચાલુ રાખવાના હતો, પણ જૅકલિને ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ અહીંથી વારાણસી જવાં ઇચ્છે છે અને તે પણ ટ્રેન મારફતે.

નહેરુ લખે છે, "સૂનુ મારી પાસે દોડતાં આવ્યાં અને પૂછ્યું કે આટલા ઓછા સમયની નોટિસમાં વારાણસીનો પ્રવાસ કઈ રીતે આયોજીત કરી શકાય? મેં રેલેવે બોર્ડના અધ્યક્ષ કરનૈલસિંઘને ફોન લગાવ્યો. તેમણે તાબડતોબ આ અંગેની વ્યવસ્થા કરી અને અમે સૌ લોકો ટ્રેનથી વારાણસી માટે રવાના થયાં. જોકે, ઉત્સાહમાં ને ઉત્સાહમાં આ અંગે વિદેશ મંત્રાલયને જાણ કરતાં ભૂલી ગયાં. દિલ્હી પરત ફર્યાં બાદ મને એ વાતે સાંભળવું પડ્યું કે મેં અમેરિકન રાષ્ટ્રપતિનાં પત્નીની સુરક્ષા સાથે ચેડા કર્યાં છે."

વારાણસીથી જૅકી ઉદયપુર ગયાં, જ્યાં મહારાણાના મહેલમાં તેઓ બે રાત રોકાયાં. મહેલ એટલો તો ભવ્ય હતો કે તેમણે પોતાના પતિને પત્ર લખ્યો કે આની એક વિંગમાં આખું વ્હાઇટ હાઉસ સમાઈ જશે.

બી.કે. નહેરુ લખે છે, "તો એક રાતે અમે તળાવ તરફ ફરવાં ગયાં. અમે લોકો ત્યાં ગયાં અને ચાંદની રાતમાં તળાવનો નજારો લીધો અને પરત ફર્યાં. આગામી દિવસે સૂનુએ એમને જણાવ્યું કે નાસ્તા વખતે અમારા સુરક્ષા જવાનોએ અમેરિકન સુરક્ષા જવાનોને મજાકમાં કહ્યું કે 'અમારા સાહેબે તમારાં મેમસાહેબને કિડનેપ કરી લીધાં અને તમને ખ્યાલ પણ ના આવ્યો.' કદાચ અમારા સુરક્ષા જવાનો અમારા પર દૂરથી નજર રાખી રહ્યા હતા."

મહેલમાં એ દરમિયાન જૅકલિન ઉપરાંત બિકાનેરના મહારાજ કર્ણીસિંહ ઉપરાંત અમેરિકાનાં એક બહુ જ સુંદર ફોટોગ્રાફર પણ રોકાયાં હતાં.

ઉદયપુરનાં મહારાણીએ જૅકલિન કેનેડીએ ફરિયાદ કરી કે તેમના પતિનું આ ફોટોગ્રાફર સાથે ચક્કર ચાલી રહ્યું છે તો તેઓ આ મામલે તેમની મદદ કરે.

નહેરુ લખે છે કે જૅકલિને એ ફોટોગ્રાફરને બોલાવી અને એને ભારે વઢ્યાં. તેમણે કૅમેરો કાઢી એ મહિલા દ્વારા લેવાયેલી આખી ફિલ્મને ઍક્સપોઝ કરી દીધી.

ભારતીય જનતા દ્વારા તેમને અપાયેલી 'અમેરિકન મરાહાણી'ની ઉપાધિની તેમણે ગંભીરતાથી લઈ લીધી હતી.

line

રાજમહેલમાં રોકાવા પર વાંધો

ભારતમાં અમેરિન રાજદૂત કૅન ગાલબ્રૅથ

ઇમેજ સ્રોત, Getty Images

જૅકલિનનો આગામી મુકામ જયપુર હતો. મહારાજા જયપુર અને મહારાણી ગાયત્રી દેવી બન્ને જૅકલિનનાં બહેનનાં અંગત મિત્રો હતાં.

તેમણે બન્ને મિત્રોને આમંત્રણ આપ્યું હતું કે બન્ને બહેનો તેમની સાથે જ રોકાય અને બન્ને આ માટે તૈયાર પણ થઈ ગયાં હતાં.

જોકે, રાજ્ય સરકારને આ મામલે વાંધો હતો.

કારણ એવું હતું કે એ વખતે રાજ્ય સરકાર અને મહારાજા વચ્ચે અધિકારોને લઈને એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હતું.

સરકારને એ વાતે વાંધો હતો કે જો અમેરિકન રાષ્ટ્રપતિનાં પત્ની રાજભવનને બદલે મહારાજા સાથે રહે તો એનાથી તેમના માનમાં વધારો થશે.

જૅકલિનનું કહેવું હતું કે આ તેમની ખાનગી મુલાકાત હતી અને ભારત સરકારને કોઈ અધિકાર નથી કે તેમણે ક્યાં રહેવું એ અંગે તેઓ નક્કી કરે.

વ્હાઇટ હાઉસ અને ભારત સરકાર વચ્ચેના કેટલાય સંવાદ બાદ વચ્ચેનો રસ્તો એ નીકળ્યો કે જૅકલિન એક રાત રાજભવનમાં રહેશે અને બાદમાં બે રાત માટે મહારાજાના મહેલમાં ચાલ્યાં જશે.

એ સમયે ગુરુમુખ નિહાલસિંઘ રાજસ્થાનના રાજ્યપાલમાં હતા. તેઓ સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા હતા. સરળ અને વિનમ્ર હતા.

જોકે, આ પદ માદે જરૂરી લાલિત્ય અને શૈલીનો તેમનામાં અભાવ હતો.

line

રાજ્યપાલ સાથે ના બેઠાં જૅકલિન

બી.કે. નહેરુ પોતાનાં પત્ની શોભા અને જવાહરલાલ સાથે

ઇમેજ સ્રોત, SHOBHA NEHRU

ઇમેજ કૅપ્શન, બી.કે. નહેરુ પોતાનાં પત્ની શોભા અને જવાહરલાલ સાથે

રાતે તેમણે જૅકલિન કેનેડી માટે ભોજનનું આયોજન કર્યું. જૅકલિન તેમની જમણી બાજું અને તેમનાં બહેન તેમની ડાબી બાજું બેઠાં.

બી.કે. નહેરુ લખે છે, "રાજ્યપાલ મહોદય કંઈ ખાઈ નહોતા રહ્યા અને ઓડકાર લઈ રહ્યા હતા. મેં તેમને પૂછ્યું તમે ખાઈ કેમ નથી રહ્યા? તેમણે કહ્યું કે તેમનું પાચન બરોબર નથી. એટલે સાત વાગ્યે જ તેમણે બે બાફેલાં ઈંડાંનું પોતાનું ભોજન લઈ લીધું હતું. ખાધા બાદ જૅકલિને અમેરિકન રાજદૂતને કહ્યું કે તેઓ આગામી દિવસે રાજ્યપાલ સાથે કારમાં બેસીને આમેરનો કિલ્લો જોવાં નહીં જાય."

"આગામી સવારે મને જાણ કરવામાં આવી કે મારે રૅધઝીવિલ સાથે કારમાં રાજ્યપાલ અને જૅકલિન વચ્ચે બેસવાનું હતું. રાજભવનમાં આમેર સુધીની સફર અમારાં ત્રણેય માટે ભારે પીડાદાયક હતી. કારણ કે કારની બે લોકોની સીટ પર અમે ત્રણ લોકો બેઠાં હતાં. રાજ્યપાલને હેરાન કરવા માટે જૅકલિન સિગારેટ પણ સળગાવી લેતાં હતાં."

દિલ્હી પરત ફર્યા બાદ મુખ્ય સમારોહ અમેરિકન રાજદૂતને ત્યાં હતો. તેમણે એક રાત્રીભોજની પણ વ્યવસ્થા કરી હતી, જેમાં વડા પ્રધાન નહેરુ સામેલ થયા હતા.

line

જૅકલિનની હોળી

જૉન એફ. કેનેડી. ઇંદિરા ગાંધી અને જૅકલિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૉન એફ. કેનેડી. ઇંદિરા ગાંધી અને જૅકલિન

આગામી દિવસ જૅકલિન કેનેડીના ભારત પ્રવાસનો અંતિમ દિવસ હતો અને સંયોગથી એ દિવસે હોળી હતી. ઍરપૉર્ટ પર જતાં પહેલાં જૅકલિન નહેરુને ગુડ બાય કહેવા માટે તેમના નિવાસસ્થાન તીનમૂર્તિ ભવન ગયાં.

તેમણે હંમેશાંની માફક બહુ ફૅશનેબલ કપડાં પહેર્યાં હતાં. અમેરિકન રાજદૂત ગાલબ્રૅથ હોળી અંગે જાણતા હતા અને એટલે તેઓ કુર્તો-પાયજામો પહેરીને આવ્યા હતા.

બી.કે. નહેરુ લખે છે, "હોળીનો મિજાજ માટે મેં પણ લાઉન્જ સુટ પહેર્યું હતું. મને ખબર હતી કે નહેરુ હોળી રમવાના શોખીન હતા. જેવાં જ જૅકલિન પહોંચ્યાં કે એક ચાંદીની ટ્રૅમાં નાનીનાની કટોરીમાં રંગોના ગુલાલ તેમની સાથે લાવવામાં આવ્યા. નહેરુએ જૅકલિનના માથે ગુલાબનો ટીકો કર્યો. તેમણે પણ નહેરુના માથે ટીકો કર્યો. ત્યાં હાજર ઇંદિરા ગાંધીએ પણ આ જ કર્યું."

"જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં ગુલાલની મુઠ્ઠી ભરી અને જૅકલિનનું નાક રંગી દીધું. જૅકલિન પહેલાંથી જ નહેરુને કહી ચૂક્યાં હતાં કે તેમને એ કપડાંમાં ત્યાં નહોતું આવવું જોઈતું અને ગાલબ્રૅથ જેવાં જ કપડાં પહેરવાં જોઈતાં હતાં. મેં જૅકલિનને રંગ લગાવ્યો તો તેમણે કહ્યું કે હું તમને પાઠ ભણાવું, એવું કહીને તેમણે ગુલાલની આખી કટોરી મારા સૂટ પર ઢોળી દીધી."

રંગ ભીના નહોતા. એટલે બી.કે. નહેરુનો સૂટ ખરાબ નહોતો થયો. થોડા પાણીથી જૅકલિનનો ચહેરો અને બી.કે. નહેરુનો સૂટ બન્ને સાફ થઈ ગયા.

તેમણે અમેરિકન રાજદૂત ગાલબ્રૅથ સાથે પાલમ ઍરપૉર્ટ પર જૅકલિન કેનેડીની વિદા કર્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો