સરદાર વલ્લભભાઈ પટેલ : મૃત્યુના એક વર્ષ પહેલાંનો એ ગોઝારો અકસ્માત જેમાં તેઓ માંડ બચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઑલ ઇન્ડિયા રેડિયોએ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં એવા સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
સરદાર પટેલ તેમનાં પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું હતું.
લગભગ 158 કિલોમિટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી.
જોકે, ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.
સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા 'રેમિનિસન્સ'માં લખ્યું છેઃ "પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ થતું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા."

જયપુર પાસે ક્રૅશ લૅન્ડિંગ

ઇમેજ સ્રોત, THE MAN WHO SAVED INDIA
પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું તાકીદનું ઉતરાણ (ક્રૅશ લૅન્ડિંગ) કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા છે.
એ સંજોગોમાં વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળવાની સૂચના પ્રવાસીઓને આપવામાં આવી હતી કારણ કે ક્રૅશ લૅન્ડ કરતી વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની શંકા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છ વાગીને વીસ મિનિટે પાઇલટે તમામ પ્રવાસીઓને સીટ બૅલ્ટ બાંધી લેવા જણાવ્યું હતું. તેની પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને જમીન પર ઊતારી દીધું હતું.
વિમાનમાં આગ પણ ન લાગી કે તેના દરવાજા સજ્જડ ભીડાયેલા ન રહ્યા, તેમજ ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી બહાર આવવાની જરૂર પણ ન હતી.

ગામલોકો સરદાર માટે પાણી અને દૂધ લાવ્યા

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા.
વિમાનમાં સરદાર પટેલ છે એવી તેમને ખબર પડી કે તરત જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યું હતું અને સરદાર તથા અન્ય લોકોને બેસવા માટે ખાટલા બિછાવ્યા હતા.
ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા ત્યાં સુધીમાં અંધારું થઈ ચૂક્યું હતું.
ઘટનાસ્થળે સૌથી પહેલાં કે. બી. લાલ નામના અધિકારી પહોંચ્યા હતા. બાદમાં તેમણે લખ્યું હતુઃ "હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા.
મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો."

સરદાર સલામત હોવાના સમાચાર નહેરુને પહોંચાડ્યા

ઇમેજ સ્રોત, PATEL A LIFE
રાતે લગભગ 11 વાગ્યે સરદાર પટેલનો કાફલો જયપુર પહોંચ્યો ત્યારે તેમના યજમાનોને ધરપત થઈ હતી.
તમામ ભારતવાસીઓને માફક યજમાનો પણ એવું જ સમજ્યા હતા કે સરદારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
એ વખતે જવાહરલાલ નહેરુ ચિંતિત થઈને તેમના ઓરડામાં આટાં મારી રહ્યા હતા અને સરદાર પટેલના સમાચારની રાહ જોઈ રહ્યા હતા.
રાતે 11 વાગ્યે નહેરુને સમાચાર આપવામાં આવ્યા હતા કે સરદાર પટેલ સલામત છે.
31 માર્ચે સરદાર પટેલ ફરી દિલ્હી પહોંચ્યા ત્યારે પાલમ ઍરપોર્ટ પર અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સરદાર પટેલની ઉપેક્ષા

ઇમેજ સ્રોત, PATEL A LIFE
સરદારની શારીરિક ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ હતી. નહેરુ તેમનાથી 3 ઇંચ લાંબા હતા.
નહેરુની જીવનકથાના લેખક રાજમોહન ગાંધીએ ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને ટાંકીને લખ્યું છેઃ "આજે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરીએ છીએ."
'પટેલ - અ લાઇફ' નામના પુસ્તકમાં ખુદ રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ "આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્વની ભૂમિકા ભજવી હતી."
"આ શાસનતંત્ર ભારતીય ઇતિહાસમાં ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે."
સરદારની આવી ઉપેક્ષાનો અંદાજ એ હકીકત પરથી મેળવી શકાય કે સુનીલ ખિલનાનીના વિખ્યાત પુસ્તક 'ધ આઇડિયા ઑફ ઇન્ડિયા'માં નહેરુનો ઉલ્લેખ 65 વખત આવે છે, જ્યારે સરદારનો ઉલ્લેખ માત્ર 8 વાર કરવામાં આવ્યો છે.
એવી જ રીતે રામચંદ્ર ગુહાના પુસ્તક 'ઇન્ડિયા આફટર ગાંધી'માં સરદારનો ઉલ્લેખ 48 વખત કરવામાં આવ્યો છે, પણ તેની સરખામણીએ નહેરુનો ઉલ્લેખ તેના કરતાં ચાર ગણાથી વધુ એટલે કે 185 વખત કરવામાં આવ્યો છે.

સરદાર અને નહેરુની તુલના

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પટેલની એક વધુ જીવનકથાના લેખક હિંડોલ સેનગુપ્તાએ તેમના પુસ્તક 'ધ મૅન હૂ સેવ્ડ ઇન્ડિયા'માં લખ્યું છેઃ "ગાંધીની ઇમેજ એક અહિંસક, ચરખો ચલાવતા અને માનવીય લાગણીઓથી ઓતપ્રોત એવી વ્યક્તિની છે."
"નહેરુ શેરવાનીના બટનમાં લાલ ગુલાબ લગાવતા એવા ચાચા નહેરુ તરીકે ઉભરે છે કે જેમને કોઈ બીજા પુરુષની પત્ની સાથે રોમાન્સ કરવામાં છોછ નથી."
"તેમની સરખામણીએ સરદાર પટેલના જીવનમાં કોઈ રોમાન્સ નથી. (તેમનાં પત્નીનું લાંબા સમય પહેલાં અવસાન થયું હતું અને તેમના જીવનમાં બીજી કોઈ મહિલાનો ઉલ્લેખ મળતો નથી.) સરદાર પટેલ એક એવી વ્યક્તિ છે, જે પોતાના વિશે અને પોતાની જરૂરિયાતો બાબતે બહુ ઓછું જણાવે છે."

યથાર્થવાદી સરદાર પટેલ

ઇમેજ સ્રોત, PATEL A LIFE
સરદાર પટેલના એક વધુ જીવનકથાકાર પી. એન. ચોપડાએ તેમના પુસ્તક 'સરદાર ઑફ ઇન્ડિયા'માં રશિયન વડાપ્રધાન નિકોલાઈ બુલગાનિનને એવું કહેતા ટાંક્યા છે કે "તમારું ભારતીયોનું શું કહેવું! તમે રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાંઓને વિખેરી નાખ્યાં."
બુલગાનિન માનતા હતા કે સરદાર પટેલની આ સિદ્ધિ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી હતી.
વિખ્યાત લેખક એચ. વી. હોડસને લૉર્ડ માઉન્ટબેટનને એવું કહેતા ટાંક્યા છે કે "નહેરુને નવા ગૃહ મંત્રાલયના વડા ન બનાવવામાં આવ્યા એ સારું થયું."
"નહેરુ ગૃહપ્રધાન બન્યા હોત તો બધું વિખેરાઈ ગયું હોત, એ કહેવામાં મને જરાય સંકોચ નથી. યથાર્થવાદી પટેલે એ કામ બહુ સારી રીતે કર્યું હતું."

સરદાર પટેલ અને કરિઅપ્પાની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
એક જમાનામાં ભારતીય સૈન્યના નાયબ વડા અને આસામ તથા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ. કે. સિન્હાએ તેમની આત્મકથા 'ચેન્જિંગ ઇન્ડિયા - સ્ટ્રૅઈટ ફ્રૉમ હાર્ટ'માં એક કિસ્સો નોંધ્યો છેઃ "એક વખત જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો હતો કે સરદાર પટેલ તેમને તુરંત મળવા ઈચ્છે છે. કરિઅપ્પા એ સમયે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. હું પણ તેમની સાથે હતો."
એસ. કે સિન્હા લખે છેઃ "હું વરંડામાં તેમની રાહ જોતો હતો. કરિઅપ્પા પાંચ મિનિટમાં બહાર આવ્યા પછી તેમણે મને કહ્યું હતું કે સરદાર પટેલે તેમને બહુ સામાન્ય સવાલ પૂછ્યો હતો કે આપણા હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો? તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ 'હા'માં આપ્યો હતો અને એ બેઠક પૂરી થઈ ગઈ હતી."
એસ. કે. સિન્હા લખે છેઃ "વાસ્તવમાં એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા."
"બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો તેની સામે ઊભા થઈ જશે."
"કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો અને એક જ સપ્તાહમાં હૈદરાબાદ ભારતનું એક અંગ બની ગયું હતું."

મોતીલાલ નહેરુની નજરમાં 'હીરો'

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પટેલના શાસન દરમિયાન ભારતનું ક્ષેત્રફળ - પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા છતાં - સમુદ્રગુપ્ત (ચોથી શતાબ્દી), અશોક (ઈસવી પૂર્વે 250 વર્ષ) અને અકબર(સોળમી શતાબ્દી)ના જમાનાના ભારતના ક્ષેત્રફળ કરતાં પણ વધુ હતું.
સરદાર પટેલના મૃત્યુ પહેલાં અને પછી નહેરુને છ વખત કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જ્યારે સરદારને 1931માં એક જ વાર કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
એ દરમિયાન મૌલાના આઝાદ અને મદનમોહન માલવિય જેવા નેતાઓ બે કે તેથી વધુ વખત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.
સરદાર પટેલની જીવનકથામાં રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ "1928માં બારડોલીના ખેડૂત આંદોલનમાં સરદારની ભૂમિકા બાદ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ મોતીલાલ નહેરુએ મહાત્મા ગાંધીને એક પત્રમાં લખ્યું હતું કે આ સમયના હીરો વલ્લભભાઈ છે તેમાં કોઈ શંકા નથી. આપણે તેમના માટે એક કામ કરી શકીએ કે તેમને કૉંગ્રેસના અધ્યક્ષ બનાવીએ. કોઈ કારણસર એવું ન થાય તો આપણી બીજી પસંદ જવાહરલાલ હોવા જોઈએ."

સરદાર વિરુદ્ધ નહેરુ

ઇમેજ સ્રોત, Getty Images
રાજમોહન ગાંધી લખે છેઃ "પટેલ વિરુદ્ધ નહેરુના વાદ-વિવાદમાં નહેરુની તરફેણમાં એવી દલીલો કરવામાં આવતી હતી કે નહેરુ કરતાં ઉંમરમાં સરદાર 14 વર્ષ મોટા છે, તેઓ યુવાવર્ગમાં નહેરુ જેટલા લોકપ્રિય નથી. નહેરુનો રંગ ગોરો હતો અને તેઓ દેખાવમાં આકર્ષક લાગતા હતા, જ્યારે સરદાર ગુજરાતી ખેડૂત પરિવારમાંથી આવતા હતા અને થોડા ચૂપ રહેતા બળવાન પુરુષ લાગતા હતા.
"તેમને કાળી-ધોળી મૂછો હતા, જે બાદમાં તેમણે કઢાવી નાખી હતી. તેમના માથા પર નાના વાળ હતા. આંખોમાં થોડી રતાશ હતી અને ચહેરા પર થોડી કઠોરતા દેખાતી હતી."
નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો, પણ એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ તેનો કોઈ રેકર્ડ મળતો નથી.

પશ્ચિમી વસ્ત્રોથી દૂર રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
જવાહરલાલ નહેરુને તેમના મૃત્યુના 55 વર્ષ પછી પણ તેમની ઉત્તમ શેરવાનીઓ અને બટનહોલમાં લગાવવામાં આવેલા ગુલાબના ફૂલને કારણે ઓળખવામાં આવે છે. તેનાથી વિપરીત સરદાર પટેલને તેમના લંડન પ્રવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો સાથે પ્રેમ થઈ ગયો હતો.
દુર્ગા દાસે તેમના પુસ્તક 'સરદાર પટેલ્સ કોરસ્પોન્ડન્સ'માં નોંધ્યું છેઃ "પટેલને અંગ્રેજી કપડાં એટલાં બધાં ગમતાં હતાં કે અમદાવાદમાં સારા ડ્રાઈ ક્લીનર્સ ન હોવાને કારણે તેઓ એ કપડાંને મુંબઈમાં ડ્રાઈ ક્લીન કરાવતા હતા."
એ પછી સરદાર ગાંધીજીના સ્વદેશી આંદોલનથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે સર્વસાધારણ ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું હતું.

હંમેશા વાસ્તવિકતા સાથે

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિજના ઉત્તમ ખેલાડી હોવા છતાં સરદાર પટેલ ગ્રામ્ય પરિવેશમાં મૂળિયાં ધરાવતા હોવાનો આભાસ આપતા હતા. તેમનામાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં.
દુર્ગા દાસે લૉર્ડ માઉન્ટબેટનને એમ કહેતા ટાંક્યા છે કે "સરદાર પટેલ હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા હતા, જ્યારે નહેરુ આકાશમાં ઉડતા હતા."
હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છેઃ "નહેરુનું જૂથ તેમના નેતાને એક વૈશ્વિક નેતા તરીકે દેખાડવાનું પસંદ કરે છે, જ્યારે તેમની નજરમાં સરદાર પટેલ એક પ્રાંતીય નેતા અને વધુમાં વધુ ગામડિયા 'સ્ટ્રૉંગમૅન' હતા, જે હાથ મરડીને રાજકીય જીત મેળવતા હતા. બીજી તરફ સરદારના ટેકેદારો નહેરુને સારાં વસ્ત્રો પહેરતા એક નિર્બળ નેતાના સ્વરૂપમાં ચિત્રિત કરે છે. તેમનો દાવો છે કે નહેરુમાં મુશ્કેલ રાજકીય પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા કે આવડત ન હતી."
નહેરુ અને પટેલની ક્ષમતાઓનું સૌથી સટીક આકલન રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં કર્યું છે. તેઓ લખે છેઃ "1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી પણ વધુ બહેતર વડાપ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડાપ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા."
દુર્ગા દાસે સરદારનાં પુત્રી મણિબહેનને એવું કહેતાં ટાંક્યાં છે કે "સરદાર પટેલને 1941થી આંતરડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. આંતરડામાં પીડા થવાને કારણે તેઓ મળસ્કે સાડા ત્રણે ઉઠી જતા હતા. તેઓ એકાદ કલાક ટોઇલેટમાં ગાળતા હતા અને પછી સવારે ચાલવા નીકળતા હતા. તેમની બીમારીના અનુસંધાને માર્ચ-1948માં ડૉક્ટરોએ સરદારના સવારે ચાલવા જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો અને સરદારે લોકોને હળવામળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું."

1948ના અંત સુધીમાં તબિયત વધારે બગડી

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા 'રેમિનિસન્સ'માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા.
21 નવેમ્બર, 1950ના રોજ મણિબહેનને સરદારની પથારી પર લોહીના કેટલાંક ધાબાં જોવા મળ્યાં હતાં. તેમણે તરત જ સરદાર માટે 24 કલાક સાથે રહે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. થોડીક રાતો માટે સરદારને ઑક્સિજન પર પણ રાખવામાં આવ્યા હતા.

દિલ્હીની ઠંડીથી બચવા માટે મુંબઈ લઈ જવાયા

ઇમેજ સ્રોત, PATEL- A LIFE
1950ની પાંચમી ડિસેમ્બર આવતાં સુધીમાં સરદાર પટેલને અંદાજ આવી ગયો હતો કે તેમનો અંત નજીક છે.
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ 6 નવેમ્બરે સરદાર પાસે આવ્યા હતા અને દસેક મિનિટ બેઠા હતા, પણ સરદાર એટલા બીમાર હતા કે તેમના મોંમાથી એકેય શબ્દ નીકળ્યો ન હતો.
એક અચ્છા ડૉક્ટર અને બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોય તેમને જોવા આવ્યા ત્યારે સરદારે તેમને પૂછ્યું હતું કે "રહેવાનું છે કે જવાનું છે?"
ડૉ. રોયે જવાબ આપ્યો હતો કે "તમારે જવાનું જ હોત તો હું તમારી પાસે આવત જ શું કામ?"
સરદાર એ પછી સતત બે દિવસ સુધી કબીરની પંક્તિઓ "મન લાગો મેરો યાર ફકીરી મેં" ગણગણતા રહ્યા હતા.
બીજા દિવસે ડૉક્ટરોએ, સરદારને મુંબઈની મોસમમાં માફક આવશે એમ ધારીને તેમને, મુંબઈ લઈ જવાનું નક્કી કર્યું હતું.

અંતિમવિધિમાં રાજેન્દ્ર પ્રસાદ અને નહેરુ પહોંચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં નોંધ્યું છે કે સરદાર પટેલને 12 ડિસેમ્બર, 1950ના રોજ વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ પર ભારતીય હવાઈદળનું ડાકોટા વિમાન તેમને મુંબઈ લઈ જવા તૈયાર હતું.
વિમાનનાં પગથિયાં પાસે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ભૂતપૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા ઊભા હતા.
પટેલે બધાની સામે સ્મિત કરીને વિદાય લીધી હતી. સાડા ચાર કલાકની ઉડાન બાદ પટેલનું વિમાન મુંબઈના જુહૂ ઍરપોર્ટ પર ઊતર્યું હતું, જ્યાં મુંબઈના પહેલા મુખ્ય પ્રધાન બી. જી. ખૈર અને મોરારજી દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાજભવનની મોટરકાર તેમને બિરલા હાઉસ લઈ ગઈ હતી, પણ તેમનું સ્વાસ્થ વધારે કથળતું રહ્યું હતું.
15 ડિસેમ્બર, 1950ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. ચાર કલાક પછી તેઓ થોડા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પાણી માગ્યું હતું. મણિબહેને તેમને મધ મેળવેલું ગંગાજળ ચમચીથી પિવડાવ્યું હતું. સવારે 9.37 વાગ્યે સરદારે અંતિમ શ્વાસ લીધા હતા.
બપોર પછી નહેરુ અને રાજગોપાલાચારી દિલ્હીથી મુંબઈ પહોંચ્યા હતા. નહેરુ ઇચ્છતા ન હતા છતાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પણ ત્યાં પહોંચ્યા હતા.
કે. એમ. મુનશીએ તેમના પુસ્તક 'પિલગ્રિમેજ'માં લખ્યું છેઃ "રાષ્ટ્રપતિએ કોઈ કૅબિનેટ પ્રધાનની અંત્યેષ્ટિમાં ભાગ ન લેવો જોઈએ. તેનાથી ખોટી પરંપરા શરૂ થશે, એવું નહેરુ માનતા હતા"
અંતિમ સંસ્કારના સમયે રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ અને સી. રાજગોપાલાચારી, એ ત્રણેયની આંખોમાં આંસુ હતાં. રાજાજી અને રાજેન્દ્ર પ્રસાદે સરદારની ચિતાની પાસે ઊભા રહીને ભાષણ પણ કર્યાં હતાં.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતુઃ "સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













