ગુજરાત રમખાણ 2002 : 'ગોધરા, અનુ-ગોધરાનું વિલોપન થશે એટલે નાણાવટીપંચ પણ ભુલાઈ જશે'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિષ્ણુ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી માટે
27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસની એસ-6 બોગીને સળગાવી મૂકવામાં આવી હતી.
તેની તપાસ નાણાવટીપંચે કરવાની હતી. તેની સાથે જ ગોધરાકાંડ પછીની ઘટનાઓ પણ આપોઆપ આવી જતી હતી.
નાણાવટીપંચમાં બે ન્યાયમૂર્તિઓ હતા- જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતા.
આ દુર્ઘટનાની દેશ-વિદેશમાં બધે જ ચર્ચા થઈ, આક્ષેપો થયા અને વિરોધ પક્ષોએ તીવ્ર આલોચના કરી.
એમ જણાવવામાં આવ્યું હતું કે 'ગુજરાતમાં હિંદુ કટ્ટરવાદે માઝા મૂકી છે અને ભાજપ સરકાર તેમજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.'
ગોધરા આવેલી ટ્રેનમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા રામસેવકો હતા.
'બોગીને બંધ કરીને આગ લગાવવામાં આવી' અને 57 મુસાફરો આગમાં ભૂંજાઈ ગયા.
આ મૃતદેહોને અમદાવાદ લાવવામાં આવ્યા એ પછી જંગલમાં આગ લાગે તેમ વાત ફેલાઈ ગઈ, હુમલાઓ શરૂ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગ ચાંપવામાં આવી. હત્યાઓ શરૂ થઈ, તે થોભી નહીં.
તેનો તો કોઈ ઇન્કાર કરી શકે નહીં કે મુખ્યત્વે તેમાં હિંદુ-મુસ્લિમ વિરોધની પરાકાષ્ઠા હતી.

કેવી રીતે બી રોપાયાં?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આવાં રમખાણો એક અથવા બીજા નિમિત્તે થતાં રહ્યાં છે.
સ્વતંત્રતા પૂર્વેથી તેની શરૂઆત થઈ, કારણ કે ગુજરાત (મુખ્યત્વે સૌરાષ્ટ્ર)માં મુસ્લિમ નવાબો હતા.
જૂનાગઢ તેમાં જાણીતું એટલે ભારતના ભાગલા ઇચ્છતા કોમવાદી સંગઠનો સ્થપાયાં.
વિભાજન સમયે જૂનાગઢ-માણાવદરના નવાબોએ પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું એટલે હિજરત શરૂ થઈ ગઈ.
ભાગલાની દહેશતે ધોરાજી, કુતિયાણા, બાંટવા, જેતપુર, માંગરોળથી મુસ્લિમોએ પાકિસ્તાન તરફ હિજરત કરી અને સિંધ-પાકિસ્તાનના સિંધીઓ ગુજરાતમાં મોટા પાયે આવ્યા.
આ દેખીતી ઘટના વખતે રમખાણો તો ન થયાં પણ માનસિકતા ધીમેધીમે ફેલાવા લાગી.
અમદાવાદમાં 1969નાં જગન્નાથ મંદિર, ગાય અને કુરાન આ ત્રણ નિમિત્ત બન્યાં હતાં.
જસ્ટિસ કોટવાલ તપાસપંચે તે સમયની હિતેન્દ્ર દેસાઈ સરકારના કાર્ય વિશે તપાસ પણ કરી.
હિંસાચાર મોટા ભાગે કોઈ પણ પ્રકારે થયો હોય તો લોકશાહી માળખામાં તેની તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.

પહેલાં પણ આવા આરોપલાગ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ભૂમિકામાં પડેલાં તથ્યોને નજરમાં રાખીને જ 2002નાં રમખાણો અને તેના તપાસપંચના નિર્ણયોનું મૂલ્યાંકન કરવું જોઈએ.
2002નાં રમખાણોમાં મુખ્ય મંત્રીની કોઈ સીધી કે આડકતરી ભૂમિકા હતી કે નહીં? આ સવાલ 1969નાં કોમી રમખાણોમાં હિતેન્દ્ર દેસાઈ સરકારની ભૂમિકા જેવો જ હતો.
1969માં એક મુસ્લિમ વકીલે તપાસપંચ સમક્ષ કહ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રીએ લઘુમતીને બોધપાઠ મળે તે માટે ઢીલાશ રાખવાનું જણાવ્યું હતું.
2002માં જે ત્રણ પોલીસ અધિકારીઓના આક્ષેપો છે તે સરખાવી શકાય.
સૌથી મહત્ત્વની વાત બીજી જ છે. 1950 પછી ભારતીય રાજકારણમાં નહેરુના જમાનાથી જેને ફાસિસ્ટ, કોમવાદી, મુસ્લિમ અને બીજી લઘુમતીના વિરોધી તરીકે ગણવામાં આવ્યો, ટીકા થઈ તે ભારતીય જનસંઘ (તે પછી જનતા પક્ષ અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી)થી સરકાર ગુજરાતમાં મોટી બહુમતીથી આવી હતી.
અયોધ્યા સમસ્યામાં ભાજપ, એલ. કે. અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદે અવાજ ઉઠાવ્યો, યાત્રા કાઢી હતી.
ગોધરાની ઘટના તો હિંદુ પરનો મોટો આઘાત હતી. તેની ક્રિયા-પ્રતિક્રિયા તરત જ શરૂ થઈ ગઈ.

ભુલાઈ જશે નાણાવટીપંચ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાતમાં 1969નાં રમખાણો, 1956નું મહાગુજરાત આંદોલન, 1974નું નવનિર્માણ, 1983-85નું અનામત તરફેણ અને અનામતવિરોધી આંદોલન થયાં, ત્યારનાં સાર્વજનિક સ્થિતિનાં લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે વર્ગ, વર્ણ, કોમ, જાતિ, સંપ્રદાયનાં ઘર્ષણોનો એક ઇતિહાસ છે.
હિંસાચાર થતાં જ 'અરેરે, ગાંધીના ગુજરાતમાં આવું?' આવો ઉદ્ગાર શરૂ થઈ જાય તે પ્રજાની લાક્ષણિકતાને નજરઅંદાજ કરે છે.
અહીં 2002માં એવું જ થયું, પોલીસે કરેલા ગોળીબારોમાં હિંદુ અને મુસ્લિમ પણ મર્યા હતા.
મુખ્ય મંત્રી મોદીના 'રાજધર્મ'ની દુહાઈ આપવામાં આવી તેમાં માત્ર અને માત્ર મુખ્ય વિરોધ પક્ષ કથિત 'ઉદારવાદી' અને 'સેક્યુલર'નો નિરર્થક આરોપ હતો.
વાજપેયી મોટાભાઈની જેમ ભાજપ પરિવારને દિશા ચીંધતા રહ્યા તેમાં કડવી ટીકા ન હતી.
નાણાવટી તપાસપંચે પ્રમાણિત કર્યું છે કે રાજ્યે, સત્તાપક્ષે, પ્રશાસને હત્યાકાંડોને કાબૂમાં લેવાના હાથવગા તમામ પ્રયાસો કર્યા હતા.
હા, પોલીસોનું સંખ્યાબળ વધે, તેને શસ્ત્રસજ્જ બનાવવામાં આવે, સમાજને યોગ્ય રીતે શિક્ષિત કરવામાં આવે, એ પણ જરૂરી છે.
ગુજરાત સહિત સર્વત્ર રમખાણો-તોફાનો-હિંસાચારમાં આ અપેક્ષા સમગ્રપણે રહી છે અને કાયમ રહી છે.
સુંદરજી તપાસપંચે માત્ર પોલીસતંત્રની સુધારણા પર વિગતે ભાર મૂક્યો તે આજેય પ્રસ્તુત છે.
આ ચુકાદાનો કોઈ રાજકીય પ્રભાવ દેખાતો નથી, દેખાશે પણ નહીં.
ગુજરાતમાં લાંબા સમયથી અને દેશમાં પણ ઠીકઠીક સમયથી જનાદેશ ભાજપ તરફી રહ્યો છે.
જેને અમેરિકામાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી તે ગુજરાતી મુખ્ય મંત્રી દેશના વડા પ્રધાન છે.
ભારતીય લોકતંત્ર, લોકોની પીડા અને મહત્ત્વાકાંક્ષાને પશ્ચિમના દેશો હજુ સમજી શક્યા નથી, એવું રાજકીય ફિલસૂફોનું મંતવ્ય ઉચિત છે.
થોડી વાર માટે લેખો લખાશે, નિવેદનો થશે, ચર્ચા કરવામાં આવશે અને પછી નાણાવટીપંચ ભુલાઈ જશે.
કેન્દ્ર અને અન્યત્ર હવે એવા રાજકીય નિર્ણયો (ટ્રિપલ તલાકબંધી, કાશ્મીરમાં 370ની મોકૂફી, નાગરિકતા વિધેયક) લેવાઈ રહ્યા છે, જેમાં પેલા "ફાસીવાદી, હિંસાખોર, હિટલરી, કોમવાદી" જેવા શબ્દોની વ્યાખ્યાઓ ગંગા-યમુના-સાબરમતીમાં તણાઈ જશે.
'ગોધરા, અનુ-ગોધરા'નું વિલોપન થશે એટલે નાણાવટીપંચ પણ પ્રજાની સ્મૃતિમાં રહેવાનું નથી.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












