ગાંધીજયંતિ : નહેરુને ગાંધીજીએ વચગાળાના વડા પ્રધાન કેમ બનાવ્યા?

ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE

    • લેેખક, દયાશંકર શુક્લ સાગર
    • પદ, વરિષ્ઠ પત્રકાર અને લેખક, બીબીસી ગુજરાતી માટે

મહાત્મા ગાંધીએ કૉંગ્રેસના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કર્યો ન હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર પ્રથમ ભારતીય સરકારના વચગાળાના વડા પ્રધાન બન્યા હોત.

જે સમયે દેશને આઝાદી મળી ત્યારે વલ્લભભાઈ પટેલ 71 વર્ષના હતા જ્યારે નહેરુ માત્ર 56 વર્ષના હતા. દેશ તે સમયે અત્યંત નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.

ઝીણા પાકિસ્તાનની જિદ્દ પકડીને બેઠા હતા. બ્રિટિશ સરકારે કૉંગ્રેસને વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રિત કરી હતી.

કૉંગ્રેસ ઇચ્છતી હતી કે દેશની કમાન પટેલના હાથમાં સોંપવામાં આવે કારણ કે તેઓ ઝીણા સાથે વધુ સારી રીતે ભાવતાલ કરી શકે તેમ હતા, પરંતુ ગાંધીજીએ નહેરુને પસંદ કર્યા.

રાજેન્દ્ર પ્રસાદ જેવા કેટલાક કૉંગ્રેસી નેતાઓએ ચોક્કસ કહ્યું હતું કે 'ગાંધીજીએ ગ્લેમરસ નહેરુ માટે પોતાના વિશ્વસનીય સાથીનું બલિદાન આપી દીધું' પરંતુ મોટા ભાગના કૉંગ્રેસીઓ ચૂપ રહ્યા હતા.

બાપુએ દેશની જવાબદારી સોંપવા માટે નહેરુને જ શા માટે પસંદ કર્યા?

સ્વતંત્રતાનાં 77 વર્ષ પછી પણ આ સવાલ ભારતની રાજનીતિમાં હંમેશાં ચર્ચામાં રહ્યો છે.

તેનું કારણ શોધવા માટે આપણે બ્રિટિશ રાજના અંતિમ વર્ષોના રાજકારણ અને ગાંધીજીની સાથે નહેરુ અને સરદાર પટેલના સંબંધોની બારીકીઓને સમજવી પડશે.

line

વિરોધીમાંથી ગાંધીભક્ત બનેલા પટેલ

ગાંધીજી અને સરદાર પટેલ

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE

વલ્લભભાઈ પટેલ સાથે ગાંધીજીની મુલાકાત નહેરુથી પહેલાં થઈ હતી. તેમના પિતા ઝવેરભાઈએ 1857ના બળવામાં ભાગ લીધો હતો. તે સમયે તેઓ ત્રણ વર્ષ સુધી ઘરેથી ગાયબ રહ્યા હતા.

1857ના બળવાના 12 વર્ષ પછી ગાંધીજીનો જન્મ થયો અને 18 વર્ષ પછી 31 ઑક્ટોબર 1875માં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. એટલે કે ગાંધીજી કરતાં વલ્લભભાઈ માત્ર છ વર્ષ નાના હતા જ્યારે પટેલ કરતાં નહેરુ 14થી 15 વર્ષ નાના હતા.

ઉંમરમાં છ વર્ષનો તફાવત બહુ મોટો ન કહેવાય. તેથી ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ હતો.

વલ્લભભાઈ ઇંગ્લૅન્ડની જે લૉ કૉલેજ 'મિડલ ટેમ્પલ'માંથી બેરિસ્ટરની ડિગ્રી લઈને ભારત પાછા ફર્યા હતા, તે કૉલેજમાંથી જ ગાંધીજી, ઝીણા, વલ્લભભાઈના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ અને નહેરુએ બેરિસ્ટરની ડિગ્રીઓ મેળવી હતી.

તે જમાનામાં વલ્લભભાઈ પટેલ ગુજરાતના સૌથી ઊંચી ફી વસુલતા વકીલો પૈકી એક ગણાતા હતા. પટેલે સૌથી પહેલાં 1916માં ગુજરાત ક્લબમાં ગાંધીજીને જોયા હતા.

ગાંધીજી તે સમયે સાઉથ આફ્રિકામાં નામના મેળવ્યા પછી પહેલી વાર ગુજરાત આવ્યા હતા. દેશમાં જુદીજુદી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવતું હતું.

કેટલાક લોકો તેમને 'મહાત્મા' પણ કહેવા લાગ્યા હતા, પરંતુ ગાંધીજીના આ 'મહાત્માપણા'થી સરદાર પટેલ બિલકુલ પ્રભાવિત થયા નહોતા. તેઓ તેમના વિચારોથી બહુ ઉત્સાહી ન હતા.

પટેલ કહેતા હતા, "આપણા દેશમાં પહેલાંથી મહાત્માઓની કોઈ અછત નથી. આપણને કોઈ એવું જોઈએ જે કામ કરી શકે. ગાંધીજી આ બિચારાઓને બ્રહ્મચર્યની વાતો શા માટે કરે છે? આ તો ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે." (વિજયી પટેલ, બૈજનાથ, પેજ 05)

વર્ષ 1916ના ઉનાળામાં ગાંધીજી ગુજરાત ક્લબ આવ્યા હતા. તે સમયે પટેલ પોતાના સાથી વકીલ ગણેશ વાસુદેવ માવળંકરની સાથે બ્રિજ રમી રહ્યા હતા.

માવળંકર ગાંધીજીથી બહુ પ્રભાવિત હતા. તેઓ તરત ગાંધીજીને મળવા દોડી ગયા.

પટેલે હસતાહસતા કહ્યું, "હું અત્યારથી કહી દઉં છું કે તેઓ તમને શું પૂછશે? તેઓ પૂછશે- ઘઉંમાંથી નાના કાંકરા કાઢતા આવડે છે કે નહીં? ત્યાર પછી તેઓ જણાવશે કે આનાથી દેશને આઝાદી કઈ રીતે મળી શકે છે."

પરંતુ થોડા જ સમયમાં ગાંધીજી અંગે વલ્લભભાઈ પટેલની ધારણા બદલાઈ ગઈ.

ચંપારણમાં ગાંધીજીના જાદુની તેમના પર જબ્બરજસ્ત અસર પડી હતી. તેઓ ગાંધીજી સાથે જોડાઈ ગયા. ખેડામાં આંદોલન થયું તો પટેલ ગાંધીજીની વધુ નિકટ આવી ગયા.

અસહયોગ-આંદોલન વખતે પટેલ પોતાની જામેલી વકીલાતની પ્રેક્ટિસ છોડીને ગાંધીજીના પાક્કા અનુયાયી બની ગયા. ત્યાર પછી બારડોલી સત્યાગ્રહ થયો જેમાં પટેલ પહેલી વાર આખા ભારતમાં લોકપ્રિય બની ગયા.

તે 1928માં એક મહત્ત્વનું ખેડૂત આંદોલન હતું. પ્રાંતીય સરકારે ખેડૂતો પર 30 ટકા જેટલો કર વધારી દીધો હતો. પટેલ આ આંદોલનના નેતા બન્યા અને અંગ્રેજ સરકારે નમતું જોખવું પડ્યું.

આ આંદોલન પછી જ પટેલને ગુજરાતની મહિલાઓએ 'સરદાર'નું બિરુદ આપ્યું. 1931માં કૉંગ્રેસના કરાચી અધિવેશનમાં પટેલ પહેલી અને છેલ્લી વખત પક્ષના પ્રમુખ તરીકે ચૂંટાયા. પહેલી વાર તેઓ 'ગુજરાતના સરદાર'માંથી 'દેશના સરદાર' બની ગયા.

line

નહેરુની ચૂંટણી

જવાહલાલ નહેલુ અને ગાંધીજી

ઇમેજ સ્રોત, BETTMANN

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળવાન હતી પરંતુ તેનાથી એક વર્ષ અગાઉ બ્રિટને ભારતીયોના હાથમાં સત્તા આપી દીધી હતી. વચગાળાની સરકાર બનાવવાની હતી.

કૉંગ્રેસના પ્રમુખ હોય તે જ વડા પ્રધાન બનશે એવું નક્કી થયું. તે સમયે કૉંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના અબુલ કલામ આઝાદ હતા. તેઓ છેલ્લાં છ વર્ષથી આ હોદ્દા પર હતા અને હવે તેમની વિદાયનો સમય આવી ગયો હતો.

ત્યાં સુધીમાં ગાંધીજી નહેરુના હાથમાં કૉંગ્રેસની કમાન સોંપવાનું નક્કી કરી ચૂક્યા હતા.

20 એપ્રિલ 1946ના રોજ તેમણે મૌલાનાને પત્ર લખીને જણાવ્યું કે તેઓ એક નિવેદન જારી કરે કે તેઓ 'હવે પ્રમુખપદે રહેવા માગતા નથી.'

ગાંધીજીએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે 'જો આ વખતે મારો મત પૂછવામાં આવશે તો હું જવાહરલાલને પસંદ કરીશ. તેનાં ઘણાં કારણો છે. તેનો હું ઉલ્લેખ કરવા માગતો નથી.' (કલેક્ટેડ વર્ક્સ, ખંડ 90 પેજ 315)

આ પત્ર પછી આખી કૉંગ્રેસમાં એવી વાત ફેલાઈ ગઈ કે ગાંધીજી નહેરુને વડા પ્રધાન બનાવવા માંગે છે.

29 એપ્રિલ 1946ના રોજ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પક્ષના નવા પ્રમુખની ચૂંટણી કરવાની હતી, જેણે થોડા મહિના પછી વચગાળાની સરકારમાં ભારતના વડા પ્રધાન બનવાનું હતું.

આ બેઠકમાં મહાત્મા ગાંધી ઉપરાંત નહેરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાણી, રાજેન્દ્ર પ્રસાદ, ખાન અબ્દુલ ગફાર ખાનની સાથે ઘણા મોટા કૉંગ્રેસી નેતાઓ પણ સામેલ હતા.

ખંડમાં હાજર દરેક વ્યક્તિને ખબર હતી કે ગાંધીજી નહેરુને કૉંગ્રેસપ્રમુખ તરીકે જોવા માગે છે.

પરંપરા અનુસાર કૉંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી પ્રાંતીય કૉંગ્રેસ સમિતિઓ કરતી હતી અને 15માંથી 12 પ્રાંતીય કૉંગ્રેસ સમિતિઓએ સરદાર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

બાકીની ત્રણ સમિતિએ આચાર્ય જે. બી. કૃપલાણી અને પટ્ટાભી સીતારમૈયાનાં નામો પ્રસ્તાવિત કર્યાં હતાં.

એક પણ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિએ અધ્યક્ષપદ માટે નહેરુના નામનું સૂચન કર્યું નહોતું. જ્યારે તમામ સમિતિઓ બહુ સારી રીતે જાણતી હતી કે ગાંધીજી નહેરુને ચોથી વખત પ્રમુખ બનાવવા માગતા હતા.

પક્ષના મહાસચિવ કૃપલાણીએ પીસીસીની ચૂંટણીની ચિઠ્ઠી ગાંધીજી તરફ આગળ વધારી.

ગાંધીજીએ કૃપલાણી તરફ જોયું. કૃપલાણી સમજી ગયા કે ગાંધીજી શું ઇચ્છે છે.

તેમણે નવો પ્રસ્તાવ તૈયાર કરીને નહેરુના નામનો પ્રસ્તાવ મૂક્યો. તેના પર સૌએ પોતાની સહી કરી.

પટેલે પણ સહી કરી. હવે પ્રમુખપદ માટે બે ઉમેદવારો હતાઃ જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ.

નહેરુ ત્યારે જ બિનહરીફ પ્રમુખ ચૂંટાઈ શકે તેમ હતા જ્યારે વલ્લભભાઈ પટેલ પોતાનું નામ પાછું ખેંચી લે.

કૃપલાણીએ એક કાગળ પર તેમનું નામ પાછું ખેંચવાની અરજી લખીને સહી કરવા માટે પટેલ તરફ મોકલી દીધી. તેનો અર્થ સ્પષ્ટ હતો.

ગાંધીજી ઇચ્છતા હતા કે નહેરુ પ્રમુખ બને તેથી તમે તમારું નામ પાછું ખેંચવાના કાગળ પર સહી કરી દો. પરંતુ નારાજ પટેલે સહી ન કરી અને આ ચિઠ્ઠી તેમણે ગાંધીજી તરફ આગળ મોકલાવી દીધી.

ગાંધીજીએ નહેરુ સામે જોયું અને કહ્યું, "જવાહર વર્કિંગ કમિટી સિવાય કોઈ પણ પ્રાંતીય કૉંગ્રેસ કમિટિએ તમારા નામનું સૂચન નથી કર્યું. તમારું શું કહેવું છે?"

નહેરુ ચૂપ રહ્યા. ત્યાં હાજર બધા લોકો ચૂપ હતા.

ગાંધીજીને કદાચ આશા હતી કે નહેરુ કહેશે કે ઠીક છે, તો પછી તમે પટેલને જ તક આપો. પરંતુ નહેરુએ આવું કંઈ ન કહ્યું. હવે અંતિમ નિર્ણય ગાંધીજીએ લેવાનો હતો.

ગાંધીજીએ તે કાગળ ફરી પટેલને પરત આપ્યો.

આ વખતે પટેલે તેના પર સહી કરી દીધી. કૃપલાણીએ જાહેરાત કરી દીધી, "તો નહેરુને સર્વાનુમતે પ્રમુખપદે ચૂંટવામાં આવે છે."

કૃપલાણીએ તેમના પુસ્તક 'ગાંધી હિઝ લાઈફ ઍન્ડ થૉટ્સ'માં આ સમગ્ર ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.

તેમણે લખ્યું છે, "મેં આ રીતે હસ્તક્ષેપ કર્યો તે પટેલને ગમ્યું નહોતું. પક્ષના મહામંત્રી હોવાના કારણે હું ગાંધીજીની મરજીનું કામ યંત્રવત્ કરી રહ્યો હતો અને તે સમયે મને તે બહુ મોટી વાત નહોતી લાગી. આખરે તે એક પ્રમુખની જ ચૂંટણી હતી."

"મને લાગ્યું કે હજુ તો આગળ ઘણો સંઘર્ષ છે. પરંતુ ભવિષ્ય કોને ખબર છે? લાગે છે કે આવી તુચ્છ ઘટનાઓ જ કોઈ વ્યક્તિ અથવા રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરતી હોય છે."

line

ગાંધીજીએ આવું શા માટે કર્યું?

સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

આવું મહાત્મા ગાંધી જ કરી શકતા હતા.

કૉંગ્રેસના પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય એક એવી વ્યક્તિ દ્વારા લેવાઈ રહ્યો હતો જેઓ 12 વર્ષ અગાઉ જ કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી ચૂક્યા હતા.

પરંતુ કૉંગ્રેસીઓ માટે આ મોટી વાત ન હતી, કારણ કે વર્ષ 1929, 1936 અને 1939 પછી આ ચોથી વખત બન્યું હતું જ્યારે પટેલે ગાંધીજીના કહેવાથી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

સૌ કોઈ ચોંકી ગયા હતા.

તે સમયના જાણીતા પત્રકાર દુર્ગાદાસે પોતાના પુસ્તક 'ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નહેરુ'માં લખ્યું છે :

"રાજેન્દ્ર પ્રસાદે મને જણાવ્યું કે 'ગાંધીજીએ ગ્લેમરસ નહેરુ માટે પોતાના વિશ્વસનીય સાથીનું બલિદાન આપી દીધું' અને મને ડર છે કે હવે નહેરુ અંગ્રેજોના માર્ગ પર આગળ વધશે."

"રાજેન્દ્ર બાબુની પ્રતિક્રિયા વિશે મેં જ્યારે ગાંધીજીને જણાવ્યું ત્યારે તેઓ હસ્યા અને તેમણે રાજેન્દ્રની સરાહના કરતા જણાવ્યું કે નહેરુ આગામી પુષ્કળ સમસ્યાઓનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરી ચૂક્યા છે."

તો સવાલ એ છે કે આટલા બધા વિરોધ છતાં ગાંધીજીએ પટેલની જગ્યાએ નહેરુને શા માટે પસંદ કર્યા?

ગાંધીજીએ કહ્યું હતું કે તેમની પાસે આનાં ઘણાં કારણો છે. પરંતુ કોઈએ તેમને આ કારણો પૂછ્યાં નહીં અને તેમણે કોઈને જણાવ્યાં નહીં.

કૉંગ્રેસમાં તો કોઈનામાં એટલી હિંમત ન હતી કે તેઓ બાપુને પૂછી શકે કે સરદાર પટેલ જેવા યોગ્ય નેતાને છોડીને તમે નહેરુને શા માટે પસંદ કર્યા?

સૌ કોઈ જાણતું હતું કે સરદાર પટેલ જમીની હકીકતો સાથે મજબુતીથી સંકળાયેલા છે. તેઓ ઝીણા જેવા લોકો સાથે તેમની જ ભાષામાં ભાવતાલ કરી શકે છે.

પત્રકાર દુર્ગાદાસે જ્યારે તેમને આ સવાલ કર્યો તો "ગાંધીજીએ સ્વીકાર્યું કે કૉંગ્રેસના પ્રમુખ તરીકે પટેલ એક વધુ સારા 'નેગોશિયેટર' અને 'ઑર્ગેનાઇઝર' હોઈ શકે છે. પરંતુ તેમને લાગે છે કે સરકારનું નેતૃત્વ નહેરુએ કરવું જોઈએ."

દુર્ગાદાસે જ્યારે ગાંધીજીને પૂછ્યું કે તમને આ ગુણ પટેલમાં શા માટે નથી દેખાતા?

તો આ અંગે ગાંધીજીએ હસતાહસતા કહ્યું કે "જવાહર અમારા કૅમ્પમાં એકમાત્ર અંગ્રેજ છે."

ગાંધીજીને લાગ્યું કે દુર્ગાદાસ તેમના જવાબથી સંતુષ્ટ નથી, તો તેમણે કહ્યું, "જવાહર બીજા સ્થાને રહેવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. તેઓ આંતરરાષ્ટ્રીય વિષયોને પટેલની તુલનામાં વધુ સારી રીતે સમજે છે. તેઓ તેમાં સારી ભૂમિકા ભજવી શકે છે."

"આ બંને સરકારી બળદગાડાંને ખેંચવા માટે બે બળદ છે. તેમાં આંતરરાષ્ટ્રીય કામો માટે નહેરુ અને રાષ્ટ્રના કામ માટે પટેલ હશે. બંને સારી રીતે ગાડું ખેંચશે."

ગાંધીજીના આ પ્રેસ ઇન્ટરવ્યૂમાંથી બે વાત બહાર આવી.

એક, નહેરુ નંબર-2 બનવા માગતા નહોતા. જ્યારે ગાંધીજીને વિશ્વાસ હતો કે પટેલને નંબર-2 બનવામાં કોઈ વાંધો નહીં આવે.

હકીકતમાં આવું જ થયું કારણ કે પટેલ મોઢું ચઢાવીને નારાજ રહેવાના બદલે એક જ અઠવાડિયામાં સામાન્ય થઈ ગયા અને મજાક-મશ્કરી પણ કરવા લાગ્યા.

તેમની વાતો પર હસવાવાળા લોકોમાં સ્વયં ગાંધીજી પણ સામેલ હતા.

બીજી વાત એ કે ગાંધીજીને લાગતું હતું કે પોતાની અંગ્રેજીયતના કારણે સત્તાના હસ્તાંતરણને પટેલની તુલનામાં નહેરુ વધુ સારી રીતે સંભાળી શકશે.

મહાત્મા ગાંધીએ અન્ય એક પ્રસંગે પણ આ જ વાત કરી હતી કે "જે સમયે અંગ્રેજોના હાથમાંથી સત્તા લેવામાં આવી રહી હતી, તે સમયે બીજી કોઈ વ્યક્તિ નહેરુનું સ્થાન લઈ શકે તેમ નહોતું. તેઓ હૅરોના વિદ્યાર્થી, કૅમ્બ્રિજના સ્નાતક અને બૅરિસ્ટર હોવાના નાતે અંગ્રેજોને સાથે વધુ સારી રીતે સંભાળી શકે છે." (મહાત્મા, તેંડુલકર, ખંડ 8 પેજ 3)

અહીં ગાંધીજીની વાત સાચી હતી.

બહારના વિશ્વમાં ભારતની આઝાદીની લડાઈમાં ગાંધીજી પછી નહેરુનું નામ જ લેવાતું હતું. માત્ર યુરોપીયનો જ નહીં, પરંતુ અમેરિકનો પણ નહેરુને મહાત્મા ગાંધીના સ્વભાવિક વારસદાર માનતા હતા જ્યારે સરદાર પટેલ વિશે આવું બિલકુલ ન હતું.

ભાગ્યે જ કોઈ વિદેશી સરદાર પટેલને ગાંધીજીના વારસદાર માનતા હતા.

ઇંગ્લૅન્ડના ઘરોમાં બુદ્ધિજીવીઓ વચ્ચે નહેરુની ચર્ચા થતી હતી. તમામ વાઈસરોય અને ક્રિપ્સ સહિતના ઘણા અંગ્રેજ અધિકારીઓ નહેરુના મિત્ર હતા.

નહેરુની તેમની સાથે અંગત વાતચીત થતી રહેતી હતી.

line

નહેરુથી વિપરીત પટેલનું વ્યક્તિત્વ

સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, SARDAR PATEL NATIONAL MEMORIAL, AHMEDABAD

બંનેમાં બીજા મોટા તફાવતો પણ હતા, જે રાજકીય રીતે બહુ મહત્ત્વ ધરાવે છે.

નહેરુ એક આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનામાં અંગ્રેજી અને હિંદીમાં બોલવાની અને લખવાની અદભૂત આવડત હતી.

નહેરુ ઉદાર હતા અને તેમનું ખુલ્લાપણું તેમને લોકપ્રિય બનાવતું હતું.

તેઓ લાગણીશીલ અને સૌંદર્યપ્રેમી હતા, જેઓ કોઈને પણ રીઝવી શકે તેમ હતા.

તેનાથી વિપરીત સરદાર પટેલ કડક અને થોડા બરછટ સ્વભાવના હતા.

તેઓ વ્યવહારુ હતા પરંતુ સાથે સાથે આખાબોલા પણ હતા. તેઓ હૃદયે ઠંડા, પરંતુ ગણતરીમાં બહુ પાક્કા હતા.

સોદાબાજી કરવામાં નહેરુ બિલકુલ કુશળ નહોતા. તેઓ કૉંગ્રેસમાં પણ સૌથી અલગ રહેનારા નેતા હતા.

જેલમાં બંધ રહીને તેઓ પોતાના સાથી કૉંગ્રેસીઓ સાથે ગપ્પા મારવાના બદલે પોતાની કોટડીમાં એકલા બેસીને 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' જેવાં પુસ્તકો લખતા હતા. તેમના ઉમરાવ વર્ગની એક અલગ દુનિયા હતી.

બીજી તરફ પટેલ રાજકીય તંત્રની રગેરગથી વાકેફ હતા. તેઓ તોડ-જોડ કરવામાં માહેર હતા. આ કારણથી જ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિમાં તેમને 15માંથી 12 સમિતિઓનો ટેકો મળ્યો હતો.

નહેરુ એક પ્રખર વક્તા હતા જ્યારે પટેલને ભાષણો આપવાથી ચીડ હતી.

તેઓ હૃદયપૂર્વક અને એકદમ સ્પષ્ટ બોલતા હતા. મુસ્લિમો અંગે તેમના મનમાં આરએસએસ જેવી અરૂચિ કે પૂર્વગ્રહ હતો એવું નહોતું. પરંતુ સાચેસાચું બોલવાના કારણે તેઓ દેશના મુસ્લિમોમાં અપ્રિય બન્યા હતા.

નહેરુ સમાજવાદના મસીહા હતા તો પક્ષ માટે ભંડોળ એકત્ર કરનાર પટેલ મૂડીવાદીઓના સંરક્ષક હતા.

નહેરુ આધુનિક હિંદુસ્તાન અને ધર્મનિરપેક્ષ ભારતનું સ્વપ્ન જોતા હતા જ્યારે પટેલ રાષ્ટ્રના હિતોને સર્વોપરી ગણતા હતા.

હિંદુઓ અને હિંદુ પરંપરા અંગે તેમના મનમાં નરમ લાગણીઓ હતી જે ઘણી વાર તેમને ઉત્તેજિત કરી દેતી હતી.

નહેરુમાં એક ચકોર રાજનીતિક અંતઃદૃષ્ટિ હતી. આમ છતાં તેઓ સ્વભાવિક રીતે લાગણીશીલ અને જરૂરિયાત કરતાં વધારે કલ્પનાશીલ હતા.

line

નહેરુની ભૂલના કારણે જ્યારે વાત બગડી ગઈ

જવાહલાલ નહેલુ

ઇમેજ સ્રોત, HULTON DEUTSCH

નહેરુને પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા તે વર્ષની જ બે ઘટનાઓ છે જે નહેરુ અને પટેલના વ્યક્તિત્વને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે.

કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને કૅબિનેટ મિશનની યોજનાઓને લગભગ સ્વીકારી ચૂકી હતી.

આગળના મહિને વચગાળાની સરકાર બનવાની હતી, જેમાં બંનેના પ્રતિનિધિ સામેલ થવાના હતા. એટલે કે દેશનું વિભાજન ટાળી શકાય તેમ લાગતું હતું.

એ વાત અલગ હતી કે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને પોતપોતાની રીતે કૅબિનેટ મિશનની યોજનાઓનું અર્થઘટન કરતી હતી.

આવી સ્થિતિમાં નહેરુએ 7 જુલાઈ 1946ના રોજ કૉંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવી જેમાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું કે કૉંગ્રેસના માનવા પ્રમાણે આ યોજનામાં શું છે.

કૉંગ્રેસ માનતી હતી કે પ્રાંતોને કોઈ પણ સમૂહમાં રહેવાની અથવા ન રહેવાની સ્વતંત્રતા રહેશે, તેથી દેખીતી રીતે જ ઉત્તર-પશ્ચિમ સીમા પ્રાંત અને આસામ, જ્યાં કૉંગ્રેસની સરકાર છે, તે પાકિસ્તાનના બદલે ભારતના સમૂહ સાથે જોડાવા ઇચ્છશે.

ઝીણા કૉંગ્રેસની આ વ્યાખ્યા સાથે બિલકુલ સહમત નહોતા.

તેમના અનુસાર કૅબિનેટ મિશન યોજના હેઠળ પશ્ચિમનાં ચાર અને પૂર્વનાં બે રાજ્યો માટે બે મુસ્લિમ બહુમતી સમૂહનો હિસ્સો બનવું બંધનકર્તા હતું. બસ આ જ વિચારોનો તફાવત હતો.

હવે સમજદારી એ હતી કે જે જેવું વિચારતું હોય તેમ વિચારે. સૌથી પહેલાં કૉંગ્રેસ અને લીગ સાથે મળીને વચગાળાની સરકાર બનાવે.

ત્યાર પછી જે થશે તે જોયું જશે. પરંતુ તેના ત્રણ દિવસ પછી 10 જુલાઈ 1946ના રોજ નહેરુએ મુંબઈમાં એક પત્રકારપરિષદ કરીને જણાવ્યું કે કૉંગ્રેસે બંધારણ સભામાં સામેલ થવાનો નિર્ણય તો લઈ લીધો છે પરંતુ તેને જરૂરી લાગશે તો તે કૅબિનેટ મિશન યોજનામાં ફેરફાર પણ કરી શકે છે.

નહેરુએ આ એક નિવેદન આપીને કૅબિનેટ મિશનની સમગ્ર યોજનાને એક મિનિટમાં ધ્વસ્ત કરી દીધી. તેના કારણે અખંડ ભારતની અંતિમ આશા પર પાણી ફરી વળ્યું.

નારાજ ઝીણાને જોઈતી તક મળી ગઈ.

તેમણે પણ એક પત્રકારપરિષદ બોલાવીને સ્પષ્ટ કહી દીધું કે કૉંગ્રેસના ઇરાદા સારા નથી. જો હવે બ્રિટિશ રાજ હોય ત્યાં સુધીમાં જ મુસલમાનોને પાકિસ્તાન આપવામાં નહીં આવે તો બહુ ખરાબ પરિણામ આવશે.

મુસ્લિમ લીગે 16 ઑગસ્ટથી 'ડાયરેક્ટ ઍક્શન'નું એલાન કર્યું.

ઝીણાના ડાયરેક્ટ ઍક્શનનો અર્થ ભયંકર હિંસા થશે તેવી કોઈને ખબર નહોતી.

પરંતુ સરદાર પટેલ સમજી ગયા હતા કે નહેરુથી બહુ મોટી ભૂલ થઈ છે. તેમની વાત સાચી હતી પરંતુ તેની ખુલ્લેઆમ જાહેરાત કરવાની જરૂર નહોતી.

સરદારે પોતાના નિકટના મિત્ર અને અંગત સચિવ ડી. પી. મિશ્રાને એક પત્ર લખ્યો, "નહેરુ ચાર વખત કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ ચૂક્યા છે. પરંતુ તેમની હરકતો નાદાનીભરી અને બાળકો જેવી હોય છે. તેમની આ પત્રકારપરિષદ લાગણીવશ અને મૂર્ખતાપૂર્ણ હતી."

"પરંતુ તેમની આ તમામ નાદાનીભરી ભૂલો છતાં તેમનામાં આઝાદી માટે ગજબનો જુસ્સો અને ઉત્સાહ છે જે તેમને અધીરા બનાવી દે છે."

"તેના કારણે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે. થોડો પણ વિરોધ તેમને પાગલ કરી મૂકે છે. કારણ કે તેઓ ઉતાવળા છે." (સરદાર પટેલ કોરસ્પોન્ડન્સ પેજ 153)

નહેરુની પહાડ જેવડી મોટી ભૂલનાં પરિણામ થોડા જ સમયમાં દેશની સામે આવી ગયાં.

ઝીણાના 'ડાયરેક્ટ ઍક્શન'માં હિંદુ-મુસ્લિમો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાં. એકલા કલકત્તા શહેરમાં હજારો લોકો માર્યા ગયા હતા. લાખો લોકો બેઘર થઈ ગયા. નોઆખલીમાં પણ ભારે કત્લેઆમ થઈ. ધીમેધીમે રમખાણોએ આખા દેશને પોતાના સકંજામાં લઈ લીધો.

ત્યાર પછી ગાંધીજી કલકત્તાથી લઈને નોઆખલી અને બિહાર સુધી રમખાણોમાં માર્યા ગયેલા હિંદુઓ અને મુસલમાનોનું લોહી સાફ કરવાની 24 કલાકની ડ્યૂટી પર લાગેલા રહ્યા.

આ ફરજ સ્વતંત્રતા મળવાના દિવસ સુધી ચાલુ રહી.

તલવારના બદલે તલવાર ઉઠાવવાની સલાહ

અનેક જગ્યાએ કોમી તોફાન ફાટી નીકળ્યાં હતાં. હિંદુ-મુસ્લિમો માર્યા જતા હતા.

એવામાં 'પટેલના હિંદુત્વ'એ ઉછાળો માર્યો અને 23 નવેમ્બર 1946ના રોજ મેરઠમાં કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા.

અધિવેશનમાં તેમણે પોતાના ભાષણમાં કહી દીધું, "દગાખોરીથી પાકિસ્તાન લેવાની વાત ન કરો. હા, જો તલવારથી લેવું હોય તો તલવારથી મુકાબલો કરી શકાય છે." (52મો મેરઠ કૉંગ્રેસ અધિવેશન, કે. પી. જૈન)

પટેલનું નિવેદન સનસનાટી ફેલાવી દેનારું હતું.

ગાંધીજીની અહિંસાની નીતિથી એકદમ વિપરીત. ગાંધીજી સુધી ફરિયાદ પહોંચી ગઈ.

ગાંધીજીએ પટેલને પત્ર લખ્યો, "તમારા વિશે ઘણી ફરિયાદો સાંભળવા મળી છે. ઘણી ફરિયાદોમાં અતિશયોક્તિ હોય તો અજાણતા છે. પરંતુ તમારાં ભાષણ લોકોને ખુશ કરનારાં અને ઉશ્કેરનારાં હોય છે. તમે હિંસા-અહિંસા વચ્ચે ભેદ નથી રાખ્યો. તમે લોકોને તલવારનો જવાબ તલવારથી આપવાનું શીખવો છો. જ્યારે તક મળે ત્યારે મુસ્લિમ લીગનું અપમાન કરવાનું ચૂકતા નથી."

"આ બધું જો સાચું હોય તો બહુ હાનિકારક છે. પદથી ચોંટ્યા રહેવાની વાત કરો છો અને જો કરતા હોવ તો તે પણ ખૂંચવાવાળી બાબત છે."

"મેં તમારા વિશે જે સાંભળ્યું તે વિચાર કરવા માટે તમારી સામે મૂક્યું છે. આ સમય બહુ નાજુક છે. આપણે જરા પણ પાટા પરથી ઊતરશું તો નાશ થશે તેમ સમજજો. કાર્યસમિતિમાં જે સુમેળ હોવો જોઈએ તે નથી. તમને ગંદકીનો નિકાલ કરતા આવડે છે. તેનો નિકાલ કરો."

આ જ પત્રમાં આગળ ગાંધીજીએ પટેલને એ પણ જણાવ્યું કે તેઓ હવે વૃદ્ધ થઈ ગયા છે.

ગાંધીજીએ લખ્યું, "મને અને મારું કામ સમજાવવા માટે કોઈ વિશ્વસનીય સમજદાર માણસને મોકલવા માગતા હોવ તો મોકલી દેજો."

"તમારે દોડીને આવવાની બિલકુલ જરૂર નથી. તમારું શરીર ભાગદોડ કરવાને લાયક નથી રહ્યું. શરીર પ્રત્યે બેદરકાર રહો છો, તે બિલકુલ ઠીક નથી." (બાપુના પત્રો 2- સરદાર વલ્લભભાઈને, પેજ 341-43)

આ બે ઘટનાઓ નહેરુ અને પટેલના વ્યક્તિત્વ વિશે જણાવવા માટે પૂરતી છે.

હકીકત તો એ છે કે ગાંધીજી 1942માં એ સમયે નહેરુને પોતાના વારસદાર જાહેર કરી ચૂક્યા હતા જ્યારે બંને વચ્ચે મતભેદો ચરમસીમાએ હતા.

તે સમયે ગાંધીજીએ કહ્યું હતું, "આપણને જુદા કરવા માટે વ્યક્તિગત મતભેદથી ઘણી વધારે શક્તિશાળી તાકાતની જરૂર પડશે. ઘણાં વર્ષોથી હું કહેતો આવ્યો છું અને આજે પણ કહું છું કે જવાહરલાલ મારા વારસદાર હશે. તેઓ કહે છે કે તેઓ મારી ભાષા નથી સમજતા અને હું તેમની. આમ છતાં હું જાણું છું કે જ્યારે હું નહીં હોઉં ત્યારે તેઓ મારી જ ભાષા બોલશે." (ઇન્ડિયન ઍન્યુઅલ રજિસ્ટર ભાગ-1, 1942, પેજ 282-283)

પરંતુ તેનો અર્થ એ નહોતો કે ગાંધીજી પટેલને ઓછો પ્રેમ કરતા હતા.

આજે નથી ગાંધી, નથી નહેરુ કે નથી પટેલ. સમયનું ચક્ર સંપૂર્ણ ફરી ગયું છે.

આજે નહેરુ આરોપીના પિંજરામાં છે અને ગુજરાતમાં બનેલી લોહપુરુષ સરદાર પટેલની લગભગ 600 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ઇતિહાસને પલટીને જોઈ રહી છે.

કૉંગ્રેસના મહાન નેતા પટેલના 'હિંદુત્વ' પર એ આરએસએસે કબજો જમાવ્યો છે જેના પર પટેલે એક સમયે પ્રતિબંધ મૂક્યો હતો.

(લેખક વરિષ્ઠ પત્રકાર અને 'મહાત્મા ગાંધી : બ્રહ્મચર્યના પ્રયોગ'ના લેખક છે)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો